વિજય મંદિર - વિદિશા । Vijay temple in vidisha
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી લગભગ ૬૦ કિલોમીટર દૂર આવેલું છે વિદિશા. અહીં એક એવું સ્થળ છે જે લોકો માટે આજે પ્રવાસન સ્થળ છે પરંતું વાસ્તવિકતા એ છે કે પ્રાચિન કાળમાં અહીં એક ભવ્ય અને વિશાળ મંદિર હતું. આ મંદિર એટલે વિદિશામાં આવેલું વિજય મંદિર. જેની વિશાળતાના કારણે મુગલ આક્રાંતા ઔરંગજેબે આ મંદિર પર તોપ વડે હુમલો કરાવ્યો હતો. પણ ઉલ્લેખનીય વાત એ છે કે અનેક ઇસ્લામી આક્રમણો પછી પણ આજે આ મંદિરના અવશેષો અહીં જોવા મળે છે. અને મહત્વની વાત એ છે કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત ભારતની જે નવી સંસદ બની રહી છે તેની બનાવટ બિલકુલ આ મંદિર જેવી જ છે.
મંદિરનો ઇતિહાસ
વિદિશાનું આ મંદિર સૂર્ય ભગવાનનું છે. ચાલુક્ય રાજાઓએ પોતાના શૌર્યપૂર્ણ વિજયને અમર બનાવવા આ વિજય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. જો કે ચાલુક્ય વંશી રાજા સ્વયંને સૂર્યવંશી માનતા હતા માટે આ વિશાળ મંદિર તેમણે સૂર્ય ભગવાનને સમર્પિત કર્યું હતું. આ મંદિરના નિર્માણનો શ્રેય ચાક્યુવંશી રાજા કૃષ્ણના પ્રધાનમંત્રી વાચસ્પતિને જાય છે. આ પછી ૧૦મી ૧૧મી સદી દરમિયાન પરમાર શાસકો દ્વારા આ મંદિરનું પુનઃનિર્મણ કરાવવામાં આવ્યું. આ મંદિરે અનેકવાર ઇસ્લામિક રાજાઓનું આક્રમણ સહન કર્યુ છે જેના કારણે મંદિર ક્ષતિગ્રસ્ત થતું રહ્યું છે. આવામાં મરાઠા શાસકો દ્વારા પર આ મંદિરનો જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો તેના પ્રમાણ મળી રહ્યા છે.
ખજુરાહોના મંદિર કરતા પણ વિશાળ છે આ મંદિર
વિજય મંદિરના અવશેષોનો અભ્યાસ કરવામાં આવ્યો અને જાણકારી મળી છે કે આ મંદિર ખજુરાહોના પ્રસિદ્ધ મંદિર કરતા પણ ભવ્ય, સમૃધ્ધ અને વિશાળ હતું. આ મંદિરમાં જે નક્શીકામ થયું છે તે જે તે સમયની શ્રેષ્ઠ કલાકારી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ વિજય મંદિરની ઊંચાઈ લગભગ ૧૦૦ ફૂટ હતી અને તે વિશાળ જગ્યામાં ફેલાયેલું હતું. આજે પણ મંદિરના અવશેષ ઊંચા સ્થાન પર સ્થાપિત છે.
તે સમયની સર્વશ્રેષ્ઠ વાસ્તુકલાનો ખ્યાલ તમને આ મંદિરના અવશેષો જોવાથી આવશે. મંદિરના દક્ષિણ ભાગનું ખોદકામ કરવાથી મુખ્યદ્વાર તરફના વિશાળ પગથિયા મળ્યા છે. આના પર શંખની ખૂબજ સુંદર કલાકૃતિ કોતરેલી જોવા મળે છે. આ ઉપરાંત જે ચબૂતરા પર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના પથ્થરો પર અનેક દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ છે.મંદિરના સ્તંભોને પણ યક્ષની આકૃતિઓથી સુસજ્જિત કરવામાં આવ્યા છે.
અહીંનું કીર્તિમુખ કલાકૃતિઓમાં સર્વશ્રેષ્ઠ છે. જેનું પ્રદર્શન વિદેશોમાં પણ કરવામાં આવે છે. માનવ અને સિંહોના મુખની જેવી કોતરણી દ્વારા આ કલાકૃતિ બનાવવામાં આવી છે. તેને કિર્તીમુખ કહેવામાં આવે છે. વિદિશામાં વિજય મંદિરમાં આવેલું આ કિર્તીમુખ અદ્વિતીય કલાકૃતિ છે. મંદિરમાં કૃષ્ણલીલા આયોજીત કરવામાં આવતી હતી તેના અવશેષ પણ અહીંથી મળ્યા છે.
મંદિર પરિસરમાં આ તક્તી મુકવામાં આવી છે કેમાં લખવામાં આવ્યું છે કે ઔરંગજેબે આ મંદિર તોડાવી પાડ્યુ હતું
મંદિર અને ઇસ્લામી આક્રમણનો ઇતિહાસ
વિદિશાના આ વિશાળ વિજય મંદિર પર અનેકવાર અક્રમણ થયા. પણ તેમ છતા આ મંદિરની ઓળખ નષ્ટ થઈ નથી. ઇતિહાસકારો કહે છે કે આ મંદિર પર વર્ષ ૧૨૩૩/૩૪ દરમિયાન આક્રમણ થયુ હતું. દિલ્હીમાં શાહ મોહમ્મદ ગૌરીના ગુલામ અલ્તમશે આ મંદિર અને અહીં સ્થાપિત પ્રતિમાઓને તોડી પાડી હતી. પરંતું ૧૨૫૦ દરમિયાન આ મંદિરનું પુનઃનિર્માણ કરાવામાં આવ્યું. આ પછી વર્ષ ૧૨૯૦માં આ મંદિર ફરી અલાઉદ્દીન ખિલજીએ અને ૧૪૫૯/૬૦ દરમિયાન મહમૂદ ખીલજીએ આક્રમણ કર્યુ હતું.
વર્ષ ૧૫૩૨માં બહાદૂર શાહે વિજય મંદિરને નુકસાન પહોંચાડ્યું હતું. ઉલ્લેખનીય વાત એ છે કે આ પછી પણ આ મંદિરને સુરક્ષિત રાખવાના અનેક પ્રયાસો પણ કરવામાં આવ્યા. આજ કારણ હતું કે ઔરંગજેબના સમય દરમિયાન આ મંદિર તેની વિશાળતાને કારણે પ્રસિદ્ધ હતું. મંદિરનો આ વૈભવ ઔરંગજેબથી દેખાયો નહી અને તેણે ૧૬૮૨માં તોપ વડે આ મંદિરને તોડી પાડ્યું. ઔરંગજેબના આ આક્રંમણ પછી મરાઠા શાસકોએ આ મંદિરનો જીણોદ્ધાર કરાવ્યો હતો.
ઇતિહાસકારોનુ મનવું છે કે ૧૯૨૨ના સમયગાળા દરમિયાન મુસ્લિમો દ્વારા અહીં નમાજ પઢાતી હતી અને હિન્દુઓ દ્વારા કરાતી પૂજાનો વિરોધ કરાતો હતો. ૧૯૪૭ પછી હિન્દુ મહાસભા દ્વારા આ મંદિરને મેળવવા સંઘર્ષ કરવામાં આવ્યો અને ત્યાર પછી આ મંદિરને સરકારી નિયત્રંણ હેઠળ લેવામાં આવ્યું.
અહીં કેવી રીતે પહોંચવું?
વિદિશા ભોપાલથી લગભગ ૬૦ કિલોમીટર દૂર છે. રાજાભોજ અહીંથી સૌથી નજીકનું એરપોર્ટ છે. આ ઉપરાંત ઇન્દોરનું અહિલ્યાબાઈ એરપોર્ટ વિજય મંદિરથી લગભગ ૨૫૦ કિલોમીટર દૂર છે.
વિજય મંદિરથી વિદિશાં રલવે જંક્શન ૨ કિલોમીટર દૂર છે. આ ઉપરાંત વાહન દ્વારા પણ અહીં જઈ શકાય છે. રાષ્ટ્રીય રાજમાર્ગ ૧૪૬ વિદિશા થઈને પસાર થાય છે…