અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને તેના પરિણામો...

    12-Aug-2021
કુલ દૃશ્યો |

1857 kranti_1  
 
ગુજરાત ૧૮૫૭ની ક્રાંતિ અને ગુજરાત
 
 
ગુજરાતમાં : ભારતમાં ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ માટેનાં લગભગ બધાં જ પરિબળો અને કારણો ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોજૂદ હોવા ઉપરાંત ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અમુક વિશિષ્ટ પરિબળો પણ હતાં. ડેલહાઉસીએ નિયુક્ત કરેલ ઇનામ કમિશનની ભલામણો અનુસાર ગુજરાતના ઘણાખરા પ્રદેશોના ઠાકોરો અને તાલુકદારોની બક્ષિસમાં મળેલી જમીનો જપ્ત થઈ હતી. વિશેષમાં કંપની સરકારની રાજકીય તથા આર્થિક નીતિએ ગુજરાતના નાના જાગીરદારોની આર્થિક પાયમાલી સર્જી. આથી તેઓએ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આગેવાનીભર્યો ભાગ ભજવ્યો. ગુજરાતના લશ્કરમાં આરબ, મકરાણી, સિંધી, મરાઠા, પવારી, મુસ્લિમ વગેરેની ભરતી મોટા પ્રમાણમાં થતી, જ્યારે ગુજરાતની લડાયક કોમો કાઠી, કોળી, ભીલ, ઠાકોરો, નાયકડા વગેરેની ભરતી જૂજ પ્રમાણમાં થતી. પરિણામે આ લોકો ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય વાહક બન્યા. ગુજરાતની આસપાસના મધ્ય ભારત, રાજપૂતાના તથા મહારાષ્ટના પ્રદેશોમાં થયેલા સ્વાતંત્ર્ય સંગ્રામે ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉત્તેજન આપ્યું.
 
ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત અમદાવાદમાં થઈ. પ્રથમ જૂન ૧૮૫૭માં અમદાવાદની ૭મી ટુકડીએ તેના સૂબેદારની આગેવાની નીચે બળવો પોકાર્યો. અમદાવાદમાંથી સ્વાતંત્ર્ય સંગ્રામનું સૌથી મહત્ત્વનું આયોજન સપ્ટેમ્બર-ઑક્ટોબર, ૧૮૫૭માં શાહીબાગમાં કરવામાં આવ્યું. તેના મુખ્ય આગેવાનો વડોદરાના મહારાજા ગાયકવાડ ખંડેરાવના સાવકાભાઈ ગોવિંદરાવ ગાયકવાડ (બાપુ ગાયકવાડ), ભાઉસાહેબ પવાર, ભોંસલે રાજા, વડોદરાના વેપારી નિહાલચંદ ઝવેરી તથા પાટણના વાણિયા મગનલાલ હતા. તેઓએ મહી નદીનાં કોતરોમાં આશરે ૫૦૦૦નું લશ્કર એકત્રિત કર્યું. પરંતુ એક જાસૂસ મારફત આની માહિતી ગાયકવાડ ખંડેરાવ તથા બ્રિટિશ રેસિડેન્ટ શેક્સપિયરને મળતાં તેઓએ લશ્કર મોકલીને બળવાખોરો પર ઓચિંતો હુમલો કર્યો. આથી સ્વાતંત્ર્યસંગ્રામકારીઓ પરાજિત થયા.
 
પંચમહાલ જિલ્લામાં જમીનદાર તિલીદારખાનના નેતૃત્વ નીચે બળવાખોરોએ દોહદ (દાહોદ)નો કબજો લીધેલો. ગોધરામાં પણ બળવો થયો. લુણાવાડાના જમીનદાર સૂરજમલનો બળવો ઘણો ઉગ્ર હતો. તે આશરે છ માસ ચાલ્યો. ત્યારબાદ નાયકોએ તેમના સરદારો રૂપા નાયક અને કેવલ નાયકની નેતાગીરી નીચે સરકાર સામે કરેલો બળવો છેક ડિસેમ્બર ૧૮૫૮ સુધી ચાલ્યો. આણંદના મુખી ગરબડદાસ અને તેના સાથીઓએ કંપની સરકારના લશ્કરને ભારે હંફાવ્યું. ઉત્તર ગુજરાતમાં વિજાપુર, ચાંડપ, મુંડેઠી, ખેરાલુ, વડનગર વગેરે સ્વાતંત્ર્ય સંગ્રામનાં મુખ્ય કેન્દ્રો હતાં. ઈડર પાસેના ચંડપ ગામના મુખીઓ નાથાજી અને ચમાજીની સરદારી નીચે ચાંડપના કોળીઓએ કંપનીના લશ્કરને ભારે લડાઈ આપતાં આખા ગામનો નાશ કરવામાં આવ્યો. વિજાપુર અને વડનગરના ૫,૦૦૦ જેટલા કોળીઓએ કંપનીના લશ્કરને છ માસ સુધી લડાઈ આપી.
 
 
તાત્યા ટોપેનું ગુજરાતમાં આગમન
 
 
ઉત્તર ભારતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ લગભગ શાંત થઈ ગયા બાદ તાત્યા ટોપે અંગ્રેજ સેનાપતિઓને થાપ આપીને, ૪,૦૦૦ના લશ્કર સાથે નર્મદા ઓળંગીને નવેમ્બર ૧૮૫૮માં ગુજરાતમાં પ્રવેશ્યા. તે ૧લી ડિસેમ્બર ૧૮૫૮ના રોજ વડોદરાથી આશરે ૬૦ કિમી. દૂર આવેલ છોટાઉદેપુર પહોંચ્યા. તેમનો ઇરાદો વડોદરાના મહારાજા ખંડેરાવ તથા ગુજરાતના જાગીરદારોનો સાથ મેળવીને બ્રિટિશ સત્તાને ગુજરાતમાંથી નાબૂદ કરવાનો હતો. પંચમહાલ તથા ખેડાના જાગીરદારોએ તેઓને પોતાના સાથની ખાતરી આપી. પરંતુ ખંડેરાવ બ્રિટિશ સરકાર તરફી હોવાથી તેમણે સાથ આપવાનો ઇન્કાર કર્યો. દરમ્યાનમાં તેનો પીછો કરી રહેલ બ્રિગેડિયર પાર્કના લશ્કર સાથે તાત્યાને છોટાઉદેપુર પાસે લડવું પડ્યું (૨-૧૨-૧૮૫૮), જેમાં તે પરાજિત થતાં વડોદરા પહોંચવાનું તેનું લક્ષ્ય સિદ્ધ થઈ શક્યું નહિ.
 
 
ભારતીય સૈનિકોને અંગ્રેજી અન્યાય
 
 
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે ભારતીય લશ્કરમાં આશરે ૨,૯૯,૨૨૦ હિંદી સૈનિકો તથા અધિકારીઓ સહિત લગભગ ૫૧,૩૦૦ અંગ્રેજ સૈનિકો હતા. આ રીતે લશ્કરમાં હિંદી અને અંગ્રેજ સૈનિકોનું પ્રમાણ આશરે ૭ : ૧નું હતું. વળી લડાઈ વખતની આગલી હરોળની જોખમી સેવાઓ ભારતીય સૈનિકોને બજાવવી પડતી. આમ છતાં અંગ્રેજ સૈનિકોનાં પગાર અને ભથ્થાં હિંદી સૈનિકોના પગાર અને ભથ્થાં કરતાં પાંચથી સાતગણાં હતાં. હિંદી સૈનિક જીવનભરની લશ્કરી સેવા બાદ માત્ર સૂબેદારની જગ્યા (માસિક પગાર રૂ. ૬૦થી ૭૦) સુધી બઢતી મેળવી શકતો, જ્યારે અંગ્રેજ સૈનિક ઉચ્ચતમ હોદ્દા સુધી બઢતી પામી શકતો. વિશેષમાં અંગ્રેજ અધિકારીઓનું હિંદી સૈનિકો પ્રત્યેનું વર્તન ઘણું તુમાખીભર્યું અને તોછડું હતું. લશ્કરી બેરેકોમાં ખ્રિસ્તી પાદરીઓનાં થતાં પ્રવચનોમાં હિંદી સૈનિકોને ફરજિયાત હાજરી આપવી પડતી. સ્વાતંત્ર્ય સંગ્રામના એક આગેવાન નેતા નાનાસાહેબ પેશ્ર્વાએ ફ્રાન્સના સમ્રાટ નેપોલિયન ત્રીજા પર લખેલા ત્રણ પત્રો(૨૮ એપ્રિલ તથા ૩૧ મે ૧૮૫૭)માં કંપનીના હિંદીઓ પ્રત્યેના અન્યાયોનું વિવરણ કરવામાં આવ્યું છે. મંગલ પાંડે, ઝાંસીની રાણી અને અન્ય ક્રાંતિવીરો આ દરમ્યાન ૧૮૫૬માં હિંદી લશ્કરમાં એન્ફિલ્ડ નામે નવી રાઇફલ દાખલ કરવામાં આવી. તેનાં કારતૂસો મોઢેથી ખોલવાનાં હતાં. આ કારતૂસોની બનાવટમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયાનું માલૂમ પડ્યું. હિંદુ અને મુસ્લિમ બંને માટે ગાય અને ડુક્કરનું માંસ વર્જ્ય હોઈને હિંદી સૈનિકોનો અસંતોષનો ધૂંધવાતો અગ્નિ પરાકાષ્ઠાએ પહોંચ્યો. આમ કારતૂસોએ ૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તણખો મૂક્યો અને તેનો અગ્નિ હિંદમાં ચોમેર ફરી વળ્યો. સ્વાતંત્ર્ય સંગ્રામ માટે ૩૧મી મે ૧૮૫૭ની તારીખ નક્કી થઈ હોવાનું મનાય છે.
 
બરાકપુર છાવણીની ૧૯મી પલટણે એન્ફિલ્ડ રાઇફલને અડકવાનો ઇન્કાર કરતાં તેને વિખેરી નાખવાનો નિર્ણય લેવાયો. આ માટે ૨૯મી માર્ચ ૧૮૫૭ના રોજ તેને મેદાન પર લાવવામાં આવી. આ સમયે ૩૪મી પલટણના સિપાઈ મંગલ પાંડેએ ખુલ્લો બળવો પોકારી, અંગ્રેજ અધિકારીઓ પર ગોળી છોડી. તેની ધરપકડ કરીને તેને ૮મી એપ્રિલ ૧૮૫૭ના રોજ ફાંસી આપવામાં આવી. મંગલ પાંડેની શહીદીથી સ્વાતંત્ર્ય સંગ્રામની યોજના ખુલ્લી પડી ગઈ, અને કંપની સરકાર આવનાર બળવા સામે સજાગ બની. મેરઠની ત્રીજી અશ્ર્વદળ ટુકડીના ૮૫ સૈનિકોએ એન્ફિલ્ડ રાઇફલને સ્પર્શ કરવાનો ઇન્કાર કરતાં તેઓને સખત મજૂરી સાથેની ૮થી ૧૦ વર્ષની સજા કરવામાં આવી (૯મી મે ૧૮૫૭). આથી મેરઠના હિંદી સૈનિકોએ ૧૦મી મે ૧૮૫૭ના રોજ ખુલ્લો બળવો પોકાર્યો. તેઓએ કેદીઓને મુક્ત કરીને મેરઠના અંગ્રેજોની હત્યા કરી. આમ સ્વાતંત્ર્ય સંગ્રામ નિશ્ર્ચિત તારીખ (૩૧મી મે ૧૮૫૭) પહેલાં શરૂ થતાં, તેને ભારે નુકસાન થયું. મેરઠના સૈનિકોએ બીજે દિવસે (૧૧મી મે) દિલ્હી પહોંચીને પાદશાહ બહાદુરશાહને સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ લેવાની ફરજ પાડી. પાદશાહની બેગમ જિન્નતમહાલે સૈનિકોની સાથે મળીને સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું. સૈનિકોની અને અંગ્રેજોની કતલ કરીને દિલ્હી શહેર કબ્જે કર્યું. કાનપુરમાં પ્રથમ સૂબેદાર ટીકાસિંહની આગેવાની નીચે સૈનિકોએ બળવો પોકાર્યો (૪થી જૂન ૧૮૫૭); અને તેઓ નાનાસાહેબ પેશ્ર્વાને પોતાની નેતાગીરી લેવા સમજાવવામાં સફળ થયા. ત્યારબાદ કાનપુર અને ઉત્તર પ્રદેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રસારણમાં નાનાસાહેબ, તેના મંત્રીઓ, રંગો બાપુજી તથા અઝીમુલ્લા-ખાન અને તેના સેનાપતિ તાત્યા ટોપેએ અગ્રભાગ ભજવ્યો.
સ્વાતંત્ર્ય સંગ્રામના અન્ય નેતાઓમાં અયોધ્યાના પદભ્રષ્ટ નવાબ વાજીદઅલીનાં બેગમ હજરતમહાલ તથા તેણીના વફાદાર સરદારો, ફૈજાબાદના જમીનદાર મૌલવી અહમદશાહ, શંકરપુરના જાગીરદાર રાણા વેણીમાધવ, સુઇયાના ઠાકોર નરપતસંગ, ઉપરાંતમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, બિહારમાં જગદીશપુરના ઠાકોર કુંવરસિંહ તથા તેના ભાઈ અમરસિંહ, રોહિલખંડમાં બરેલીના સરદાર બહાદુરખાન, મધ્ય પ્રદેશમાં મંદસોરના શાહજાદા ફિરોજશાહ તથા અલાહાબાદના સરદાર લિયાકતઅલી મુખ્ય હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ ઉત્તર ભારતમાં દિલ્હી, કાનપુર, લખનૌ, ઝાંસી, જગદીશપુર, બનારસ તથા અલાહાબાદ ઉપરાંત રજપૂતાનામાં નસીરાબાદ, નીમચ અને આબુમાં, મધ્ય ભારતમાં ગ્વાલિયર, ઇન્દોર, મ્હાઉ તથા મંદસોરમાં, દક્ષિણ ભારતમાં સતારા, કોલ્હાપુર, બેલગામ, જોરાપુર, નારગુંડ તથા સાવંતવાડીમાં અને ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, ગોધરા, દાહોદ, પાટણ, ખેરાળુ, વિજાપુર, રાજપીપળા, ભરૂચ તથા ઓખામાં ફેલાયો હતો. સ્વાતંત્ર્ય સંગ્રામ ૧૦મી મે ૧૮૫૭થી એપ્રિલ ૧૮૫૯ એટલે આશરે બે વર્ષ સુધી ચાલુ રહ્યો હતો.
 
 
ક્રાંતિનાં મુખ્ય પરિણામો
 
 
સ્વાતંત્ર્ય સંગ્રામનાં મુખ્ય પરિણામોમાં ભારતમાંથી કંપની સરકારના શાસનનો અંત આવ્યો અને ભારતમાં બ્રિટિશ સરકારનું સીધું શાસન સ્થપાયું. બ્રિટિશ સરકારે દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો લગભગ ત્યાગ કર્યો અને ભારતમાં ઊગમ પામતા રાષ્ટવાદ સામે તેમનો ટેકો મેળવ્યો. વહીવટમાં થોડે અંશે હિંદીઓને હિસ્સો આપ્યો અને ૧૮૫૮, ૧૮૬૧ વગેરેના ધારાઓ મુજબ અંશત: બંધારણીય વિકાસ કર્યો. સમસ્ત લશ્કરી તંત્રની પુનર્રચના કરી. સરકારે આર્થિક તેમજ વેપારી નીતિમાં થોડા ફેરફારો કરીને લોખંડ, કાપડ, રેલવે જેવા ઉદ્યોગોને કંઈક અંશે પ્રોત્સાહન આપ્યું. ખ્રિસ્તી પાદરીઓના ધર્મપ્રચાર પર અંકુશો મૂકીને ધર્મગુરુઓ અને સનાતનીઓને સરકારપક્ષે લીધા.
 
૧૮૫૭ના સ્વાતંત્ર્ય સંગ્રામ પરત્વે સમકાલીન તથા અનુકાલીન ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે. ઇતિહાસકારો સ્વાતંત્ર્ય સંગ્રામને વિદેશી સત્તા સામેનો વિદ્રોહ કહે છે, જ્યારે અન્ય આધુનિક ઇતિહાસલેખકો તેને પ્રથમ રાષ્ટ્રીય સ્વાતંત્ર્યસંગ્રામ માને છે. સ્વાતંત્ર્ય સંગ્રામ પૂર્વયોજિત હોવા વિશે તથા તેની પ્રાથમિક કક્ષાએ આગેવાન નેતાઓના હિસ્સા વિશે પણ ઇતિહાસવિદોમાં ભારે મતભેદ પ્રવર્તે છે. સ્વાતંત્ર્ય સંગ્રામનું સ્વરૂપ ગમે તે કહીએ, તોપણ ભારતમાંથી તેણે મધ્ય યુગને સમાપ્ત કર્યો અને આધુનિક યુગનો પ્રારંભ કર્યો અને ભારતના પછી આવનાર સ્વાતંત્ર્યસંગ્રામોને પ્રેરણા આપી તેમજ તેણે દેશ કાજે વીરતા, ત્યાગ અને શહાદતનું ઉમદા દૃષ્ટાંત પૂરું પાડ્યું તેમાં કોઈ મતભેદ નથી.