ફોનોગ્રાફના ઉદ્ધાટનમાં ઋગ્વેદની પ્રથમ ઋચા રેકોર્ડ થઈ હતી..

    16-Aug-2021
કુલ દૃશ્યો |

rig veda_1  H x
 
 

તમને ખબર છે? દુનિયાના પહેલા ફોનોગ્રાફ માટે ઋગ્વેદનો આ વૈદિકમંત્ર રેકોર્ડ કરવામાં આવ્યો હતો

ઓગણીસદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં ફોનોગ્રાફ (ધ્વનિમુદ્રક યંત્ર)ની નવી નવી શોધ થઈ હતી. તેનો ઉદ્ઘાટન સમારંભ એક સંસદસભ્યના નિવાસસ્થાને યોજાયો હતો.
 
કોણ હાજર હતું તેમાં ?
 
વિખ્યાત સાહિત્યકારો, બૌદ્ધિકો, વૈજ્ઞાનિકો, જાહેરજીવનના અગ્રણીઓ, મંત્રી મહોદયો અને પ્રજાના પ્રતિનિધિઓ.
ટૂંકમાં સમાજનું સત્ત્વ ત્યાં હાજર હતું.
 
નક્કી એવું કરેલું કે મેક્સ મૂલર કશુંક બોલે. તેઓ જે બોલે તેનું રેકોર્ડિંગ થાય અને તે રીતે ફોનોગ્રાફ (ધ્વનિમુદ્રક યંત્ર)નું ઉદ્ધાટન થાય.
 
વિચાર કરો કે મેક્સ મૂલર સૌપ્રથમ કયા શબ્દો બોલ્યા હશે ?
 
તેમણે કહ્યું હતું
 
ॐ अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम्। होतारं रत्नधातमम्।।
 

rig veda_1  H x 
 
( વિશ્વના સૌથી પ્રાચિન ગ્રંથ ઋગ્વેદનો પ્રથમ મંત્ર આ છે જેમાં અગ્નિની ઉપાસના કરવામાં આવી છે )
 
 
આ શબ્દો છે ઋગ્વેદની સર્વ પ્રથમ ઋચાના.
 
જ્યારે ત્યાં ઉપસ્થિત સમૂહે રેકોર્ડ થયેલા આ શબ્દો સાંભળ્યા ત્યારે તાળીઓનો ગડગડાટ થયો.
 
મેક્સ મૂલર આ શબ્દો દ્વારા જાણે કે કહી રહ્યા હતા કે જો સાચવવા જેવું હોય તો આ છે.
 
મેક્સ મૂલર (1823થી 1900) મૂળ જર્મનવાસી હતા અને ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં ફરજનિષ્ઠ હતા. તેઓ ભાષાવિદ્, વેદોના જ્ઞાતા અને પ્રાચ્ય વિદ્યામાં પરાંગત હતા.
 
ગુજરાતીમાં એક કહેવત છેઃ જૂનું એટલું સોનુ.. નવાનો, નવામાં જે સારું છે તેનો સ્વીકાર પણ કરવો જ પડે. એક નવી કહેવત અમલમાં મૂકવા જેવી છેઃ જૂનું એટલું સોનુ અને નવા એટલા હીરા.
 
આવિષ્કાર માત્ર, સ્વીકારને પાત્ર. નવી શોધ, ટેકનોલોજીનો વ્યક્તિ અને સમાજના ભલા માટે મહત્તમ ઉપયોગ થવો જોઈએ.
મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, લેપટોપ વગેરે વગેરે તો વાહકો છે, તેમાં વહન શેનું થાય તે સૌથી મહત્ત્વની વાત છે. ખરેખર તો આ બધી નદીની જેમ જ આધુનિક માતાઓ છે. એ લોકમાતાઓ જ છે. તેમાં પ્રદૂષિત અને ડહોળા પાણીને બદલે જો શુદ્ધ અને શીતળ પાણીનું વહન કરાય તો સોનામાં સુગંધ ભળે અને રોજેરોજ સોનાનો સૂરજ ઊગે.
 
જો આધુનિક ઉપકરણોને ભારતીય સંસ્કૃતિનાં વાહક બનાવાય તો ઉત્તમ પરિણામો આવે.
 
એક વાત છાતી ઠોકીને કહી શકાય તેમ છેઃ આધુનિક ટેકનોલોજીના સ્વીકાર પછી, તેના વપરાશમાં ભારતીય મહાન મૂલ્યોનો વિનિયોગ અને ઉપયોગ કરવામાં આવે તો સમગ્ર માનવજાત શાંતિ પામે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય.
 
સંપાદનઃ રમેશ તન્ના