સિંહગઢનું યુદ્ધ | અને શિવાજી બોલી ઊઠ્યા, ગઢ આલા, સિંહ ગેલા - ગઢ તો જીત્યા પણ સિંહ ચાલ્યો ગયો.

    12-Aug-2021   
કુલ દૃશ્યો |
 
Battle of Sinhagad _1&nbs
 
 

સિંહગઢનું યુદ્ધ | ઈ.સ. ૧૮૭૦ । Battle of Sinhagad 

 
સવા ત્રણસો વર્ષ પહેલાંની આ શૂરવીરતાની; રાષ્ટની અસ્મિતાની ઐતિહાસિક ઘટના છે. કોડાણાનો કિલ્લો રાજ્યની રાજગઢ રાજધાનીથી નજીક હતો - માતા જીજાબાઈ દરરોજ સવારે સૂર્યની આરાધના કરે ત્યારે કિલ્લો દેખાય. એ કિલ્લો બાદશાહના કબજામાં હોવાથી ખૂબ દુ:ખ થતું. કેમ કરીને આ કિલ્લો પાછો લઈ લેવો એ ચિંતા સતાવતી. કોડાણાના કિલ્લા પર બાદશાહનો ધ્વજ ફરકતો હોય એ જીજામાતા-શિવાજી કઈ રીતે જોઈ શકે ? શિવાજી એમના રાજ્યનો વિસ્તાર કરવા માગતા હતા એ દરમિયાન એમના વફાદાર સેનાપતિ મિત્ર તાનાજીને સંદેશો મોકલ્યો. તાનાજી માલસરે જ આ કિલ્લો જીતી શકે તેવા બહાદુર સેનાની હતા. તાનાજી એમના પુત્ર રાયબાના લગ્નની તૈયારીમાં પડેલા હતા. એ દરમિયાન શિવાજીનો સંદેશો મળ્યો, તેઓ તરત જ શિવાજીને મળ્યા. વિવાહની તૈયારીઓ બંધ કરી દીધી-પહેલાં કોડાણા અને પછી રાયબાનાં લગ્ન - આ વાતનો નિર્ણય કરી લીધો. રાષ્ટભક્તિને એમણે પહેલું મહત્ત્વ આપ્યું. પોતાના ૩૦૦ સાથીઓના કાફલા સાથે કોડાણાના વિજય માટે નીકળી પડ્યા કિલ્લાના માર્ગે. પૂર્વથી પશ્ર્ચિમ એક કિલોમીટર લાંબો અને ૬૭૯ મીટર પહોળો, ચારે દિશાઓમાં ચાર મિનારા; એકદમ સીધું ચઢાણ, ઘનઘોર જંગલ, જંગલી પશુઓની ગુફાઓ - એકદમ કઠિન માર્ગવાળા કિલ્લા પર ૪ ફેબ્રુઆરીના રોજ તાનાજીએ બાદશાહને ગંધ પણ ન આવે એ રીતે ચઢાણ કર્યું. ઊંચી દીવાલો પર દોરડાં બાંધી એક પછી એક તેમના ૩૦૦ સાથીદારોને ગૂપચૂપ ચઢાવી દીધા. સવારે ત્રણ વાગે કિલ્લાની દોણાગીરી ચોકીને તોડીને કોણાના કિલ્લામાં પ્રવેશ કર્યો. સૈનિકો પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ ગયા. કેટલાક શસ્ત્રાગાર પાસે તો કેટલાક મુખ્ય દ્વાર પાસે.
 
અને પછી તાનાજીએ સંકેત આપ્યો કે, શત્રુને જુઓ ત્યાં ખતમ કરી દો. મુગલ સૈનિક જેવા દેખાય કે ગળાં દબાવી દો. ઘોર અંધકારમાં તાનાજીની સેનાએ આ કામ કુશળતાથી-ચપળતાથી પાર પાડ્યું. એમની તલવારોથી મુગલ સૈનિકોનાં ધડ-માથાં દડાની જેમ ફેંકાવા લાગ્યાં. કિલ્લામાં હાહાકાર મચી ગયો. મુગલ સૈનિકો બચવા જે બાજુ જતા એ બાજુ તાનાજીના સૈનિકો એમને વધેરી કાઢતા. ૧,૫૦૦ મુગલ સૈનિકોને તાનાજીના ૩૦૦ સૈનિકો ભારે પડી રહ્યા હતા. હવે હદ થતી હતી. સેનાપતિ ઉદયભાનુ રાઠોડ તેની શિબિરમાંથી બહાર આવ્યો અને લલકાર્યો, આ મરાઠાઓ ચોરની જેમ કિલ્લામાં ઘૂસી ગયા છે - આજે તો એમને બરાબરની સજા કરવી પડશે મા મારા બહાદુરો, મોગલોનો પરચો બતાવી દો. એક એકને મહાત કરો, હું પોતે તાનાજીને પડકારું છું.
 
ઉદયભાણ ખુલ્લી તલવાર સાથે દાંત કચકચાવીને તાનાજી સામે ત્રાટક્યો-તાનાજી પણ ત્રાટક્યા. સામસામે ભયંકર તલવારબાજી થઈ. તાનાજીની ઢાલ તૂટીને જમીન પર પડી. ઉદયભાણ વાર કરવા જ માંડ્યો. તાનાજીએ ઢાલની ચિંતા કર્યા વગર લડવા માંડ્યું. બંને યોદ્ધાઓની તલવારબાજી એવી ચાલી અને એકબીજાને મહાત કરી ગઈ કે બંને કપાએલા ઝાડની માફક જમીન પર ઢળી પડ્યા. ૪ ફેબ્રુઆરીના રોજ તાનાજી શહીદ થયા.
 
એક એવી ઘટના બની કે બંને સેનાના સેનાપતિઓ મરાયા. મરાઠા સૈનિકો જે રસ્તે આવ્યા હતા એ દોણાગીરી તરફ પાછા વળવા લાગ્યા. તાનાજીના ભાઈ - સૂર્યાજી બોલી ઊઠ્યા, ક્યાં જાઓ છો ? આપણા સેનાપતિએ સ્વરાજ માટે પ્રાણ આપી દીધો છે - ત્યારે આપણે ગઢ જીતીને જ જવાનું છે અને તો જ શિવાજી મહારાજને મોં બતાવી શકીશું અને હરહર મહાદેવ, હરહર મહાદેવના નાદથી સૌની નસેનસમાં ફરી લોહી વહેવા લાગ્યું... અને થોડી જ વારમાં મોગલ સૈનિકોએ હથિયાર હેઠાં મૂકી દેવા પડ્યાં. કોડાણા પર શિવાજીની સેનાનો વિજય થયો. શિવાજી મહારાજને કોડાણાના કિલ્લાની જીત અને વફાદાર સેનાપતિ તાનાજીની શહીદીના સમાચાર ૫ ફેબ્રુઆરીના રોજ મળ્યા - તેમના ગળામાં ડૂમો ભરાઈ ગયો - તેઓ બોલી ઊઠ્યા, ગઢ આલા, સિંહ ગેલા - ગઢ તો જીત્યા પણ સિંહ ચાલ્યો ગયો. ગઢ આવ્યો ને સિંહ ગયો એ ઘટના બાદ કોડાણાનો આ કિલ્લો સિંહગઢ તરીકે ઓળખાઈ રહ્યો છે.
 
આ યુદ્ધ અને તાનાજીની શહીદી આપણને રાષ્ટ કે સમાજ પ્રત્યેની આપણી જવાબદારી અને પ્રાથમિકતાનો બોધ આપે છે. વીર તાનાજીએ પુત્રના લગ્ન કરતાં વધુ મહત્ત્વ પોતાના રાજ્યની સુરક્ષાને આપ્યું. અને શહીદી વ્હોરી તેમાંથી આપણે સૌ રાષ્ટસુરક્ષા પ્રથમ તેઓ સંકલ્પ કરીએ.
 
- રાજ ભાસ્કર