ઓપરેશન વિજય । કારગિલ વિજય પર તમારે જે જાણવું છે તે બધું જ એક લેખમાં...

    26-Jul-2021   
કુલ દૃશ્યો |

 Kargil Vijay diwas_1&nbs 
 
 

૨૬ જુલાઈ - કારગિલ વિજય દિવસ નિમિત્તે | Kargil Vijay diwas

 
હમ વિજિગીષુ વૃત્તિ કે વાહક, તીક્ષ્ણ શરોં કી નોક કરેંગે,
હર દંભી કા દર્પ દલન કર, રોપેંગે હમ વિજય પતાકા.
 
 
ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા એ પછી તરત જ પાકિસ્તાનીઓએ ભારત પર હુમલાઓ શરૂ કરી દીધા હતા. ૧૯૪૭માં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર પર પહેલું આક્રમણ કર્યું ત્યારબાદ ૧૯૬૫ અને ૧૯૭૧માં પણ હુમલો કર્યો. આ તમામ યુદ્ધોમાં ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાની દુશ્મનોને જડબાતોડ જવાબ આપ્યો. તેમ છતાં પાકિસ્તાને પોતાની નાપાક હરકતો બંધ ના કરી. અને ૧૯૯૯માં ફરી એક વખત કારગિલમાં ઘૂસણખોરી કરી. એ વખતે પણ ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાની દુશ્મનોને ખદેડી મુકવા ‘ઓપરેશન વિજય’ ( Operation Vijay ) આરંભ્યું હતું. અંદાજે ૧૮ હજાર ફૂટ જેટલી ઊંચાઈ પરથી દુશ્મનો બોંબ ધડાકા અને મશીનગનોની ધણધણાટી બોલાવી રહ્યા હતા. તેમ છતાં ભારતના જાંબાજ વીરોએ અભૂતપૂર્વ સાહસ દાખવી નાપાક દુશ્મનોને પરાસ્ત કર્યા અને ટાઈગર હીલ પર ભારતીય ત્રિરંગો રોપી ‘ઓપરેશન વિજય’ ( Operation Vijay ) ને સફળ બનાવ્યું. આ વિજયને વધાવવા ભારતના તત્કાલિન વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપાઈએ ૨૬ જુલાઈના દિવસને ‘કારગિલ વિજય દિવસ’ ( Kargil Vijay diwas ) તરીકે ઉજવવાની જાહેરાત કરી. આજે કારગિલ વિજય દિવસના ૨૨ વર્ષ પૂરા થાય છે ત્યારે તે અભૂતપૂર્વ વિજય તથા પાકિસ્તાન સાથેના અન્ય યુદ્ધોની સાહસગાથા પ્રસ્તુત છે.
 
જમ્મુ-કાશ્મીર ભારતના સંવિધાનના પ્રથમ અનુચ્છેદમાં ૧૫મા સ્થાને અંકિત છે. સાંસ્કૃતિક રૂપે જમ્મુ-કાશ્મીર સદીઓથી ભારતનો ભાગ રહ્યું છે. પરંતુ આઝાદી પહેલાં ભારતે કમભાગ્યે લાંબા સમય સુધી અંગ્રેજોની ગુલામી વેઠવી પડી. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત સ્વતંત્ર થયું, પરંતુ ત્યાં સુધી અંગ્રેજો આર્થિક તેમજ સાંસ્કૃતિક સ્તરે પણ ભારતનું ખૂબ જ શોષણ કરી ચૂક્યા હતા. પરિણામે ૧૯૪૭માં અંગ્રેજો ભારતથી જતાં જતાં પણ ભારતની સાંસ્કૃતિક અખંડતા પર વિભાજનનો ઝાટકો મારતા ગયા. પરિણામે પાકિસ્તાન નામનો નવો દેશ અસ્તિત્વમાં આવ્યો.
 
ભાગલા બ્રિટિશ ભારતના પડ્યા હતા. પરંતુ દેશી રજવાડાંઓને એ અધિકાર આપવામાં આવ્યો હતો કે તેઓ પોતાની મરજી મુજબ ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે અને પોતાના એ જ અધિકારનો ઉપયોગ કરી જમ્મુ-કાશ્મીરના મહારાજા હરિસિંહે ૨૬ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ જમ્મુ-કાશ્મીરનો ભારતમાં વિલય કરવાની જાહેરાત કરી. મહારાજા હરિસિંહના આ નિર્ણયથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું. કારણ કે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી જ ત્યાંના સત્તાધીશોને લાગતું હતું કે જમ્મુ-કાશ્મીર તો આપણું જ છે અને તેને પાકિસ્તાનની શરણમાં જ આવવું પડશે. પરંતુ મહારાજા હરિસિંહ અને તત્કાલીન ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે પાકિસ્તાનની તમામ મનસાઓ પર પાણી ફેરવી દીધું અને પાકિસ્તાનનું સ્વપ્ન માત્ર સ્વપ્ન બનીને જ રહી ગયું. હડબડીમાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરને પચાવી પાડવા ૨૨ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ જમ્મુ-કાશ્મીર પર પહેલું આક્રમણ કર્યું અને જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલય થયા બાદ જ્યાં સુધી ભારતીય સેના જ્યાં પહોંચે ત્યાં સુધી મોટાભાગના વિસ્તાર પર પાકિસ્તાની સૈન્યએ કબજો જમાવી દીધો હતો, પરંતુ ભારતીય સેનાના જવાનોની બહાદુરી અને પરાક્રમોને કારણે પાક. સેનાને ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગવું પડ્યું. પરંતુ ત્યારે જ બ્રિટિશ સરકારના એક ષડયંત્રનો ભોગ બની તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ ૩૧ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ આ આખા યુદ્ધને યુનાઇટેડ નેશન્સમાં લઈ ગયા. પરિણામસ્વરૂપ જમ્મુ-કાશ્મીરનો એક મોટો વિસ્તાર ભારતીય સૈન્ય પાકિસ્તાનથી મુક્ત કરાવી શક્યું નહીં અને આજે પણ જમ્મુ-કાશ્મીરના મીરપુર, ભિમ્બર, કોટલી, બાધ, મુઝફ્ફરાબાદ, ગિલગિટ અને બાલ્ટિસ્તાન પાકિસ્તાન ( Pakistan ) ના કબજામાં છે.
 

પાકિસ્તાન ( Pakistan ) ના દરેક દુઃસાહસનો જડબાતોડ જવાબ

 
જાવેદ અબ્બાસ પાકિસ્તાની સેના ( Pakistan Army ) નો એક ઓફિસર હતો. તેઓને કમાન્ડ એન્ડ સ્ટાફ કોલેજનાં લેફ્ટિનેટ કર્નલના પદે રહેતાં એક રિસર્ચની જવાબદારી સોંપવામાં આવી હતી. ‘ઇન્ડિયા એ સ્ટડી ઇન પ્રોફાઈલ’ નામના આ રિસર્ચ પ્રોજેક્ટમાં તેણે તેના આકાઓ સમક્ષ શેખી હાંકી હતી કે ભારત પોતાની અંદર જ અનેક સમસ્યાઓથી ઘેરાયેલું છે. પાકિસ્તાન ( Pakistan ) ધારે તો એ સમસ્યાઓનો લાભ ઉઠાવી ભારતને ઘૂંટણિયે પાડી શકે છે. આ રિસર્ચ જો કે ૧૯૯૦માં પ્રકાશિત થયું હતું, પરંતુ પાકિસ્તાની સેનાની મનઃસ્થિતિ જ્યારથી પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી આવી જ રહી હતી.
૧૯૪૭ બાદ પાકિસ્તાન ( Pakistan ) અને વિશેષ કરી પાકિસ્તાની સૈન્ય જમ્મુ-કાશ્મીરને પોતાનો અધૂરો એજન્ડા માની રહી છે. પરિણામે તે જમ્મુ-કાશ્મીરમાં કોઈ ને કોઈ રીતે સમસ્યાઓ પેદા કરતું રહ્યું છે. પાકિસ્તાની સત્તાધીશો ભારતને લઈને કેવી માનસિકતા ધરાવે છે તેનું ઉદાહરણ અયુબ ખાન છે. ઇસ્કંદર મિરજાને કપટપૂર્વક પાકિસ્તાની સત્તામાંથી બેદખલ કરી સત્તા પર ચડી બેઠેલા અયુબ ખાન કહેતા હતા કે ભારતીયો (કાફિરો) બીમાર અને માંદલા હોય છે. ભારતની કોમ એટલી તો કમજોર છે કે આપણો નાનો અમથો પ્રહાર પણ સહી શકે તેમ નથી અને આપણે ચપટી વગાડતાં જ ભારત અને ભારતીયોને વેરવિખેર કરી નાખીશું. આ જ ગલતફહેમીના શિકાર થઈ તેઓએ ભારત પર હુમલો કર્યો. તત્કાલીન પાકિસ્તાની વિદેશમંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો છાતી ઠોકીને કહી રહ્યા હતા કે ભારત આંતરરાષ્ટીય સરહદ પર હુમલો કરવાની હિંમત જ નહીં કરે. પરંતુ ૩ સપ્ટેમ્બર, ૧૯૬૫માં ભારતીય સેનાના વીર બંકાઓ છેક લાહોરના ચોકમાં જઈ ભારત માતા કી જયના નારા લગાવી આવ્યા હતા. ભારતની આ જડબાતોડ કાર્યવાહીથી મિયાં અયુબખાન એવા તો ગભરાઈ ગયા હતા કે તેઓએ પોતાની કેબિનેટ બેઠકમાં કહેવું પડ્યું હતું કે, ૫ મિલિયન કાશ્મીરીઓ માટે પાકિસ્તાન પોતાના ૧૦૦ મિલિયન લોકોને ખતરામાં નાખી ન શકે. પાકિસ્તાનને રાષ્ટીય અને આંતરરાષ્ટીય સ્તરે પોતાનું મોઢું દેખાડવાનું પણ ભારે થઈ પડ્યું હતું.
યાહ્યા ખાને પણ અયુબ ખાન ( Ayub Khan ) ની જ ભૂલનું પુનરાવર્તન કર્યું
 
કહેવત છે કે સમજદારને ઇશારો જ કાફી હોય છે, પરંતુ જેહાદી માનસિકતામાં રત પાકિસ્તાની સત્તાવાળાઓ સામે ભારતનું નામ આવતાં જ તેમની સમજશક્તિ બહેર મારી જાય છે. ભૂતકાળમાં મળેલા જડબાતોડ જવાબ છતાં તેઓ ભારતને ગમે તેમ કરી નુકસાન પહોંચાડવા રીતસરના ઘાંઘા બને છે. આ જ માનસિકતાનો શિકાર અયુબખાન બાદ યાહ્યા ખાન પણ બન્યા. ૧૯૭૧માં તેઓના મગજમાં કોઈ જ્યોતિષે ઠસાવ્યું હતું કે તેઓ આવનાર દસ વર્ષો સુધી પાકિસ્તાનના હેડ ઓફ સ્ટેટ બન્યા રહેશે. આ વાત સાંભળી યાહ્યા ખાન એવા તો હવામાં આવી ગયા કે ભારત સામેની હારનો બદલો લેવાની યોજના બનાવવા લાગ્યા. તે વખતે જ્યારે તેઓને કોઈએ પૂું કે આપણે ભારતીય સૈન્યનો સામનો કેવી રીતે કરીશું ? ત્યારે તેમનો જવાબ હતો મુસ્લિમ લડવૈયાઓની ઐતિહાસિક ઉચ્ચતાના જોરે. પરંતુ તેમનો આ ઊભરો ખૂબ જ ઝડપથી શમી ગયો, જ્યારે બાંગ્લાદેશની મદદમાં ભારતે તત્કાલીન ઈસ્ટ પાકિસ્તાન પર હુમલો કર્યો ત્યારે આ મિયાંના બોલ હતા ઃ હું ઈસ્ટ પાકિસ્તાન માટે શું કરી શકું ? હું તો તેના માટે માત્ર દુઆ જ કરી શકું છું. ભારતીય સૈન્યને કમજોર, સ્તર વિહીન ગણાવનારા સત્તાના નશામાં ચૂર પાકિસ્તાની સત્તાધીશો અને સૈન્યનું સ્તર જુઓ. પાકિસ્તાની નેવલ ચીફ પાકિસ્તાન પરની એર સ્ટ્રાઇકની ખબર પણ પાકિસ્તાની રેડિયો દ્વારા પડે છે. જ્યારે તેઓને બીબીસી વર્લ્ડ સર્વિસ દ્વારા ભારતની એર સ્ટ્રાઇકની જાણકારી મળી તો જેમ અયુબ ખાને કાશ્મીરીઓને જવાબદાર ગણાવ્યા હતા તેવી જ રીતે યાહ્યા ખાને કહ્યું હતું કે, તે બંગાળીઓ માટે પાકિસ્તાનીઓને ખતરામાં ન મૂકી શકે.
 

કારગિલ યુદ્ધ Kargil War - પાક. સૈન્યના નાપાક દિમાગની ઊપજ

 
૧૯૬૫ અને ૧૯૭૧માં ભારતીય સૈન્યના હાથે બરાબરની ખાધા છતાં પાકિસ્તાની સૈન્યની માનસિકતામાં જરા પણ સુધારો આવ્યો ન હતો. આ એવા લોકો હતા જેઓ લાજવાને બદલે ગાજી રહ્યા હતા અને ભારતને કેવી રીતે એક હજાર ઘા આપવા તેનાં ષડયંત્રોમાં જ રચ્યા-પચ્યા રહેતા હતા. ૧૯૯૯ પહેલાં પણ બે વખત પાકિસ્તાની સૈન્યએ કારગિલ માર્ગે ભારત પર હુમલાની યોજના બનાવી હતી અને પાકિસ્તાનના રાજનૈતિક આકાઓ સમક્ષ આ સમગ્ર પ્લાન પણ રજૂ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ બન્ને વખત એ યોજનાને નકારી કાઢવામાં આવી હતી. એક વખતે ઝિયા ઉલ હકના સમયે અને બીજી વાર બેનજીર ભુટ્ટોના સમયે. ભુટ્ટો સમક્ષ જ્યારે આ આખી યોજના રજૂ કરવામાં આવી હતી ત્યારે પાકિસ્તાની સૈન્યના ડીજીએમઓ પરવેજ મુશર્રફ હતા.
 

કારગિલ યુદ્ધના અપરાધી

 
પાકિસ્તાની સત્તાધીશો દ્વારા બે-બે વખત કારગિલ ( Kargil ) યોજનાને રોકી દેવા છતાં પાકિસ્તાની સૈન્યમાં એક વ્યક્તિ હતા જેઓને વિશ્ર્વાસ હતો કે આ વખતે તો ભારતને ધૂળ ચટાવીને જ રહીશું અને તે વ્યક્તિ હતા જનરલ પરવેજ મુશર્રફ. મુશર્રફની આ યોજનામાં તેમને પાણી ચડાવી રહ્યા હતા લેફ્ટિનેન્ટ જનરલ મોહમ્મદ અઝીજ ખાન. લેફ્ટિનેન્ટ જનરલ મહમૂદ ખાન અને મેજર જનરલ જાવેદ હસન. આ ચારેય સિવાય લેફ્ટિનેન્ટ કર્નલ જાવેદ અબ્બાસ પણ વાયા કારગિલ મારફતે ભારત સામે જૂનો હિસાબ ચૂકતે કરવાના ભ્રમમાં હતા. લેફ્ટિનેન્ટ કર્નલ જાવેદની ઇન્ડિયા એ સ્ટડી ઇન પ્રોફાઇલના રિસર્ચથી જનરલ પરવેજ મુશર્રફ એટલા તો પ્રભાવિત હતા કે તેઓ પણ એવા ભ્રમમાં રાચવા લાગ્યા હતા કે પાકિસ્તાન જો ભારત પર હુમલો કરી થોડું ઘણું પણ નુકસાન પહોંચાડવામાં સફળ રહે છે તો ભારત આપોઆપ વિખરાઈ જશે અને પાકિસ્તાનનું દાયકાઓ જૂનું સ્વપ્ન સાકાર થઈ શકે છે. પાકિસ્તાની સેનાને એ વાતનો પણ વિશ્ર્વાસ હતો કે હવે તો પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે, જેના ડરને કારણે ભારત જવાબી હુમલો કરતાં ખચકાશે. પરંતુ ૧૯૬૫ અને ૧૯૭૧ની જેમ ૧૯૯૯માં પણ પાકિસ્તાનની ધારણા ખોટી પડી.
 
 
કારગિલ પર હુમલો કરી પાકિસ્તાન શું મેળવવા માંગતું હતું ?
 
 
પાકિસ્તાન કારગિલ પર કબજો કરી નેશનલ હાઈવે નં. ૧ની સપ્લાય બંધ કરી દેવા માંગતું હતું. પાકિસ્તાનને લાગતું હતું કે આ હાઈવે શ્રીનગરને લેહ સાથે જોડે છે. ત્યારે જો આ હાઈવે ઠપ્પ કરી દેવામાં આવે તો ભારતીય સૈન્ય કોઈપણ પ્રકારની જવાબી કાર્યવાહી કરવાની સ્થિતિમાં નહીં રહે. તેઓને લાગતું હતું કે એકવાર કારગિલ પર આપણે પહોંચી ગયા તો ભારતીય સૈન્યની એટલી ક્ષમતા નથી કે તે પાકિસ્તાનને ત્યાંથી હટાવી શકે.
 
આ સિવાય પણ પાકિસ્તાન દ્વારા કારગિલ હુમલાનું દુઃસાહસ કેમ અને કોના જોરે કરવામાં આવ્યું હતું ? તેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આનો સંબંધ કાશ્મીર સાથે છે. પાક. સેનાએ કાશ્મીરમાં જેહાદ થકી મુક્તિ માટે અફઘાનિસ્તાનમાં તાલિબાન પ્રમુખ મુલ્લા મહસૂદ અબ્બાસી સમક્ષ ૨૦થી ૩૦ હજાર જેહાદીઓની માંગણી કરી હતી. તેની સામે મુલ્લા મસૂદ રબ્બાનીએ ૫૦ હજાર જેહાદી લડવૈયા આપવાનું વચન આપ્યું હતું, પરિણામે પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ આત્મવિશ્ર્વાસથી લબાલબ હતા, પરંતુ ભારતીય સૈન્ય એ તમામને ઘોળીને પી જશે અને આટલી હદે જડબાતોડ જવાબ આપશે તેની કલ્પના ન તો પાક. સૈન્યને હતી કે ન મસૂદ રબ્બાનીને.
 
 
... અને અટલજીએ ૨૬ જુલાઇને ‘કારગિલ વિજય દિવસ’ જાહેર કર્યો
 
 
કારગિલને લઈને સૌથી વધુ લાળ ટપકાવી હોય તો તત્કાલીન એના પ્રમુખ પરવેજ મુશર્રફે. ૧૯૬૫ના યુદ્ધ પહેલાં કારગિલના આ શિખરો પર પાકિસ્તાનની સૈન્યનો અડિંગો હતો અને આ શિખર સુરક્ષા અને રણનૈતિક રીતે ખૂબ જ મહત્ત્વની હતી. માટે મિયાં મુશર્રફ કોઈપણ ભોગે એ શિખરોને પાછાં મેળવવા માંગતા હતા. આ સિવાય તેઓને એવું લાગતું હતું કે આમ કરવાથી ભારત પુનઃ એક વખત ૧૯૪૮ વાળી ભૂલ કરશે અને આખો મુદ્દો આંતરરાષ્ટીય બની જશે અને જો કે હવે પાકિસ્તાન પણ પરમાણુ શક્તિ હતું. માટે કોઈ ત્રીજા પક્ષ સમક્ષ આ વિવાદ લાવી પુનઃ એક વખત ભારતને ભેખડે ભરાવવું. પરંતુ આ વખતે પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ મો તેની કલ્પના પણ પાકિસ્તાનને ન હતી. પરવેજ મુશર્રફે ખુદ પોતાની હાર સ્વીકારતાં કહ્યું હતું કે, ભારતે ન માત્ર સૈન્ય બલકે આંતરરાષ્ટીય રણનીતિમાં પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો.
 
૧૩ જૂન, ૧૯૯૯માં તોલોલિંગ શિખરને ભારતીય સૈનિકોએ પાકિસ્તાની સૈન્યના કબજામાંથી છોડાવ્યું, પરિણામે આગળનું યુદ્ધ ભારત માટે વધુ સરળ બન્યું. ત્યાર બાદ તરત જ ૨૦ જૂન, ૧૯૯૯ના રોજ ટવાઇટ ૫૧૪૦ પણ ભારતીય સૈન્યના કબજામાં આવી જવાથી તોતોલિંગ પર ભારતીય સૈન્યનું વિજય અભિયાન પૂરું થયું. ત્યાર બાદ ૨ જુલાઈના રોજ ભારતીય સેનાએ કારગિલ પર બેઠેલા દુશ્મનો પર ત્રણ તરફથી હુમલો કર્યો અને ૪ જુલાઈના રોજ ટાઈગર હિલ પર ભારતીય સેનાની જાંબાઝીના પ્રતિક તરીકે તિરંગો ફરકાવાયો. ૫ જુલાઈના રોજ ભારતીય સેનાએ દ્રાસ ઉપર પણ કબજો જમાવી લીધો. ૭ જુલાઈના રોજ ભારતીય સેનાએ બટાલિકની ઝુબેલ હિલ પર તિરંગો લહેરાવ્યો. ભારતીય સેનાના આ અદમ્ય સાહસને જોઈને હવે પાકિસ્તાની રેન્જર્સના હાથ પગ ફૂલવા માંડ્યા હતા. ૧૧ જુલાઈના રોજ ભારતીય સેનાના ડરથી પાકિસ્તાની રેન્જર્સ ભાગતા જોવા મા હતા. આમ, ભારતીય સૈન્યએ વધુ એક ઝળહળતો વિજય મેળવ્યો અને ટાઈગર હિલને ઘૂસણખોરોથી મુક્ત કરાવ્યું. પાકિસ્તાની ઘૂસણખોરોને મારી ભગાડવાનું અભિયાન ચાલુ જ રહ્યું. ભારતની ૧૪મી રેજિમેન્ટ્સ દ્વારા શક્તિશાળી બોફોર્સથી કારગિલમાં ઘૂસી આવેલા પાક. ઘૂસણખોરો પર તોપમારો ચલાવવામાં આવ્યો, જેને લીધે પાકિસ્તાની સૈન્યમાં હાહાકાર મચી ગયો. ભારતે એલઓસી અંદર વાયુસેનાનાં વિમાનો થકી પણ હુમલા શરૂ કરી દીધા. પાકિસ્તાન ઇચ્છીને પણ પોતાની વાયુસેનાનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરી શકે તેમ ન હતું, કારણ કે પાકિસ્તાન વિશ્ર્વ સમક્ષ રાડો પાડી પાડીને કહી રહ્યું હતું કે કારગિલમાં કાશ્મીરી મુજાહિદ્દીન આઝાદીની લડત લડી રહ્યા છે. તેવામાં જો પાકિસ્તાન ભારત સામે પોતાની હવાઈ સેનાનો ઉપયોગ કરત તો વિશ્ર્વ સમક્ષ તેનું જુઠાણુ ઉઘાડું પડી જાત. પરિણામ એ આવ્યું કે યુદ્ધમાં પાકિસ્તાનના અનેક સૈનિકોની ખુવારી થઈ. પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફ્રન્ટી સંપૂર્ણ બરબાદ થઈ ગઈ હતી.
કારગિલ યુદ્ધ સમયે પાકિસ્તાનના વિદેશ સચિવ રહી ચૂકેલા શમશાદ અહમદ ખાને કારગિલ યુદ્ધને લઈ કહ્યું હતું કે વિશ્ર્વના માટે એ પરિસ્થિતિ સૌથી ખરાબ હોય છે. અમે સંપૂર્ણ તાકાત અને ક્ષમતા લગાવી છતાં સમગ્ર વિશ્ર્વએ કારગિલ યુદ્ધ માટે અમને જ જવાબદાર ઠેરવ્યા. સમગ્ર વિશ્ર્વનું દબાણ અમારા પર હતું. ના છૂટકે અમારે યુદ્ધમાં પાછી પાની કરવી પડી.
પાકિસ્તાની સૈન્યમાં લેફ્ટિનેન્ટ જનરલ (સેવાનિવૃત્ત) અલી કુલી ખાને કારગિલ યુદ્ધમાં મળેલ કારમા પરાજયને પાકિસ્તાનનાં ઇતિહાસમાં મળેલ સૌથી ખરાબ પરાજય ગણાવ્યો હતો. કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સેનાની અનેક છૂપી બાબતો બહાર આવી ગઈ હતી, જેમાં મોટો ધડાકો એ થયો હતો કે મોટી સંખ્યામાં પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ નશાની લતમાં ડૂબેલા છે.
 
 
આ સમગ્ર કારગિલ યુદ્ધ દરમિયાન થયેલી સૈન્ય કાર્યવાહીના ઓપરેશનને ‘ઓપરેશન વિજય’ (Operation Vijay) તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સૈનિકોએ ખૂબ જ બહાદુરીથી પાકિસ્તાનને પરાસ્ત કર્યું હતું અને ઓપરેશન વિજયને સફળ બનાવ્યું હતું. આ અભૂતપૂર્વ વિજયની યાદમાં તત્કાલિન વડાપ્રધાન શ્રી અટલબિહારી વાજપાઈએ ૨૬ જુલાઇએ સમગ્ર દેશમાં ‘કારગિલ વિજય દિવસ’ ઉજવવાની જાહેરાત કરી હતી.
 
 
કારગિલ યુદ્ધ - kargil war દરેક મોર્ચે પાકિસ્તાનની ફજેતી
 
 
કારગિલ યુદ્ધે kargil war પાકિસ્તાનને એક રાષ્ટના રૂપમાં સંપૂર્ણપણે બેનકાબ કરી દીધું હતું. કારગિલમાં મળેલા કારમા પરાજયથી હાંફળી બનેલી સરકાર અને સૈન્ય બન્ને એકબીજા પર આરોપો લગાવવા લાગ્યાં હતાં. તત્કાલીન પ્રધાનમંત્રીએ એમ કહીને હાથ ઊંચા કરી દીધા હતા કે મિયાં, મને તો કારગિલમાં કાર્યવાહી અંગે કંઈ જ ખબર જ ન હતી. તો બીજી તરફ જનરલ મુશર્રફ જ્યાં ત્યાં દુહાઈ આપતા ફરી રહ્યા હતા કે નવાજ શરીફને કારગિલ મિશન અંગે સંપૂર્ણ જાણકારી હતી. હવે નવાજ શરીફને આ આખા કાંડની ખબર હતી કે ન હતી તે બન્ને સંજોગોમાં પાકિસ્તાનની ફજેતી જ ફજેતી છે. જો પાકિસ્તાનના પ્રધાનમંત્રીની વાત માનીએ કે તેમને કારગિલ કાંડની ગંધ સુધ્ધાં નહોતી આવી તો એ વાત સાબિત થઈ જાય છે કે પાકિસ્તાનના નિયંત્રણમાં સેના નથી પણ સેનાના નિયંત્રણમાં પાકિસ્તાન છે.
 
 
પાકિસ્તાનના તત્કાલીન વિદેશમંત્રીએ પણ કહ્યું હતું કે દેશના વિદેશમંત્રી હોવા છતાં પણ મને ૧૭ જુલાઈ, ૧૯૯૯ની સવારે છેક કારગિલ કાંડની જાણ થઈ હતી. તેમની સાથે આ કાંડ કરવામાં આવ્યો તેના રણનૈતિક સ્તરે શું પરિણામ આવશે તે અંગે કોઈએ ચર્ચા જ કરી ન હતી.
 
પાકિસ્તાની સૈન્ય એટલી હદે અફરા-તફરીમાં હતું કે પાકિસ્તાનના તત્કાલીન એડમિરલ ફેસુદ્દીન બુખારીએ મુશર્રફને સીધેસીધું જ પૂછી લીધું હતું કે મને આ સમગ્ર ઓપરેશન અંગે કોઈ જ જાણકારી નથી. હું પૂછું છું કે આટલા મોટા પગલાનો આશય શું છે ? આપણે એક સાવ ઉજ્જડ એવી જગ્યા માટે યુદ્ધ કેમ કરી રહ્યા છીએ અને એમ પણ શિયાળો આવતાં જ આપણે તે ચોકીઓ ખાલી કરવી જ પડશે. મુશર્રફ પાસે તેમના આ સવાલનો કોઈ જ જવાબ નહોતો.
 
સમગ્ર વિશ્ર્વની રાહે પાકિસ્તાનના ખાસમખાસ મિત્ર ચીને પણ પાકિસ્તાનને કારગિલ ખાલી કરવાની સલાહ આપી હતી. શરૂ શરૂમાં તો પાકિસ્તાન એક જ રેકર્ડ વગાડી રહ્યું હતું કે, કારગિલમાં મુજાહિદ્દીનો જ લડી રહ્યા છે. પરંતુ ભારતીય સૈનિકોના રૌદ્રરૂપથી ડરીને પાકે. પોતાના સૈનિકો પરત બોલાવવા માંડ્યા ત્યારે તે સમગ્ર વિશ્ર્વ સમક્ષ બેનકાબ થઈ ગયું.
 

 Kargil Vijay diwas_1&nbs 
 
 
વિજય દિવસના વધામણાં અને વીરોને સલામ
 
 
કારગિલમાં સ્થાનિકથી માંડી આંતરરાષ્ટીય સ્તરે ભારે ફજેતી છતાં તત્કાલીન જનરલ પરવેજ મુશર્રફ તો કારગિલમાં પાકિસ્તાનનો વિજય થયો હતો એમ જ કહે છે, પરંતુ હકીકત તો એ છે કે પાકિસ્તાને પોતાના સૈનિકોને કારગિલમાં મરવા માટે છોડી દીધા હતા. અરે જગહસાઈ અને નાલેશીથી બચવા તેઓએ તેમના જ દેશ માટે લડી મરેલા સૈનિકોના મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી. કારગિલ યુદ્ધમાં માર્યા ગયેલા પાકિસ્તાનના અનેક જવાનોના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પાક. સૈનિકોના પેટમાં ઘાસ હોવાનું બહાર આવ્યું હતું એટલે કે પાકિસ્તાનના જવાનો પાસે ખાવાનું પણ ન હતું. પરિણામે તેઓ ઘાસ ખાવા મજબૂર હતા.
 
પરવેજ મુશર્રફે છતાં પણ પોતાની ટંગડી ઊંચી રાખતાં એક પુસ્તકમાં લખ્યું છે કે અમે તો કારગિલ યુદ્ધમાં ખૂબ બધું મેળવ્યું હતું, પરંતુ અમે જે મેળવ્યું તે બધું જ અમારા દેશના નેતાઓએ ડિપ્લોમસીમાં ગુમાવી દીધું. પરંતુ બીજી તરફ તત્કાલીન પ્રધાનમંત્રી નવાજ શરીફે જ એક મુલાકાતમાં કબૂલ્યું હતું કે અમે અમેરિકા પાસે મદદ માંગી હતી. અમેરિકા પાકિસ્તાનથી મદદ કરવા તૈયાર પણ થઈ ગયું હતું, પરંતુ ત્યાં સુધી તો ભારતીય સેના આખા કારગિલ પર વિજય મેળવી ચૂકી હતી અને ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી. તેવામાં મેં પાક. સેનાને યુદ્ધમોરચેથી પાછી બોલાવી પાક. સૈન્યના સન્માનને બચાવ્યું હતું.
 
મુશર્રફ કહે છે કે મેં નવાજ શરીફને અમેરિકા સાથે વાતચીત કરવા અને તેમની મદદ માંગવા કહ્યું જ ન હતું, પરંતુ હકીકત એ છે કે નવાજ શરીફ જ્યારે અમેરિકા જઈ રહ્યા હતા ત્યારે ખુદ મુશર્રફ જ તેમને એરપોર્ટ પર છોડવા ગયા હતા અને ગમે તેમ કરી પાકિસ્તાની સૈન્યના જે જવાનો કારગિલમાં ફસાયા છે તેમને હેમખેમ પાછા લાવવાનો માર્ગ કાઢવાની વાત કરી હતી. આમ તમામ સ્તરે જોઈએ તો પાકિસ્તાન ફેનેટિક ફોર (ચાર સૈન્ય અધિકારી જેઓએ કારગિલ હડપવાનું ષડયંત્ર રચ્યું હતું)ની ફેંટસીનું વધુ એકવાર શિકાર બન્યું અને આમ એક અસફળ દેશનું શાતિર ષડયંત્ર પણ અસફળ રહ્યું.
 
 
આ ૨૬મી જુલાઈ, ૨૧ના રોજ કારગિલના આ અભૂતપૂર્વ વિજયને ૨૨ વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે આપણે સૌ અભૂતપૂર્વ વિજય પ્રાપ્ત કરી કારગિલની ટેકરી પર તિરંગો રોપનારા આપણા ઝાંબાજ વીરોનું સ્મરણ કરીએ. સૌને વિજય દિવસનાં વધામણાં અને વીરોને સલામ.