નહિ ખાંભી નહિ પાળિયો | એવા હુતાત્માઓની કથા જેમણે દેશના સીમાડાઓને સાચવવા પોતાના જીવની બાજી લગાવી...

    24-Jul-2021
કુલ દૃશ્યો |

Nahi Khambhi Nahi Paliyo_
 
પુસ્તક - નહિ ખાંભી નહિ પાળિયો
લેખક - નીલકંઠ દેશમુખ
અનુવાદક - ડૉ. કીર્તિદા મહેતા
પ્રકાશક - સાહિત્ય સાધના ટ્રસ્ટ
પૃષ્ઠ - ૨૪૦
મૂલ્ય - રૂા. ૧૨૦/-
 
‘નાહી ચિરા નાહી પળતી’ એ ભારત વિભાજનની વિભીષિકા રજૂ કરતું મરાઠી પુસ્તક છે. પુસ્તકના લેખક સ્વ. નીલકંઠ દેશમુખ દ્વારા રચિત આ નવલકથા તેમનું અંતિમ સર્જન છે. ડૉ. કીર્તિદા મહેતા દ્વારા આ પુસ્તકના અનુવાદનું કાર્ય થયું છે. અતિ ભવ્ય અને ભીષણ રાષ્ટીય શોકાંતિકાની પાર્શ્ર્વભૂમિ પર આ નવલકથા તૈયાર થઈ છે. આ શોકાંતિકા એટલે આપણા દેશ ભારતના ભાગલા. જે ભરતખંડ અનેક આક્રમણોને પચાવીને હજારો વર્ષો સુધી અખંડ અને અભંગ રહ્યો એના જ જોતજોતામાં બે ભાગ થયા. ખૂબ ક્રૂર અને અમાનુષી રીતે થયેલા ભાગલા.
 
વિભાજનની ઘટના ખૂબ દુઃખદ ઘટના છે અને તે થવા પાછળની કરુણતા આપણી પાસે પહોંચતી સમજનો અભાવ છે. આ સમજના સંદર્ભે એક પ્રખ્યાત, અભ્યાસુ અભિનેતાએ કહ્યું, હું જગતને હિરોશિમા પહેલાં અને પછી એમ બે કાળખંડમાં વહેંચું છું. ભારતીય શિક્ષિત વર્ગની માનસિક ગુલામીનું મને આ એક લક્ષણ લાગે છે. હિરોશિમા ઉપર એક બોંબ ઝિંકાયો અને લાખ બે લાખ લોકો મરી ગયા. થોડીક ક્ષણોનો જ ખેલ ખેલાઈ ગયો ! ભારતનું વિભાજન એ પછી થયું. એમાં હિરોશિમા કરતાં અનેકગણા વધુ માણસો મોતના મોઢામાં ધકેલાયા. હિરોશિમામાં ન તો સ્ત્રી-બાળકોનાં અપમાન થયાં હતાં, ન અપહરણો થયા હતા. ભારતના ભાગલા વખતે લક્ષાવધિ લોકોએ ગુંડાઓના ભયથી ભાગવું પડ્યું. ભરચોમાસામાં, જંગલો વીંધીને, આડવાટો પકડીને, અન્નજળ વિના માઈલો સુધી ટાંટિયા તોડીને લાખો લોકોએ ભારત આવવું પડ્યું. પગપાળા નિર્વાસિતોનાં ટોળા ઉપર સશસ્ત્ર ટોળાંએ હુમલા કર્યા અને એક આગગાડી તો માત્ર શબોના ઢગલા લઈને પાકિસ્તાનથી ભારત પહોંચી ! સૈનિક અને પોલીસની નિયુક્તિ લોકોના રક્ષણ માટે હોય છે, પણ અહીં તો એ જ ગુંડાઓ સાથે ભળી ગયા. મુસ્લિમ નેતાઓનો પણ એમને ટેકો હતો જ. આવું હિરોશિમા અને નાગાસાકીમાં બન્યું નહોતું અને છતાં આપણા બુદ્ધિજીવી વર્ગને માત્ર હિરોશિમા જ મહત્ત્વનું લાગે છે ! આમ અહીં આપણી આ સમજ કેળવાઈ તે પાછળના કારણો કયાં છે તે પણ ખૂબ મહત્ત્વની બાબત છે.
 
રાષ્ટભાવનાને બળવત્તર બનાવવા માટે ભવ્ય વારસાની જરૂર રહે છે. સામૂહિક અને રાષ્ટીય પીડાઓ જો પેઢી દર-પેઢી ઊતરતી આવે તો જ રાષ્ટ સમર્થ અને વૈભવશાળી બને અને રાષ્ટને સામર્થ્ય આપવા માટે અનેક અનામી હુતાત્માઓએ પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ગ્રામ્ય સંસ્કૃતિમાં ગામના ગોંદરે કે પાદરે નિર્દોષનો જીવ બચાવવા પોતાના પ્રાણોની આહુતિ આપનારના પાળિયા કે ખાંભીઓ ખોડાય છે, પણ અફસોસ કે દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર કંઈ કેટલાય આવા વંદનીય હુતાત્માઓ પાછળ ન કોઈ ખાંભી ખોડાઈ કે ન કોઈ પાળિયા મુકાયા કે ન કોઈ સ્મારક રચાયાં પણ આ શબ્દોએ દેહને ધારણ કર્યો અને મરાઠી ભાષામાં એક નવલકથા તૈયાર થઈ ‘નાહી ચિરા નાહી પળતી’ આ નવલકથાને સાધના સાપ્તાહિકમાં ધારાવાહી રૂપે પ્રસિદ્ધ કરવામાં આવી.
 
આ મુલતાન નથી... નામના પ્રથમ પ્રકરણથી આ નવલકથાનો પ્રારંભ થાય છે. સમગ્ર કથનાક વાચકને જકડી રાખે તેવું છે. મુસ્લિમ સૂત્રો અને નાનકના વચનોને દર્શાવતું આ પ્રકરણ સમગ્ર નવલકથાનો એક આછેરો ચિતાર આપે છે. એક ‘એમને ઝટ બીજે ખસેડો...’ એમ બીજું... ત્રીજું અને અંતમાં ‘પરમ વૈભવમ્ તેળુમેતત્ સ્વરાષ્ટીયમ્’ એમ કુલ ૨૬ પ્રકરણમાં આ નવલકથા પૂરી થાય છે અને વાચકને પ્રાપ્ત થાય છે. એવા હુતાત્માઓની રોમાંચક કથાઓ કે જેમણે ભારતની સ્વતંત્રતાના મંદિરનાં દ્વાર જ્યારે ખૂલી રહ્યાં હતાં. ત્યારે સરહદના સીમાડાને સાચવવા માટે અને દેવી સમાન ભારતમાતાના મુકટમણી સમાન કાશ્મીરને રક્ષવા પોતાની જાતની, જાનની હસતે મુખે બાજી લગાવી દીધી હતી. ભલે આ વિરલાઓના સ્મારક નથી રચાયાં પણ તે ક્યારેક ને ક્યાંક ભારતની આઝાદીના અમૂલ્ય યોગદાનમાં સર્વોત્તમ ફાળો આપી ચૂક્યા છે. નવલકથા માટે આ વિષય ખૂબ જુદો અથવા અટપટો લાગે પરંતુ નવલકથાનું કથાનક ખૂબ સુંદર રીતે આલેખાયું છે. કાશ્મીરની વ્યથાની કથા અને આજ સુધી કદાચ વાચકને જાણવા અને વાંચવા ન મા હોય તેવા પ્રસંગો તથા તથ્યોનું આલેખન અહીં છે. આમ આપણા ઇતિહાસની ઊજળી બાજુઓને ઉજાગર કરતું આ પુસ્તક એ આપણને ગૌરવ અપાવે છે. તો નવીન કથાને માણવા તૈયાર થઈ જાવ નવલકથા નહીં ખાંભી નહીં પાળિયોને વાંચવા.
 
પુસ્તક સમીક્ષા -  ડૉ. જ્યોતિ દવે 
 
 
પુસ્તક માટે અહીં સંપર્ક કરો...
સાહિત્ય સાધના ટ્રસ્ટ
સંપર્ક - ૯૨૬૫૯૧૩૬૦૮