રાણી ચેન્નમ્માનું અંગ્રેજો સામેનું યુદ્ધ | ઈ. સ. ૧૮૨૮

    12-Aug-2021
કુલ દૃશ્યો |

rani chennamma kittur_1&n
 
 
મૈસુરના નાનકડા શહેર કિત્તૂરનો ભૂતકાળ અતિ ભવ્ય છે. પોતાના રાજ્યનાં સ્વાતંત્ર્ય માટે વિદેશીઓ સામે લડનાર પ્રથમ ભારતીય નારીના પાટનગર તરીકે આ શહેરનું નામ ઇતિહાસના ચોપડે સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
 
કિત્તૂરનું રાજ્ય વંશપરંપરાગતથી સર્જ નામના કુટુંબના હાથમાં હતું. રાજ્યમાં ૩૫૮ ગામ હતાં, જેમાંથી ૭૨ને કિલ્લેબંધી કરેલી હતી. રાજ્ય નાનકડું હતું. કિત્તૂરના રાજાઓએ મરાઠાઓ સાથે મૈત્રીની સંધિ કરી હતી. પરંતુ મરાઠાઓનું રક્ષાકવચ જતાં કિત્તૂર સીધેસીધું અંગ્રેજોના સંપર્કમાં આવ્યુંઅને એ વિદેશીઓની પ્રદેશલાલસાભરી લાલ આંખ કિત્તૂર સામે મંડાઈ. ત્યારથી કિત્તૂરની કમનસીબી શરૂ થઈ.
 
એ વખતે કિત્તૂરનો રાજા હતો મલ્લ સર્જ. એને બે રાણીઓ હતી. પહેલી રાણી રુદ્રમ્માથી એને શિવલિંગ રુદ્રેદ્ર સર્જ નામનો પુત્ર હતો, જ્યારે નાની રાણી ચેન્નમ્માને કોઈ સંતાન નહોતાં, પણ એ એક ગુણિયલ, સુશિક્ષિત, ગૌરવવંતી નારી હતી.
મલ્લ સર્જના અવસાન પછી શિવલિંગ સર્જ ગાદીએ બેઠો. એ વખતે જ મરાઠાઓની આખરી હાર થઈ. વિશાળ અંગ્રેજ સેનાએ કિત્તૂરને પણ સાણસામાં લીધું અને શિવલિંગ સર્જ પાસે દર વર્ષે . ૧,૭૫,૦૦૦ની ખંડણી નક્કી કરીને જ એને સ્વતંત્ર રહેવા દીધું.
 
કિત્તૂરના રાજવીઓને આ શરત જરાય મંજૂર નહોતી. કિત્તૂરના આ પ્રકારના વલણથી અંગ્રેજ સરકાર રોષે ભરાઈ અને કિત્તુરને ખાલસા બનાવવાની યોજના બનાવાઈ. કિત્તુરના રાજા થેકરે પણ એટલો જ હોશિયાર અંગ્રેજ હતો. અંગ્રેજ રાજ્યના વિસ્તાર માટે એ સદાય મથ્યા કરતો અને જાતજાતના નુસખા વિચાર્યા કરતો. એણે વિચારેલો નુસખો હતો ખાલસા પદ્ધતિનો. એ મુજબ, જે કોઈ રાજવી વંશવારસ વિના ગુજરી જાય, તેનું રાજ્ય અંગ્રેજો પોતાના પ્રદેશમાં જોડી દે. આ જ ખાલસા પદ્ધતિ પાછળથી ડેલહાઉસીએ અપનાવેલી અને એમાંથી જ ૧૮૫૭નો ભડકો થયો.
 
શિવલિંગ સર્જ આધેડ વયનો થયો હતો, છતાં એને એકે સંતાન નહોતું. ૧૮૨૪માં એ સખત બીમાર પડ્યો ત્યારે ચેન્નમ્માએ મસ્તમર્દાઈ કુટુંબના બાળાસાહેબ નામના કિશોરને દત્તક લેવાની પ્રવૃત્તિ આરંભી. થેકરેને આ સમાચાર મળતાં એણે એક સિવિલ સર્જનને મોકલ્યો. દેખાવ એવો કર્યો કે સર્જન શિવલિંગની સારવાર માટે મોકલ્યો છે, પણ વાસ્તવમાં એ જાસૂસ હતો. એ જ્યારે બીમાર રાજાની પથારી પાસે આવ્યો ત્યારે પુત્ર દત્તક લેવાનો વિધિ જ ચાલતો હતો !
 
થોડા દિવસ પછી શિવલિંગનું અવસાન થયું. ચેન્નમ્મા અને ગુરુસિદ્ધપ્પાએ બાળાસાહેબ વતી રાજ્યની બાગડોર સંભાળી લીધી.
 
આ વાત જ્યારે થેકરે પાસે પહોંચી ત્યારે એના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે તરત જ પત્ર લખીને ચેન્નમ્માને જણાવ્યું કે હવે કિત્તૂરનો કારભાર તમારો અને અમારો, એમ બે દીવાન મળીને ચલાવશે. વળી, છેલ્લાં છએક વર્ષથી તમે ખંડણી આપવાના અખાડા કરો છો, તે હવે જલદી ચૂકવી દો.
 
અને થેકરેના પ્રતિનિધિ તરીકે દીવાનપદું કરવા કોઈ અંગ્રેજ નહીં, પણ કિત્તૂરનો જ એક સ્વાર્થી માણસ તૈયાર થઈ ગયો. એનું નામ મલ્લપ્પા. સત્તાના શોખીન એ માણસે પહેલેથી જ કિત્તૂરનો દ્રોહ કરવાનું શરૂ કર્યું હતું.
 
મલ્લપ્પા જ્યારે થેકરેનો ધમકીપત્ર લઈને ચેન્નમ્મા પાસે પહોંચ્યો ત્યારે ચેન્નમ્માએ કહ્યું : અંગ્રેજો આપણું રાજ હડપ કરી જવા માગે છે, પણ હું મારા જીવતાં તો રાજ એમને નહીં સોંપું.
 
થેકરે સમજી ગયો કે ધમકીઓથી માની જાય એવી પોચી આ સ્ત્રી નથી. એણે તરત જ બે હજાર સૈનિકોને કિત્તૂર પર હુમલો કરવા રવાના કર્યા. પરંતુ સાક્ષાત્ રણચંડી સમાન રાણી ચેન્નમ્માનાં ધસારા આગળ અંગ્રેજો પૂંછડી દબાવીને ભાગ્યા. કિત્તૂરના શૂરવીરોએ અર્ધા ઉપરાંત અંગ્રેજોને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
 
આમ, કિત્તૂરની આઝાદી સામેના પહેલા હુમલાને તો ચેન્નમ્માએ બહાદુરીથી ખાળ્યો. અંગ્રેજો પણ હવે એની સામે ખુલ્લી લડાઈ કરતાં ગભરાવા લાગ્યા. પણ થેકરેને ક્યાંય ચેન પડતું નહોતું. કિત્તૂર જેવા નાનકડા રાજ્યને પોતે કબજે ન કરી શકે, એ તેને રૂચે એવી વાત જ નહોતી. એણે ખુલ્લી લડાઈનું જોખમ તો એક વાર જોઈ લીધું હતું. એટલે અંગ્રેજોને સાધ્ય એવી કૂટનીતિ અપનાવવાનું એણે નક્કી કર્યું. જાતજાતની લાલચો આપીને કિત્તૂરના માણસોને ફોડવા માંડ્યા. કેટલાક લડવૈયાઓને ફોડ્યા અને કેટલાકને દારૂગોળામાં ભેળસેળ કરવા સમજાવી લીધા. આવી તૈયારીઓ પછી પહેલી નવેમ્બર, ૧૮૨૮ના દિવસે એણે વિશાળ સેના સાથે ફરીથી કિત્તૂર પર ઘેરો ઘાલ્યો. આ વખતે એ લગભગ સો તોપો સાથે લાવ્યો હતો. તોપો એણે કિલ્લા સામે ગોઠવી અને પછી આખરીનામું મોકલ્યું કે ત્રીજી તારીખની સવાર સુધીમાં શરણે આવી જાવ, નહીંતર યુદ્ધ શરૂ થશે.
 
ચેન્નમ્મા યુદ્ધ માટે તૈયાર જ હતી. એણે ફરી પાછો યુદ્ધનો વેશ સજ્યો. કિલ્લાની રાંગો પર તોપો ગોઠવી. સૈનિકોને જોશ ચડાવ્યું અને થેકરેને કહેવડાવ્યું કે અમે કદી શરણાગતિ સ્વીકારીશું નહીં.
 
ત્રીજી તારીખથી લડાઈ શરૂ થઈ. અંગ્રેજોના સેંકડો ગોળાઓ આવીને દુર્ગ ભાંગવા લાગ્યા. એ લોકો એ જૂથમાં ઊભા રહીને તોપમારો કરતા હતા. રાણીએ આ જૂથ પર તોપમારો કરવાનો હુકમ દીધો. કિત્તૂરની તોપોને પલીતા ચંપાયા, પણ એકે તોપ ફૂટી જ નહીં ! અંદરના દુશ્મનોએ દારૂગોળો બગાડી મૂક્યો હતો !
 
કિત્તૂરના લડવૈયાઓ નિરાશ થઈ ગયા. છતાં એમણે બહાદુરીથી ટક્કર ઝીલી. ત્રીજી ડિસેમ્બર સુધી કિલ્લો અણનમ રહ્યો પણ આખરે ભાંગ્યો અને એક ખૂંખાર લડાઈ પછી રાણી ચેન્નમ્મા કેદ પકડાયાં. કિત્તૂર લૂંટાયું. અંગ્રેજોને ચૌદ લાખ રોકડા રૂપિયા ને અઢળક ઝવેરાત તથા સોનુંરૂપું મળ્યું.
 
ચેન્નમ્માના છેલ્લા દિવસો બેગહોંગલાના કિલ્લામાં બંદી હાલતમાં વીત્યા, પરંતુ આઝાદીનો એ જીવ બંધિયાર સ્થિતિમાં લાંબુ શી રીતે જીવે ? ૧૮૨૯ની ૨૧મી ફેબ્રુઆરીની સાંજે તો એનું અવસાન થયું. શતશત વંદન હજો રાણી ચેન્નમ્માને !
 
- ડો. કૃષ્ણા વ્યાસ