ઘટોત્કચ | મહાભારતના યુદ્ધમાં કર્ણને અમોઘ શક્તિના પ્રયોગ માટે વિવશ કરનાર ભીમસેનપુત્ર વીર યોદ્ધો

    08-Jun-2021
કુલ દૃશ્યો |

ghatotkach_1  H
 
 
મહાભારતના આદિપર્વમાં ઘટોત્કચની જન્મકથા છે. વિદુરજી પાંડવોનો લાક્ષાગૃહમાંથી અદ્ભુત બચાવ કરાવે છે. ત્યાંથી તેમના વિશ્ર્વાસપાત્ર સેવક વડે પાંડવોને ગંગાપાર કરાવી હિડિમ્બા વનમાં સુરક્ષિત પહોંચાડે છે. હિડિમ્બાંના ઘોર જંગલમાં ભીમસેન બધાને પહેલાંની જેમ ઊંચકી ઝડપથી આગળ ચાલે છે. વનવાસ દરમિયાન હિડિમ્બા ભીમ પર મોહિત થાય છે. લગ્નનો પ્રસ્તાવ મૂકે છે.
 
ભીમે પોતાના મોટાભાઈને કહ્યું, ‘હે જ્યેષ્ઠ બંધુ ! આ માયાવી રાક્ષસી છે. તે મને પરણવા માગે છે. માતા કુંતા તથા યુધિષ્ઠિરે ભીમને મનાવી તેની સાથે પરણવા કહ્યું. હિડિમ્બાએ લગ્ન માટેની બધી શરતો કહી. તેણે કહ્યું કે મારી કૂએ એક પુત્ર થશે ત્યાર પછી તમારી સાથે નહીં આવું. માતા કુંતા તથા ભાઈઓની આજ્ઞા માની ભીમસેન હિડિમ્બા સાથે લગ્ન કરે છે.
 
સમય થતાં તેના ગર્ભથી એક પુત્ર થયો. વિશાળ મુખ - નાક-કાન, વિકટ નેત્ર, લાલ હોઠ, તીક્ષ્ણ દાઢો, અપાર બળ અને ભીષણ અવાજવાળો માયાના ખજાના વાળો માયાવી આ પુત્ર સૌનું ધ્યાન દોરે છે. રાક્ષસના સર્વેગુણ સાથે તે જન્મની સાથે જ તેની માયા પ્રગટ કરવા લાગ્યો.
 
ભીમસેન અને હિડિમ્બાના આ પુત્રના માથા પર વાળ ન હતા. તે જન્મની સાથે માતા-પિતાને પ્રણામ કરે છે. માતા-પિતાએ તેના ‘ઘટ’ અર્થાત્ માથાને ‘ઉત્કચ’ એટલે કેશહીન જોઈને તેનું નામ ઘટોત્કચ રાખ્યું. હિડિમ્બાએ વચન પ્રમાણે પાંડવોને સાંત્વન તથા બળ પૂરું પાડતાં કહ્યું, ‘હે સ્વજનો ! પાંડુપુત્રો, મારો આ મહાપરાક્રમી બળવાન પુત્ર, તમારી સર્વદા રક્ષા કરશે. જ્યારે પણ યુદ્ધમાં તેની જરૂર પડે તો તે હાજર થશે. ત્યારબાદ હિડિમ્બા વનમાં પરત ફરે છે અને પાંડવો આગળ પ્રસ્થાન કરે છે.’
 
મહાભારતના દ્રોણપર્વમાં પરાક્રમ તથા કર્ણ દ્વારા તેના વધની ધર્મવાર્તાનો ઉલ્લેખ છે. દ્રોણ અને કર્ણ દ્વારા પાંડવસેનાનો સંહાર થવા માંડ્યો છે. કર્ણ યુદ્ધ માટે અર્જુનને લલકારે છે. યુધિષ્ઠિર, પાંડવો તથા અર્જુનના રથના સારથિ શ્રીકૃષ્ણ પણ કર્ણના આક્રમણથી ચિંતામાં પડે છે. કર્ણ પાસે કવચ, કુંડલ તથા વિવિધ અસ્ત્રો, વિવિધ પ્રકારનાં બાણો તથા અર્જુનના વધ માટેનું અંતિમ અસ્ત્ર, વૈજયંતિ નામની અમોઘ અસહ્ય શક્તિ હતી. કર્ણ આ અમોઘ શક્તિથી જરૂર અર્જુનનો વધ કરશે તેવી ભીતિથી યુધિષ્ઠિર શ્રીકૃષ્ણની સલાહ લેવા જાય છે. યુદ્ધની ભયાનકતા જોઈ શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને કહ્યું, ‘હે યુધિષ્ઠિર! દ્રોણ અને કર્ણે તેમનાં બાણોથી ધૃષ્ટદ્યુમ્ન અને સાત્યકિને તથા સંપૂર્ણ પાંચાલ યોદ્ધાઓને ઘાયલ કરી નાખ્યા છે. કર્ણ જે રીતે પાંડવસેનાનો સંહાર કરી અર્જુન તરફ ધસી રહ્યો છે તે જોતાં તે અર્જુનનો વધ કરવા આક્રમણ જરૂર કરશે. વર્ષોથી અર્જુનને મારવા માટે સુરક્ષિત અંતિમ અમોઘ શક્તિ જેનું તે નિત્ય-દરરોજ પૂજન કરે છે. આ શક્તિનો એક જ વાર પ્રયોગ કરી શકાય છે. આ અમોઘ શક્તિનો પ્રયોગ કર્ણ આપણામાંના કોઈ યોદ્ધા પર કરે તો તે શક્તિહીન બની જશે. આપણે અર્જુનને બચાવી શકીશું તથા કર્ણના વધનો માર્ગ મોકળો બનશે. ઇન્દ્રે આપેલી આ અમોઘ શક્તિનો સામનો કરી શકે તેવો ભીમસેન પુત્ર અને હિડિમ્બા વનનો રાક્ષસકુમાર ઘટોત્કચ જ છે. મહાબલી ઘટોત્કચ પાસે દિવ્ય, રાક્ષસી અને આસુરી - એમ ત્રણ પ્રકારનાં અસ્ત્રો છે. તેથી તે અવશ્ય કર્ણ પર યુદ્ધમાં વિજયી થશે.’
 
શ્રીકૃષ્ણની સલાહ પ્રમાણે યુધિષ્ઠિર તથા કૃષ્ણ ઘટોત્કચને બોલાવે છે. સૌને પ્રણામ કરી ઘટોત્કચ બોલ્યો : ‘હું સેવામાં હાજર છું. મારી માતા હિડિમ્બાએ તમારા રક્ષણ માટે જ મને જન્મ આપ્યો છે. આજ્ઞા કરો, કયું કામ કરું ?’ ઘટોત્કચને કૌરવસેના તથા કર્ણ સામે યુદ્ધ કરવાનું કહી અર્જુન તેના રથ પર સવાર થઈ યુદ્ધ કરે છે. ઘટોત્કચ તેનાં અનેક માયાવી સ્વ‚પો ધારણ કરી તથા ત્રણે પ્રકારનાં અસ્ત્રો-શસ્ત્રોથી તેની રાક્ષસી સેના વડે કૌરવસેના પર તૂટી પડે છે. આ જોઈ દુર્યોધનને ફાળ પડે છે. તેને થયું કે આ ઘટોત્કચ યુદ્ધ સમાપ્ત કરશે કે શું ? સમગ્ર કૌરવસેના તથા કૌરવો અને તેમના સેનાપતિઓ અને છેલ્લે કર્ણનો વધ કરી પાંડવોને વીજયી બનાવશે. દુર્યોધને દુ:શાસનને કહ્યું, ‘ભાઈ! આ રાક્ષસી યોદ્ધાને રોકવો પડશે.’ તેથી દુ:શાસન તથા જટાસુરનો પુત્ર અલમ્બુષ ઘટોત્કચની સામે યુદ્ધ કરે છે. ઘટોત્કચ અલમ્બુષનો વધ કરી હાહાકાર મચાવે છે. કર્ણ અને ઘટોત્કચ વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે.
 
નિશીથનો સમય હતો. ઘટોત્કચના પ્રહારોથી કૌરવ યોદ્ધાઓ કણસી રહ્યા હતા. કર્ણ પણ આ જોઈ ભયભીત થયો. તેણે તેની અંતિમ અસ્ત્ર-અમોઘ શક્તિ ‘વૈજયંતિ’ હાથમાં લીધી અને ઘટોત્કચ પર છોડી.
 
આ શક્તિને જોતાં ઘટોત્કચ ભયભીત થયો. વિન્ધ્યાચળના જેવું શરીર ધારણ કરી ત્યાંથી ભાગે છે. આ શક્તિએ રાક્ષસી સેનાનો સંહાર કર્યો અને છેલ્લે ઘટોત્કચની છાતીમાં ઊંડા પ્રહાર દ્વારા છાતી ચીરી નાખીને આ શક્તિ ઉપર નક્ષત્ર મંડળમાં સમાઈ ગઈ. ઘટોત્કચ ભૈરવનો ભેરવનાદ કરતો પોતાના પ્રાણ ત્યજે છે. છતાં તેનું મૃત વિંધ્યાચલ પર્વત જેવું શરીર હતું તેનાથી કૌરવ સેનાના એક મોટા ભાગનો સંહાર થયો. આમ મહાભારતના યુદ્ધમાં હિડિમ્બાપુત્ર, પિતા ભીમસેન તથા અર્જુન અને પાંડવોની રક્ષા કરતો ઘટોત્કચ વીર ગતિને પામ્યો.
 
ઘટોત્કચના મૃત્યુથી પાંડવો શોકમગ્ન થઈ ગયા. બધાની આંખોમાંથી પુત્રની વીરગતિ માટે આંસુઓ સરી પડ્યાં. પરંતુ વસુદેવનંદન શ્રીકૃષ્ણ બહુ ખુશ હતા. તે નાચવા લાગ્યા અને અર્જુનની પીઠ થાબડવા લાગ્યા. ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રસન્નતા જોઈ સૌને આશ્ર્ચર્ય થયું. અર્જુનથી રહેવાયું નહીં. તેણે વાસુદેવનંદનને કહ્યુ, ‘મધુસૂદન ! આજે આપને કસમયે આટલો આનંદ કેમ છે ? જો આ કારણ ગુપ્ત હોય તો પણ અમને જણાવો. અમારી ધીરજ ખૂટી રહી છે.’
 
ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, ‘ધનંજય! મારા માટે ખરેખર આનંદનો અવસર છે. કારણ જાણવું છે ? સાંભળો. તમને ખબર છે કે કર્ણે ઘટોત્કચને માર્યો છે. પરંતુ હું કહું છું કે ઇન્દ્રની આપેલી શક્તિને નિષ્ફળ કરીને એક પ્રકારે ઘટોત્કચે કર્ણને મારી નાખ્યો છે. હવે તમે કર્ણને મરેલો જ સમજો. કારણ કે કર્ણએ વૈજયંતિ જેવી અમોધ શક્તિ ઘટોત્કચના વધ માટે વાપરી નાંખી તેથી અર્જુન બચી ગયો. જો આમ ન થયું હોત તો આ ‘વૈજયંતિ’ વડે અર્જુનનો સંહાર થાત. સંસારમાં કર્ણનો સામનો કરવા ઇન્દ્ર, કુબેર, વરુણ, અરે ! ખુદ યમરાજ પણ સમર્થ નથી. કર્ણની શક્તિઓ સામે હું અને તમે, સુદર્શન ચક્ર અને ગાંડીવ લઈને પણ તેને જીતવા અસમર્થ હતા પરંતુ ઘટોત્કચ પર કર્ણે તેની અમોધ શક્તિ વાપરી તેથી તે સામાન્ય મનુષ્ય યોદ્ધા જેવો થયો છે. હવે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થશે અને કૌરવોનો નાશ નિશ્ર્ચિત છે તેમ જણાવી મધુસૂદને કૌરવોને ઘટોત્કચના વિષાદમાંથી બહાર કાઢ્યા. મહાભારતના અમૂલ્ય ગ્રંથમાં મહર્ષિ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસજીએ ઘટોત્કચના પાત્રને અદ્ભુત રીતે વર્ણવ્યું છે.’