૯૫% હિન્દુ વસ્તીમાં મુસ્લિમ સરપંચ તરીકે ચૂંટાય તે News ન કહેવાય પણ ૯૫%મુસ્લિમ વસ્તીમાં હિન્દુ સરપંચ તરીકે ચૂંટાય તેને News કહેવાય?

    05-Jun-2021   
કુલ દૃશ્યો |

Hindu Muslim politics _1&
 
 
તા. ૧૦ મે, ૨૦૨૧ના રોજ News-18 પર સમાચાર પ્રસારિત થયા કે ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ જિલ્લાના રંજનપુર ( Rajanpur village ) ગામમાં એક મુસ્લિમ ઉમેદવાર ( Muslim candidate ) ગ્રામ પ્રધાન (સરપંચ) તરીકે ચૂંટાયા.News-18 ના સમાચાર મુજબ હિન્દુ બહુલ આ ગામમાં હાફિજ અજીમુદ્દીન ( Hafiz Azeem Uddin ) નામના એક માત્ર મુસ્લિમ રહેતા હતા અને ચુનાવમાં અન્ય હિન્દુ ઉમેદવારો હોવા છતાં હાફિજ અજીમુદ્દીન ચૂંટાઈ ગયા.
 
સમાચારના બીજા એક સોર્સ મુજબ રંજનપુર ગામમાં આશરે ૯૫% હિન્દુઓ છે અને માત્ર ૫% મુસ્લિમો છે. હાફિજ અજીમુદ્દીન આ ગામમાં મૌલવી છે અને પોતે મુસ્લિમ બાળકોને ધાર્મિક શિક્ષણ આપે છે.
 
વધુમાં ઉપરોક્ત પત્રિકાએ લખ્યું છે કે રંજનપુર ( Rajanpur village ) ની ચૂંટણીએ સાબિત કર્યું છે કે બહુસંખ્યક લોકો પણ અલ્પસંખ્યકને પોતાનો પ્રતિનિધિ ચૂંટી શકે છે. વધુમાં તેણે લખ્યું છે કે રંજનપુર ગામના લોકોએ નફરત ફેલાવનાર લોકોને મુંહતોડ જવાબ આપ્યો છે. આ છેલ્લા વાક્યે પત્રકારનું મહોરું પહેરી ફરતા આ હિન્દુદ્વેષીને ખુલ્લો પાડી દીધો છે. આ છેલ્લા વાક્યે તેમણે હિન્દુ ( Hindu ) સમાજને હીન ચીતરવાનો ઘૃણિત પ્રયાસ કર્યો છે.
 
ખરેખર તો હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારોમાં મુસ્લિમો ( Muslim ) ચૂંટાય તે કોઈ નવાઈની વાત નથી. બહુમતી હિન્દુઓ મુસ્લિમને ચૂંટે તે તો હિન્દુ સમાજની પ્રકૃતિ અને સ્વાભાવિકતા છે માટે આને ખરા અર્થમાં News ન કહેવાય. News તો એને કહેવાય જ્યારે ૯૫% મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં માત્ર ૫% વસ્તીવાળો કોઈ હિન્દુ ઉમેદવાર ( Hindu Candidate ) ચૂંટાય.
 

Hindu Muslim politics _1& 
 
 
આઝાદી પછીની થયેલી ચૂંટણીઓમાં મુસ્લિમો માટે પાકિસ્તાન રચાયું હોવા છતાં આ દેશના હિન્દુઓએ સાંસદ, ધારાસભ્ય, નગરપતિ કે સરપંચ તરીકે મુસ્લિમોને ધાર્મિક ભેદભાવ વગર ચૂંટ્યા છે અને ચૂંટતા રહ્યા છે. આની સિલસિલાબંધ વિગતો અમે આ લેખમાં આપી રહ્યા છીએ.
 
(૧) ગુજરાત (Gujarat ) ની ભરૂચ (Bharuch ) લોકસભા બેઠકમાં ૭૫% હિન્દુ મતદારો (Hindu Voter ) હોવા છતાં અહમદ પટેલ ( Ahmed Patel ) ત્રણ વાર આ વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા.
 
(૨) બનાસકાંઠા ( Banaskantha ) હિન્દુ બહુમતીવાળો મતવિસ્તાર હોવા છતાં ત્યાંના મતદારોએ અકબર ચાવડા ( Akbar chavda ) ને બે વાર સાંસદ તરીકે ચૂંટ્યા હતા અને અકબર ચાવડાના અવસાન પછી તેમના પત્ની જોહરાબીબીને આ જ હિન્દુ મતદારોએ બનાસકાંઠાના સાંસદ તરીકે ચૂંટ્યા હતા.
 
(૩) અમદાવાદ (Ahmedabad ) જેવા ૮૦% હિન્દુ બહુલ વિસ્તારમાંથી ૧૯૭૭માં અહેસાન જાફરી ( Ehsan Jafri ) સાંસદ તરીકે ચૂંટાયા હતા.
 
(૪) રાજકોટ લોકસભા હિન્દુ બહુલ વિસ્તાર હોવા છતાં મીનુ મસાણી (Minoo Masani ) જેવા પારસી ઉમેદવારને લોકોએ સાંસદ તરીકે ચૂંટ્યા હતા અને હિન્દુ ઉમેદવાર હાર્યા હતા.
 
(૫) તેવી જ રીતે ગોધરા (Godhara) લોકસભા સીટ પરથી મુંબઈના પારસી પીલુ મોદી (Pilu Modi ) ને લોકોએ હોંશે હોંશે ચૂંટ્યા હતા.
 
(૬) રાજસ્થાનની ઝુંઝુનું બેઠક પરથી ત્યાં ૯૦% હિન્દુ વસ્તી હોવા છતાં અયુબખાન (Ayubkhan ) બે વાર લોકસભા સીટ પરથી ચૂંટાયા હતા.
 
(૭) મધ્યપ્રદેશની બર્દવાન લોકસભા બેઠક પર ૯૧% હિન્દુ મતદારો હોવા છતાં મુમતાઝ સંઘમિત્રા સાંસદ તરીકે ચૂંટાયાં હતાં.
 
(૮) રાયગંજની લોકસભા બેઠક કે જ્યાં ૭૦% હિન્દુ મતદારો હતા ત્યાંથી ડાબેરી મહંમદ સલીમ સાંસદ તરીકે ચૂંટાયા હતા.
આ બધાં પરિણામો સૂચવે છે કે હિન્દુ બહુમતીવાળા વિસ્તારોમાંથી મુસ્લિમ ઉમેદવારો હિન્દુઓના વોટથી આરામથી ચૂંટાઈ શકે છે.
 
હવે આનાથી થોડો આગળ વિચાર કરીએ. જેમ હિન્દુ બહુમતીવાળાં મતક્ષેત્રોમાંથી મુસ્લિમ ઉમેદવારો ચૂંટાઈ શકે છે તેવી રીતે હિન્દુ બહુમતીવાળાં રાજ્યો (States)માં મુસ્લિમ નેતાઓ મુખ્યમંત્રી પણ બની શકે છે, એટલું જ નહીં ત્યાંના હિન્દુ નાગરિકો તેને સહજતાથી સ્વીકારી પણ લે છે. હવે કયા હિન્દુ બહુલ રાજ્યોમાં મુસ્લિમ મુખ્યમંત્રીઓ બન્યા તે જોઈએ.
 
(૧) જ્યાં ૯૦% હિન્દુ વસ્તી છે અને મહારાણા પ્રતાપ જેવા પ્રખર હિન્દુ રાજવીના શૌર્ય સંસ્કારોથી તરબતર છે તેવા રાજસ્થાનમાં ૧૯૭૧માં બરકતુલ્લાખાન મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૨) બિહારમાં માત્ર ૧૫% મુસ્લિમ વસ્તી છે પણ ત્યાં ૧૯૭૩માં અબ્દુલ ગફુર મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૩) છત્રપતિ શિવાજીના મહારાષ્ટમાં અબ્દુલ રહેમાન અંતુલે ૧૯૮૦માં મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૪) હિન્દુ બહુલ આસામમાં સૈયદા અનવરા તૈમુર ૧૯૮૦માં ત્યાંના મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૫) હિન્દુ બહુલ કેરળ કે જ્યાં આદિ શંકરાચાર્યે સનાતન ધર્મનો ડંકો વગાડ્યો હતો તે ભૂમિ પર મહંમદ કોયા ૧૯૭૯માં કેરળના મુખ્યમંત્રી બની શક્યા હતા. કેરળમાં માત્ર ૨૪% મુસ્લિમ વસ્તી છે.
 
(૬) હિન્દુ બહુલ પોંડિચેરી કે જે મહર્ષિ અરવિંદની તપસ્યા ભૂમિ છે ત્યાં મહંમદ ફારૂખ એક નહીં પણ ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા હતા.
 
(૭) ભગવાન શ્રી કૃષ્ણ પર અપાર ભક્તિ ધરાવતા મણીપુર રાજ્યમાં મહંમદ અલિમુદ્દીન બે વાર મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૮) હિન્દુ બહુલ છત્તીસગઢ રાજ્યમાં અજીત જોગી જેવા ખ્રિસ્તીપંથી નેતા મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૯) હિન્દુ બહુલ આંધ્ર પ્રદેશમાં રાજશેખર રેડ્ડી નામના ખ્રિસ્તીપંથી નેતા ત્યાંના મુખ્યમંત્રી બની શક્યા હતા.
 
(૧૦) અને વર્તમાનમાં આંધ્ર પ્રદેશમાં રાજશેખર રેડ્ડીના ખ્રિસ્તીપંથી પુત્ર જગન રેડ્ડી ત્યાંના મુખ્યમંત્રી છે.
 
હવે અમે કેટલાક મહત્ત્વના પ્રશ્ર્નો સૌને પૂછીએ છીએ કે,
 
(૧) ૬૮% મુસ્લિમ વસ્તી ધરાવતા જમ્મુ-કાશ્મીરમાં શેખ અબ્દુલ્લા, ફારુખ અબ્દુલ્લા, ઓમર અબદુલ્લા, મુફ્તી મહંમદ સઈદ, મહેબુબા મુફતી, ગુલામનબી આઝાદ વગેરે મુખ્યમંત્રી બની શક્યા છે પણ કોઈ હિન્દુ નેતા મુખ્યમંત્રી બની શક્યા છે ખરા ? જવાબ છે ‘ના’, તો શા માટે નથી બની શક્યા ?
 
(૨) લક્ષદ્વીપમાં ૮૭% મુસ્લિમ વસ્તી છે. શું આજ દિન સુધી ત્યાં કોઈ હિન્દુ નેતા ત્યાંના શાસક બની શક્યા છે ખરા ?
 
(૩) ૭૫% ખ્રિસ્તી વસ્તી અને ૧૨% હિન્દુ વસ્તી ધરાવતા મેઘાલયમાં આજ દિન સુધી કોઈ હિન્દુ નેતા મુખ્યમંત્રી બની શક્યા છે ખરા ?
 
(૪) ૯૦% ખ્રિસ્તી વસ્તી, ૮% બૌદ્ધ ધર્મી અને ૪% હિન્દુ વસ્તી ધરાવતા મિઝોરમમાં આજ દિન સુધી કોઈ બૌદ્ધ કે હિન્દુ નેતા મુખ્યમંત્રી બની શક્યા છે ખરા ?
 
(૫) હિંદુ બહુલ આ દેશે ચાર મુસ્લિમ રાષ્ટપતિ જેવા કે ડૉ. જાકીર હુસેન, મો. હિદાયતુલ્લા, ફખરૂદ્દીનઅલી અહેમદ અને ડૉ. અબ્દુલ કલામને સન્માનભેર આવકાર્યા છે.
 
પરંતુ દુઃખની વાત એ છે કે ખ્રિસ્તીબહુલ મિઝોરમે તો કેન્દ્ર સરકારને સ્પષ્ટ ચીમકી આપી દીધી હતી કે મિઝોરમ જેવા ખ્રિસ્તીબહુલ રાજ્યમાં જો હિન્દુ ગવર્નર મોકલવામાં આવશે તો તેનો ભારે વિરોધ થશે.
 
આશ્ર્ચર્યની વાત એ છે કે એકબાજુ હિંદુ બહુલ આ દેશ ચાર-ચાર મુસ્લિમ રાષ્ટપતિઓને ઉલ્લાસભેર આવકારે છે જ્યારે બીજી બાજુ મિઝોરમ રાજ્ય હિંદુ ગવર્નરને આવકારવા ઇન્કાર કરે છે. આ દેશના બુદ્ધિજીવીઓનો આ માનસિકતા બાબતે શો ખુલાસો છે, તે તો કહો !
 
ફરીથી અમે આ દેશના પત્રકાર મિત્રોને, સમાજચિંતકોને, રાજનીતિજ્ઞોને, બુદ્ધિજીવીઓને, લિબરલોને, કહેવાતા સેક્યુલરોને કહીએ છીએ કે ૯૫% હિન્દુ વસ્તી ધરાવતા વિસ્તારમાં મુસ્લિમ ઉમેદવાર ચૂંટાય તે News નથી. સાચું તો એ છે કે ૯૫% મુસ્લિમ-ખ્રિસ્તી વસ્તીમાં કોઈ હિન્દુ ઉમેદવાર ચૂંટાય તો તે સાચા અર્થમાં News છે અને સાચા અર્થમાં સર્વપંથ સમાદર છે.
અસ્તુ.
 
***
 
(લેખક શ્રી ‘સાધના’ના ટ્રસ્ટી શ્રી છે.)