‘એક વિશ્ર્વ - એક આરોગ્ય’ સંકલ્પનાની સાર્થકતા

    28-Jun-2021   
કુલ દૃશ્યો |

world health_1  
 
 
વિશ્ર્વકલ્યાણ માટે એક વિશ્ર્વ - એક આરોગ્યની સંકલ્પના સાર્થક કરીએ તો કેવું?
 
 
પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે G-7ને G-10 કે G-11માં વિસ્તૃત કરીને ભારત જેવા લોકતાંત્રિક દેશને તેમાં સમાવવાની હિમાયત કરી હતી. એ થશે ત્યારે થશે, પરંતુ હાલ ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને સાઉથ કોરિયાને G-7 શિખર સંમેલનમાં આમંત્રિત મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું હતું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સંમેલનમાં વર્ચ્યુઅલ સંબોધન કરી, કોરોના સામેની સામૂહિક લડાઈને વધારે તેજ અને મજબૂત બનાવવા, દુનિયાના નાનામાં નાના દેશ સુધી કોરોનાની વેક્સિન પહોંચાડવા તેમજ વેક્સિનનું ઉત્પાદન વધારવા તેના પરની પેટન્ટ હટાવવાનો G-7 ના સભ્ય દેશોને અનુરોધ કર્યો.
 
હજુ દુનિયાની માત્ર છ ટકા વસ્તીને અને ભારતમાં વીસ ટકાથી વધુ, અંદાજિત ૨૫ કરોડ લોકોને વેક્સિન આપી શકાઈ છે. વેક્સિનેશન સરળતાથી અને સસ્તા ભાવે ઉપલબ્ધ બની રહે તે તાતી જરૂરિયાત છે. હાલ અરધું વિશ્ર્વ ભયંકર ગરીબીમાં જીવી રહ્યું છે. વિશ્ર્વના અનેક નાના નાના દેશો નબળા આરોગ્ય, ભૂખમરો, રોગચાળો અને કુપોષણના અજગરભરડામાં છે. અંદાજિત ૧૭૦ જેટલા દેશો હજુ વેક્સિનેશનથી દૂર છે અને ૩૦૦ કરોડથી વધુ માનવીઓ.
 
રસીના ઉત્પાદનમાં ઇચ્છિત અને જબરદસ્ત વધારાના રસ્તામાં સૌથી મોટી મુશ્કેલી ગણીગાંઠી બહુરાષ્ટ્રીય દવા કંપનીઓનો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ છે. આ કંપનીઓએ ચોક્કસ જ ભારે ભરખમ નાણાં અને જોખમો લગાવીને વેક્સિન વિકસિત કરી છે, તે માટે તેમને યોગ્ય વળતર મળવું જ જોઈએ, પરંતુ કેટલીક કંપનીઓ રસીનાં સંશોધનો પાછળ થયેલા ગંજાવર ખર્ચના તર્ક અને દલીલો આપીને તેની પેટન્ટ લઈને નફાખોરી ઇચ્છે તે સર્વથા અયોગ્ય. આ જ બાબતની ચિંતા વડાપ્રધાન શ્રી મોદીએ તેમના સંબોધનમાં વ્યક્ત કરી હતી.
 
બાઈડન વેક્સિન પરના પેટન્ટ અધિકારોને હંગામી ધોરણે હટાવવા સહમત થયા એ માનવતાના હિતમાં મોટો ઘટનાક્રમ છે, પણ જ્યાં સુધી વર્લ્ડ ટ્રેડ ઓર્ગ્ોનાઈઝેશન (WTO)ની સમજૂતી ના થાય ત્યાં સુધી આવી છૂટ અમલી બની શકતી નથી. યુરોપની મૂડીવાદી સરકારો પેટન્ટ પરના અધિકારોથી મુક્તિના સમર્થનને બદલે પોતાની બહુરાષ્ટ્રીય કંપનીઓના પેટન્ટ અધિકારોને ટેકો આપી રહી છે.
 
જો બધી વેક્સિનને કામચલાઉ ધોરણે પેટન્ટના અધિકારોથી છૂટી મૂકી દેવામાં આવે અને પૂરી ક્ષમતાનો ઉપયોગ કરીને યુદ્ધના ધોરણે વેક્સિનનું ઉત્પાદન ઉપાડી લેવામાં આવે તો આ વર્ષના અંત સુધીમાં જ અંદાજિત દુનિયાની ૬૦ ટકા વસ્તીને વેક્સિનેશનથી સુરક્ષિત કરી શકાય. પરંતુ WTO સ્તરની વાટાઘાટોમાં જર્મની સહિતના દેશો બૌદ્ધિક સંપત્તિના અધિકારનું હંગામી સ્થગન સ્વીકારી રહ્યા નથી. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનો ઇરાદો G-7 શિખર સંમેલનમાં એક એવો પ્રસ્તાવ મૂકવાનો હતો કે વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં આખી દુનિયાનું વેક્સિનેશન થઈ જાય. દુનિયાભરના લોકોના વેક્સિનેશન માટે પ૦ અબજ ડૉલરનો અંદાજિત ખર્ચ થાય છે. બાઈડનના મતે જ્યાં સુધી સંપૂર્ણ વિશ્ર્વ વેક્સિનેટેડ નથી ત્યાં સુધી અમેરિકા સહિત કોઈ દેશ સુરક્ષિત ન ગણાય.
 
અમેરિકાએ વેક્સિનના પચાસ કરોડ ડોઝ અને બ્રિટને દસ કરોડ ડોઝ સહિત G-7ના દેશોએ અન્ય દેશોને કુલ એક અબજ ડોઝ દાનમાં આપવાની જાહેરાત કરી છે. ભારતે ૨૫ જેટલા દેશોને લાખો ડોઝ દાનમાં આપીને શુભ શરૂઆત બહુ પહેલાં જ કરી દીધી છે. છતાં વિશ્ર્વની મોટાભાગની વસ્તીને વેક્સિનેશન તે માનવજાત માટે સૌથી મોટો પડકાર છે જ.
 
અન્ય પક્ષે વિશ્ર્વના અનેક દેશોમાં એક/બે/ત્રણ વખતના કોરોના સંક્રમણથી ઉદ્ભવેલ સ્વાસ્થ્ય, સામાજિક તથા આર્થિક પરિસ્થિતિએ સૌને ૧૦-૧૨ મહિના પાછળ ધકેલવા સાથે અણધાર્યા મૃત્યુના, મેડિકલ સિસ્ટમ ઉપરના ભારણના, શ્રમિકો અને અન્ય લોકોની આજીવિકા ઝૂંટવાઈ જવાના, માનસિક યાતનાઓના, ક્યાંક મંદી તો ક્યાંક પરસ્પર નિર્ભરતાના કારણે બધા જ દેશો ઓછા-વત્તા અંશે આ માર સહન કરી રહ્યા છે.
 
અનેક વર્ષોના અનુભવે, મહાત્મા ગાંધીના મતે ૯૮-૯૯% રોગો નિયમિતતા-પ્રાકૃતિક જીવન તથા યોગ, પ્રાણાયામ, નેચરોપથી, આયુર્વેદ, યુનાની, હોમિયોપથી વગેરેની સારવારથી મટી શકે તેમ છે. ઔદ્યોગિકી દેશો, ગળાંકાપ હરીફાઈ તથા મહાસત્તા બનવાની આંધળી દોટે, નવા વિશ્ર્વમાં ઊભા કરેલ અનેક રોગોમાં સ્વાસ્થ્ય જાળવણી અંગે અબજો રૂપિયા ખર્ચાય છે. હિન્દુ, બૌદ્ધ કે અનેક ઇસ્લામિક રાજ્યોમાં પરંપરાગત ઔષધ/ મેડિસિનનો ઉપયોગ તેમને સદયો છે. ખર્ચ પણ ઓછો છે. ભારતે આ બધા ઉપચારોને એકીકૃત કરવામાં પહેલ કરી છે, સાથે યુરોપીય દેશો, અમેરિકામાં પણ તેનું ચલણ ખૂબ વધ્યું છે.
 
આ પરિપ્રેક્ષ્યમાં પરંપરાગત સિસ્ટમની આપ-લે વૈશ્ર્વિક સ્વાસ્થ્યમાં ઘણી મદદરૂપ થઈ શકે. મહામારી જેવા સંજોગોમાં આધુનિક વિજ્ઞાન થકી ઉદ્ભવેલ રસી, પણ એ જ ભાવનાથી યોગ્ય વળતર લઈ વિશ્ર્વ સમુદાયને ઝડપથી પહોંચાડાય તો માનવજાતના અસ્તિત્વનું સમતુલન બની રહે. સંશોધનનાં મીઠાં ફળ વિશ્ર્વકલ્યાણને લક્ષ્યમાં રાખીને મેળવાય તો એક વિશ્ર્વ - એક આરોગ્યની સંકલ્પના સાર્થક બને.