રંગ અવધૂત ઉત્તમ શિક્ષક પણ હતા..

    18-Aug-2021
કુલ દૃશ્યો |

rang avadhoot_1 &nbs
 
 
રેવાતટ નારેશ્વરમાં બિરાજતા શ્રી રંગ અવધૂતના દક્ષિણ ગુજરાતના ગામે ગામ ભક્તો અને અનુયાયીઓ છે. વિશ્વના અનેક પ્રદેશોમાં પણ તેમને માનનારો મોટો વર્ગ છે. મિતભાષી, માત્ર મૌનથી વાત કરનારા સંત રંગ અવધૂતે જગતનું કલ્યાણ કરવા માટે ‘પરસ્પર દેવો ભવ’નો મંત્ર પણ આપ્યો હતો. તેઓ ભગવાન દત્તાત્રેયનો અવતાર મનાય છે.
 
તેઓ ટીખળી સ્વભાવના હતા. કોઈની ખોટી વાત ના ચલાવી લેતા. અન્યાયનો સામનો કરતા. એક વખત જરૂર પડી તો તેમણે શિક્ષકોને પાઠ ભણાવ્યા હતા. તેઓ અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠના કુમાર વિનય મંદિરમાં સંસ્કૃતના શિક્ષક તરીકે જોડાયા હતા. અહીં તેમનો આધ્યાત્મિક પ્રવાસ આગળ વધ્યો. સંસ્કૃત ભાષા પ્રત્યેના લગાવને કારણે તેમણે વિદ્યાર્થીઓ માટે ‘ગિર્વાણ ભાષા પ્રવેશ’ નામનું પુસ્તક લખ્યું જે પાછળથી પાઠ્ય પુસ્તક બન્યું. રાષ્ટ્રીય શાળાના શિક્ષક તરીકે તેમણે પ્રસંશનીય કામગીરી કરીને છાત્રોનાં દિલ જીતી લીધાં હતાં.
 
ગોધરાથી ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પાંડુરંગ અમદાવાદ આવ્યા હતા. એક સત્ર અહીં ભણ્યા પછી તેઓ વડોદરા કોલેજમાં ગયા હતા. વડોદરામાં ખૂબ બિમાર પડી ગયા હતા. વૈદ્યરાજની દવા લીધી હતી. જો કે દૃઢ નિશ્ચય પાંડુરંગે બિમારીમાં પણ પરીક્ષા આપી હતી.
 
તેમને પ્રસિદ્ધિ જરાય ગમતી નહીં. પરદા પાછળ રહીને ઘણાંય કામો કરતા. તેઓ વડોદરામાં એક ધાર્મિક મિત્ર દત્તોપંતની સાથે રહેતા અને સદ્‌ગુરુની વાતો ભાવથી સાંભળતા. તેઓ અહીં ધ્યાન શીખ્યા. તેમણે શાસ્ત્રોનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો. પ્રાકૃત વાંચ્યું. આ સમયગાળામાં પાંડુરંગની સાધના આંતરિક વિકાસ કરતી હતી. રાત્રે બે વાગ્યે જાગી જતા. સ્નાન-આસન-પ્રાણાયામ-ધ્યાન કરતા. દંડ-બેઠક-મલખમ વગેરે કરીને સવારે તો અભ્યાસમાં લાગી જતા. આસન-પ્રાણાયામ અને વ્યાયામ કરતા. ગાંધીજીના આદેશથી અભ્યાસ છોડીને તેઓ પણ દેશની સ્વતંત્રતાની ચળવળમાં જોડાઈ ગયા હતા. આ મોટો ત્યાગ હતો. ઘરે વિધવા મા અને નાનો ભાઈ હતો.
 
પાંડુરંગે પંચમહાલના ગામડે -ગામડે ફરીને જાગૃતિનું કામ કર્યું હતું. ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ જોડાઈ ગયા હતા. તેઓ અહીંના છાત્રાલયમાં રહેતા. અહીં જ તેમનો ગાંધીજી સાથે નિકટનો પરિચય થયો હતો.
 
એક વાર તેઓ ડાકોર દર્શન કરવા ગયા. ડાકોરમાં રણછોડરાયનાં દર્શન કરીને તેઓ અમદાવાદ આવ્યા. ગાંધીજીએ વાત જાણીને તેમને પૂછ્યું કે તમે ડાકોરમાં અપરંપાર ગંદકી અને બ્રાહ્મણોની ધન લોલુપતા ના જોઈ ? પાંડુરંગે કહ્યું કે હું ડાકોરમાં ગંદકી જોવા નહીં, પરંતુ પ્રભુ દર્શન કરવા ગયો હતો. મેં મનોહર મૂર્તિ જોઈ અને એવો ભાવવિભોર થઈ ગયો કે મને બીજું કશું જ દેખાયું જ નહીં.
 
પાંડુરંગે ગાંધીજીએ સ્થાપેલા નવજીવન પ્રકાશન મંદિરમાં પણ કામ કરેલું. ‘નવજીવન’ના સરક્યુલેશન વિભાગની જવાબદારી તેમના માથે હતી. અહીં તેમણે સ્વામી આનંદ સાથે પણ કામ કરેલું. જો કે નવજીવન કાર્યાલયમાં અવિશ્વાસનું વાતાવરણ હતું તે પાંડુરંગને ગમ્યું નહોતું. તેથી તેમણે નવજીવન કાર્યાલય છોડી દીધું હતું. નવજીવન છોડ્યા પછી દંભીઓના દંભ ખુલ્લા પાડવા તેમણે ન્યાયદર્શક છાપામાં ‘ભાંગનો લોટો’ નામની કટાર લખવાનું શરૂ કર્યું હતું. મોટા મોટા ચમરબંધીઓએ તેમણે વ્યંગ લખાણોથી ખુલ્લા પાડી દીધા હતા.
 
પાંડુરંગ ગુરુવારનો ઉપવાસ કરતા. ગાંધીજીએ યુવાનોને ટહેલ નાખી હતી કે જે પીઠામાં દારૂ પીવા જતા હોય તેમને અટકાવવા. પાંડુરંગે પણ તેમાં ઝંપલાવ્યું હતું. અનેક લોકોને તેમણે દારૂ પીતા બંધ કરેલા. એક સ્વચ્છંદી બાઈ દારૂ છોડતી નહોતી, પોતે ચા છોડીને તેને દારૂ છોડાવવામાં સફળ થયા હતા.
 
સંપાદન - રમેશ તન્ના