બાંગ્લાદેશને જન્મ આપનાર ભારત - પાક. યુદ્ધ

    12-Aug-2021
કુલ દૃશ્યો |
 
Indian Pakistan War 1971_
 
બાંગ્લાદેશને જન્મ આપનાર ભારત - પાક. યુદ્ધ | (ઈ.સ. ૧૯૭૧) | Indian Pakistan War 1971
 
૧૯૬૫માં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતું, છતાં પણ ૧૯૭૧માં ફરી પાકિસ્તાને ભારત સામે લડાઈ કેમ છંછેડી ? આ પ્રશ્ર્નના જવાબથી ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની અને બાંગ્લાદેશ મુક્તિસંગ્રામની વાત શરૂ થાય છે.
 
ખરેખર તો આ પાકિસ્તાનનો આંતર્સંઘર્ષ હતો. પાકિસ્તાન અને પૂર્વબંગાળમાં લોકો ઇસ્લામ પાળતા હોવા છતાં પશ્ર્ચિમ પાકિસ્તાન અને પૂર્વ પાકિસ્તાનના લોકોમાં સાંસ્કૃતિક, આચારવિચાર, ભાષા વગેરે મુદ્દે ઘણા મતભેદ હતા. બંગાળ તો આઝાદી માટે ફના થનારા ક્રાન્તિવીરોનું મોસાળ. કવિવર ટાગોરની ભૂમિ. આમાર બાંગ્લા, સોનાર બાંગ્લાનું સૂત્ર રગરગમાં વહે. હકીકત એ પણ હતી કે પશ્ર્ચિમ કરતાં પૂર્વ પાકિસ્તાનની વસ્તી પણ વધારે અને પાક સંસદ - મજલિસે શૂરામાં પણ કુલ ૩૧૩ બેઠકોમાંથી ૧૬૯ બેઠકો પૂર્વ પાકિસ્તાનની હતી. પણ સત્તા ઉપર, પ્રજાને આપવાના લાભ અને આયોજનો, નોકરીઓ બધામાં પંજાબીઓની દાદાગીરી ચાલે. મુજીબુર રહેમાને એની સામે અવાજ ઉઠાવ્યો. લોકો જાગ્યા અને સંસદની ચૂંટણીમાં તેમની અવામી લીગ પાર્ટી પૂર્વ પાકિસ્તાનની ૧૬૯માંથી ૧૬૭ બેઠકો પર જીતી, મજલીસને બહુમતી મળી. મુજીબુર રહેમાને વડાપ્રધાન પદનો દાવો કર્યો અને બહુમતી સાંસદોએ એના ઉપર મહોર મારી. પરંતુ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના તત્કાલીન વડાપ્રધાન જુલ્ફીકાર અલી ભૂટ્ટોએ વડાપ્રધાન પદ છોડવાનો ઇન્કાર કર્યો. રાષ્ટપતિ યાહ્યાખાને પૂર્વ પાકિસ્તાનને કચડી નાખવા પઠાણોનું વર્ચસ્વ ધરાવતું લશ્કર મોકલ્યું અને ભયાનક દમનચક્ર શરૂ થયું.
 
આડેધડ ધરપકડો, મહિલાઓ ઉપર બળાત્કાર, બાળકો-ભૂલકાંની પણ કરપીણ હત્યાઓ... મુજીબુરની ૨૫-૨૬ માર્ચ, ૧૯૭૧ની મધરાતે ધરપકડ કરી પશ્ર્ચિમ પાકિસ્તાન લઈ જવાયા. રેડિયો પાકિસ્તાને ૨૯મી માર્ચે આ સમાચાર આપ્યા. પાક. લશ્કરમાં પણ ખળભળાટ તો થયો. એક લશ્કરી અધિકારી મેજર ઝિયા ઉર્ રહેમાને બળવો કર્યો. અર્ધલશ્કરી દળ ઈસ્ટ પાકિસ્તાન રાયફલ્સે પણ વિદ્રોહ કર્યો. ઝિયાએ, ૨૭મી માર્ચના દિવસે, મુજીબુર રહેમાન તરફથી, બાંગ્લાદેશની આઝાદીની જાહેરાત કરાઈ. એપ્રિલ મહિનામાં અવામી લીગના ભૂગર્ભ નેતાઓએ સ્વતંત્ર હિજરતી સરકારની રચના કરી. મહેરપુરના બૈદનાથ તલ્લામાં તેનું થાણું હતું. બાંગ્લા મુક્તિવાહિની નામક સેના બની. નિયોમિતિ (લશ્કરના વિદ્રોહી સૈનિકો) વાહિની અને બીજી ગોનો (ગેરીલા) વાહિની હતી. કમાન્ડર ઇન ચીફ બન્યા, જનરલ મોહમ્મદ અતાઉલ ગની ઓસ્માની. પાક. લશ્કરે પ્રજાની કત્લેઆમ શરૂ કરી, હિન્દુઓને ખાસ ટાર્ગેટ બનાવ્યા. લાખો હિન્દુ-મુસ્લિમ હિજરતીઓ ભારત આવ્યા. પશ્ર્ચિમ બંગાળ, બિહાર, આસામ, મેઘાલય અને ત્રિપુરામાં નિરાશ્રિત છાવણીઓ નાખવી પડી. ભારત ઉપર કરોડોનો બોજો આવી પડ્યો. યુદ્ધસમાપ્તિ પછી પણ એમાંના ઘણા પાછા નથી ગયા. પાક. સેનાનો અત્યાચાર કેટલો ભયાનક હશે, એ આ સૈન્યના જ લેફ.જન. નિયાઝીના શબ્દોમાં : ૨૫ / ૨૬ માર્ચ, ૭૧ની રાતમાં જનરલ ટિક્કા ત્રાટક્યા. રાતની શાંતિ આક્રંદ, વિલાપ, ચીસાચીસ અને આગની લપટોમાં ફેરવાઈ ગઈ. જનરલ ટિક્કાખાને, પોતાના જ દેશના ગુમરાહ લોકોના બદલે દુશ્મન ઉપરના હુમલાની જેમ ચોમેરથી કેર વર્તાવ્યો. ચંગીઝખાન અને હલાકુએ બુખારા અને બગદાદમાં કરેલી કત્લેઆમને પણ ટપી જાય તેવો આ બેરહમ હુમલો હતો. ટિક્કાખાનનો હુકમ હતો : મારે લોકો નહિ, જમીન જોઈએ. (ભૂમિ ઉપર કબજો.) ધીકતી ધરા અને ઊંઘતા નાગરિકોની કતલ... (નિયાઝીની અંગત ડાયરી). મેજર જનરલ ફરમાને એમની ટેબલ ડાયરીમાં લખ્યું : પૂર્વ પાકિસ્તાનની શસ્ય શ્યામલા (લીલીછમ્મ) ધરતી લોહીથી રંગાશે.
 

ઑપરેશન ત્રિશૂળ | Operation Trishul

 
તે વખતના ભારતીય જનસંઘના વિપક્ષી નેતા શ્રી અટલબિહારી વાજપેઈજીના વિશેષ સૂચનને પૂર્ણ સમર્થનથી પ્રધાનમંત્રી ઇન્દિરાજીએ સંસદમાં પ્રસ્તાવ મૂકીને બાંગ્લાદેશના મુક્તિસંગ્રામને ટેકો જાહેર કર્યો. સંસદે સર્વાનુમતે પ્રસ્તાવ ૨૭ માર્ચ, ૧૯૭૧ના રોજ પસાર કર્યો. સ્વતંત્ર બાંગ્લાદેશ માટે રચાયેલી મુક્તિવાહિનીએ પણ મદદ માગી અને લશ્કરી પગલાં લેવાનો નિર્ણય લેવાયો. નવેમ્બર મહિના સુધીમાં યુદ્ધ અનિવાર્ય બની ગયું હતું. પૂર્વ પાકિસ્તાન બોર્ડર ઉપર ભારતીય સૈન્ય ખડકાવા લાગ્યું. જનરલ માણેકશાએ શિયાળાની સૂકી ઋતુ સુધી રાહ જોવાની સલાહ આપી હતી, કારણ પશ્ર્ચિમી સરહદે હિમાલયના પહાડી રસ્તા બરફથી બંધ થઈ જાય. પાકિસ્તાન ત્યાં સરળતાથી મોરચો ખોલી ન શકે. ચીન પણ પાકિસ્તાનને ઝાઝી મદદ ન કરી શકે. યાહ્યાખાને ૨૩મી નવેમ્બરે પાકિસ્તાનમાં કટોકટી જાહેર કરી અને યુદ્ધ માટે તૈયાર રહેવા લોકોને કહ્યું. પહેલો હુમલો પણ પાકિસ્તાને જ કર્યો. રવિવાર, ૩જી ડિસેમ્બરે લગભગ સાંજે સાડાપાંચ વાગે, ભારતના ઉત્તર-પશ્ર્ચિમ ક્ષેત્રનાં અગિયાર હવાઈ મથકો ઉપર હવાઈ હુમલા કર્યા. તેમાં આગ્રા પણ ખરું. આપણા લશ્કરે તાજમહેલને કેનવાસ અને જંગલી ઘાસથી ઢાંકી દીધો હતો. પાકિસ્તાને આ હુમલાને ઑપરેશન ચંગીઝખાન નામ આપ્યું હતું.
 
ભારતે તેનો સણસણતો જવાબ આપ્યો. ૧૯૬૫માં થયેલી ભૂલો જનરલ માણેકશાએ સુધારી લીધી હતી. નૌકાદળ, આર્ટિલરી (પાયદળ) અને હવાઈ દળ વચ્ચે અદ્ભુત તાલમેલ હતો. શરૂઆત નૌકાદળે કરી. વાઇસ એડમિરલ કોહલીના નેતૃત્વમાં ૪/૫ ડિસેમ્બરની રાતમાં ઑપરેશન ત્રિશૂળ આરંભાયું. કરાંચી બંદરમાં પાકિસ્તાનનાં યુદ્ધજહાજ ખૈબર, મુહાફિઝ (માઇન સ્વીપર), યુદ્ધજહાજ શાહજહાં ખંડેર બની ગયાં. પાકિસ્તાનના ૭૨૦ જવાનો મર્યા કે ઘવાયા. પાકિસ્તાનનાં ઘણાં વ્યાપારી જહાજ પણ નાશ પામ્યાં. એથી મોટું નુકસાન તો તેના બળતણનો અનામત જથ્થો નાશ પામ્યો. તે પછી ઑપરેશન પાયથોન (અજગર) શરૂ થયું. ૮/૯ ડિસેમ્બરે રોકેટથી સજ્જ ભારતીય ટોર્પેડો બોટોએ કરાંચીના રસ્તાનો ભુક્કો બોલાવ્યો, વધારે રિઝર્વ બળતણનાં ટેન્કરોનો નાશ કર્યો. કરાંચી એરપોર્ટને પણ નુકસાન થયું.
 
હવાઈ દળની કમાલ
 
પૂર્વના મોરચે વાઇસ એડમિરલ ક્રિશ્ર્ચનની આગેવાની હેઠળ ભારતીય નૌકાસૈન્યે બંગાળની ખાડી ઉપર કબજો જમાવીને પાક. સેના માટે દરિયાઈ મદદના દરવાજા બંધ કરી દીધા. આપણા યુદ્ધજહાજ વિક્રાન્તનાં ફાઇટર બોમ્બર વિમાનોએ ચિત્તાગોંગ અને કોક્સ બજાર સહિતના પાક. લશ્કરી અડ્ડા તહસનહસ કરી નાખ્યા. ભારતના યુદ્ધજહાજ આઈ. એન. એસ. રાજપૂતે પાકિસ્તાનની સબમરીન ગાઝીને ડુબાડી દીધી. પાકિસ્તાનના એક વિદ્વાન વિશ્ર્લેષક મુજબ પાકિસ્તાનનું ત્રીજા ભાગનું નૌકાદળ ખતમ થઈ ગયું હતું. આપણાં લશ્કરી વિમાનોએ પણ કમાલ કરી, લગભગ ચાર હજાર ઉડાનોએ પશ્ર્ચિમ પાકિસ્તાનના હવાઈ દળની કમર તોડી નાખી, પૂર્વ મોરચે પાક. હવાઈ દળની ૧૪મી સ્કવાડ્રન ખતમ થઈ ગઈ અને ઢાકાની હવાઈપટ્ટી નકામી બની ગઈ. પૂર્વ મોરચે તો તેની પાસે હવાઈ રક્ષણ બચ્યું નહિ, પશ્ર્ચિમ મોરચે પણ યુદ્ધની પૂર્ણાહુતિ સુધી ભારતે હવાઈ હુમલા ચાલુ રાખ્યા, રાત્રે વિમાનમથકો પર, દિવસે લશ્કરી મથકો ઉપર. ભારતીય વિમાનોએ આપણા પાયદળ - આર્ટિલરીને પણ સતત હવાઈ છત્ર પૂરું પાડ્યું, પાક. વિમાનોને નજીક ફરકવા પણ ન દીધાં. એક અંદાજ મુજબ પાકિસ્તાનનાં બોંતેર વિમાનો ભારતે તોડી પાડ્યાં હતાં. પાકિસ્તાને જામનગર દ્વારકા ઉપર પણ બાઁબમારો કર્યો હતો. ઓખા પોર્ટ ઉપર, અમદાવાદની કેમ્પ હનુમાન સંઘ-શાખાના મુખ્ય શિક્ષક ગણપતભાઈ લક્ષ્મણભાઈ ભટ્ટે નીચી ઊડાન ભરતાં બે સેબરજેટ બંદૂકથી તોડી પાડ્યાં હતાં. તેઓ ત્યારે ઓખા એસ.ટી. વર્કશોપમાં નોકરી કરતા હતા અને અગાઉ પ્રાદેશિક સૈન્ટોના એર ડિફેન્સ રેજીમેન્ટમાં તાલીમ મેળવી હતી.
 
જમીની લડાઈમાં પાકિસ્તાન સૌથી મોટું નુકસાન થયું. તેના ૮,૦૦૦ જવાન મરાયા અને ૨૫,૦૦૦ જેટલા ઘાયલ થયા. ભારતના ૩,૦૦૦ શહીદ થયા, ૧૨,૦૦૦ ઘવાયા. ભારતે પશ્ર્ચિમમાં ૫,૫૦૦ ચોરસ માઈલ પાક. ભૂમિ કબજે કરી. પૂર્વના મોરચે બાંગ્લા મુક્તિવાહિની સાથે મળીને અત્યંત વેગવાન ત્રિપાંખિયો હુમલો કર્યો અને ઝડપથી ઢાકાને ઘેરી લીધું. આ યુદ્ધ લડેલા એક માજી સૈનિકે અમને કહ્યું હતું કે, આપણા લશ્કરી એન્જિનિયરોએ પણ કમાલ કરી બતાવી હતી. પશ્ર્ચિમના મોરચે પીછેહઠ કરતા પાકિસ્તાનીઓએ નાનો પુલ ઉડાવી દીધો હતો. આપણા ઇજનેરોએ જૂજ સમયમાં ટેન્ક પસાર થાય એવો હંગામી પુલ ખડો કરી દીધો હતો. પૂર્વ મોરચે લેફ્. જન. જગજીતસિંહ અરોરાએ હવાલો સંભાળ્યો હતો. તેમણે હવાઈ અને જમીની હુમલાનો સંયુક્ત વ્યૂહ અપનાવ્યો હતો. પાકિસ્તાનીઓ સમજી જ નહોતા શકતા કે ક્યાંથી હુમલો થશે. એકવાર તો વિમાનવિરોધી તોપો ગોઠવીને ઊભા હતા, પણ જગજીતસિંહે મોટાં હેલિકોપ્ટરો મોકલીને એમની પાછળ પેરેશૂટથી જવાનોને ઉતાર્યા. પાક. લશ્કર ઘેરાઈ ગયું.
 
  
પાકિસ્તાનની શરણાગતિ
 
 
પાક. જનરલ નિયાઝીએ ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ની સાંજે ૪-૩૧ વાગે લેફ. જન. જગજીતસિંહ અરોરા સમક્ષ શરણાગતિ સ્વીકારી. લોકોએ વાતાવરણ પાક. વિરોધી સૂત્રોથી ગજાવી મૂક્યું. ભારતે લગભગ ૯૩ હજાર યુદ્ધકેદી બનાવ્યા. તેમાં લગભગ ૫૭ હજાર પાક. લશ્કરના અને ૩૬ હજાર ઉપરાંત પાકિસ્તાનનાં અર્ધલશ્કરી દળોના હતા. આ યુદ્ધમાં અમેરિકા પાકિસ્તાનની પડખે રહ્યું. તેણે બંગાળના અખાતમાં ભારતીય નૌકાદળને આંતરવા યુ. એસ. એસ. એન્ટરપ્રાઇઝ નામનું વિમાનવાહક યુદ્ધજહાજ પણ, ૧૧મી ડિસેમ્બરે મોકલ્યું હતું. એક રશિયન દસ્તાવેજ મુજબ એચ. એમ. એસ. ઈગલ નામક વિમાનવાહક જહાજ પણ મોકલ્યું હતું, પણ રશિયાએ પરમાણુ શસ્ત્રો સાથેની એક સબમરીન અને યુદ્ધજહાજના બે જથ્થા મોકલીને અમેરિકનોનો સતત પીછો કરીને પાછા કાઢ્યા હતા. આ યુદ્ધથી પાકિસ્તાન તૂટ્યું અને ૧૨ જાન્યુઆરી, ૧૯૭૨ના દિવસે મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલા રાષ્ટપતિ બન્યા. બાંગ્લાદેશ સ્વતંત્ર થયો, પણ અમેરિકાના પ્રભાવ હેઠળના રાષ્ટસંઘ(યુનો)ની સલામતી સમિતિના દબાણથી સિમલા કરાર થયો અને તેમાં લશ્કરે જીતેલો પ્રદેશ આપણે ચર્ચાના ટેબલ ઉપર ગુમાવી બેઠા. કાશ્મીર સમસ્યા લટકતી રાખીને ૯૩ હજાર યુદ્ધકેદીઓને છોડી મૂક્યા. અટલજીના શબ્દોમાં : હમ સંઘર્ષ મેં કભી નહીં હારે, હમ સંધિ મેં હારે હૈં !
 
- વિજય મકવાણા