રાજા સુહેલદેવ અને સાલાર મસુદ વચ્ચેનું યુદ્ધ । ઇ.સ. ૧૦૩૪

    12-Aug-2021
કુલ દૃશ્યો |

Raja Suheldev _1 &nb
 
 
 
મહાઆતંકી મહમૂદ ગઝનવીના મૃત્યુ બાદ તેના ભત્રીજા સૈયદ સાલાર મસૂદને પણ પોતાના કાકાની રાહે ચાલી ગાજી બનવાના અભરખા હતા. તેણે પોતાના લાવ લશ્કર સાથે ભારત પર આક્રમણ કર્યું તે વખતે દિલ્હીના રાજા મહિપાલે તેની સેનાના ચીંથરે ચીંથરા ઉડાડી દીધાં. મસૂદ હારીને પરત જતો હતો. ગઝનીથી તેના મિત્રો વિશાળ સેના લઈ તેની મદદે આવ્યા, પરિણામે મહિપાલસિંહની હાર થઈ. દિલ્હી જીત્યા બાદ સાલાર મસૂદનું આગામી નિશાન અયોધ્યા હતું. તે અયોધ્યા અને વારાણસી જીતી ગાઝીનું બિરુદ મેળવવા માંગતો હતો. તેનું સૈન્ય એટલું ક્રૂર હતું કે, તેને કારણે મેરઠ, બુલંદ શહેર, બદાયુ અને કનોજના રાજાઓએ તેની સાથે મિત્રતા કરી લીધી હતી. તો અનેક રાજાઓને તેણે મુસ્લિમ પણ બનાવી દીધા હતા. હવે સલાર મસૂદનું કેન્દ્રસ્થાન કનોજ હતું. ત્યાંથી તેણે અયોધ્યા અને તેની આજુબાજુનાં રાજ્યોને લૂંટવાની અને હિન્દુ મંદિરોનો ધ્વંસ કરવાની યોજના બનાવી. પરંતુ તેના આ ઇરાદાની જાણ મહારાજા સુહેલદેવને તેમના જાસૂસો મારફતે પહેલાં જ થઈ ચૂકી હતી.
 
સલાર મસૂદ માટે બહરાઈચ ફતેહ કરવું ખૂબ જ જરૂરી હતું. કારણ કે રામની નગરી અયોધ્યા સુધી પહોંચવા માટે તેને બહરાઈચ થઈને જ જવું પડે તેમ હતું. સલાર મસૂદે બહરાઈચ પર હુમલાની યોજના બનાવી. પરંતુ રાજા સુહેલદેવને તેમના રાજ્ય પર મંડરાઈ રહેલા ઇસ્લામિક ખતરાની પહેલા જ જાણ થઈ ચૂકી હતી. તેઓએ મસૂદના સંભવિત આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે આજુબાજુના તમામ રાજાઓને સંદેશ મોકલી સામે એક થઈ લડવા વિશાળ સૈન્ય બનાવી લીધું હતું. રાજા રાયસાબ, રાજા અર્જુન, રાજા ભગ્ગન, રાજા મકરન સહિતનાં ડઝનેક રાજાઓ એ મસુદ સામે તલવાર તાણી લીધી હતી.
 
એકદમ સરળતાથી તમામ યુદ્ધો જીતતો આવેલ મસૂદ રાજા સુહેલ દેવના નેતૃત્વમાં હિન્દુ રાજાઓની ગજબની એકતાથી ગભરાયો. તેણે હુમલાની રણનીતિ બદલી અને રાતનાં અંધારામાં જ સુહેલદેવના સૈન્ય પર હુમલો કરી દીધો. પરિણામે એવું લાગવા લાગ્યું હતું કે, સુહેલ દેવની હાર નિશ્ર્ચિત છે. તેવા સમયે રાજા સુહેલદેવે પોતાની પ્રજાની મદદ માગી. તેઓએ પોતાના મિત્ર રાજાઓ અને જનતાને આહ્વાન કર્યું કે, આ એક ધર્મયુદ્ધ છે અને આપણે સૌએ આ યુદ્ધની વેદીમાં આહુતિ આપવી પડશે. તેમના આહ્વાનથી ઘરેઘરેથી યુવાનો તેમનાં સૈન્યમાં જોડાયા અને જોતજોતામાં એક વિશાળ સૈન્ય ઊભું થઈ ગયું.
 
સુહેલદેવે પોતાનાં સૈન્ય અને જનતાને આહ્વાન કર્યું કે કોઈપણ ભોગે અધર્મી સૈયદ સલારને અયોધ્યાની પાવન ભૂમિમાં ઘૂસવાથી રોકવાનો છે. સામેથી જય શ્રીરામના નારા સાથે તેમના સૈનિકો સાથે રાજ્યની જનતા પણ સૈયદ સલાર સાથે ધર્મયુદ્ધ કરવા તૈયાર થઈ ગઈ. સુહેલદેવે પોતાનાં સૈન્ય અને પ્રજાને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે એક પણ દુશ્મન અહીંથી જીવતો પાછો જવો ન જોઈએ. દુશ્મનને મારી તેના ઘોડા, હથિયારો કબજો કરી લો. તેમની પાસે ધન છે એ પણ આપણું જ છે, તેને લૂંટી લો. આખરે મહાયુદ્ધની એ ઘડી આવી પહોંચી.
 
તા. ૮ જૂન, ૧૦૩૪ બન્ને સેનાઓ આમનેસામને હતી. રણભૂમિ હતી. ચિંતોરા જીલથી હઠીલા અને અનારકલી જીલ સુધી સલાર મસૂદની ફોજમાં દોઢ લાખથી વધુ સૈનિકો હતા. સલાર મસૂદે મીર નસરુલ્લા અને સલાર રજ્જબ સાથે આક્રમણ કર્યું, પરંતુ મહારાજા સુહેલદેવે માતૃભૂમિ અને ધર્મરક્ષાની એવી તો જ્વાળા સૈનિકો અને જનતામાં ભરી દીધી હતી કે તેઓ ભૂખ્યા સિંહની માફક સલાર મસૂદના સૈન્ય પર તૂટી પડ્યા. મીર નસહુલ્લાહને બહરાઈચથી ઉત્તરમાં બાર મીલ ઇટ ગ્રામ દિકોલીમાં હણી નાખવામાં આવ્યો. જ્યારે રજજબને બહરાઈચ પૂર્વમાં શાહપુર ગામે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. રાજા કરણના નેતૃત્વમાં સુહેલદેવની સેનાએ સલાર મસૂદને ઘેરી લીધો. દિવસ સુધી ભીષણ સંગ્રામ ચાલ્યો. મસૂદ મહારાજા સુહેલદેવના ચક્રવ્યૂહમાં ફસાઈ ચૂક્યો હતો. સુહેલદેવની સેનાનાં વિષબાણોના વરસાદથી મસૂદના સૈન્યમાં કોહરામ મચ્યો હતો. સુહેલદેવે મસૂદને નિશાન બનાવી એક બાણ છોડ્યું જે સીધું મસૂદના ગળામાં વાગ્યું અને એ પાપીનો અંત આવ્યો.
 
પોતાની સેનાનું પતન થતું જોઈ મસૂદની સેનાના સેનાપતિ સલાર ઇબ્રાહિમે સુહેલદેવ પાસે સંધિનો પ્રસ્તાવ મોકલ્યો, પરંતુ સુહેલદેવે એ પ્રસ્તાવ નકારતાં કહ્યું કે જે લોકો અમારા ઊંઘતા સૈનિકો પર છુપાઈને હુમલો કરે તેઓ પર વિશ્ર્વાસ કરી ન શકાય. દુશ્મનોએ મરવું જ પડશે. આ યુદ્ધ ચાલુ રહ્યું. સુહેલદેવની સેનાએ સલાર ઇબ્રાહિમને પણ મોતને ઘાટ ઉતારી દીધો. કહેવાય છે કે આ યુદ્ધમાં સુહેલદેવની સેનાએ સલાર મસૂદના દોઢ લાખ સૈનિકોમાંથી એક સૈનિકને પણ જીવતો છોડ્યો ન હતો.
 
- રામપાલ સિંહ