છત્રપતિ શિવાજી મહારાજનાં લાલમહાલ અને જાવળીનાં યુદ્ધ | ઈ. સ. ૧૬૫૯ - ૧૬૬૩

    12-Aug-2021
કુલ દૃશ્યો |

shivaji maharaj_1 &n
 
 
વર્ષ ૧૬૨૯માં જન્મેલા છત્રપતિ શિવાજી મહારાજે માંડ ૫૧ વર્ષના આયુષ્યમાં ૫૧થી વધુ નાનાં-મોટાં યુદ્ધો જીત્યાં હતાં. રાષ્ટ માટે સમર્પિત મુઠ્ઠીભર માવળાઓ તથા ટાંચાં સાધનોને આધારે જ સર્વ યુદ્ધો જીતનારા આ ‘અવતારી’ સમ્રાટ હિન્દવી સ્વરાજ્યની સ્થાપના માટે આજીવન લડ્યા હતા.
 
છત્રપતિ શિવાજી મહારાજે તેમના સૈન્યબળ અને યુદ્ધસામગ્રી કરતાં અનેકગણા વધુ સૈન્યબળ અને અત્યાધુનિક શસ્ત્રસરંજામ ધરાવનારા મોગલો અને ખ્રિસ્તી આક્રાંતાઓને પરાસ્ત કર્યા હતાં તેનું મુખ્ય કારણ તેમનું ભગવાન શ્રીકૃષ્ણ અને આચાર્ય ચાણક્યની યુદ્ધનીતિનું અનુસરણ.
 
કોઈ પણ રાજકીય વારસા વિના કેવળ ૧૬ વર્ષની વયે તોરણાનો કિલ્લો જીતીને તેમણે હિન્દવી સ્વરાજ્યની સ્થાપનાના શ્રીગણેશ કર્યા હતા !
 
જેમ બાલ્યાવસ્થામાં પ્રભુ શ્રીરામે તાડકા સહિત અનેક આસુરી તત્ત્વોનો તો ભગવાન શ્રીકૃષ્ણે અઘાસુર, બકાસુર, પ્રલંબ, કંસ જેવા અનેક આસુરી તત્ત્વોનો અંત આણ્યો હતો તે જ પ્રમાણે છત્રપતિ શિવાજી મહારાજને પણ બાલ્યાવસ્થાથી જ અનેક આસુરી તત્ત્વોનો સામનો કરવો પડ્યો હતો. સર્વ યુદ્ધોમાં અજેય રહેનારા આ આજીવન યોદ્ધાની ઉત્કૃષ્ટ સામરિક નીતિનાં દર્શન શાઈસ્તખાન સામેના લાલમહાલનાં યુદ્ધ અને અફ્ઝલવધ આ બે પ્રસંગોમાં વિશેષ રીતે થાય છે.
 
પોતાના સગા ભાઈઓ અને પિતાને યમસદન પહોંચાડીને દિલ્હીની સત્તા હડપનારા અત્યાચારી ઔરંગઝેબને છત્રપતિ શિવાજી મહારાજ આંખનાં કણાની જેમ ખૂંચતા હતા. દિલ્હીના આ ક્રૂર શાસકના મામા અબુ તાલેબ પણ અત્યંત કટ્ટર આતંકી હતા. સેંકડો હિન્દુઓની હત્યા અને હિન્દુઓ ઉપરના જજિયાવેરા માટે જવાબદાર એવા અબુ તાલીબે કરેલા અત્યાચારો માટે ઔરંગઝેબે તેને ‘મિર્ઝા’ અને ‘શાઈસ્તખાન’ એમ બે શિરપાવ આપીને સન્માન કર્યું હતું. તે પછી અબુ તાલીબ શાઈસ્તખાનનાં નામે જ કુખ્યાત થયો.
 
અત્યંત ક્રૂર અને શક્તિશાળી હોવા છતાં શાઈસ્તખાન છત્રપતિ શિવાજી મહારાજનાં નામ માત્રથી થરથર ધ્રૂજતો હતો. આથી જ્યારે ઔરંગઝેબે છત્રપતિ શિવાજી મહારાજને ‘જીવંત અથવા મૃત’ સ્થિતિમાં પોતાના દરબારમાં લાવવાનું આહ્વાન કર્યું ત્યારે તેના બધા જ અત્યાચારી મંત્રીઓ અને સેનાપતિઓની મુંડી નીચી થઈ ગઈ હતી ! ‘વામન’ છત્રપતિ શિવાજી મહારાજને પકડી લાવી શકે તેવો એક પણ આતંકી પોતાના દરબારમાં નથી તે જાણીને સમસમી ઊઠેલા કટ્ટર હિન્દુદ્વેષી ઔરંગઝેબે પોતાના સગા મામા શાઈસ્ત ખાનને જ આ ‘અસંભવ’ કાર્ય માટે ધકેલ્યા ! રાવણને હાથે મરવા કરતાં શ્રીરામના હાથે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જેમ મારીચ મામા ‘સીતાહરણ’ માટે તૈયાર થયા તેમ ઔરંગઝેબના હાથે મરવા કરતાં એક હિન્દુના હાથે મરવું સારું એમ વિચારીને શાઈસ્ત મામા ‘શિવાજી-હરણ’ માટે તૈયાર થયો. વિશાળ સેના અને અઢળક શસ્ત્રસામગ્રી સાથે તે જાન્યુઆરી ૧૬૬૦માં મહારાષ્ટમાં પ્રવેશ્યો.
 
શાઈસ્તખાને સુજલામ્ , સુફ્લામ્ , મહારાષ્ટને આજના સિરિયા, ઈરાક અને અફ્ઘાનિસ્તાનમાં ફેરવી દીધા. સેંકડો હિન્દુઓની ગળાં કાપીને ક્રૂર હત્યા કરાવી, હજારો મા-બહેનો તાલિબાની અત્યાચારોનો ભોગ બની, ઘરો અને ઊભા પાકથી લહેરાતાં ખેતરોનો નાશ કરવામાં આવ્યો ! જ્ઞાન અને સાંસ્કૃતિક સંપદાથી સમૃદ્ધ દેવાલયો અને ગ્રંથાલયોનો નાશ કરવામાં આવ્યો. સમગ્ર મહારાષ્ટમાં તાલિબાની - સેક્યુલર શાંતિ સ્થપાઈ.
 
શાઈસ્તખાનના અત્યાચારોથી વ્યથિત અને ચિંતિત છત્રપતિ શિવાજી મહારાજ લેશમાત્ર વિચલિત થયા નહોતા.
છત્રપતિ શિવાજી મહારાજના પક્ષે કોઈ પ્રતિકાર ન થતો હોવાથી વધુ માતેલા શાઈસ્ત ખાનના અંત માટે છત્રપતિ શિવાજી મહારાજે પુનઃ કુશળ યુદ્ધનીતિ અપનાવી. શિવાજી મહારાજે જ્યાં પોતાનું બાળપણ વીતાવ્યું હતું, જ્યાં દાદાજી કોંડદેવે તેમને વિવિધ ભાષાઓ તથા શાસ્ત્રોના જ્ઞાનથી સંસ્કારિત કર્યા હતા તે પુણેના મધ્યમાં આવેલા લાલમહાલને શાઈસ્ત ખાને પચાવી પાડીને તેને ઈસ્લામિક આતંકનું મુખ્યાલય બનાવ્યું હતું! લાલમહાલના ખૂણાખાંચરાથી છત્રપતિ શિવાજી મહારાજ અને તેમના સમર્પિત સાથીઓ પરિચિત હતા. આથી રણનીતિ ઘડવામાં ‘છત્રપતિ’ને અનુકૂળતા આવી.
 
સહ્યાદ્રિ ગિરિમાળામાં વસેલા પુણેની આસપાસ (તે સમયે) ગાઢ વનપ્રદેશ હતો. રમઝાન માસ ચાલતો હોવાથી આતંકી સેના રાત્રે વૃકોદરની જેમ માંસાહાર અને મદ્ય ઉપર તૂટી પડતી અને ૭૨ હુરોનાં સ્વપ્નોમાં સરી પડતી !
 
છત્રપતિ શિવાજી મહારાજના નામ માત્રથી ધ્રૂજી ઊઠતા શાઈસ્ત ખાને મહારાજના સૈનિકોના પુણે પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો, પરંતુ સામરિક કૌશલ્યના નિષ્ણાત એવા છત્રપતિ શિવાજી મહારાજે આ પ્રતિબંધનો પણ માર્ગ શોધી કાઢ્યો ! તેમના ધ્યાનમાં આવ્યું કે ૫ એપ્રિલ, ૧૬૬૩ના દિવસે પુણેના એક શ્રીમંતના પુત્રના લગ્ન છે, તે પ્રસંગે રાત્રે વરઘોડો કાઢવાની ‘વિશેષ અનુમતી’ મેળવવામાં આવી છે. આ વરઘોડો લાલમહાલ ઉપરથી પસાર થાય તેવી ‘ગોઠવણ’ ‘ચાણક્ય’ શિવાજી મહારાજે કરાવી, બસ પછી તો હિન્દુ વીરોને જોઈએ જ શું ? તે રાત્રે ૪૦૦ જેટલા માવળા સૈનિકો પરંપરાગત વસ્ત્રોમાં તલવારો લઈને જાનૈયા બનીને વરઘોડામાં ભળી ગયા ! પેલા શેઠ પણ પુત્રના વરઘોડામાં આટલી મોટી સંખ્યામાં જાનૈયાઓ જોઈને સાનંદાશ્ર્ચર્ય પામ્યા હશે !
 
રમઝાનની એ રાત્રે લંપટ શાઈસ્ત ખાન તેની પત્નીઓમાં મસ્ત હતો, તેની આતંકી સેના માંસાહાર અને મદ્યપાનમાં વ્યસ્ત હતી ત્યારે જ એ પ્રેક્ષણીય વરઘોડો લાલમહાલ ઉપર પહોંચ્યો. મદ્ય પીને મસ્ત બનેલા લાલમહાલમાં વસતા આતંકીઓ વરઘોડાના ઢોલનગારાંના તાલે ઝૂમવા લાગ્યા, ત્યાં જ ‘ભાગો, ભાગો, શિવા આયા, બચાઓ, બચાઓ’ની ચિચિયારીઓ તથા ‘જય ભવાની’ના ગગનભેદી જયઘોષથી લાલમહાલ ગાજી ઊઠ્યો. ત્રણ-ત્રણ વર્ષથી આ પુણ્યભૂમિ ઉપર અત્યાચારો કરનારો આતંકી શાઈસ્ત ખાન ૭૨ હુરોના સ્વપ્નોમાંથી ઝબકીને તેની જીવંત પત્નીઓની વચ્ચે સંતાઈ ગયો! સ્ત્રી, બાળકો, વૃદ્ધો અને અસહાય ઉપર શસ્ત્ર નહીં ઉગામવાના હિન્દુ સંસ્કારો છત્રપતિ શિવાજી મહારાજે જ્યાં મેળવ્યા હતા તે લાલમહાલમાં ‘જનાનખાના’માં, સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો અને અસહાય હિન્દુઓનો હત્યારો સ્ત્રીઓનાં કપડાં પહેરીને સ્ત્રીઓની વચ્ચે સંતાયો હતો ! પરંતુ હિન્દુ સંસ્કારોથી અપરિચિત એવી એ સ્ત્રીઓ સ્વબચાવમાં તેમની વચ્ચે સંતાયેલી ‘પુરુષ સ્ત્રી’ને તરછોડીને ભાગી ગઈ અને અંધારાનો લાભ લઈને ભાગતા શાઈસ્ત ખાન ઉપર ‘જય ભવાની’ના જયઘોષ સાથે તલવારનો ઘા થયો અને તેના ઇષ્ટદેવના નામની એક મરણચીસની સાથે તે ઢળી પડ્યો.
 
માત્ર ૩૦ મિનિટના એ યુદ્ધના અંતે, એ મરણચીસ સાંભળીને એ શૂરવીર જાનૈયાઓએ ‘જય ભવાની’નો વિજયઘોષ કર્યો અને ‘સર્જિકલ સ્ટ્રાઈક’ સફળ થઈ છે તેમ માનીને સ્વસ્થાને પરત ફર્યા. તેના થોડા દિવસો પછી, જેમ નાક-કાન કપાવીને શૂર્પણખા રાવણના દરબારમાં પહોંચી હતી તેમ ભવાની તલવારની ધારે પોતાના ડાબા હાથની ત્રણ આંગળીઓ ગુમાવનારો શાઈસ્ત ખાન પોતાનો લૂલો હાથ લઈને ઔરંગઝેબના દરબારમાં પહોંચ્યો. લાલમહાલના સંગ્રામમાં ત્રણ આંગળીઓ કપાવાના દુઃખ કરતાં નિર્દયી ભાણિયાએ કરેલાં અપમાનોથી વધુ દુઃખી થયેલો શાઈસ્ત ખાન રિબાઈને ૧૬૬૪માં મરણ પામ્યો.
 
છત્રપતિ શિવાજી મહારાજના નામથી જ શાઈસ્ત ખાન કાંપતો તેનું મુખ્ય કારણ ૧૬૫૯માં તેમણે કરેલો ‘અફ્ઝલવધ’ હતો. બિજાપુરના શાસક આદિલશાહનો સેનાપતિ અફ્ઝલખાન અત્યંત ક્રૂર હતો. છત્રપતિ શિવાજી મહારાજને એક મચ્છરની જેમ મસળી નાખવાના સંકલ્પ સાથે વિશાળ ગજદળ, મસમોટું અશ્ર્વદળ અને લખલૂટ શસ્ત્રસરંજામ સાથે બિજાપુરથી નીકળેલા અફ્ઝલખાનને આરંભથી જ અમંગળ એંધાણ માં હતાં. છતાં પણ તે ‘શિવસંહાર’ માટે આગળ વધ્યો. અફ્ઝલે માર્ગમાં આવતાં બધાં જ મંદિરોને ધ્વસ્ત કર્યાં, હજારો મા-બહેનો ઉપર અત્યાચારો કર્યા, સેંકડો હિન્દુઓનાં ગળાં કાપ્યાં, લીલાંછમ ખેતરો ઉજાડ્યાં, તેના અત્યાચારોની પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જ્યારે તેણે દક્ષિણના કાશી પંઢરપુરના વિઠ્ઠલ મંદિરને ખંડિત કર્યું.
 
સમગ્ર સમાજ ખળભળી ઊઠ્યો, પરંતુ ‘સ્થિતપ્રજ્ઞ’ છત્રપતિ શિવાજી મહારાજના મનમાં એક સામરિક વ્યૂહરચના આકાર લઈ રહી હતી.
 
વિઠોબાનું મંદિર ધ્વસ્ત થયું તેમ છતાં છત્રપતિ શિવાજી મહારાજે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નહીં તેથી વધુ અત્યાચારી થયેલા અફ્ઝલે છત્રપતિ શિવાજી મહારાજનાં આરાધ્ય ભવાની માતાનાં તુળજાપુર સ્થિત મંદિરને ધ્વસ્ત કર્યું, એટલું જ નહીં મંદિરમાં ગૌવધ કરીને તેનું રક્ત ભવાની માતાની ખંડિત મૂર્તિ ઉપર રેડ્યું !! અધમ કૃત્ય છતાં ‘રહસ્યમયી મૌન’ ધારણ કરનારા છત્રપતિ શિવાજી મહારાજને અત્યાર સુધી પૂજતી આવેલી પ્રજાએ તેમને ભાંડવામાં કશું જ બાકી ન રાખ્યું.
 
મહાસાગર જેટલી સેના અને લખલૂટ શસ્ત્રસરંજામ ધરાવતા અફ્ઝલ સામે રણમેદાનમાં ક્યારેય જીતી શકાય તેમ ન હતું એ સત્ય જાણનારા છત્રપતિ શિવાજી મહારાજે અફ્ઝલવધ માટે અદ્ભુત સામરિક કૌશલ્ય દાખવ્યું, જ્યાં ઉનાળાની બપોરે પણ સૂર્યનું કિરણ પ્રવેશી શકતું નથી તેવા ગાઢ જાવળી વનપ્રદેશમાં, સહ્યાદ્રિ ગિરિમાળામાં, નદીકાંઠે આવેલા પ્રતાપગઢ ઉપર અફ્ઝલને બોલાવવાની યોજના છત્રપતિ શિવાજી મહારાજે ઘડી કાઢી.
 
નદી ઓળંગીને અફ્ઝલ અને તેની સેના પ્રતાપગઢ પહોંચે તે માટે કિલ્લાની પાસે વહેતી નદી ઉપર તેમણે સેતુ બંધાવ્યો. ૩૫૦ વર્ષ પૂર્વે બંધાયેલો આ પુલ આજે પણ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતીભાની જેમ અડિખમ છે ! જાવળીનાં ગાઢ જંગલોમાં વ્યૂહાત્મક ચોકીઓ બનાવીને માવળા સૈનિકોને ગોઠવ્યા. પોતાના વધ માટે આકાર લઈ રહેલી યોજનાઓથી અજાણ મદાંધ અફ્ઝલને છત્રપતિ શિવાજી મહારાજે વ્યૂહાત્મક રીતે લખેલો સંધિનો પત્ર પાઠવે છે. પત્રમાં છત્રપતિ શિવાજી મહારાજે બિજાપુર રાજ્ય સાથેના પોતાના પારિવારિક સંબંધોનું સ્મરણ કરાવીને, પોતે તે રાજ્યના જીતી લીધેલા કિલ્લાઓ પ્રદેશો માટે ખેદ વ્યક્ત કર્યો. પોતે અફ્ઝલ કાકાથી ‘ડરી’ ગયા હોવાથી અને યુદ્ધની ક્ષમતા ધરાવતા ન હોવાથી ‘સંધિ’ કરવા માટે તૈયાર હોવાનું પત્રમાં જણાવ્યું. આ સંધિ પ્રતાપગઢના મનોરમ્ય વાતાવરણમાં થાય તે માટે તેને પ્રતાપગઢ ઉપર આવવા જણાવ્યું !
 
આ પત્રથી ફુલાઈને ફાળકો બનેલા અફ્ઝલને તો જાણે ટાઢા પાણીએ ખસ ગઈ તેવું લાગ્યું. આ ‘મચ્છરને મસળવા’ માટે તેણે બધા જ અત્યાચારો બંધ કરાવીને જાવળીના ગાઢ જંગલમાં આવેલા પ્રતાપગઢ ભણી પ્રયાણ કર્યું ! અફ્ઝલને પ્રતાપગઢ ઉપર બોલાવવા પાછળ છત્રપતિ શિવાજી મહારાજના સામરિક કૌશલ્યનાં દર્શન થાય છે. આ કિલ્લાનું પ્રવેશદ્વાર એવી રીતે બનાવાયું છે કે તેમાંથી શત્રુઓ મોટી સંખ્યામાં પ્રવેશી જ ન શકે, એટલું જ નહીં, તેમાં શત્રુના હાથી કે તોપ પણ પ્રવેશી ન શકે, ચારે બાજુ ગાઢ વનપ્રદેશ હોવાથી શત્રુ તળેટીમાંથી પણ તોપગોળા વરસાવી ન શકે. શત્રુને ત્યાંની ભૂગોળ પણ સમજાય નહીં ! એ કિલ્લાના બે ભાગ છે. જો શત્રુ પ્રથમ ભાગ જીતી લે તો પણ માવળાઓ બીજા ભાગમાં સંતાઈ જાય અને શત્રુને લેશમાત્ર ખબર ન પડે ! તેના ગુપ્ત માર્ગો એવા છે કે ત્યાંથી ભાગીને માવળાઓ ફરીથી મુખ્ય દ્વાર ઉપર સરળતાથી આવીને બેધ્યાન બનેલા શત્રુ ઉપર વાર કરી શકે ! મહાબળેશ્ર્વર પાસે આવેલા આ કિલ્લાને એક પણ આક્રાંતા જીતી શક્યો નથી !
 
આવા પ્રતાપગઢ ઉપર આવેલા અફ્ઝલને કિલ્લાની નીચે વિશેષ રીતે બનાવવામાં આવેલા નાના મેદાનમાં ઉતારો આપવામાં આવ્યો, તેની પ્રત્યેક હિલચાલ ઉપર છત્રપતિ શિવાજી મહારાજની બાજદૃષ્ટિ રહેતી હતી, પરંતુ અફ્ઝલ કિલ્લામાં શું થઈ રહ્યું છે તે જાણી શકતો ન હતો. છત્રપતિ શિવાજી મહારાજની હત્યા કરવા માટે તલપાપડ બનેલા અફ્ઝલે સંધિ માટેની બધી જ શરતોનો સ્વીકાર કર્યો
 
 
હતો ! આ શરતો પણ હિન્દુ સમાજને અનુકૂળ હોય તે રીતે જ મૂકવામાં આવી હતી. પોતે ભયભીત હોવાનું નાટક કરીને, પોતાની જ શરતો સ્વીકારાવીને શત્રુને પોતે ઇચ્છેલા સ્થાને બોલાવવામાં છત્રપતિ શિવાજી મહારાજનું અદ્ભુત યુદ્ધકૌશલ્ય પ્રગટ થાય છે ! હાથમાં વાઘનખ ધારણ કરીને ‘હું ૩૨ દાંતના બોકડાનો વધ કરવા જાઉં છું’ એવો આત્મવિશ્ર્વાસ જીજામાતા સમક્ષ વ્યક્ત કરીને નીકળેલા છત્રપતિ શિવાજી મહારાજે આતંકીને કપટ કરવાની તક આપ્યા વિના જ તેનું પેટ ચીરી નાખ્યું હતું ! મરણચીસ પાડીને અફ્ઝલે સ્વબચાવમાં કટારી કાઢીને છત્રપતિ શિવાજી મહારાજને મારવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપુના કરેલા વધની પુનરાવૃત્તિ અફ્ઝલવધમાં ૨૦ નવેમ્બર, ૧૬૫૯ના દિવસે જોવા મળી !
 
અફ્ઝલવધ પછી કરવામાં આવેલા સંકેતને પગલે જાવળીના વનમાં રહેલા ભારતના સૈનિકોએ સેંકડો આતંકીઓને મોક્ષપ્રાપ્તિ કરાવી હતી. આમ ઉત્તરના આતંકી શાઈસ્ત ખાનના મૃત્યુ અને દક્ષિણના આતંકી અફ્ઝલના વધમાં છત્રપતિ શિવાજી મહારાજનાં અદ્ભુત સામરિક કૌશલ્યનાં દર્શન થાય છે.
 
દિલ્હી, નગર, ભાગ્યનગર (આજનું હૈદ્રાબાદ), બિજાપુરનાં કટ્ટરવાદી મુસ્લિમ શાસકો તથા કપટી અંગ્રેજોના અવિરતપણે થતાં આક્રમણો સામે વિજયી બનીને હિન્દવી સામ્રાજ્ય સ્થાપવાની ઈશ્ર્વરની ઈચ્છા છત્રપતિ શિવાજી મહારાજે પૂર્ણ કરી હતી. આ હિંદુ સમ્રાટનો અંત આણવા તાલિબાની ઔરંગઝેબે અનેક ષડ્યંત્રો કર્યાં હતાં. એ આતતયીએ તો તેમને અને તેમના પુત્ર સંભાજીરાજેને કપટથી આગ્રાના લાલ કિલ્લામાં પુરી દીધાં હતાં અને બંનેની કબરો પણ ખોદાવી હતી, પરંતુ એ આતંકી જમાતને મુર્ખ બનાવીને છત્રપતિ શિવાજી મહારાજ છટકી ગયા હતા. આતંકી ઔરંગઝેબ હિન્દવી સામ્રાજ્યથી એટલો ધૃજતો હતો કે ૧૬૮૦માં છત્રપતિ શિવાજી મહારાજના સ્વર્ગવાસ પછી પણ આ સામ્રાજ્યને પરાસ્ત કરવા તે દિલ્હી છોડીને પુરા ૨૭ વર્ષ મહારાષ્ટમાં રહ્યો, અનેક તાલિબાની કરતુતો કરતો રહ્યો, પરંતુ તેમાં ઘોર નિષ્ફળતાના કલંક સાથે એ સેક્યુલર અસુર ૧૭૦૮માં નાંદેડમાં કમોતે મર્યો. હિન્દવી સામ્રાજ્યને પરાસ્ત કરવાના સર્વ ષડ્યંત્રો નિષ્ફળ ગયાં હતાં કારણ કે છત્રપતિ શિવાજી મહારાજના સ્વર્ગવાસ પછી તેમનાં પ્રતાપી સંતાનો છત્રપતિ સંભાજી મહારાજ, છત્રપતિ રાજારામ મહારાજ અને સ્વરાષ્ટ અને સ્વધર્મ માટે સમર્પિત સૈનિકોએ પણ વીરતાપૂર્વક વીદેશી આક્રમકોથી ભારત માતાની રક્ષા કરી હતી. સેક્યુલર ગેંગ છત્રપતિ શિવાજી મહારાજના વિજીગીષુ કર્તૃત્વને ગૌરવાન્વિત કરવામાં પાપ સમજે છે, પરંતુ આ હિન્દુ સમ્રાટની વિજયગાથા હિન્દુ હૃદયમાં ચિરંજીવી રહેશે.
 
- જગદીશ આણેરાવ