બાબા રામદેવ અને તબીબો વચ્ચેનો જંગ દુર્ભાગ્યપૂર્ણ છે. વેક્સિનેશન વિરોધી અને એલોપેથિક દવા ખાવાથી લાખો લોકો મર્યા હોવાના બાબાના નિવેદન બાદ ઈન્ડિયન મેડિકલ એસોશિયેશન (IMA)એ તેમની સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી. ફરીયાદ બાદ આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધનની મધ્યસ્થી થતાં બાબાએ શબ્દો પાછા ખેંચી તરત જ IMAને ૨૫ પ્રશ્ર્નો મોકલીને વિવાદનો મધુપુડો શાંત પડતા પહેલાં ફરી છેડી દીધો. વેક્સિન / ઉપચાર લીધેલ ડોક્ટરો પોતાને પણ ના બચાવી શકતા હોય તો એ ડોક્ટરી શું કામની ? એક વીડિયોમાં આ પ્રશ્ર્ન કરી બાબાએ પોતાને ડિવિનિટી (દિવ્યતા) અને ડિગ્નિટીવાળા (પ્રતિષ્ઠા) ડોક્ટર ગણાવ્યા.
કોરોના કાળમાં આયુર્વેદના જાત-ભાતના ઉકાળા વગેરે દ્વારા લાખો લોકોની રોગપ્રતિકારક શક્તિ વધી છે. વેક્સિને લોકોને મોતના મુખમાંથી બહાર કાઢ્યા જ છે. વેદીક પરંપરા મુજબ આયુર્વેદ, નેચરોપથી સારા સ્વાસ્થ્ય માટેના ઉપાયો છે. એલોપથી ઝડપી ઈલાજ માટે ઉત્તમ સારવાર સાબિત થઈ છે. આયુર્વેદ - નેચરોપથી શરીર સૌષ્ઠવ પ્રદાન કરે છે અને એલોપેથી રોગ મટાડવામાં મદદ કરે છે. વિશ્ર્વભરના ડૉક્ટરો મહામારીમાં યુદ્ધના ધોરણે કામ કરી ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે બિરદાવાયા, તે સન્માનના તેઓ અધિકારી છે. માત્ર કોરોના જ નહીં દરેક મહામારીમાં ડોક્ટરો જીવના જોખમે લોકોના જીવ બચાવે છે.
ચિંતક સેબાસ્ટિયન પોલ કહે છે કે, ‘આપણે આપણા શરીરને અંદરથી સ્વચ્છ કરી શકતા નથી. આથી આપણે આપણા અંગોને અને મનને સ્વચ્છ કરવાની પદ્ધતિ અપનાવવી જોઈએ અને એ પદ્ધતિ આયુર્વેદ છે.’ આયુર્વેદની એક જાણીતી કહેવત છે કે, ‘આહાર બરાબર ન હોય તો કોઈ દવા અસર કરતી નથી અને આહાર યોગ્ય હોય તો કોઈ દવાની જરૂર પડતી નથી.’ એલોપેથિક દવા દર્દીને રિબાવા નથી દેતી, ઝડપી સારવાર માટે મોટા ભાગે ઉપયોગી બને છે. બ્રેઈન હેમરેજ થયું હોય, એટેક આવ્યો હોય એવા ભયંકર અને જીવલેણ રોગમાં એલોપથી જ આશિર્વાદ બની રહે. એલોપથીએ માનવીનું સરેરાશ આયુષ્ય વધારી આપ્યુ છે તો સામે ગંભીર રોગો સામે કવચ પણ આપ્યુ જ છે.
વર્ષ ૧૯૯૦માં ભારતમાં સરેરાશ આયુષ્ય માત્ર ૨૨ વર્ષ હતું, જે આઝાદીના સમયે ૩૧ વર્ષ થયું અને આજે ૬૯.૮ વર્ષ છે. શીતળા, પ્લેગ, પોલિયો દુનિયાના નકશામાંથી ગાયબ છે. કારણ કે આ બીમારીઓની રસી, એન્ટી-બાયોટિક્સ, રોગ ઓળખવાના ઉપકરણો ઉપલબ્ધ થયા. મેડિકલ સાયન્સનો આટલો વિકાસ ના થયો હોત તો શું થાત એ કલ્પના થથરાવી મુકશે.
જન્મ અને મૃત્યુ ઇશ્ર્વરને આધીન છે. સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે વ્યક્તિનું શારીરિક, માનસિક કે સામાજિક સંતુલન બની રહે તે માટે જુદી પદ્ધતિઓ દ્વારા તેના શારીરિક દોષોની સારવાર થાય છે. મહામારી સમયે કોઈ શ્રેષ્ઠતા પૂરવાર કરવાનું કે અન્યને મુંઝવણમાં મુકવાની ચેષ્ઠા અયોગ્ય જ ગણાય. એલોપેથિક વિજ્ઞાન લાઈફ સેવિંગ સાયન્સ છે તો આયુર્વેદ મોટા ભાગે પ્રિવેન્ટીવ, વિશેષત: વેલનેસનું વિજ્ઞાન છે. એલોપેથિક દવાની મર્યાદા એ કે એની આડ - અસર પણ હોય છે, પરંતુ સામે દર્દી જલ્દી સાજા કરે છે. જ્યારે આર્યુર્વેદની આડ-અસર નથી પણ સાજા થવામાં બહું વાર લાગે છે અથવા અમુક રોગોમાં સાજુ થતું નથી એ એની મર્યાદા છે. બંનેમાં લેભાગુ, ઉંટીયા ડોક્ટરો અને વૈદ્યોનો ય રાફડો ફાટ્યો છે. જે આ પદ્ધતિઓને બદનામ કરે છે. આ વિવાદ જો લાંબો ચાલશે તો આપણે દુનિયા આખીમાં હાંસીપાત્ર બની જઈશું અને દેશી દવાના નામે ઉંટવૈદ્યુ કરતાં ઉંટિયાઓને ફાવતું જડી જશે.
યોગ, આયુર્વેદથી ઈમ્યુનિટી વધે છે, ફેફસા મજબુત બને છે, ઓક્સિજન લેવલ સારુ રહે છે, પરંતું કોરોના મહામારી સામેની લડાઈમાં હાલ તો વેક્સિનેશન જ એક માત્ર ઉપાય છે. વિશ્ર્વભરમાં સારવારની અન્ય પદ્ધતિઓ હોમિયોપેથી, યુનાની, આયુર્વેદ સૈકાઓથી દર્દીઓની સારવારમાં લાભદાયી છે અને એલોપથી હાલ મહત્તમ ઉપયોગમાં કારગત સાબિત થઈ છે. તેથી જ કોઈ પણ સારવાર અંગે અતાર્કિક નિવેદનો અસ્વીકાર્ય જ બને. માનજાત મહામારીમાં સપડાઈ હોય ત્યારે અવિચારી નિવેદનો વધુ ભય અને અફવા ફેલાવે એ સમજવું રહ્યું. કોરોનાની ત્રીજી લહેરની આશંકા છે, મહામારીનું આ યુદ્ધ લાંબુ ચાલવાનું છે ત્યારે વેક્સિન કે એલોપેથી બદનામ થાય, ડોક્ટરો કે આયુર્વેદાચાર્યો હતાશ થાય તે હિતાવહ નથી.
બાબા રામદેવને દેશ પહેલાં માત્ર યોગ ગુરુ તરીકે ઓળખતો હતો, હવે તેઓ એક જવાબદાર દેશભક્ત ઉધોગપતિ તરીકે ઓળખાય છે. બાબાએ સ્વેદેશીનો નારો ગુંજતો કર્યો. વિવાદના કારણે તેમના વિશે સમાજમાં અપશબ્દો કરતાં પોસ્ટરો, વિડિયો વાઈરલ થયા, ટ્રેન્ડ થયા. બીજી તરફ કેટલાંક લોકોએ એલોપેથી વિરુદ્ધ પણ પ્રચાર શરૂ કરી દીધો. સોશિયલ મીડિયાના જમાનામાં કેટલાક અભ્યાસુ, દૃષ્ટિવંત, તરલ બિરાદરોએ તો IMA ને ક્રિશ્ર્ચિયાનિટી અને કોમના પ્રચારના માધ્યમ તરીકે ય વર્ણવવાનું શરૂ કરી એક નવા વિગ્રહની શરૂઆત કરી, જે હિનકક્ષાનું આયુર્વેદ કે વેક્સિન પોલિટિક્સ જ ગણાય.
આ સમય કોઈ પણ પદ્ધતિથી માનવજાતને ઉગારવાનો છે. જરૂરિયાત રોગ-મુક્તિની જ છે. સંબંધિત વ્યક્તિઓ, સંસ્થાઓ, જવાબદારોએ સંપૂર્ણ નિષ્ઠા અને પ્રામાણિકતા સાથે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક તર્કથી જ માનવ સમાજનું ભલું થઈ શકે છે. આથી કોઈનોયે વિરોધ નહીં, જરૂરિયાત પ્રમાણે દરેકનો સ્વીકાર કરીએ એ જ યોગ્ય નિર્ણય. બધી સારવાર પદ્ધતિઓને એકમેકના વિરોધી સમજવા, સમજાવવાના બદલે સાથે લઈને ચાલીએ તો એક સ્વસ્થ -નિરામય સમાજનું આપણે નિર્માણ કરી શકીશું.