દક્ષિણ ભારતના વિજયનગરના યુદ્ધ | વિજયનગરના સામ્રાજ્યનો ઇતિહાસ ભવ્ય છે, તેની ભવ્યતાનો વારસો અદ્ભુત છે.

    12-Aug-2021
કુલ દૃશ્યો |

 Vijayanagara Empire_1&nb 
 
 

દક્ષિણ ભારતના વિજયનગરના યુદ્ધ | ઇ.સ. ૧૫૦૯ - ૧૫૧૦ |  Vijayanagara Empire

 
વિજયનગરના સામ્રાજ્યનો ઇતિહાસ ભવ્ય છે, તેની ભવ્યતાનો વારસો અદ્ભુત છે. એનાં જર્જરિત સ્થાપત્યો હજુ આજેય એની ભવ્યતા અને શૂરવીરતાની સાક્ષી પૂરે છે. એના ઇતિહાસ પર એક નજર કરીએ. તાજેતરનું સંશોધન અને શિલાલેખોના (Inscription) અર્થઘટન દ્વારા પ્રમાણિત થયું છે કે વિજયનગરના સ્થાપકો હરિહર અને બુક્કારાય બંને હોયસલના હિન્દુ રાજા બલ્લાલ ત્રીજો કે જે કર્ણાટકમાં શાસન કરતો હતો, તેની આગેવાની નીચે કર્ણાટક રાજ્યની ઉત્તરી સીમાનું મુગલ આક્રમણખોરો સામે રક્ષણ કરવાની જવાબદારી નિભાવતા હતા. ઈ. સ. ૧૩૨૦નો એક શિલાલેખ નોંધે છે કે હિન્દુ શાસક રાજા બલ્લાલ ત્રીજાએ વિજયવિરુપાક્ષ હોશપટ્ટન નગરની સ્થાપના કરેલી, જે વિજયનગર હિન્દુ સામ્રાજ્ય સ્વપે વિકસિત થયું હતું. બલ્લાલ ત્રીજા અને બલ્લાલ ચોથાના મૃત્યુ બાદ બલ્લાલ ત્રીજાની વિધવા રાણીએ હરિહર અને બુક્કારાયને કાયદેસરના વારસ જાહેર કર્યા. આમ ઈ. સ. ૧૩૪૬માં સર્વપ્રથમ વિજયનગરના હિન્દુ સામ્રાજ્યનો પાયો સંગમ વંશના પ્રથમ રાજવી હરિહર દ્વારા નંખાયો.
 
આ અગાઉ મહંમદ તુઘલકના સમયમાં ઈ. સ. ૧૩૩૬માં આ બંને ભાઈઓને (હરિહર અને બુક્કારાય) મહંમદ તુઘલકના આક્રમણ સમયે યુદ્ધબંદી તરીકે રાખવામાં આવ્યા અને બળજબરીપૂર્વક તેઓને મુસ્લિમ બનાવવામાં આવ્યા. મહંમદ તુઘલકના અધિકારીઓની ચુંગાલમાંથી તેઓ કુનેહપૂર્વક છૂટી શક્યા હતા. તેમના ગુરુ વિદ્યારણ્યે તેમને પુન: હિન્દુ ધર્મમાં પ્રવેશ આપ્યો અને નવીન રાજતંત્ર સ્થાપવાની પ્રેરણા આપી.
 
આ અગાઉ પણ ચાલુક્ય, યાદવ અને હોયસલ વંશના હિન્દુ શાસકોએ હિન્દુ ધર્મની રક્ષાર્થે મુગલો સામે અનેક સંઘર્ષો કર્યા હતા. વિજયનગર હિન્દુ સામ્રાજ્ય પર મુખ્યત્વે ચાર વંશોના શાસકોએ શાસન કર્યું હતું, તેમાં સંગમ, સાલુવ, તુળુવ અને અરવિડુ વંશના હિન્દુ રાજાઓનો સમાવેશ થાય છે.
 
સર્વ શાસકોમાં સૌથી વધુ પ્રભાવશાળી શાસન તુલુવવંશના હિન્દુ રાજા કૃષ્ણદેવરાય (ઈ.સ. ૧૪૭૧ - ૧૫૨૯)નું રહ્યું. રાજા કૃષ્ણદેવરાય એક સફળ વ્યવસ્થાપક અને યુદ્ધવિશારદ હતા. આ ઉપરાંત તે એક મોટા સ્થપતિ પણ હતા. દક્ષિણનાં લગભગ તમામ મંદિરોના કેટલાય સ્તંભ તેમના સમયમાં ઊભા કરાયા હતા.
 
કૃષ્ણદેવરાયે પોતાના શાસનકાળ દરમિયાન ૧૩ જેટલાં યુદ્ધો કર્યાં હતાં. તે તમામમાં તેઓ વિજયી બન્યા હતા. જેવા કે ઈ. સ. ૧૫૦૯-૧૦માં બીડરના સુલતાન મહમૂદશાહને અદોની પાસે હાર આપી. ૧૫૧૦માં ઉમ્માતુરના વિદ્રોહી સામન્તને પરાસ્ત કર્યો.
 
કૃષ્ણદેવ રાયનું અંતિમ સૈન્ય અભિયાન ઈ. સ. ૧૯૨૦માં બીજાપુર સામેનું રહ્યું, જેમાં કૃષ્ણદેવરાયે સુલતાન ઈસ્માઈલ આદિલશાહને પરાસ્ત કરી ગુલબર્ગાના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો અને હિન્દુ ધર્મ રાજ્યનું સ્થાપ્ન કર્યું. આ રાયચૂરના સંગ્રામમાં કૃષ્ણદેવરાયે ૭,૦૩,૦૦૦ પાયદળ, ૩૨,૬૦૦ ઘોડેસવારો અને ૫૫૧ ગજસેના સાથે ઈસ્માઈલ આદિલશાહ પર આક્રમણ કર્યું હતું. આ સંઘર્ષમાં વિજયનગરના ૧૬,૦૦૦ સૈનિકો શહીદ થયા હતા.
 
સમ્રાટ કૃષ્ણદેવરાય કુશળ સંગઠક હતા. છૂટાછવાયા હિન્દુ શાસકોને સંગઠિત કરી મુસ્લિમ સલ્તનતની છાતી પર વિશાળ હિન્દુ સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
 
મુગલોના અત્યાચારોથી દક્ષિણ ભારતની ત્રાસેલી પ્રજામાં સ્વાભિમાનની ભાવના જગાવવામાં સમ્રાટ કૃષ્ણદેવરાયનું નામ મોખરે છે.
 
કૃષ્ણદેવરાયના દરબારમાં વેદોના ભાષ્યકાર સાયણાચાર્ય અને તેમના ભાઈ માધવાચાર્ય વિદ્યારણ્ય જેવા વિદ્વાનો બિરાજમાન રહેતા અને માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવતા.
 
વિજયનગર હિન્દુ સામ્રાજ્ય એ દિલ્હીની મોગલ સલ્તનતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ-સમાજ સામે ઊભા કરેલા પડકારની સામે પડકાર હતો.
 
વિજયનગર હિંદુસામ્રાજ્યની સ્થાપના કરનાર હરિહર અને બુક્કારાયના પિતાનું નામ સંગમ હતું તેથી તેના નામ ઉપરથી વિજયનગરના પહેલા રાજવંશનું નામ સંગમવંશ પડ્યું. આ હિન્દુસામ્રાજ્ય વિજયનગરની સીમાઓ ઉત્તરે કૃષ્ણા નદીથી દક્ષિણે કાવેરી નદી સુધી અને પૂર્વ તથા પશ્ર્ચિમે સમુદ્રો સુધી ફેલાઈ હતી. આ સામ્રાજ્યની વિજયનગરની મુલાકાતે આવેલા મુસાફર અને એલચીઓ જેમકે નિકોલો કોન્ટી, ડોમીગોંસ પાએઝ, ડૂઆર્ટ બાબોર્સ (પોર્ટુગીઝ યાત્રી) અને અબ્દુલ રઝઝાકે મુક્તકંઠે પ્રશંસા કરેલ છે.
 
વિજયનગરના હિંદુસામ્રાજ્યના શાસકો સાહિત્ય અને કલાના ઉપાસક હતા. તે વિદ્વાનોના આશ્રયદાતા હતા. રાજ્યની સ્થાપના સમયે જ વેદોના ભાષ્યકાર સાયણ અને તેમના ભાઈ માધવ વિદ્યારણ્ય જેવા વિદ્વાનો થઈ ગયા. ભક્તિ આંદોલનના જાણીતા સંતો વલ્લભાચાર્ય અને ચૈતન્ય મહાપ્રભુ પણ આ હિન્દુ વિજયનગરના સામ્રાજ્યના દરબારમાં પધાર્યા હતા. સમ્રાટ કૃષ્ણદેવરાયે વલ્લભચાર્યનું સુવર્ણમુદ્રા વર્ષા દ્વારા અભૂતપૂર્વ સ્વાગત કર્યું હતું.
 
વિજયનગરના હિન્દુસામ્રાજ્યના શાસકો સ્થાપત્યના વિકાસમાં ઊંડો રસ લેતા, અનેક કિલ્લાઓ, રાજમહેલો, મંદિરો, જળાશયો બંધાવ્યાં હતાં. હમ્પીના અવશેષો આજે પણ આ હિન્દુ સ્થાપત્યના ઉત્તમ નમૂના છે. સમ્રાટ કૃષ્ણદેવરાયે બંધાવેલા વિઠ્ઠલમંદિર, હજારા સ્વામી મંદિર અને વિરુપાક્ષ નામે સુંદર મંદિર બંધાવ્યાં હતાં. આ મંદિરોની સ્તંભરચના અદ્ભુત હતી. તેઓ ચિત્ર-સંગીત, નૃત્ય વગેરે કલાના પણ રસિક હતા. તેમણે સંગીત-મંદિરનું નિર્માણ કર્યું હતું તેના સ્થંભો પર વિભિન્ન વાદ્યો કોતરવામાં આવ્યાં હતાં, જે આજે પણ ઉપલબ્ધ છે.
 
- ડૉ. વસંત પટેલ