આજથી શરૂ થતા ટોકિયો ઓલિમ્પિકમાં ગુજરાતની ૬ નારીશક્તિ । તેમની મહેનતને જાણો અને સફળતાને જાણશો તો ગર્વ કરશો

કુલ દૃશ્યો |

Tokyo 2020 Games_1 &
 
 
 
નિહોન એ યો કોસો... એટલે કે વેલકમ ટુ જાપાન ( Japan ) ૧.૪ કરોડની વસતી ધરાવતું વિશ્ર્વનું સૌથી મોટું શહેર છે. જે કોરોનાની વૈશ્ર્વિક મહામારીના કારણે અનેક અનિશ્ર્ચિતાઓ વચ્ચે ઓલિમ્પિક ૨૦૨૦ ( japan olympics) માં યોજવાનો હતો એ ઓલિમ્પિક રમતોત્સવ ૨૩ જુલાઈ, ૨૦૨૧થી ૮મી ઓગસ્ટ, ૨૦૨૧ સુધી યોજાઈ રહ્યો છે. ત્યારે ટોકિયો શહેરની ૧.૪ કરોડ પ્રજા વિશ્ર્વના ખેલાડીઓ અને અધિકારીઓને વેલકમ કહેતા નિહોન એ યો કોસો સસ્મિત વદને કહી રહી છે ! ગુજરાત અને દેશ માટે ગૌરવની વાત એ છે કે આ વખતે ઓલિમ્પિક અને પેરા-ઓલિમ્પિક (Paralympics) માં પ્રથમ વખત એક સાથે ગુજરાતની ૬ નારીશક્તિઓ ભાગ લેવા જઈ રહી છે. આ મુખપૃષ્ઠ વાર્તામાં ઓલિમ્પિકનો ઇતિહાસ (Olympics History) , વર્તમાન અને ૬ ગુજરાતની ગૌરવવંતી સન્નારીઓની કથા પ્રસ્તુત છે. (6 female athletes from Gujarat to represent India in Tokyo 2020 Games )
 
ઓલિમ્પિક (Olympics ) રમતોત્સવ એ વિશ્ર્વનો સૌથી મોટો અને અર્વાચીન રમતોત્સવ છે. અર્વાચીન ઓલિમ્પિક રમતોત્સવના પ્રણેતા ફ્રાન્સના બેરોન પિપરી ડી કુબતિને ૨૩મી જૂન ૧૮૯૪ના રોજ ઓલિમ્પિક રમતોત્સવ યોજવાનું જાહેર કર્યું, જેમાં વિશ્ર્વના તમામ દેશો રમત રમશે અને વિશ્ર્વબંધુત્વની ભાવના ફેલાશે. બસ આ પછી ૧૮૯૬માં ઓલિમ્પિકના જન્મસ્થાન એથેન્સથી પ્રથમ રમતોત્સવ શરૂ થયો, જે દર ચાર વર્ષે વિશ્ર્વનાં વિવિધ શહેરોમાં યોજાતો રહ્યો. ઓલિમ્પિક રમતોત્સવના ઇતિહાસમાં સૌ પ્રથમ એશિયા ખંડમાં રમતોત્સવનું આયોજન કરવાનું ગૌરવ મેળવનાર ટોકિયો ખાતે ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન આમ તો ત્રીજી વખત થઈ રહ્યું છે. ટોકિયો ખાતે સૌ પ્રથમ ૧૯૪૦માં બારમો ઓલિમ્પિક રમતોત્સવ દ્વિતીય વિશ્ર્વયુદ્ધના કારણે રમી શકાયો ન હતો. આ પછી ૧૯૬૪માં અઢારમા ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન થયું હતું. ૫૬ કરોડ ડોલરના ખર્ચવાળા આ અઢારમા ઓલિમ્પિક રમતોત્સવને જાપાનના રાજા હિરોહિટોએ ખૂબ જ ઠાઠ-માઠથી શાહી ઉદ્ઘાટન કર્યું હતું. જાપાનની રમત જૂડોને પ્રથમવાર ઓલિમ્પિકમાં સ્થાન આપવામાં આવ્યું હતું. મહિલા અને પુરુષ બન્ને માટે વોલીબોલની સ્પર્ધા પણ શરૂ કરાઈ હતી. ફોટો-ફિનિશ ટાઇમિંગને અપનાવવામાં આવ્યું હતું. અઢારમા રમતોત્સવમાં સૌથી વધુ મેડલ્સ રશિયાની જિમ્નાસ્ટ - ડોલ લારિસ્સા લાત્યાનીનાએ કુલ છ મેડલ્સ મેળવ્યા હતા. હોકીમાં ભારતે ચરણજીત સિંહની આગેવાની હેઠળ ફાઈનલમાં પાકિસ્તાનને ૧-૦થી પરાજય આપીને સુવર્ણચંદ્રક મેળવવા સાથે ગોલ્ડન ગ્લોરી પુનઃ મેળવી હતી. યજમાન જાપાને ૧૬ સુવર્ણચંદ્રક, ૫ રજત ચંદ્રક અને ૮ કાસ્ય ચંદ્રક સાથે કુલ ૨૯ ચંદ્રકો મેળવીને મેડલ ટેલીમાં તૃતીય ગૌરવવંતુ સ્થાન મેળવ્યું હતું. ભારતે હોકીના એક સુવર્ણચંદ્રક સાથે છવ્વીસમું સ્થાન મેળવ્યું હતું.
 
ઇલેક્ટ્રોનિક આઇટમનાં જંગલ જેવું અકિહાબારા સેન્સોજી ટેમ્પલ ચેરી બ્લોસમુ શિબુયા ક્રોસિંગ, મેઇજી શ્રાઈનું હારા જુકુ જેવાં વિખ્યાત સ્થળો અને વિશ્ર્વનો સૌથી મોટો મેટ્રોપોલિટનો વિસ્તાર ધરાવતું ટોકિયો પુનઃ ૫૭ વર્ષ પછી ૨૦૨૧માં ઓલિમ્પિક રમતોત્સવ માટે તૈયાર થઈ ગયું છે. એશિયાખંડનું પ્રથમ શહેર છે કે જ્યાં બીજી વખત ઓલિમ્પિક રમતોત્સવ યોજાઈ રહ્યો છે.
 
મુંબઈથી ૬૭૨૪ કિ.મી.ના અંતરે આવેલ ટોકિયો શહેરમાં ૨૬ બિલિયન અમેરિકન ડોલરના ખર્ચે એટલે કે લગભગ ૨૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૨મો ઓલિમ્પિક રમતોત્સવ રમાશે.
 
સ્કાય ટ્રી, ઇમ્પિરીયલ પેલેસ, નેશનલ મ્યુઝિયમ અને ઓરિગામી આર્ટ કલ્ચર ધરાવતું ટોકિયો શહેરમાં વિશ્ર્વના ૨૦૬ જેટલા દેશોના લગભગ ૧૧,૧૦૦ જેટલા ખેલાડીઓ અને અધિકારીઓ ઓલિમ્પિક ગેઇમ્સ માટે પધારવાના છે. આ ૩૨મા ઓલિમ્પિકમાં કુલ ૩૩ પ્રકારની વિવિધ રમતોની ૩૩૯ સ્પર્ધાઓ યોજાશે, જેમાં નવી પાંચ રમતોની પંદર સ્પર્ધાઓ પણ હશે. ૮૪,૭૧૪ સ્કવેર માઇલમાં ફેલાયેલ અને ૨૩ સ્પેશ્યિલ વોર્ડ વહેંચાયેલા ટોકિયો શહેરનાં ૪૧ જેટલાં સ્થળોએ આ રમતોત્સવની વિવિધ રમતો રમાશે. ૮૦,૦૦૦ની બેઠક ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ જાપાન નેશનલ સ્ટેડિયમ માં ઓલિમ્પિક રમતોત્સવનું ઉદ્ઘાટન થનાર છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીના કારણે ખૂબ જ મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનો વચ્ચે આ રમતોત્સવનું ઉદ્ઘાટન થનાર છે. ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૦માં ભારત ૧૨૦ ખેલાડીઓને ૧૮ રમતોમાં ભાગ લેવા મોકલી રહ્યું છે. ભારતના ખેલાડીઓ આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બોક્સિગં, એક્વેસ્ટ્રેઇન, ફેન્સિંગ, ફિલ્ડ હોકી, ગોલ્ફ, જીમ્નાસ્ટિક્સ, જુડો, રોઇંગ, સેઇલિંગ, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ-ટેનિસ, ટેનિસ, વેઇટલિફ્ટિંગ અને રેસલીંગની રમતમાં ભાગ લેનાર છે. આર્ચરીમાં હમણાં જ વર્લ્ડકપ સ્ટેજ-૩માં પેરિસ ખાતે સુવર્ણમય દેખાવ કરનાર દીપિકાકુમારી અને અતાનુદાસ,એથ્લેટિક્સમાં દૂતીચાંદ, જ્વેલિયન થ્રોમાં નીરજ ચોપ્રા, બેડમિન્ટનમાં પી. વી. સિંધુ, બોક્સિગંમાં અમિત પાંઘલ, વિકાસ યાદવ, છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમ, શૂટિંગમાં સૌરભ ચૌધરી, સંજીવ રાજપૂત, મનુ ભાકર, એલાવેનિસ વાલારિવાન, રાહી સરનોલત. અંજુમ મુગીલ, ટેબલ-ટેનિસમાં શરથ કમલ, અચંતા મણિકા બાત્રા, ટેનિસમાં સાનિયા મિર્ઝા અંકિ રૈના, રેસલિંગમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગટ વગેરે ખેલાડીઓ પાસેથી મેડલ તેમજ શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જ્યારે પેરાલિમ્પિક્સમાં ભારતના ૫૯ ખેલાડીઓ ૮ રમતોમાં ભાગ લઈ રહ્યા છે. આ આઠ રમતોમાં આર્ચરી, એથ્લેટિક્સ, બેડમિન્ટન પેરાકેનોઇંગ શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ અને ટેઇકવોન્ડો છે. કુલ ૫૯ ખેલાડીઓમાં ૪૩ પુરુષ અને ૧૬ ખેલાડીઓ મહિલાઓ છે. સૌથી વધુ ખેલાડી એથ્લેટિક્સમાં ૩૨ અને શૂટિંગમાં ૧૦ ખેલાડીઓ છે. આ પછી બેડમિન્ટનમાં ૮ ખેલાડીઓ છે.
 
ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦માં ભારતીય ટીમના ધ્વજ વાહક ઉદ્ઘાટન સમારોહમાં સૌ પ્રથમવાર મહિલા બોક્સર મેરીકોમ અને હોકી ટીમના કપ્તાન મનપ્રીત સિંઘ રહેશે. જ્યારે ક્લોઝિંગ સેરમનીના ધ્વજ વાહક રેસલર બજરંગ પુનિયા રહેશે. ભારતના ઓલિમ્પિક ઇતિહાસમાં સૌ પ્રથમ વખત મહિલા ખેલાડી મેરીકોમ ધ્વજ વાહક બનવાનું ગૌરવ મેળવશે. જ્યારે પેરાલિમ્પિક્સમાં ભારતીય ટીમના ધ્વજ વાહક ૨૦૧૬ની રિયો ઓલિમ્પિકમાં હાઈજમ્પમાં ગોલ્ડ મેડલ અને રાજીવ ગાંધી ખેલ રત્ન તેમજ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર તમિલનાડુના મરિયપ્પન થંગાવેલુ રહેશે. પેરાલિમ્પિક્સ ૨૫ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધી ટોકિયોમાં જ યોજાશે. ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ગુજરાતી એક-બે નહીં પણ છ-છ મહિલા ખેલાડીઓ ટોકિયો ખાતે યોજાનાર ૩૨મા ઓલિમ્પિક ગેઈમ્સ-૨૦૨૦ માટે ક્વોલિફાય થઈ છે. ગુજરાત એ હરણફાળ વિકાસ પામતું દેશનું એક શ્રેષ્ઠ રોલ મોડલ સ્ટેટ છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રે દેશના વિકાસમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. ગાંધી, સરદારથી લઈને અંબાણી, અદાણી અને મોદી સુધીના મહાનુભાવોએ દેશને સ્વતંત્ર કરવા, એક કડીરૂપ જાળવી રાખવા, આર્થિક વિકાસ અને રાષ્ટીય પ્રતિભા વિકસાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. રમત-ગમત ક્ષેત્રે પણ ગુજરાતના ખેલાડીઓનું યોગદાન ખૂબ મહત્વનું રહ્યું છે. જેમ કે જામ રણજીત, ગાયકવાડ, જશુ પટેલ, પાર્થિવ પટેલ, ચેતેશ્ર્વર પૂજારા, રવિન્દ્ર જાડેજા, લજ્જા ગોસ્વામી, સરિતા ગાયકવાડ, હરમીત દેસાઈ, ચાંઋષી પૂજા, તેજસ બાકરે, ગીત સેઠી, રૂપેશ શાહ, ધ્વજ હરિયા, રાહુલરાણા, પથિક મહેતા, આર્યન મહેરા, વંદના ધારિયાલ, સુફિયાન શેખ, સાઈની ગેમ્સ, અનુષ્કા પરીખ, વગેરે અનેક ખેલાડીઓએ રાષ્ટીય, આંતરરાષ્ટીય કક્ષાએ ગુજરાતનું નામ વિવિધ રમતોમાં રોશન કરેલ છે.
પણ ઓલિમ્પિક રમતોત્સવમાં સૌ પ્રથમ વખત ગુજરાતની છ-છ મહિલાઓએ ક્વોલિફાય કરીને એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. આ ગુજરાતના નારીશક્તિનું ભવ્ય પ્રદર્શન છે. તેમાં પણ સ્વિમિંગ ક્ષેત્રે એક માત્ર ગુજરાતની જલપરી માના પટેલ ટેનિસ ક્ષેત્રે માત્ર ડબલ્સની ઇવેન્ટ જ રમનાર ભારતની બે મહિલાઓમાં એક મહિલા અંકિતા રૈના, પેરાલિમ્પિક ઓલિમ્પિકમાં પણ ટેબલ-ટેનિસ રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ ગુજરાતની બે મહિલા ખેલાડીઓ ભાવના પટેલ અને સોનલ પટેલ કરશે. આ સિદ્ધિ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. આખા દેશ તરફથી રમાતી રમતમાં માત્ર ગુજરાતની મહિલાએ જ ઓલિમ્પિક રમશે તે એક બહુ મોટા ગૌરવની વાત છે. બહુ અભિનંદનને પાત્ર છે. ગુજરાતના રમત-ગમતના ઇતિહાસમાં અને ભારતના ઓલિમ્પિકના ઇતિહાસમાં આ એક વધુ ઐતિહાસિક પ્રકરણ લખાશે. આપણે સૌ આપણા આ છ એ છ મહિલા ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવીએ.
 
 
માના પટેલ (સ્વિમિંગ) | Maana Patel – Swimming । તરણકુંડની સુવર્ણ જલપરી
 
 

mana patel_1  H 
 
 
માતા - પિતા : આનલ પટેલ - રાજીવ પટેલ
અભ્યાસ : બી. કોમ (ઓનર્સ)
સ્પોર્ટ્સ : સ્વિમિંગ
ઇવેન્ટ : બેક સ્ટ્રોક, ફ્રી સ્ટાઇલ
કોચ : કમલેશ નાણાવટી, નિહાર અમીન
પ્રેરણાત્મક : માઈકલ ફ્લેપ્સ
આદર્શ ખેલાડી : આન્દ્રે અગાસી ટેનિસ
એવોર્ડ : જયદીપ સિંહ એવોર્ડ, જુનિયર સરદાર પટેલ એવોર્ડ, સિનિયર સરદાર પટેલ એવોર્ડ, જુનિયર એકલવ્ય એવોડ
 
 
ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦ માટે પસંદ થયેલ માના પટેલ (Maana Patel – Swimming ) એ તરણકુંડની સુવર્ણ જલપરી છે. ટોકિયો ઓલિમ્પિકની સ્વિમિંગ સ્પોર્ટ્સમાં મહિલા તૈરાક તરીકે એક માત્ર પસંદ થનાર અને ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર એકવીસ વર્ષની ગુજ્જુ મહિલા તૈરાક માના પટેલે ગુજરાતના રમત-ગમતના ઇતિહાસમાં એક નવું ઐતિહાસિક પ્રકરણ આલેખ્યું છે.
 
ટોકિયો ઓલિમ્પિક (Tokyo Olympics) માં ભારત તરફથી કુલ ત્રણ ખેલાડીઓ ક્વોલિફાય થયા છે, જેમાં બે પુરુષ ખેલાડી સજન પ્રકાશ અને શ્રી હરિનટરાજ છે, જ્યારે એક માત્ર મહિલા ખેલાડી ગુજરાતની માના પટેલ છે. ઓલિમ્પિકના ૧૨૪ વર્ષના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત સ્વિમિંગ સ્પોર્ટ્સમાં ગુજરાતની મહિલા સ્વિમર પસંદ થઈ છે. એ કોઈ નાનીસૂની સિદ્ધિ નથી. જૂનિયર-સિનિયર સરદાર પટેલ અને જૂનિયર એકલવ્ય એવોર્ડ મેળવનાર માના પટેલ ટોકિયો ઓલિમ્પિકમાં ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં ભાગ લેનાર છે. સ્વિમિંગના વિવિધ સ્ટ્રોકમાં માના બેક સ્ટ્રોક અને ફ્રી સ્ટાઇલની ક્વિન છે. આ બન્ને સ્ટાઇલમાં માનાએ રાષ્ટીય આંતરરાષ્ટીય કક્ષાએ ૭૧થી વધુ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. કોરોનાની વૈશ્ર્વિક મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી સ્વિમિંગ પુલ બંધ રહેતા ઓલિમ્પિકની તૈયારી કરવામાં તેને ખૂબ જ મુશ્કેલી પડી હતી. આ સાથે કેટલીક ઇજાઓ-દુઃખાવાઓએ પણ તેને થોડો સમય ડિપ્રેશનમાં ધકેલી દીધી હતી. પરંતુ આ બધામાંથી બહાર આવવા માટે વિશ્ર્વના ઐતિહાસિક સ્વિમર માઇક ફેલ્પ્સએ મનોબળ મજબૂત કરવા અને જાતમાં વિશ્ર્વાસ રાખવાની અમૂલ્ય સલાહ આપી હતી જે ખૂબ જ કામ લાગી અને ૨૦૧૬માં રિયો ઓલિમ્પિકમાં રમવાની ખ્વાહિશ ચાર વર્ષ પછી ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિકમાં પસંદ થવાથી પૂર્ણ થઈ.
 
બાયોગ્રાફી વાંચવાની શોખીન માના કહે છે કે જે સો ટકા સમજ સાથેનું સમર્પણ હોય અને જાત પર પૂરેપૂરો વિશ્ર્વાસ હોય તો ગમે તેવા મુશ્કેલ લાગતા ગોલ પણ એચિવ થઈ શકે છે. રાષ્ટીય કક્ષાએ સ્વિમિંગમાં અનેક નવા રેકોર્ડ્સ નોંધાવનાર માના પટેલ ૨૦૧૫માં બેંગકોક ખાતે યોજાયેલ આઠમી એશિયન એઇજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં ૫૦ મીટર બેક સ્ટ્રોકની સ્પર્ધામાં ૨૯.૩ સેકન્ડથી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. માત્ર ગોલ્ડ મેડલ જ નહીં, પરંતુ આવી સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય મહિલા સ્વિમર બની હતી.
 
બી.કોમ ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન કરનાર માના પટેલે સ્કૂલિંગ ઉદ્ગમ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું. ભારતના સર્વશ્રેષ્ઠ કોચ શ્રી કમલેશભાઈ નાણાવટી અને બેંગ્લુરુના કોચ નિહાર અમીન પાસે કોચિંગ લેનાર માના પટેલ ૨૦૧૨થી ૨૦૧૫ સુધી જૂનિયર-સબ જૂનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં ચાર વખત અને ૨૦૧૩-૨૦૧૬ સુધી સિનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં પણ ચાર વખત ઓવરઓલ બેસ્ટ સ્વિમર બની ગ્રુપ ચેમ્પિયન રહી હતી. મીઠાઈમાં સંદેશ, રસગુલ્લાં અને ફળમાં લીચી ખાવાની શોખીન માનાએ ૨૦૧૯માં નેપાળમાં કાઠમંડુ ખાતે ચાર ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ૧૦૦ મીટર, ૨૦૦ મીટર બેક સ્ટ્રોક, ૪x૧૦૦ મીટર મિડલરીલે અને ફ્રી સ્ટાઇલમાં સુવર્ણમય દેખાવ કર્યો હતો. ૨૦૨૧માં ઉઝબેકિસ્તાનમાં યોજાયેલ ચેમ્પિયનશિપમાં ૫૦ અને ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં બે ગોલ્ડ મેડલ તેમજ બેલગ્રેડ ટ્રોફીમાં ૧૦૦ મીટર બેક સ્ટ્રોકમાં ગોલ્ડ મેડલ મેળવતા ઓલિમ્પિક માટે જરૂરી સૌથી વધુ ૭૩૫ પોઇન્ટ મેળવ્યા હતા. ટોકિયો ઓલિમ્પિકમાં સ્વિમિંગ પુલમાં છલાંગ લગાવવા થનગનતી માનાએ આઠ વર્ષની ઉંમરે સ્વિમિંગ શરૂ કર્યું હતું. માનાનો સ્ટડી, સ્વિમિંગ, ડાયટ, જિમ વગેરેનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ કરનાર માનાની મમ્મી, મિત્ર અને માર્ગદર્શક એવાં આનલબેને કહ્યું કે, માના નાની હતી ત્યારે તેને ખોરાક પ્રત્યે અરુચિ હતી. તેને ભૂખ જગાડવા એક સ્પોર્ટ્સ તરીકે સ્વિમિંગ પુલમાં તરવાની કસરત મળે એ હેતુથી મૂકી હતી ! ભૂખ જગાડવા મૂકેલી માનાને સ્વિમિંગ એટલું બધું ગમી ગયું કે તેને ખોરાક કરતાં મેડલ્સની વધુ ભૂખ જાગી ઊઠી ! આજે તો એ મમ્મીના હાથની પાઉં ભાજી, મગની દાળ, કેરીનો રસ અને રોટલી ખૂબ પ્રેમથી જમે છે ! પણ જમવાના ડાઇનિંગ ટેબલ પરની મધમધતી રસોઈ ખાવા સાથે ડ્રોઇંગરૂમને શોકેઇસ પણ રાષ્ટીય આંતરરાષ્ટીય મેડલ્સ, ટ્રોફી અને વિવિધ મોમેન્ટોથી તે શણગારી રહી છે. ખૂબ જ ડાઉન ટુ અર્થ, નિરભિમાની, સરળ અને સાલસ સ્વભાવ ધરાવતી માના શ્રીમતી આનલબેન અને શ્રીમાન રાજીવભાઈ પટેલના દામ્પત્ય બાગનું ખુશ્બૂદાર ગુલાબ છે. ગુજરાતનું ગૌરવ છે. આપણે શુભેચ્છા પાઠવીએ કે તે શ્રેષ્ઠ પ્રદર્શન સાથે દેશનું નામ રોશન કરે.
 
 
અંકિતા રૈના (ટેનિસ) | Ankita Raina Tennis । ટેનિસ રમતની ગૌરવશાળી ખેલાડી
 

ankita raina_1   
 
 
 
 
માતા - પિતા : લલિતા - રવિન્દ્ર ક્રિષ્ન
પ્રોફેશનલ : ૨૦૦૯થી
કેરિયર ટાઈટલ : ૧૧- આઈ.ટી.એફ (સિંગલ્સ)
૧૮ - આઈ.ટી.એફ. (ડબલ્સ)
૨ GJTA (ડબલ્સ)
મેડલ્સ : સાઉથ એશિયન ગેઇમ્સ
ગોલ્ડ : ગુવાહાટી શિલોંગ - વુમન સિંગલ્સ - ૨૦૧૬
ગોલ્ડ : ગુવાહાટી શિલોંગ - મિક્ષ્ડ ડબલ્સ - ૨૦૧૬
 
 
ટેનિસ જગતની સર્વશ્રેષ્ઠ ગ્રાન્ડ સ્લેમ ટૂર્નામેન્ટની ચારે-ચાર પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની સિંગલ્સ ને ડબલ્સ રમનાર ગુજ્જુ મહિલા ખેલાડી અંકિતા રૈના ટેનિસ રમતની ગૌરવશાળી ખેલાડી છે. ટોકિયો ઓલિમ્પિક-૨૦૨૦ (Tokyo Olympics) માં ટેનિસ રમતમાં ભારત માત્ર મહિલા ડબલ્સ ઇવેન્ટ માટે ક્વોલિફાય થયું છે, જેમાં ભારતની સર્વશ્રેષ્ઠ ખેલાડી અને રાજીવ ગાંધી ખેલરત્ન તેમજ પદ્મભૂષણ એવોર્ડ મેળવનાર સાનિયા મિર્ઝા અને આપણી અંકિ Ankita Raina મહિલા ડબલ્સ રમનાર છે.
દાદા-દાદી જેને વ્હાલથી કીટુરામ કહીને બોલાવે છે તે અંકિતા ( Ankita Raina ) ટેનિસ રમતની ખૂબ સારી ખેલાડી છે તેનું રહસ્ય એ છે કે તે એક ખૂબ સારી નૃત્યાંગના પણ છે. હા, તે ભારત નાટ્યમ્ નૃત્યની કલાકાર છે ! નૃત્યમાં અને ટેનિસકોર્ટમાં બન્ને જગ્યાએ તેમાં પગની લયબદ્ધતાના કારણે જ તે બન્ને ક્ષેત્રે સફળ રહી છે ! અને તે ટેનિસ કોર્ટ પર રમતી હોય ત્યારે જાણે નૃત્ય કરતી હોય તેવું આહ્લાદક લાગે છે. નૃત્યકલા એ પગની સરગમ છે તો અંકિતાની આંગળીઓ પણ પીંછી પકડીને નૃત્ય કરે છે અને સુંદર મજાનું પેઇન્ટિંગ કરી જાણે છે. હાથ અને પગના નૃત્ય વડે તે પેઇન્ટિંગ, નૃત્ય અને ટેનિસ કલાની માહિર કલાકાર છે.
 
ગુવાહાટી ખાતે ૨૦૧૬માં રમાયેલ સાઉથ એશિયન ગેઇમ્સમાં વુમન્સ સિંગલ્સ અને મિક્ષ્ડ ડબલ્સમાં બે ગોલ્ડ મેડલ મેળવનાર અંકિતાના આઈડોલ રોજર ફેડરર, રાફેલ નડાલ, સેરેના વિલિયમ્સ અને સાનિયા મિર્ઝા છે. તે પૂણેમાં આવેલ પી.વાય.સી. હિન્દુ જીમખાનામાં હેમન્ત બેન્દ્રે સર પાસે તાલીમ લે છે.
 
ફાફડા ખાવાની શોખીન અંકિતાએ માત્ર ચાર વર્ષની બાર્બીડોલ વયે ટેનિસનું રેકેટ માત્ર રમૂજ ખાતર પકડ્યું હતું. જે આ જ દિન સુધી મજબૂતાઈથી પકડી રાખ્યું છે ! ટોકિયો ઓલિમ્પિકમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર અંકિતાએ ઢીંગલા-ઢીંગલીઓ રમવાની ચાર વર્ષની વયે ટેનિસ રેકેટ પકડ્યું હતું !! ટેનિસ રેકેટ અને એ રેકેટની નેટ વડે મોં સંતાડવાનું કે મોં પર રેકેટના નેટ રાખવાનું તે ઉંમરે ખૂબ ગમતું હોય તેને રેકેટ ગમવા લાગ્યું હતું. અંકિતાથી ચાર વર્ષ મોટો ભાઈ અંકુર સાથે તે રેકેટ રેકેટ રમતી ! અંકુર ટેનિસ કોર્ટ પર ટેનિસ રમતો હોય ત્યારે અંકિતા તેની વ્હાલી મમ્મી લલિતાબેન સાથે કોર્ટ પર જતી અને મોટાભાઈને રમતો જોઈને તેને પણ રમવાનું મન અંદરથી થઈ આવતું. ભાઈ રેસ્ટ પીરિયડમાં બ્રેકમાં પાણી પીવા કે ફ્રેશ થવા જાય એ દરમિયાન તે કોર્ટ પર દોડતી અને હાથમાં રેકેટ લઈને ચેમ્પિયન હોય એવી અદાથી રેકેટ પકડી વિવિધ પોઝ આપતી ! તેનો ટેનિસ પ્રત્યેનો પ્રેમ જોઈને અંકિતાના મમ્મી લલિતાબેન અને પપ્પા રવિન્દર કિશનએ ટેનિસ કોચ રાવત સાહેબના માર્ગદર્શન હેઠળ મૂકી હતી અને મન ભાવતી મીઠાઈ મળી જાય તેમ તે ટેનિસ કોર્ટ પર ખુશ થઈ નાચી ઊઠી હતી.
 
ઇન્ડોનેશિયામાં જકાર્તા-પાલેમ્બિંગ ખાતે ૨૦૧૮માં યોજાયેલ એશિયન ગેઇમ્સમાં વુમન્સ સિંગ્લસમાં બ્રોઝ મેડલ મેળવનાર ગુજ્જુ અંકિતાએ હાઇસ્કૂલનું શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલમાં લીધું હતું. માઉન્ટ કાર્મેલ સ્કૂલના સ્પોર્ટ્સ ટીચર ડેવિડ કાલોસ સરનું પ્રોત્સાહન અને માર્ગદર્શન ટેનિસ કેરિયરમાં મહત્ત્વના રહ્યા છે. કોમર્સ ગ્રેજ્યુએટ અંકિતા એલ.આઈ.સી.માં સર્વિસ કરતી મમ્મીની પાલવમાં અને ફાર્મા કંપનીમાં સર્વિસ કરતા પપ્પા રવિન્દર કિશનના પ્યારમાં ખીલી અને મ્હેકી ઊઠી છે. મમ્મી લલિતાબેન ટેબલ-ટેનિસની અચ્છા ખેલાડી હોય તેઓ સ્પોર્ટ્સનું મહત્ત્વ સમજ્યાં હતાં.
 
આઈ.ટી.એફ. સર્કિટમાં ૧૧ સિંગલ્સ અને ૧૮ ડબલ્સ ટાઈટલ્સની સાથે એક WTA ટાઇટલ અને એક WTA 125K ટાઈટલ જીતનાર રૈના અને એપ્રિલ-૨૦૧૮માં પ્રથમ વખત ટોચના ૨૦૦ કમાન્ડમાં સ્થાન મેળવ્યું હતું. મે ૨૦૦૯થી સિંગ્લસમાં ૧૮૦મો કુલ અને ડબલ્સમાં ૯૫મો ક્રમ ધરાવે છે. જમણા હાથે રમતની અંકિતા અને ૨૦૨૧માં ઓસ્ટ્રેલિયન ઓપનના સિંગલ્સમાં ક્વાટર-૩ સુધી ફ્રેન્ચ ઓપનમાં ક્વાટર સુધી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.
 
પ્રોફેશનલ કેરિયર અપનાવ્યા પછી ઓલિમ્પિક રમવાની ખ્વાહિશ ધરાવતી અને ગ્રાન્ડ સ્લેમની ચારેચાર ટુર્નામેન્ટ રમનાર એક માત્ર ગુજરાતની ગૌરવશાળી ઐતિહાસિક મહિલા ખેલાડી અંકિતાનું સ્વપ્ન ટોકિયો ઓલિમ્પિક ૨૦૨૦માં ક્વોલિફાય થતાં પૂર્ણ થયું છે. હવે ભારતની સર્વશ્રેષ્ઠ જોડી સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના ઓલિમ્પિક ટેનિસ મહિલા ડબલ્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ જીતી લાવે તેવી ખાસ શુભેચ્છા.
 
ઇલાવેનીસ વલારીવાન (શૂટિંગ) | Elavenil Valarivan Shooting । ૧૦ મીટર એર રાઇફલની ગોલ્ડ શૂટર ગર્લ
 

Elavenil Valarivan_1  
 
માતા : ડૉ. કે. સરોજા
મેડલ્સ : આઈએસએસએફ જૂનિયર વર્લ્ડકપ
ગોલ્ડ મેડલ સૂહી ૧૦ મી. એર રાઇફલ વુમન જૂન. ૨૦૧૮
ગોલ્ડ મેડલ સુહી ૧૦ મી. એર રાઇફલ મિક્ષ્ડ ટીમ ૨૦૧૮
ગોલ્ડ મેડલ સુહી ૧૦ મી. એર રાઇફલ વૂમન જૂનિ. ૨૦૧૯
આઈએસએસએફ વર્લ્ડ કપ ફાઈનલ
ગોલ્ડ મેડલ પુટીન ચીન ૧૦ મી. એર રાઇફલ વૂમન ૨૦૧૯
 
વર્લ્ડ રેકોર્ડને શૂટ કરતી ઇલાવેનીલ વલારીવાન શૂટિંગ ( Elavenil Valarivan Shooting ) રમતની ગોલ્ડન ગર્લ છે. પરફેક્ટ નજરથી પરફેક્ટ સ્કોર શૂટ કરતી ઇલાવેનીલ ૧૦ મીટર એર રાઇફલની ગોલ્ડ શૂટર ગર્લ છે. ટોકિયો ઓલિમ્પિક - ૨૦૨૦માં તે ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરનાર છે.
 
એફઆઈસીસીઆઈ ઇન્ડિયા સ્પોર્ટ્સ એવોર્ડ ૨૦૨૦ અને શૂટિંગમાં ખેલ પ્રતિભા પુરસ્કાર મેળવનાર ઇલાવેનિલે ૧૩ વર્ષની વયે શૂટિંગ શીખવાનું શરૂ કર્યું હતું. આમ તો એ એથ્લેટિક્સમાં કેરિયર બનાવવા ઇચ્છતી હતી. પરંતુ તેના પપ્પા કે જેઓ પિગમેન્ટ્સની ખૂબ જાણીતી કંપનીમાં પ્રિન્સિપાલ સાયન્ટિસ્ટ તરીકે કાર્યરત એવા ડૉ. આર. વલારિવનના એક સ્ટુડન્ટ્સની દીકરી રિયા શાહ ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં શૂટિંગ સ્પોર્ટ્સ શિખવાડે. એમણે એકવાર ઇલાવેનીલને શૂટિંગ કરવા કહ્યું ! હવે ઇલાવેનીલને નાનપણથી જ મેળાઓમાં કે કોઈ બગીચાએ પાસે સ્ટોલમાં ફુગ્ગાઓ રમકડાની બંદૂકથી ફોડવા ખૂબ ગમતા. એક એક ફુગ્ગો બંદૂકથી શૂટ કરે અને ફૂટે એટલે નાચી ઉઠે ! હવે આ એક રમૂજી શોખે તેને ટીન એઇજમાં સાચી બંદૂક પકડીને એઇમ શૂટ કરવા તરફ પ્રેરી ગઈ ! રિયા શાહ દ્વારા શૂટિંગ શીખવા માટે મળેલું આમંત્રણ ગમ્યુ અને સહર્ષ સ્વીકારી લેતાં ૧૩ વર્ષની વયે - શૂટિંગ માટે એર રાઇફલ ખુશી-ખુશી સાથે પકડી તે પકડી ! પ્રથમ દિવસે જ અદ્ભુત પ્રદર્શન કરતાં રિયા મેડમ તો ખુશ થઈ ગયાં. તેઓ ટ્રેઇનર હોઈ તેમને ખબર પડી ગઈ કે ઇલોવેનીલની નજર ખૂબ જ તીક્ષ્ણ રૂપે વેધક છે અને ટ્રીગર પર હાથની પક્કડ પણ મજબૂત છે ! આમ રિયા મેડમના કહેવાથી અને પપ્પા-મમ્મીના પ્રોત્સાહનથી ઇલાવેનીલની શૂટિંગ કારકિર્દીનો પ્રારંભ થયો હતો. ઇલાવેનીલની મમ્મી ડૉ. કે. સરોજી પણ સાયન્સમાં એન.ફીલ અને પી.એચડી. છે. ઇલાવેનીલની મોટી ભાઈ વી. એરાઈવન હોકી અને ફૂટબોલની ખેલાડી છે. સાયન્સ ગ્રેજ્યુએટ એરાઇવન આર્મીમાં કેપ્ટન છે. આ બન્ને ભાઈ-બહેનમાં રમતનું સિંચન પપ્પા-મમ્મી બન્ને સ્પોર્ટ્સ પ્લેયર અને લવર હોય તેમણે કર્યું. બન્ને બેડમિન્ટનના સારા ખેલાડી હતા જ્યારે પપ્પા તો વોલિબોલના પણ સારા ખેલાડી હતા. આમ ઇલાવેનીલનો પરિવાર એ સ્પોર્ટ્સ ફેમિલી હોઈ ઇલાવેનીસને ઘરનું વાતાવરણ તેમજ પપ્પા-મમ્મીનું પ્રોત્સાહન તેને ઓલિમ્પિક (Tokyo Olympics) સુધી લઈ ગયું. આઈએસએસએફ જૂનિયર વર્લ્ડકપમાં સિડની અને સુહી ખાતે ૨૦૧૮માં ત્રણ-ત્રણ ગોલ્ડ મેડલ અને ચાંગ્વાન ખાતે એક સિલ્વર મેડલ મેળવનાર ઇલાવેનીલે રિયા મેડલ પાસે પ્રાથમિક ટ્રેનિંગ લીધા પછી અમદાવાદ રાઈફલ ક્લબ જોઈન્ટ કરી અને ૧૦ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં કેરિયર બનાવવા લક્ષ્ય કેન્દ્રિત કર્યું હતું. એકાદ વર્ષ પછી બોપલ સંસ્કારધામમાં આવેલા ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ડીએલએલએસ જોઇન્ટ કર્યું. જ્યાં નેહા ચવ્હાણના માર્ગદર્શન અને પ્રોત્સાહન હેઠળ ખૂબ પ્રગતિ કરી. ૨૦૧૪થી જ એટલે કે પંદર વર્ષની વયે ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ પર ઓઇન શૂટ કટવાલાણી હતી.
 
વરસાદમાં પળવાની અને વરસાદી માહોલને માલવાની શોખીન ઇલાવેનીલે ( Elavenil Valarivan Shooting ) સૌ પ્રથમ ૨૦૧૫માં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. ૨૦૧૭માં સૌ પ્રથમ વાર નેશનલ લેવલ પર ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલ ૬૦M નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મો હતો. ઇલાવેનીલ આંતરરાષ્ટીય તેમજ ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા થનગનતી હતી એટલે તેમણે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલિસ્ટ ગગન નારંગની એકેડમી ગન ફોર ગ્લોરીમાં ટ્રેનિગ લેવી શરૂ કરી અને પરિણામ સ્વરૂપ ૨૦૧૮નું વર્ષ ઇલાવેનીસ માટે ગોલ્ડન યર બનીને ઝળહળી ઊઠ્યું. ૨૦૧૮માં સિડની ખાતે વર્લ્ડ કપ રમત ગોલ્ડ મેડલ મેળવ્યો. વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ મેડલ મેળવ્યો અને ગોલ્ડન સફર શરૂ થઈ. અમદાવાદના મણિનગરની સેન્ટ બ્લાઝ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લેતા તે એથ્લેટિક્સમાં જ ભાગ લેતી હતી. સ્કૂલિંગ બોપલમાં આવેલ ગ્લોબલ મિશન - સંસ્કાર ધામમાં કર્યું ત્યારે પણ તે મેરેથોન અને દોડની સ્પર્ધાઓ જીતતી હતી પણ નસીબ તેને શૂટિંગ તરફ લઈ ગયું અને સિડનીમાં જૂનિયર વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપના ક્વોલિફાય રાઉન્ડમાં જ ૬૩૧.૪ સ્કોયરથી નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. ૨૦૧૮ પછી ૨૦૧૯નું વર્ષ પણ ચીન, બ્રાઝિલ અને તાઈવાન ખાતે યોજાયેલ વર્લ્ડકપમાં ગોલ્ડન ગ્લોસ જેવું રહ્યું. આમ ઇલાવેનીલ જે કોઈ ટૂનાર્મેન્ટ ચેમ્પિયનશિપમાં ભાગ લે તમામ તેણે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જ શૂટ કર્યા છે. આમ ગોલ્ડન ગર્લ ટોકિયો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ શૂટ કરીને આવે અને ગુજરાત રમત ગમતના ઇતિહાસમાં સુવર્ણપ્રકરણ આલેખે તેવી શુભેચ્છા.
 
 
પારૂલ પરમાર (પેરા બેડમિન્ટન) | Parul Parmar Badminton । એશિયન ક્વિન
 

parul parmar_1   
 
 
 
 
કાર્યક્ષેત્ર : કોચ : સાઈ
(સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા)
એવોર્ડ્સ : અર્જુન એવોર્ડ ૨૦૦૯
ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા
એકલવ્ય એવોર્ડ ગર્વમેન્ટ ઓફ ગુજરાત
રોલ મોડલ એવોર્ડ - ૨૦૦૬ -
ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
સ્પેશિયલ એવોર્ડ ૨૦૦૫-૦૬
સ્પોર્ટ્સ યુથ-કલ્ચરલ મિનિસ્ટર
 
ત્રણ વખતની વર્લ્ડ ચેમ્પિયન પારૂલ પરમાર પેરા બેડમિન્ટનની ખેલાડી છે. હાલ તેઓ ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના કોચ તરીકે કાર્યરત છે. ટોકિયો પેરાલિમ્પિક્સ - ૨૦૨૦માં વૂમન ડબલ્સ એસએલ-૩ કેટેગરીમાં જલંધરની ૧૮ વર્ષની યુગાન્ડા બી.ડબલ્યુ.એફ. પલ્ક કોહલી સાથે - ડબલ્સ રમનાર છે.
 
પેરા બેડમિન્ટન વૂમન સિંગલ્સ એસ.એલ.-૩માં વિશ્ર્વ ક્રમાંકમાં પ્રથમ સ્થાન ધરાવતી પારૂલ એ ૨૦૧૭માં બી.ડબલ્યુ.એફ. પેરા બેડમિન્ટનું વર્લ્ડ ચેમ્પિયનશિપમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ડબલ્સ અને સિંગલ્સ બન્નેમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૨૦૧૮માં થાઇલેન્ડમાં રમાયેલ એશિયન પેરા ગેઇમ્સમાં અને થાઇલેન્ડ પેરા બેડમિન્ટન ઇન્ટરનેશનલ વૂમન્સ સિંગલ્સમાં ગોલ્ડ મેડલ જીતીને ૨૦૧૮ના વર્ષને ગોલ્ડન યર તરીકે ઉજવ્યું હતું. ભારત સરકારનો અર્જુન એવોર્ડ અને રાજ્ય સરકારનો એકલવ્ય એવોર્ડ મેળવનાર પારૂલ જ્યારે ત્રણ વર્ષની હતી ત્યારે તેને પોલિયો થઈ જતાં તેના પગમાં તકલીફ ઊભી થઈ હતી. તે બરોબર ચાલી શકતી ન હતી. એ વખતે એક્સરસાઇઝના ભાગરૂપે તેને બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. જે પછીથી લાઇફ ટાઇમ કેરિયર બની ગયું. બેડમિન્ટનના સુપ્રસિદ્ધ કોચ શ્રી સુરેન્દ્રભાઈ પરીખ અને શ્રી હસમુખભાઈ સાવલિયાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આ રમતમાં રાજ્ય અને રાષ્ટીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા લાગી અને ઘરની ડ્રોઇંગ રૂમની શોકેઇસ મેડલ્સથી ઝળહળવા લાગી હતી. કોમર્સ ગ્રેજ્યુએટ પારૂલ પરમારે ૨૦૦૨થી આંતરરાષ્ટીય ક્ષેત્રે પદાર્પણ કર્યું અને સૌ પ્રથમ ડિસેમ્બર, ૨૦૦૨માં બેંગ્લોર ખાતે વર્લ્ડ કપમાં બે ગોલ્ડ મેડલ મેળવ્યા. સ્મેશ અને ડ્રાઇવ સ્ટ્રોકની રાઇટ હેન્ડ ખેલાડી પારૂલ એશિયન ક્વિનનું બિરુદ મેળવ્યું હતું.
 
ભારતના રાષ્ટપતિ શ્રી અબ્દુલ કલામના વરદ હસ્તે પ્રેસિડેન્ટલ નેશનલ રોલ મોડલનો એવોર્ડ મેળવનાર પારૂલે ૨૦૧૪માં એશિયન પેરાગેઇમ્સ ૨૦૧૫માં અને ૨૦૧૭માં ઇંગ્લેન્ડ અને દ. કોરિયા ખાતે બી.ડબલ્યુ.એફ. પેરા બેડમિન્ટનના વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડન દેખાવ કર્યો હતો. ટોકિયો ખાતે પેરાલિમ્પિક્સ ૨૦૨૧માં તેઓ અવશ્ય શ્રેષ્ઠ દેખાવ કરશે અને મેડલ લાવશે તેવી હાર્દિક શુભેચ્છા.
 
ભાવિના પટેલ (પેરા ટેબલ-ટેનિસ) | Bavina Patel વિશ્ર્વાસ-હિંમત અને પ્રોત્સાહન
 

bhavina patel_1 &nbs 
 
 
 
માતા - પિતા : નિરંજનાબેન પટેલ - હસમુખભાઈ પટેલ
પતિ : નિકુલ પટેલ
અભ્યાસ : બી.એ. સંસ્કૃત, કોમ્પ્યુટર કોર્સ : એમ.એસ. ઓફિસ, DPCS.
એવોર્ડ્સ : સરદાર પટેલ એવોડ્ર્સ- ૨૦૧૦-૧૧
એકલવ્ય એવોર્ડ્સ ૨૦૧૧-૧૨
સ્પેશિયલ એવોર્ડ્સ ફોર સ્પોર્ટ્સ ૨૦૧૮
ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ્સ : (૩)
ઓગસ્ટ ૨૦૧૯ થાઇલેન્ડ સિંગલ પીટીટી બેંગકોંક ઓપન
 
 
થાઇલેન્ડમાં બેંગકોક ખાતે ઓગસ્ટ-૨૦૧૯માં યોજાયેલ પેરા ટેબલ-ટેનિસ બેંગકોક ઓપનમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને બે ગોલ્ડ મેડલ મેળવનાર ભાવિના પટેલ ભારતમાં પ્રથમ ક્રમ અને એશિયામાં પાંચમો ક્રમ ધરાવતા ઉત્સાહી ખેલાડી છે. ટોકિયો ખાતે રમાનાર પેરાલિમ્પિક-૨૦૨૦માં ટેબલ-ટેનિસની રમત માટે ક્વોલિફાય થનાર ભાવિના પટેલ રાષ્ટીય કક્ષાએ સાત વખત ગોલ્ડ મેડલ મેળવેલ છે. ઇન્ટરનેશનલ ટેબલ-ટેનિસ ફેડરેશન દ્વારા જાહેર થતા વિશ્ર્વક્રમાંકમાં ભાવિના ૧૧મો ક્રમાંક ધરાવે છે.
 
ગુજરાત રાજ્ય સરકારનો એકલવ્ય અને સરદાર પટેલ એવોર્ડ મેળવનાર ભાવિના વ્હીલચેરના ખેલાડી છે પણ જ્યારે વ્હીલચેર પર બેસીને ટેલબ-ટિેસ રમતા હોય છે ત્યારે જાણે હોટસીટ પર બેઠા હોય એટલા ગર્વથી અને ખુમારીથી ટૂર્નામેન્ટ રમતા હોય છે. વ્હીલચેર પર બેસવાનું કારણ બન્ને પગ પોલિયો થવાના કારણે નિષ્ક્રિય થઈ ગયા છે. નાનપણથી જ તેઓ તમામ રોજીંદા કામ તેમજ શાળાનો અભ્યાસ બેઠા-બેઠા ઢસરડતા ઢસરડતા કરેલ છે પણ જીવનને ક્યારેય ઢસરડો માન્યો નથી અને એટલે તેઓ આજે ઓલિમ્પિક સુધી પહોંચી શક્યા છે.
 
ટેબલ-ટેનિસ સોલ ઓફ માય લાઇફ કહેતી ભાવિનાએ લાલન દોશી સર પાસે ટેબલ-ટેનિસની તાલીમ લીધી હતી. સૌ પ્રથમ ૨૦૦૮માં ગાઝિયાબાદ ખાતે નેશનલ ટૂર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
 
ગુજરાત રાજ્ય સરકાર તરફથી ૨૦૧૮માં સ્પેશ્યલ એવોર્ડ ફોર સ્પોર્ટ્સનું સન્માન મેળવનાર અને રાષ્ટીય-આંતરરાષ્ટીય કક્ષાએ ૨૬ ટૂર્નામેન્ટમાંથી ૨૨ ટૂર્નામેન્ટ્સમાં સફળતા મેળવનાર ભાવિનના જીવન સાથી નિકુલનો પણ ખૂબ જ સાથ સહકાર અને પ્રોત્સાહન જોવા મળે છે. તમામ ટૂર્નામેન્ટમાં તેઓ સાતે હોય છે અને ફિઝિકલી તેમજ મેન્ટલી પુરતો સપોર્ટ આપે છે. આજે જે કોઈ સફળતા મળી રહી છે તેનો યશ તેઓ તેમના જીવન સાથી નિકુલને આપે છે.
 
રસોઈ કલાના શોખીન ભાવિનાબેન કપ્તા તરીકે પણ સફળ કપ્તાન રહેલા જોવા મળે છે. તેઓ તેમની ટીમને પ્રોત્સાહિત કરતા રહે છે અને દેશનું નામ રોશન થાય એ રીતે તમામ ખેલાડીઓમાં વિશ્ર્વાસ-હિંમત અને પ્રોત્સાહન બળ તેઓ આપતા રહે છે.
 
ટોકિયો પેરાલિમ્પિક્સ ૨૦૨૦માં મેડલ મેળવીને દેશ અને રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છા.
 
સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ) | Sonal Patel
 

sonal patel_1   
 
 
 
માતા - પિતા : લાભુબેન - મનુભાઈ પટેલ
પતિ : રમેશ ચૌધરી
અભ્યાસ : બી.એ. સાયકોલોજી (ગુજરાત યુનિ.) (૨૦૧૧)
એવોર્ડ્સ : સરદાર પટેલ એવોર્ડ્સ (૨૦૧૪)
એકલવ્ય એવોર્ડ્સ (૨૦૧૪)
નેશનલ એવોર્ડ ફોર ધ એમ્પ્લાયમેન્ટ ઓફ સ્પોર્ટ્સ પર્સન વીથ ડિસેબિલિટી (૨૦૧૭)
ગોલ્ડ મેડલ : ફેબ્રુઆરી ૨૦૦૯ બેંગ્લોર પેરાલિમ્પિક્સ નેશનલ ટીટી ચેમ્પિ.
 
ઇન્ડોનેશિયામાં જકાતા ખાતે ઓક્ટોબર-૨૦૧૮માં યોજાયેલ ત્રીજી એશિયન પેરા ગેઇમ્સમાં સિલ્વર મેડલ મેળવનાર સોનલ પટેલ પેરા ટેબલ-ટેનિસની દિવ્યાંગ હોવા છતાં જાંબાઝ મહિલા ખેલાડી છે. ટોકિયો પેરા ઓલિમ્પિક-૨૦૨૦ માટે પસંદ થનાર સોનલ પટેલ ૯૦ ટકા ડિસેબિલિટી ધરાવતી વ્હીલચેર પ્લેયર છે. માત્ર છ મહિનાની હતીને પોલીયો થતાં તેને સાવ અણસમજ વયે જ બન્ને પગ ગુમાવી દીધા હતા. તે ચાલતા દોડતા શીખે એ પહેલા જ તેના બન્ને પગ નિષ્ક્રિય થઈ ગયા હતા પણ હિંમત નહીં હારનાર સોનલે બારમા ધોરણમાં ડિસ્ટીંક્શન સાથે પાસ કરી હતી ! આ પછી એક્ષ્ટર્નલ ભણીને સોશ્યોલોજી મુખ્ય વિષય સાથે આર્ટ્સમાં ગ્રેજ્યુએશન તના પાલક માતા-પિતા જેવા કાકા વિષ્ણુભાઈ અને કાકી નિરૂપમાબેન પાસે રહીને ક્યું છે. સોનલને પગ નિષ્ક્રિય હોય તેના કાકા-કાકી તેને તેડીને શાળા-કોલેજ તેમજ સામાજિક વ્યવહારિક પ્રસંગે લઈ જતા હતા. એટલું જ નહીં તેઓ હમેશા તેને નોર્મલ જ છો તેમ કહીને તેને હિંમત અને પ્રોત્સાહન આપતા હતા.
 
પેરાલિમ્પિક નેશનલ ચેમ્પિયનશિપમાં પાંચ ગોલ્ડ મેડલ મેળવવાની સિદ્ધિ ધરાવતી સોનલે ટેબલ-ટેનિસ રમવાની શરૂઆત વસ્ત્રાપુરમાં આવેલ અંધજન મંડળમાંથી કરી હતી. ૨૦૦૮માં અંધજન મંડળમાં કોમ્પ્યુટરનો કોર્સ કરતી વખતે ત્યાંના સ્પોર્ટ્સ ટીચર તેજલબેન લાખિયાએ તેને ટેબલ-ટેનિસ રમવા પ્રેરણા આપી હતી. વ્હીલચેર પર રમતા શીખવ્યું અને એક વર્ષ બાદ તે સોનલે ૨૦૦૯માં બેંગ્લોર ખાતે યોજાયેલ પેરાલિમ્પિક્સ નેશનલ ચેમ્પિયનશિપમાં ફેબ્રુ. અને ઓગસ્ટમાં ગોલ્ડ મેડલ મેળવ્યા અને તેને આ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. એશિયન ગેઇમ્સ (૨૦૧૮)માં સિલ્વર મેડલ મળતા. તેમણે પેરાલિમ્પિક માટે સખત મહેનત શરૂ કરી દીધી હતી. તેઓ માને છે કે મક્કમ મનની વ્યક્તિને મંઝિલ સુધી પહોંચવામાં કોઈ પહાડ કે સમુદ્ર નડતો નથી અને બે વર્ષની સખત મહેનત તેમજ તેમના જીવનસાથી રમેશભાઈ ચૌધરીના પ્રોત્સાહન તેનું સ્વપ્ન ઓલિમ્પિક રમવાનું પૂર્ણ થયું છે. રમેશભાઈ ચૌધરી પણ ડિસેબલ છે. બન્ને વ્હીલચેરના ખેલાડી છે. તેઓ સતત સોનલને મોટીવેટ કરતા હોય. સોનલનું સ્વપ્ન સાકાર કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઇન્ટરનેશનલ લેવલે પણ થાઇલેન્ડમાં બે ગોલ્ડ મેડલ મેળવનાર સોનલની બેકહેન્ડ સ્ટાઇલ માણવા જેવી છે. ખૂબ જ દૃઢ મનોબળ અને વિશ્ર્વાસથી રમતી સોનલ ટોકિયો ખાતે પણ મેડલ્સ લઈને આવે તેવી શુભેચ્છા.