ઇદની ભીડ એક સુખદ પરિવાર મિલન સમારોહ અને કુંભનો મેળો સુપર સ્પ્રેડર દર્શાવતી ટૂલકિટકરોડો હિન્દુઓની આસ્થા પર પ્રહાર છે

    04-Jun-2021   
કુલ દૃશ્યો |

toolkit_1  H x
 
 
# જે પણ કરવાનું હોય તે કેવી રીતે કરવાનું છે, શું નથી કરવાનું તેનું પ્લાનિગ દર્શાવતી કિટ એટલે ટૂલકિટ...
 
# દુખની વાત તો એ છે કે હિન્દુઓના પવિત્ર તહેવારને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે.
 
# કોઈ રાજકીય પક્ષે આવી દૂષિત માનસિકતા સાથે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ ન કરવો જોઈએ.
 
સોશિયલ મીડિયા પર એક ટૂલકિટ ખૂબ શેર થઈ, તેના પર મીડિયાથી લઈ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા પણ થઈ રહી છે. આ ટૂલકિટ કોંગ્રેસના નામે વાઈરલ થઈ છે, જેમાં કોરોનાના આ કપરા કાળમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, કુંભના મેળાને બદનામ કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. આ ટૂલકિટ દર્શાવે છે કે કોંગ્રેસ કઈ રીતે દેશને, કુંભના મેળાને, હિન્દુ ધર્મને અને વડાપ્રધાનને બદનામ કરવા કાવતરાં રચી રહી છે. જોકે આ પહેલી ટૂલકિટ નથી જે લિક થઈ હોય. આવી તો અનેક ટૂલકિટ આવી છે, તો આવો, પહેલાં આ ટૂલકિટનો અર્થ સમજીએ, કઈ રીતે આંદોલનને આગળ વધારવા આ ટૂલકિટનો ઉપયોગ કરવામાં આવે છે અને ભાજપના દાવા પ્રમાણે કોંગેસની આ ટૂલકિટમાં કયા કયા નિર્દેશ આપવામાં આવ્યા છે તે જાણીએ...
 

ટૂલકિટ એટલે શું ? What is Toolkit?

 
ટૂલકિટ ( Toolkit ) , આ શબ્દ હમણાંથી સોશિયલ મીડિયા પર ખૂબ લખાઈ રહ્યો છે. પહેલીવાર સાંભળો તો એવું લાગે કે કોઈ મિકેનિકની પાનાપકડની કિટ હશે. પણ એવું નથી. આ કિટ થોડી નવી છે. આ કિટ પ્લાનિંગ, આયોજનની છે. આજની આ ટૂલકિટ ( Toolkit ) આંદોલન સાથે સંકળાયેલી છે, સોશિયલ મીડિયા સાથે સંકળાયેલી છે. દુનિયાભરમાં હાલ અનેક આંદોલનો ચાલી રહ્યાં છે. સોશિયલ મીડિયાના કારણે આ આંદોલનોને વધારે ધાર મળી રહી છે. હવે આ આંદોલનોને ઓનલાઇન કે ઓફલાઇન ચલાવવા પ્લાનિંગ તો કરાતું જ હોય છે. તે કાગળ પર હોઈ શકે, ડાયરીમાં હોય કે ડિજિટલ ડોક્યુમેન્ટ તરીકે હોઈ શકે. હાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. આંગળીના ટેરવે લોકો સુધી પહોંચી શકાય છે, એટલે પહેલાં આંદોલન ચલાવવા જે પ્લાનિંગ કાગળ પર કે ડાયરીમાં થતું તે હવે ડાયરેક્ટ કોમ્પ્યુટરમાં ડોક્યુમેન્ટ રૂપે થાય છે. આંદોલન કેવી રીતે આગળ વધશે? કયા નારા ક્યારે લગાવવાના છે? કયા મુદ્દાને લઈને આગળ વધવાનું છે? શું લોકો સુધી લઈ જવાનું છે ?... આંદોલનના આવા એક્શન પોઇન્ટ્સ આ ડોક્યુમેન્ટમાં લખેલા હોય છે. આ ડોક્યુમેન્ટને આંદોલન સાથે જોડાયેલા લોકોને આપવામાં આવે છે કે જેથી પ્લાનિંગ પ્રમાણે આંદોલનને આગળ વધારી શકાય. બસ, આયોજનવાળા આ ડોક્યુમેન્ટ કે ડાયરીને જ આજે ટૂલકિટ કહેવાય છે. ટૂંકમાં, જે પણ કરવાનું હોય તે કેવી રીતે કરવાનું છે, શું નથી કરવાનું તેનું પ્લાનિંગ દર્શાવતી કિટ એટલે ટૂલકિટ…( Toolkit ) થોડા મહિના પહેલાં ખેડૂત આંદોલન વખતે ભારત સરકારને બદનામ કરવાના હેતુથી તૈયાર કરેલી ટૂલકિટ સામે આવી હતી. જે પર્યાવરણ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta thunberg) દ્વારા લિક થઈ હતી અને હવે ફરી એક ટૂલકિટ લિક થઈ છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ આ ટૂલકિટનો ખુલાસો કરતાં કહ્યું હતું કે આ મહામારીમાં કોંગ્રેસ પક્ષ રાજકીય લાભ મેળવી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની છબિ ખરડવા માંગે છે.
 

toolkit_1  H x  
 

લિક થયેલી આ ટૂલકિટ ( Toolkit ) માં શું લખેલું છે?

 
આ ટૂલકિટ ( Toolkit ) માં અનેક ચોંકાવનારાં આયોજન છે. ભાજપનું કહેવું છે કે આ કોંગ્રેસની ટૂલકિટ છે. આ ટૂલકિટ જુવો તો તેમાં કોંગ્રેસનું ચિહ્ન પણ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષે પોતાના નેતાઓને જે નિર્દેશ આપવાના હતા તેને એક ડોક્યુમેન્ટનું ( Toolkit ) સ્વરૂપ આપવામાં આવ્યું જે લિક થઈ ગયું છે. આ ટૂલકિટમાં નિર્દેશ આપવામાં આવ્યા છે કે દેશની વર્તમાન સરકાર કોરોનાકાળને પહોંચી વળવામાં અસફળ રહી છે એવું સાબિત કરવાનું છે. અને આ માટે કુંભનો મેળો, ચૂંટણીની રેલીઓ અને સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને જવાબદાર ઠેરવવાનાં છે. એટલે આ બધાંના કારણે દેશમાં કોરોના ફેલાયો છે એવું સાબિત કરવાનું છે. ટૂલકિટમાં કહેવાયું છે કે દેશમાં ચારે ખૂણેથી આ સરકારને ઘેરવાની છે. હરિદ્વારમાં યોજાયેલો કુંભનો મેળો કોરોનાનો સુપર સ્પ્રેડર સાબિત કરવાનો છે અને સાબિત કરવાનું છે કે ભાજપ પોતાના ફાયદા માટે હિન્દુ ધર્મનું રાજનીતિકરણ કરી રહ્યું છે.
 
આ ટૂલકિટ ( Toolkit ) માં નિર્દેશ અપાયા છે કે કોંગ્રેસના નેતાઓ કુંભના મેળાનો વારંવાર સુપર સ્પ્રેડર તરીકે ઉલ્લેખ કરે. આનાથી લોકોને લાગશે કે ભાજપની હિન્દુ સંદર્ભની નીતિઓ જ આ માટે જવાબદાર છે. ટૂલકિટમાં લખાયું છે કે આંતરરાષ્ટીય મીડિયા પહેલાંથી જ આવું કરી રહ્યું છે. આ નેરેટિવને આગળ વધારવા આંતરરાષ્ટીય મીડિયા અને સાથી પત્રકારો સાથે પણ વાતચીત થઈ છે.
 
આ ટૂલકિટ ( Toolkit ) ના મતે ભાજપ કુંભના મેળા સંદર્ભે લાગેલા આરોપના જવાબમાં ઈદના તહેવારને વચ્ચે લાવી શકે છે, પણ આપણે તહેવારની તુલના કરવાની આ જાળમાં ફસાવાનું નથી. ટૂલકિટમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે ઈદના તહેવાર સંદર્ભે આપણે એકદમ ચૂપ રહેવાનું છે.
 
સંબિત પાત્રા જે ટૂલકિટની વાત કરે છે તેમાં લખવામાં આવ્યું છે કે આપણા કાર્યકર્તા અને સમર્થકોને આ સંદર્ભે પ્રોત્સાહિત કરવામાં આવે અને તેઓ સાવધાનીપૂર્વક ફોટા અને સામગ્રી સોશિયલ મીડિયા પર શેર કરી એવું સાબિત કરવાની કોશિશ કરે કે કુંભનો મેળો એક રાજકીય શક્તિ પ્રદર્શન છે અને ઈદની ભીડ એક સુખદ પરિવાર મિલન સમારોહ છે. આ ટૂલકિટ ( Toolkit ) માં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ આ આપદ્કાળમાં પીડિતોની ખૂબ મદદ કરી રહ્યું છે.
 
 
 
આ ટૂલકિટ ( Toolkit ) માં દેશ, સરકાર વિરોધી ઘણુંબધું છે. કોંગ્રેસ પણ આ ટૂલકિટને ફેક બતાવી રહી છે. અમે પણ આ ટૂલકિટ કોંગ્રેસની જ છે એવી પુષ્ટિ કરતા નથી પણ આ સંદર્ભે કોંગ્રેસ પર જે આરોપ લાગ્યા છે તેનું વિશ્ર્લેષણ તો જરૂરી છે. દુઃખની વાત તો એ છે કે હિન્દુઓના પવિત્ર તહેવારને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી છે. અનેક સાવધાની સાથે કુંભના મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, શ્રદ્ધાળુઓ પણ સજાગ બનીને પહોંચ્યા હતા પણ કુંભના મેળાને ઇરાદાપૂર્વક સુપર સ્પ્રેડરનું નામ આપવામાં આવ્યું અને ઈદનો તહેવાર આવ્યો તો એક ચોક્કસ પ્રકારનું મૌન ધારણ કરી લેવામાં આવ્યું અને ઈદની ભીડને એક સુખદ પરિવાર મિલન સમારોહ નામ આપવામાં આવ્યું. દોસ્ત પત્રકાર અને દોસ્ત મીડિયા થકી આવો નૅરેટિવ પણ ઊભો કરવામાં આવ્યો.
 

હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે

 
આ ટૂલકિટ કોના દ્વારા બનાવવામાં આવી છે તેમાં ન પડીએ તો પણ આ ટૂલકિટમાં જે નિર્દેશ આપવામાં આવ્યા છે તે પ્રમાણે થઈ તો રહ્યું જ છે. આ પ્રોપેગેન્ડાના સહભાગી લોકો આંતરરાષ્ટીય મંચ પર આ સંદર્ભના લેખો લખી જ રહ્યા છે. કુંભના મેળાને આ રીતે બદનામ કરીને આ લોકોએ હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડી છે. ખુદ જૂના અખાડાના મહામંડલેશ્ર્વર સ્વામી અવધેશાનંદગિરિજી મહારાજે મીડિયા સમક્ષ આવવું પડ્યું. તેમનું કહેવું છે કે હિન્દુ પરંપરા, સંસ્કૃતિની વિપરીત દિશામાં કેટલાક લોકો નેરેટિવ ઊભો કરી રહ્યા છે જે યોગ્ય નથી. આ કારણે ભારતીય સંતસમાજમાં ભારે રોષ છે. સંત સંગઠનો આહતમાં છે, વ્યથિત છે, ચિંતામાં છે કે આ રીતે ભારતીય પરંપરા, મૂલ્ય, આસ્થા પર ચોટ પહોંચાડવામાં ન આવે. કોઈ રાજકીય પક્ષે આવી દૂષિત માનસિકતા સાથે આધ્યાત્મિક જગતમાં પ્રવેશ ન કરવો જોઈએ.
 
કુંભના મેળાને વડાપ્રધાનની એક અપીલ સાથે સમય કરતાં પહેલાં સંતસમાજે વિસર્જિત કર્યો. આ નાની વાત નથી. સંતસમાજ ઇચ્છત તો આવા નેરેટિવને ફગાવી શકત અને ૧૨ વર્ષે માનવ કલ્યાણ માટે યોજાતા આ મેળાને પૂર્ણતા તરફ લઈ જઈ શકત પણ એવું થયું નહીં, કેમ કે ભારતની સંતસત્તા સંયમી છે, સંવેદનશીલ છે. તેમના માટે લોકકલ્યાણ જ સર્વોપરી છે. કુંભની વિરાટતા, વિશાળતાને કેટલાક કલાકોમાં જ સંતસમાજે વિસર્જિત કરી તે શું દર્શાવે છે ? એ જ કે સંતસમાજ માટે આ દેશ અને માનવકલ્યાણ જ સર્વોપરી છે. હિન્દુ સમાજ આ સમજે પણ છે.
 

વિશ્ર્વમાં ભારતીય સંસ્કૃતિ, સભ્યતાની સ્વીકૃતિ કેટલાક લોકોને ગમતી નથી

 
આ ટૂલકિટ ( Toolkit ) ના મુદ્દાઓ વાંચો તો તમને લાગશે કે ભારતીય સંસ્કૃતિ પર વાર કરવામાં આવ્યો છે અને આંતરરાષ્ટીય મીડિયાએ આ મુદ્દાઓને પ્રકાશિત પણ કર્યા છે. જે મીડિયા પોતાના દેશમાં તેના નીતિનિયમો પ્રમાણે કબ્રસ્તાન કે કોરોના મહામારી સંદર્ભે થયેલા મૃત્યુની તસવીરો પ્રકાશિત કરવાથી દૂર રહેતું હતું એવા મીડિયાએ પણ ભારતને બદનામ કરવા સળગતી ચિતાઓના ફોટા ફ્રન્ટ પેજ પર છાપ્યા. કેમ? કેમ કે ભારતવિરોધી એક નેરેટિવ ઊભો કરવાનો હતો. ભારતની વિશ્ર્વવ્યાપી સ્વીકૃતિ આવા કેટલાક લોકોને ગમતી નથી. વિશ્ર્વમાં ભારતીય યોગ, આયુર્વેદ, આધ્યાત્મિક વિચારનો સ્વીકાર થઈ રહ્યો છે. તુલસી, લીમડો અને ગિલોયના ગુણોને વિદેશી લોકો પણ સ્વીકારતા થયા છે. આવા સમયે આવા પ્રોપેગેન્ડા ઊભા કરી ભારતને ટાર્ગેટ કરી ભારતીય સંવેદના, પ્રતીકો, આસ્થા, પરંપરા, સિદ્ધાંતોને ઠેસ પહોંચાડવાની કોશિશ થઈ છે. હિન્દુસ્થાનના લોકોએ આ ષડયંત્રને સમજવું પડશે...