ભારતના યુવાધનને એક યોજનાબદ્ધ એજન્ડા દ્વારા ભારતીય સંસ્કૃતિથી વિમુખ કરવાનાં ષડયંત્રો ચાલી રહ્યાં છે ત્યારે...

    31-Jul-2021
કુલ દૃશ્યો |
 
DharmaFest_1  H
 
 
ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વૈભવની ન્યુઝીલેન્ડમાં પ્રસ્તુતિ ઓકલેન્ડમાં યોજાનારા ‘ધર્મ ફેસ્ટ’ કાર્યક્રમ દ્વારા ન્યૂઝીલેન્ડ હિન્દુ સંસ્કૃતિનો આનંદ માણશે
 
ભારતના યુવાધનને એક યોજનાબદ્ધ એજન્ડા દ્વારા ભારતીય સંસ્કૃતિથી વિમુખ કરવાનાં ષડયંત્રો ચાલી રહ્યાં છે. ત્યારે પશ્ર્ચિમના દેશો સહિત ઈસાઈપંથી દેશોમાં હિન્દુ જીવનપદ્ધતિ સ્વયંસ્ફૂર્ત રીતે વધુ ને વધુ સ્વીકૃત થતી જાય છે. હિન્દુ જીવનપદ્ધતિ વિશેની જિજ્ઞાસા સંતોષવા માટે આગામી ૨૨ ઓગસ્ટના દિવસે ન્યુઝીલેન્ડમાં ‘ધર્મ ફેસ્ટ’ નામના એક બહુઆયામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત છે આ કાર્યક્રમ વિશેની રોચક જાણકારી...
 
હાંડવો, ખમણ, ઢોકળાં, ઈડલી સાંભાર, રસમ, પાયસમ, પુરણપોળી, બંગાળી મીઠાઈ સંદેશ, ઓડિસાનાં રસગુલ્લાં, ગરબા, ભાંગડા, બિહુ, લાવણી, ઘુમર, કથ્થક, કથકલી, ભરતનાટ્યમ્, કુચીપુડી અને બીજુ ઘણું બધું. આ બધું જ વિદેશમાં એક સાથે એક જ સ્થળે માણી શકાય એવું શક્ય છે ખરું ? આ પ્રશ્ર્નનો ઉત્તર તમે ‘ના’ આપવાના હો તો તમારી ભૂલ થાય છે. સમગ્ર ભારતીય પરંપરાને એક જ સ્થળે, એકસાથે પ્રસ્તુત કરવાનો એક ભગીરથ ઉપક્રમ ભારતમાં નહીં, પરંતુ ન્યુઝીલેન્ડમાં આકાર લઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા ખ્રિસ્તીપંથી દેશોમાં હિન્દુ જીવનપદ્ધતિ વિશેની જિજ્ઞાસા સતત વધતી જાય છે. આ જિજ્ઞાસાને સંતોષવા માટે ન્યુઝીલેન્ડના પાટનગર ઓકલેન્ડમાં ‘ધર્મ ફેસ્ટ’ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
 
‘હિન્દુ યુથ ન્યુઝીલેન્ડ’ દ્વારા ૨૨મી ઓગસ્ટ, ૨૦૨૧ના દિવસે યોજાનારા ‘ધર્મ ફેસ્ટ’ કાર્યક્રમમાં નિત્ય નૂતન, ચિર પુરાતન એવા હિન્દુ જીવનદર્શનને તેના અનેકવિધ આયામો દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આધુનિકતાના નામે દૈનિક જીવનમાં વ્યાપેલાં દૂષણોથી યુક્ત સમાજને માંસાહાર, મદ્યપાન અને ધૂમ્રપાનથી મુક્ત એવી ભારતીય જીવનપદ્ધતિનાં દર્શન કરાવવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે હિન્દુ જીવન પદ્ધતિ કેટલી ઉપયોગી છે તે પણ વિવિધ માધ્યમો દ્વારા ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડના લોકો જાણી શકશે.
 
ધર્મ ફેસ્ટ એ સાર્વજનિક આયોજનમાં હજારો લોકો પ્રાચીન ભારતની વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિની સાથોસાથ કલા, કારીગરી, યોગ, ધ્યાન, આયુર્વેદ, વેશભૂષા તથા આહારવૈવિધ્યનો આનંદ માણી શકશે. વિભિન્નતાયામ્ એકત્વમ્ અનેકતામાં એકતા એ ધ્યેયમંત્ર સાથે યોજવામાં આવેલા ‘ધર્મ ફેસ્ટ’ કાર્યક્રમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હિન્દુ પરંપરાના સર્વ પંથોના અનુયાયીઓ પોતપોતાની પ્રાર્થના પણ પ્રસ્તુત કરવાના છે. ‘ધર્મ ફેસ્ટ’ કાર્યક્રમના સંયોજક શ્રી મુરલી કૃષ્ણે જણાવ્યું હતું કે ‘આ કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન યુવાનો દ્વારા જ કરવામાં આવ્યું છે. ન્યુઝીલેન્ડના પ્રજાજનો માટે આ કાર્યક્રમ કલ્પનાતીત અને ચિરસ્મરણીય બની રહેશે. ન્યુઝીલેન્ડના મૂળ નિવાસી ગણાતા માવરી પંથના અગ્રણીઓએ આ કાર્યક્રમની સફળતા માટે વિશેષ આશીર્વાદ આપ્યા છે.’
 
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૮માં મકર સંક્રાંતિના શુભ દિવસે આકાર પામેલા ‘હિન્દુ યુથ ન્યુઝીલેન્ડ’ સંગઠન દ્વારા હિન્દુ સંસ્કારોના સંવર્ધનની સાથોસાથ પર્યાવરણ સુરક્ષા અને સમાજકલ્યાણના અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. ‘ધર્મ ફેસ્ટ’ કાર્યક્રમમાં બનાવવામાં આવેલા વિવિધ વિભાગો દ્વારા ન્યુઝીલેન્ડના પ્રજાજનો વૈવિધ્યસભર પરંપરાગત ભારતીય આહાર, લોકનૃત્યો, પરિધાનો, શાસ્ત્રીય સંગીત, લોકસંગીત સહિત અનેક આયામોનો આનંદ માણી શકશે. હિન્દુ જીવનપદ્ધતિ ઉપર આધારિત પ્રદર્શની દ્વારા તેમની હિન્દુ જિજ્ઞાસા સંતોષાશે એવો વિશ્ર્વાસ શ્રી મુરલી કૃષ્ણે વ્યક્ત કર્યો હતો. ન્યુઝીલેન્ડમાં સમગ્ર હિન્દ જીવનદર્શન એક સ્થાને એકસાથે પ્રસ્તુત કરવાના આ કાર્યક્રમને સફળ બનાવવામાં ન્યુઝીલેન્ડમાં વસતા સર્વપંથી હિન્દુઓ આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહ્યા છે.
 
***
 
(સાભાર - ઓર્ગેનાઇઝર)