ભારતની યુદ્ધકથાઓ થકી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનું પ્રથમ પગલું...!

    12-Aug-2021   
કુલ દૃશ્યો |

bhaarat ni yuddh kathao_1
 
 
માનવ પરા-પર્વથી જ સ્વરક્ષણ, સ્વાર્થ, મહત્ત્વાકાંક્ષા અને ક્વચિત્ અહંકારની ભાવનાથી પ્રેરાઈને સતત લડતો-ઝઘડતો અને યુદ્ધો કરતો આવ્યો છે. યુદ્ધ કરનાર યુદ્ધની સાર્થકતાને પ્રમાણિત કરવા માટે વિધવિધ તર્ક પ્રસ્તુત કરતો રહે છે, પરંતુ ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધ નાનું હોય કે મોટું - નુકસાનકારક જ હોય છે. વૈદિકકાળથી અત્યાર સુધીનાં યુદ્ધોના દાખલા જોઈએ તો, હોમરનું ઈલિયડ, ઓડેસી, મહાભારત, ભગવદ્ગીતા, રામાયણ કે પછી દેવ અને દાનવોનાં પૌરાણિક યુદ્ધો, આદિમાનવનાં યુદ્ધો કે પછી હાલના કથિત સભ્ય સમાજનાં રાષ્ટ્રયુદ્ધો હોય, તેનું પરિણામ વિનાશ અને નુકસાન જ છે. માત્ર જન કે ધનની જ નહીં સભ્યતા, સંસ્કૃતિ અને ઇતિહાસની પણ તેમાં હાનિ થઈ છે. એટલે જ કહેવાય છે કે યુદ્ધ એટલે તમામ પ્રકારે ખુવારી - ખુવારી અને ખુવારી જ.
 
ભારતીય પ્રાચીન શાસનપ્રણાલીમાં બે પ્રકારના યુદ્ધનું વર્ણન છે. ધર્મ-ન્યાયાર્થ યુદ્ધ (Ethical war) અને કૂટયુદ્ધ (Unethical War). દિવ્ય અને ભવ્ય સંસ્કૃતિ અને સંસ્કારથી સભર ભારતવર્ષના લોકો પહેલેથી જ યુદ્ધની આ વિનાશકારી વિભીષિકાથી વાકેફ હતા, છતાં ભારતભૂમિ પર મહત્તમ યુદ્ધો આક્રમણકારોનાં લીધે થયાં છે. ઘણા પ્રાચીન વિચારકો યુદ્ધને ધાર્મિક અનુષ્ઠાન સાથે પણ જોડે છે. વૈદકાલિન અશ્ર્વમેધ અને વાજસનેય યજ્ઞ તેનાં ઉદાહરણો છે. મહાભારત ઉપરાંત આચાર્ય કૌટિલ્ય (લગભગ ત્રીજી સદી ઈ. પૂ.)ના ‘અર્થશાસ્ત્ર’, શુક્રાચાર્ય (લગભગ ૬-૭મી સદી)ના ‘શુકનીતિ’ તેમજ ‘અગ્નિપુરાણ’ ઇત્યાદિ પુરાણો અને ગ્રંથોમાં યુદ્ધો તથા તેને આનુષંગિક પાસાંઓનું નિરૂપણ જોવા મળે છે.
 
ઇતિહાસ સાક્ષી છે કે ભારતે કદી કોઈ પાડોશી દેશ પર પોતાની સીમાના વધારા માટે, રાષ્ટ્રવ્યાપ માટે યુદ્ધ નથી કર્યું કે કોઈને પ્રતાડિત કરવા ય નથી કર્યું. ભારત વૈભવશાળી દેશ હતો તેથી અહીં અનેક લોકોએ આક્રમણ કર્યાં, દેશની સીમાઓ પર હક જમાવવા, પ્રાકૃતિકતાને માણવા, ધન-દોલતને પડાવી લેવા, માતા-બહેનોનાં અપહરણો કરવા, લોકોને ગુલામ બનાવવા આરબો, શકો, હૂણો, મોગલો, અંગ્રેજો વગેરેએ આક્રમણો કર્યાં અને ભારતના વીરો અને વીરાંગનાઓએ પોતાના રાજ્ય, રાષ્ટ્ર અને માતા-બહેનોની રક્ષા કાજે યુદ્ધભૂમિમાં ઉતરવું પડ્યુ. ભારતે માત્ર ધર્મ-ન્યાયાર્થ, રાષ્ટ્ર, રાજ્ય અને પ્રજા-પરિવારની રક્ષાર્થે યુદ્ધ કર્યાં છે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે, ‘સત્ય’ માટે કોઈની પણ સાથે યુદ્ધ કરતાં ખચકાવું નહીં.
 
ઈ.સ. ૬૨૨માં અરબસ્તાનમાં ઇસ્લામ ધર્મની સ્થાપના થઈ. એનાં થોડાંક જ વર્ષો બાદ ઇસ્લામિક આક્રમણખોરોએ આખાયે વિશ્ર્વ પર કબજો કરવા હાહાકાર કર્યો. ઇસ્લામની આંધીની અસર નીચે લગભગ અરધું વિશ્ર્વ આવી ગયું. સ્પેનથી મોંગોલિયા સુધી ઇસ્લામ ધર્મ ફેલાઈ ગયો. ઈ.સ. ૭૧૨માં મહંમદ બિનકાસિમે સિંધ જીત્યું. ઇજિપ્ત, સિરિયા જેવા દેશો માત્ર ૬ વર્ષમાં અને પર્શિયા જેવા દેશો ૧૦ વર્ષમાં આક્રાંતાઓએ સર કર્યા, પરંતુ ભારતના શૂરવીર સમ્રાટોએ ઇસ્લામને સિંધથી આગળ વધવા ના દીધો. મુસ્લિમ આક્રમણખોરોને સિંધથી દિલ્હી પહોંચતાં પોણા પાંચસો વર્ષ (૭૧૨ થી ૧૧૯૨) જેટલો સમય લાગી ગયો. આ દરમિયાન અનેક યુદ્ધો થયાં, હાર-જીત થઈ, બલિદાનો અપાયાં, પણ વીરોએ પાંચ સદી સુધી ભારતને બચાવી રાખ્યું. મુસ્લિમો બાદ અંગ્રેજોએ બસો વર્ષ રાજ કર્યું, તેમની સાથેય અનેક યુદ્ધો થયાં અને ભારતની આઝાદી પછી પાકિસ્તાન - ચીન વગેરે સાથેનાં ઘણાં યુદ્ધોમાં ય આપણા વીરોએ શૌર્ય બતાવ્યું.
 
૧૫ ઓગસ્ટ - ૨૦૨૧થી ભારતની સ્વતંત્રતાના ૭૫માં વર્ષનો શુભારંભ થઈ રહ્યો છે. તે નિમિત્તે ‘ભારતની યુદ્ધકથાઓ’નો આ વિશેષાંક પ્રકાશિત કરી રહ્યા છીએ. આઝાદીનાં ૭૫ વર્ષની ઊજવણી પ્રારંભે સૈકાઓથી વિવિધ યુદ્ધો દરમિયાન ભારતભૂમિની રક્ષા માટે લડેલા, ખુવાર થનારા, બલિદાન આપનારા, શહીદી વહોરનારા ભારતના શૂરવીરોનું સ્મરણ કરીને આઝાદીની હીરક જયંતીનો પ્રારંભ કરવાનો ‘સાધના’ પરિવારનો શુભાશય છે.
 
ભારતભૂમિ પર ખેલાયેલાં યુદ્ધોને યાદ કરીએ તો યાદી બહુ લાંબી બને. ચોતરફથી નહીં પરંતુ દસેય દીશાએથી ભારત પર આક્રમણો થયાં અને ભારતના વીરોએ તેનો સામનો કર્યો. આ વિશેષાંકમાં બધાંનો સમાવેશ કરવો સ્વાભાવિક જ શક્ય ન હતો, પરંતુ ભારતનાં ઐતિહાસિક યુદ્ધોનો સમાવેશ અવશ્ય કર્યો છે. ઈ. સ. પૂર્વે ૩૦૬માં મહાન સમ્રાટ ચંદ્રગુપ્તે સેલ્યુકસને હરાવ્યો, ષુષ્યમિત્ર શૃંગે યુનાનીઓને હરાવ્યા, રાજા વિક્રમાદિત્ય, સમ્રાટ સ્કંદગુપ્તે અનેક આક્રમણખોરોને મારી ભગાડ્યા. ઈ. સ. ૭૧૧માં ભારત પર મહંમદ બિન કાસીમનું પહેલું આક્રમણ થયું, રાજા દાહિરે હિંમતપૂર્વક લડી શહીદી વહોરીને હિન્દુત્વને બચાવ્યું. ઈ.સ ૭૩૫માં મુસલમાનોએ બીજુ આક્રમણ કર્યું. હિન્દુ વીર બપ્પા રાવળે હિન્દુ શક્તિનો પરિચય આપતાં ન માત્ર તેમને મારી ભગાડ્યા, પરંતુ છેક અફઘાનિસ્તાન સુધીના મુસ્લિમ રાજ્યોને રગદોળીને, અરબની સીમા સુધી સનાતન ધર્મનો ડંકો વગાડ્યો. ઈ. સ. ૧૦૦૨માં મહંમદ ગઝનીએ સોમનાથ - ગુજરાત પર પહેલું આક્રમણ કર્યું ત્યારે રાજા જયપાલ અને પછી તેમનાં દીકરા આનંદપાલે એને મારી ભગાડ્યો. એ પછી એણે સત્તર વાર ચડાઈ કરવી પડી. ઈ. સ. ૧૦૯૮માં મહંમદ ઘોરીએ ૧૬ વાર ચડાઈ કરી અને પૃથ્વીરાજે હિન્દુસ્થાનને રક્ષણ આપ્યુ, આખરે ઘોરીએ દગો કરી પૃથ્વીરાજને પરાસ્ત કરવા પડ્યા. ૧૫૦૮માં દક્ષિણ ભારતમાં રાજા કૃષ્ણદેવરાય, ૧૫૬૪માં રાણી દુર્ગાવતીનું ગોંડવાણા યુદ્ધ શૂરવીરતાની આલબેલ પોકારે છે. ૧૬મી સદીમાં મરાઠા શક્તિનો ઉદય થયો. છત્રપતિ શિવાજીએ અફઝલની છાતી ચીરી, ઓરંગઝેબને ધ્રુજાવી હિન્દુ પદપાદશાહીની સ્થાપના કરી. પેશવાઓએ પણ મુગલ સામ્રાજ્યની જડ ખોદી નાંખી. પાવનખીણ અને સિંહગઢ જેવાં યુદ્ધો વિશ્ર્વ ઇતિહાસનાં શ્રેષ્ઠ વીરત્વવાળાં યુદ્ધો લેખાયાં. બીજી તરફ ૧૬૬૭માં જ આસામમાં સરાયઘાટીનું યુદ્ધ અને ૧૮મી સદીમાં પંજાબના રાજા રણજિતસિંહજીથી લઈ હરિસિંહ નલવા સુધીનાં યુદ્ધો, ૧૮૫૭માં બહાદુરશાહ ઝફર, ઝાંસીની રાણીથી લઈને મંગલ પાંડેનું શૌર્ય. આઝાદી બાદ તરત જ ભારત-પાકિસ્તાનનું ૧૯૪૭-૪૮નું યુદ્ધ, ચીન સાથેનું ૧૯૬૫નું યુદ્ધ તથા ફરી પાકિસ્તાન સાથે ૧૯૭૧ અને અંતે કારગિલની ટોચ પર ૧૯૯૯માં તિરંગો લહેરાવતું યુદ્ધ ભારતવર્ષના શૂરવીરોની અમર યુદ્ધકથાઓ કહે છે. હિન્દુ, હિન્દુસ્થાન અને હિન્દુત્વના રક્ષણ માટેનો એમનો સંકલ્પ, કર્મ, ત્યાગ ન ભૂતો ભવિષ્યતિ છે. ઇતિહાસના પાના પર પડેલી સદીઓની ધૂળ ખંખેરી વિરત્ત્વના કેસરિયા રંગે લખાયેલા આ યુદ્ધોની કથાઓ સાંભળી હૃદય ગદ્ગદિત થઈ જાય છે.
 
યુદ્ધસ્ય કથા રમ્યા: યુદ્ધની માત્ર કથાઓ જ રમણીય હોય છે, યુદ્ધ નહીં. એ ઉક્તિ સાચી જ છે, પરંતુ આ કથાઓ એટલા માટે રજૂ કરી કે આપણે સૌ જાણી શકીએ કે હિન્દુસ્થાનની ભૂમિની સુરક્ષા અને સંરક્ષણ માટે કેવાં બલિદાનો અપાયાં છે, રણમેદાન પર કેવા કેવા શૂરવીરોએ પોતાનાં લીલાં નારિયેળ જેવાં માથાં વધેર્યાં છે, દેશની સરહદોને સાચવવા માટે કેવા વીરોએ પોતાના રક્તથી લક્ષ્મણરેખાઓ ખેંચી છે. આમાંનાં અનેક યુદ્ધો આપણે જીત્યા, કેટલાંક હાર્યા, ઘણાંમાં બલિદાનો આપ્યાં તો ક્યાંક સમજૂતીઓ પણ થઈ. પરંતુ દરેક યુદ્ધમાં આપણું ગૌરવ, શિખરને જ આંબતું રહ્યું. આપણી વીરતાનું તેજ ક્યાંય ઝાંખું નથી પડ્યું. ‘ધડ ધિંગાણે અને માથાં મસાણે’ જેવી સ્થિતિ આવી પણ ક્યાંય કોઈ વીરે પીઠ નથી બતાવી. આજે આપણે આઝાદીની ખુલ્લી આબોહવામાં શ્ર્વાસ લઈ શકીએ છીએ, પર્વો ધૂમધામથી ઊજવી શકીએ છીએ એમાં આ યુદ્ધવીરોનાં બલિદાનોનો સિંહફાળો છે. આ યોદ્ધાઓની ખુમારી જ ભારતીય ભગવા અને ત્રિરંગાનો ‘રુઆબ’ છે. હૃદય હચમચાવી દેતી આ યુદ્ધકથાઓ આપણને માત્ર જગાડતી નથી, આપણા જડ-તંત્રને જડબેસલાક બેઠું કરે છે, ચેતનવંતું કરે છે.
 
સ્વામી વિવેકાનંદનું સત્યકથન , ‘ભારતની જીવનશક્તિ હિન્દુત્વમાં રહેલી છે. હિન્દુ પ્રજા પોતાના પૂર્વજોના વારસાને યાદ રાખશે ત્યાં સુધી પૃથ્વીની કોઈ પણ શક્તિ તેનો નાશ નહીં કરી શકે.’ એટલે જ રણમેદાનમાં શૂરવીરતા દાખવનારા આપણા યોદ્ધાઓને યાદ કરીને ‘સાધના’એ આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનું પ્રથમ ૫ગલું માંડ્યું છે. છેક અરબસ્તાન સુધી ભગવો લહેરાવનારાથી લઈને કારગીલની ટોચ પર ત્રિરંગો લહેરાવનારા સુધીના સૌ વીરોને આ વિશેષાંકમાં અપાયેલી કથાઓ થકી વીરાંજલિ અર્પણ કરીએ છીએ, વંદન કરીએ છીએ. પ્રસ્તુત ‘સ્વાતંત્ર્યદિન વિશેષાંક’માં સહયોગી બનનારા લેખકો, ચિંતકો, શુભેચ્છકો, વિજ્ઞાપનદાતાઓ અને ‘સાધના’ના કાર્યકર્તાઓ અને પ્રિય વાચકોનો હૃદયપૂર્વક આભાર અને સૌને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ.