હલ્દીઘાટીનું યુદ્ધ | ત્યાર બાદ રાણા પોતે જંગલોમાં પોતાના રાજપાટ છોડીને ભીલો સાથે લગભગ ૨૦ વર્ષ સુધી રહ્યા હતા.

    12-Aug-2021
કુલ દૃશ્યો |
 
Battle of Haldighati_1&nb
 

હલ્દીઘાટીનું યુદ્ધ | ઈ.સ. ૧૫૭૬  | Battle of Haldighati

 
મહારાણા ઉદયસિંહ ૧૫૪૧માં જ્યારે મેવાડના રાજા બન્યા હતા, ત્યારે પણ ટૂંકા ગાળામાં જ અકબર સેનાએ મેવાડ પર અક્રમણ કરેલું. પણ ત્યારે અડગ મનના રાણા ઉદયસિંહ આધીનતા સ્વીકારી લેવાના સ્થાને ચિતોડ છોડીને ઉદયપુરમાં નવી રાજધાની વસાવી રહેવા લાગ્યા. જો કે એમનો સંઘર્ષ સતત જયમલ રાઠોડ દ્વારા ચાલતો જ રહ્યો. અંતે ચિતોડ પર મુઘલ શાસન પોતાનું આધિપત્ય જમાવી ચૂક્યું હતું. રાણા ઉદયસિંહના મૃત્યુ બાદ પણ વારંવાર અકબર દ્વારા મેવાડ માટે અધીનતા સ્વીકારી લેવા માટેના શાંતિ પ્રસ્તાવ આવતા રહ્યા, પણ, મહારાણા પ્રતાપે આધીનતા સ્વીકારી લેવાના સ્થાને સતત ચિતોડવિજય માટેનું યુદ્ધ ચાલુ જ રાખ્યું, કારણ કે રાણા ઉદયસિંહના મૃત્યુ બાદ રાણા પ્રતાપનો એક માત્ર ધ્યેય હતો ફરી એકવાર ચિતોડદુર્ગ જીતી લેવો. કદાચ ધર્મની અને સ્વરાજની રક્ષા ખાતર સતત લડત આપતા રહેલા રાણા પ્રતાપ હિંદુ રાજાઓ માટે આદર્શ બની ગયા.
 
મોઘલ સામ્રાજ્યના વેપાર માર્ગ પર સ્થિત મેવાડ પણ અકબરની આંખોમાં ખૂંચવા લાગ્યું હતું. એણે ઘણી વખત મેવાડ તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો, પણ રાણા પ્રતાપ એની કૂટનીતિ જાણતા હોવાથી એમણે ક્યારેય એ પ્રસ્તાવને સ્વીકાર્યો નહિ, કારણ કે રાણા પ્રતાપ જાણતા હતા કે જો, મેવાડ એમના વેપાર વાણિજ્યના માર્ગ પરથી હટી જશે તો અકબરને આખાય ભારત પર આધિપત્ય સ્થાપવા મોકળું મેદાન મળી જશે. એટલે મેવાડી રાજા મહારાણા પ્રતાપ પોતાની અડગ વિચારધારા પર અડગ જ રહ્યા. જયપુરના રાજા માનસિંહ દ્વારા અપાયેલા શાંતિ પ્રસ્તાવને પણ મહારાણા પ્રતાપે ઠુકરાવી દીધો, કારણ કે એક પ્રકારે આ શાંતિ પ્રસ્તાવનો અર્થ મોઘલ સામ્રાજ્યના આધિપત્યનો સ્વીકાર જ હતું. આ કારણે જ એમણે સંધી પર મહોર માટે વિશેષ શરતો મૂકી, જેમાં કહેવામાં આવ્યું કે રાણા કોઈનું આધિપત્ય સ્વીકારશે નહિ, અને વિદેશી રાજાઓને કોઈ પણ ભોગે પોતાના સામ્રાજ્યમાં એમની મંજૂરી સાંખી લેશે નહિ.
 
બાદશાહ અકબર ક્યારેય રાણા પ્રતાપ સાથે યુદ્ધભૂમિમાં સામસામે ભીડ્યા નથી, છતાંય મેવાડ પર આધિપત્યના સ્વપ્ને એને ક્યારેય ચેન પડવા જ ન દીધું. છેવટે ૧૮ જૂન, ૧૫૭૬ના દિવસે અકબરની સેનાએ રાજા માનસિંહ અને આસફ ખાંના નેતૃત્વમાં મેવાડ પર ચડાઈ કરી. ગોંગુડા નજીક અરાવલી પર્વતમાળામાં ખમનૌર અને હલ્દીઘાટી વચ્ચેના મેદાની ક્ષેત્રમાં યુદ્ધ નિર્ધારિત થયું. હલ્દીઘાટીથી મેવાડમાં પ્રવેશ કરવાનો માર્ગ એકાદ રથ માંડ પસાર થાય એટલો સાંકડો જ હતો. અને કોઈ પણ રાજ્ય દ્વારા મેવાડી સામ્રાજ્ય પર ચડાઈ કરવા માટે આ એકમાત્ર ઝડપી માર્ગ પણ હતો. છેવટે મુઘલ સેનાએ ઝડપી ચડાઈ માટે હલ્દીઘાટીનો માર્ગ જ પકડ્યો. રાણા પ્રતાપે પોતાની સેના સાથે યુદ્ધભૂમિ તરફ પ્રયાણ કર્યું. ભીલોના રાજા રાણા પુંજા એમના સહયોગી હતા.
 
મુઘલ સેના મેવાડ પર આક્રમણ કરવા માટે ખામનૌર આવીને રોકાઈ હતી, જ્યારે મેવાડી સેના એમના પ્રતિકાર માટે હલ્દીઘાટી મેદાનમાં જ હતી. બંને વચ્ચે રક્તકલાઈના મેદાનમાં યુદ્ધ ખેલાયું. મહારાણા પ્રતાપ તરફથી આક્રમણ ગેરીલા યુદ્ધપ્રણાલી વડે હલ્દીઘાટી સંગ્રામ શરૂ થયો, જેમાં ભીલોનાં ઝેરભીનાં બાણ, બરછી, ભાલા, તલવારો, ધારદાર શસ્ત્રો અને પથ્થરના હુમલાઓ સાથે રાજપૂતોના આક્રમક હુમલાઓ સામે મુઘલ સેના ભારે નુકશાની સાથે વિખેરાઈ જવા લાગી. મહારાણા પ્રતાપ સ્વયં પોતાના મંત્રી ભામાશાહ સાથે સેનાના મુખ્ય આગમન સ્થાને વચ્ચે જ હાજર રહ્યા હતા. મહારાણા પ્રતાપની વ્યૂહરચના પ્રભાવી અને અતૂટ હતી, પણ મેવાડી સેનાનું દુર્ભાગ્ય એ હતું કે મહારાણા પ્રતાપનો સગો ભાઈ શક્તિસિંહ મુઘલ સેનાના ઓછામાં ઓછા સિપાહી ઘવાય એની રણનીતિ મુઘલ સેનાને શીખવી રહ્યો હતો.
 
ભાઈના દગાથી મેવાડની કમજોર સ્થિતિ જોતાં જ મહારાણા પ્રતાપ ગુસ્સામાં ઊકળી ઊઠ્યા હતા. એવા સમયે જ બહલોલ ખાને એમના પર આક્રમણ કરવાની કોશિશ કરી પણ આક્રોશમાં તપેલા મહારાણા પ્રતાપે આવેશમાં આવીને બહલોલ ખાન પોતાના પર વાર કરે એ પહેલાં જ સંપૂર્ણ બળપૂર્વક બહલોલ ખાન પર તલવાર ફેરવી નાખી. ઇતિહાસિમાં એવું કહેવાય છે કે, આ ઘાવ એટલી હદે બળપૂર્વક કરવામાં આવ્યો હતો કે જેના દ્વારા બહલોલ ખાન માથાથી લઈને છેક ઘોડા સુધી બે ભાગમાં ચીરાઈને પડી ગયો હતો. બહલોલ ખાનના આવા કરુણ અંત પછી, એની સ્થિતિ જોઈને જ મોઘલ સેના કમજોર થઈને આમતેમ વિખરાઈ જવા લાગી અને જ્યાં ત્યાં ભાગી છૂટવા માટે ઉતાવળી બની ગઈ હતી.
 
અંતે મહારાણા પ્રતાપે પોતાની ટુકડી સાથે મુઘલ સેનાની મધ્યમાં જ પ્રવેશ કર્યો. રાણા પ્રતાપના આક્રમક પ્રહારો સામે કોઈ પણ મુઘલ ટુકડી ટકી ન શકી, છેવટે મુઘલ સેનામાં છીંડું પાડીને છેક મધ્યમાં પહોંચીને રાણા પ્રતાપે મોઢા પર હાથીનું મુખવટું પહેરેલા ચેતકના પેટ પર એડીના જોરે હમલો કર્યો. ચેતકે બંને પાછળના પગનો સહારો લઈને આગળના બંને પગ માનસિંહ જે હાથી પર હતો એના મસ્તક પર ટેકવી દીધા. ક્ષણિક સમયમાં જ મહારાણા પ્રતાપનો પ્રબળ પ્રહાર રાજા માનસિંહ પર થયો. પણ માનસિંહ હાથી પર બાંધેલા બંકરમાં છુપાવામાં સફળ થયો. જો કે મહારાણા પ્રતાપનો બીજો વાર એટલો શક્તિશાળી હતો કે રાણાનો ભાલો હાથી ખેડનારની છાતીસરસો નીકળીને માનસિંહના મુકુટ પર જઈ ટકરાયો. જો કે આ ક્ષણમાં રાણા પ્રતાપ માનસિંહના સંહારની પળ ચૂકી ગયા હતા. ક્ષણના ચોથા ભાગમાં જ આ બધું ઘટી ગયું હતું. માનસિંહ તો બચી ગયો પણ હાથીના મસ્તક પરથી ઊતરીને બેલેન્સ જાળવવા જતાં ચેતકના એક પગમાં હાથીની સૂંઢમાં રહેલી તલવારે ઊંડો ઘાવ કરી દીધો.
 
રાણા પ્રતાપ ત્યાં સુધીમાં મુઘલ સેનાની મધ્યમાં એકલા પડી ચૂક્યા હતા. એમની સાથે આવેલી ટુકડીના સિપાહી લડતાં લડતાં શહીદી વહોરી ચૂક્યા હતા. એ મુઘલ સેનાના એટલા મધ્ય ભાગ સુધી આવી ચૂક્યા હતા, કે હવે એમાંથી નીકળી શકવું પણ સતત મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું. અન્ય કોઈ અશ્ર્વ હોત તો પગમાં વાગેલા તલવારના ઘા પછી કદાચ રાણા ત્યાં જ દુશ્મનોને શરણ થઈ ચૂક્યા હોત, પણ પગમાં ઊંડા ઘાવ સાથે ચેતક રાણાના પ્રાણરક્ષણ માટે સતત જજૂમતો રહ્યો. મુઘલ સેના મહારાણા પ્રતાપને કોઈ પ્રકારે ઓળખતી ન હતી, પણ વસ્ત્રો અને મેવાડી મુગટના કારણે એમની ઓળખ છૂપી પણ ન રહી. છતાંય પોતાના અદમ્ય સાહસ વડે એમણે આખી ઘેરી વળેલી ટુકડીને અમુક જ ક્ષણોમાં છિન્નભિન્ન કરી નાખી. તેમ છતાંય આસપાસની અન્ય મુઘલ સૈન્ય ટુકડીઓ એમના સંહાર માટે તત્પર હતી. રાણી ઘાયલ હતા અને અશ્ર્વ ચેતક પણ યુદ્ધના પ્રહારોથી ઘાયલ થઈ ચૂક્યો હતો. એવામાં લડી શકવું સતત મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું, ત્યારે ઝડપભેર રાણા પ્રતાપના વિશ્ર્વાસુ અને હમશકલ માનસિંહે એમનો મુગટ અને બખ્તર ધારણ કરી લીધું. જેથી મુઘલ સેના એમને જ રાણા પ્રતાપ સમજીને લડતી રહે, અને આ ભ્રમણામાં રહે ત્યાં સુધી રાણા ચેતકને લઈને સુરક્ષિત સ્થળે જઈ શકે.
 
પગમાં ઊંડા ઘાવ સાથે પણ ચેતકે રાણા પ્રતાપનો સાથ નહોતો છોડ્યો. ચેતક પણ હવે સમજી ચૂક્યો હતો, કે રાણા પ્રતાપ હવે યુદ્ધ કરવા માટે સક્ષમ રહ્યા ન હતા. રાણા પ્રતાપનું શરીર તલવાર અને ભાલાના ઘાવના કારણે મૂર્છિત અવસ્થામાં સતત સરતું જઈ રહ્યું હતું. છેવટે ચેતક પોતાના અંતિમ સમય સુધી મહારાણા પ્રતાપને સુરક્ષિત સ્થાન સુધી લઈ જવા પોતાના પૂર્ણ શક્તિને લગાડી રહ્યો હતો. છેવટે હલ્દીઘાટીથી પાંચ કિલોમીટર દૂર જંગલોમાં મુઘલ સૈન્યને માત આપતો ૨૭ ફૂટના નાળાને વટાવી સુરક્ષિત સ્થિતિમાં લાવ્યા પછી ચેતકે પ્રાણ ત્યાગી દીધા. ચેતકના પ્રાણ મહારાણા પ્રતાપના ખોળામાં જ નીકળ્યા હતા. સ્વામીભક્ત ચેતકનું આ બલિદાન અને રાણાનો પોતાના પ્રિય અશ્ર્વ માટેનો વિલાપ જોઈને પ્રતાપસિંહનો પીછો કરીને આવેલા શક્તિસિંહની લાલસા ભાંગી ગઈ હતી. એમના દિલના ઊંડાણમાં ભીના શૌર્ય અને લોહીની લાગણીઓ ઝંઝાવાતી તોફાન બનીને વહેવા લાગી હતી. પોતાના ભાઈ પ્રત્યેનું માન, પ્રેમ અને રાજપૂતી રક્તની વીરતા એનામાં ફરી એકવાર જીવંત બની ચૂકી હતી. એણે જ મહારાણા પ્રતાપની પાછળ આવેલા અમુક મુઘલ સિપાઈઓથી રક્ષા કરી હતી. જો કે મહારાણા પ્રતાપે યુદ્ધ ન કરવાની સ્થિતિ સ્વીકારીને શક્તિસિંહને પોતાના સંહાર માટેની મંજૂરી આપી દીધી હતી. પણ શક્તિસિંહ રેલાતી આંખે એમના ચરણોમાં પાડીને માફી માંગી રહ્યો હતો. એણે પોતાનું સર્વસ્વ હવે રાણા અને મેવાડની સેવામાં અર્પણ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
 
છેવટે મોઘલ સેનાથી રાણાને બચાવવા શક્તિસિંહે પોતાનો અશ્ર્વ આપીને રાણાને જંગલોમાં સુરક્ષિત સ્થાને લઈ જવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ રાણા પોતે જંગલોમાં પોતાના રાજપાટ છોડીને ભીલો સાથે લગભગ ૨૦ વર્ષ સુધી રહ્યા હતા. પણ એમણે ક્યારેય આધીનતાનો સ્વીકાર ન કર્યો. મહારાણા પ્રતાપ જ્યાં સુધી કુંભલગઢમાં રહ્યા તે દરમિયાન મોટાભાગનો સમય ભીલો સાથે વ્યતિત કર્યો. ભીલ સમુદાય સાથે એટલી ઘનિષ્ઠતા હતી કે તેઓ પ્રત્યેક ભીલ પરિવારના રાજા બની ગયા હતા. મેવાડનાં વનવાસી વિસ્તારોમાં લોકો સાથે તેમની ઘનિષ્ઠતા એટલી હતી કે અકબર સાથેના યુદ્ધમાં ભીલ સમુદાયે અંત સુધી તેમનો સાથ આપ્યો હતો અને છાપામાર યુદ્ધ થકી અકબરના સૈન્યમાં હાહાકાર મચાવ્યો હતો. જ્યારે તેઓ જંગલમાં જવા મજબૂર બન્યા ત્યારે પણ અકબરના કહેરની પરવા કર્યા વગર ભીલ સમાજે તેમને પરિવારના સદસ્યની જેમ સાચવ્યા હતા.
 
દાનવીર ભામાશા મહારાણા પ્રતાપનાં પરમ મિત્ર, સહયોગી અને વિશ્ર્વાસપાત્ર સલાહકાર હતા. હલ્દી ઘાટીના યુદ્ધ દરમિયાન મહારાણા પ્રતાપને તેઓએ એટલું દાન આપ્યું હતું કે તેનાથી ૨૫,૦૦૦ સૈનિકોનો ૧૨ વર્ષ સુધી નિર્વાહ થઈ શકે. આ સહયોગ મા બાદ મહારાણા પ્રતાપમાં નવો ઉત્સાહનો સંચાર થયો હતો અને પુનઃ સૈન્ય શક્તિ સંગઠિત કરી મુગલ શાસકોને પરાજિત કરી મેવાડના અનેક વિસ્તારો પાછા મેળવ્યા હતા. મહાન મહારાણા પ્રતાપને વંદન.
 
- સત્યમ જોશી