મોરારિબાપુ - સત્યનો સાક્ષાત્કાર એટલે ભગવાનનો ભેટો - એક વાંચવા જેવો પ્રસંગ

    23-Aug-2021   
કુલ દૃશ્યો |

moraribapu_1  H
 
 
યહૂદી ધર્મનો આ કિસ્સો છે. એક ધર્મગુરુ ઈશ્વરની શોધમાં નીકળ્યા. ‘ઈશ્વર કેવા છે’ની ઉત્કંઠા એને દરબદર ભટકાવતી હતી. અચાનક એને અવાજ સંભળાય છે કે “તું જે દિશામાં જાય છે ત્યાં જે પહેલો માણસ મળશે એની પાસેથી ઈશ્વર વિશેની માહિતી મળશે”.
 
થોડે આગળ જતા એક વૃક્ષ નીચે ઘેટાં ચરાવનાર વ્યક્તિ બેઠો હતો. ધર્મગુરુને થયું કે ‘આની પાસે ઈશ્વરની શું માહિતી હોય !’. પણ પેલો ગેબી અવાજ ખોટો ન હોય એ શ્રદ્ધા સાથે પેલા વ્યક્તિને પૂછે છે “તમે એકેય ધર્મગ્રંથો વાંચ્યા છે ?”
 
ત્યારે પેલો કહે છે કે “મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા”.
 
ધર્મગુરુ કહે “ઈશ્વર વિષે તમે શું માનો છો ?”
 
પેલી વ્યક્તિ કહે કે “હું થોડા ઘેટાં ચરાવતા થાકી જાઉં છું. તો આખી દુનિયાના ઘેટાં ચરાવતા ઈશ્વર થાકી નહીં જતો હોય ? બીજી મને કશી ગતાગમ ન પડે પણ પણ અમારો ત્રીસ વ્યક્તિનો પરિવાર ભગવાન ચલાવે છે”
 
ધર્મગુરુ કહે કે “તમે ઘરમાં ત્રીસ વ્યક્તિઓ છો ?”
 
પેલો કહે, “એક હું અને ૨૯ ઘેટાં એમ કુલ ત્રીસ સભ્યો થયાને ?”
 
ધર્મગુરુ સમજી ગયા કે ‘આ માણસ દ્વારા ઈશ્વર બોલી રહ્યા છે. કેમ કે ઘેટાંને પણ એ પોતાનો પરિવાર માને છે. આ અભણ માણસની વિદ્વત્તા અદભુત છે.’
 
તપના પ્રભાવથી માણસમાં ત્રણ વસ્તુ આવે છે. તપના ત્રણ પ્રકાર છે. ઘણા લોકો રાજસી તપ કરે છે. ઘણા તામસી તપ કરે છે. ઘણા સાત્વિક તપ કરે છે. ત્રણેયના પ્રભાવ જુદા છે. આજના સમય સંદર્ભમાં વિચારીએ તો તપ સાત્વિક હોવું જોઈએ. એ સાત્વિક તપથી આપણે ત્રણ બાબત પ્રાપ્ત કરી શકીએ છીએ. એક તો આપણી ભીતર આપણે પ્રામાણિકતાની સૃષ્ટિ સર્જી શકીએ છીએ. સાચી તપસ્યાનું ફળ છે હૃદયમાં પ્રામાણિકતાની સૃષ્ટિનું સર્જન થવું. સાત્વિક તપસ્યાનું બીજું ફળ છે પ્રામાણિકતાનું પરિપાલન થવું. જેમ ગળામાં કફ જામી જાય તો સ્વર બરાબર નથી નીકળતો તેમ પ્રામાણિકતા ન હોવાના કારણે ભીતરની સૃષ્ટિ સમૃદ્ધ ન બની શકે. અંદર કશુંક ખૂટતું હોય એવું લાગશે. એકવાર પ્રામાણિકતા આવી જાય એટલે પવિત્રતાનું પાલન આપોઆપ થશે. પછી તો આઠે પહોર આનંદ અને પારાવાર પ્રસન્નતા. સાત્વિક તપના પ્રભાવથી ત્રીજું પરિણામ આવે છે એ છે પ્રસન્નતા. શંકરાચાર્યએ કહ્યું છે કે प्रसन्नचित्ते परमात्मदर्शनम्. પ્રસન્નચિત્ત હોય એને પરમાત્માનું દર્શન જલ્દી થાય છે. એટલે કે પરમાત્માની મહેસૂસી થાય છે. જો કે કેટલાક બાધ અને બાધાઓને કારણે પ્રસન્નતા પ્રાપ્ત નથી થતી. એમાં એક કારણ અપેક્ષા છે. નિર્લેપ થઈ જવાથી પરમ સુખની પ્રાપ્તિ થાય છે. હરીન્દ્ર દવે કહે છે તેમ ‘કોઈને પ્રેમ કદી ઓછો હોતો નથી. આપણી અપેક્ષાઓ જ વધુ હોય છે’.
 
મેં એક કથા વાંચી હતી. બે ભાઈઓ હતા. નાનો ભાઈ નિજાનંદી હોવાથી મૂડ આવે ત્યારે કામ કરતો હતો. પણ પ્રામાણિક હતો. મોટો ભાઈ ખૂબ મહેનતું હતો. જેણે પુરુષાર્થ કરીને ઘણું બધું પ્રાપ્ત કર્યું હતું. પણ એ નાના ભાઈની આલોચના કરતો હતો અને વ્યંગબાણ છોડી તેને પીડતો હતો. નાનો ભાઈ જેટલું મળે તેમાં સંતોષ માનનારો હતો. મોટાભાઈ પોતાના પૈસાની મોટાઈ દેખાડતા ત્યારે ક્યારેક નાનાને મનમાં થતું કે થોડા પૈસા હોય તો સારું રહે. પણ થોડી ક્ષણો બાદ બધું હરિ પર છોડી દેતો. દૈવયોગે નાનાને એક ઘંટી મળી. અને દેવવાણી થઇ કે ‘આ ઘંટી ફેરવીશ ત્યારે તું ઈચ્છીશ એ પ્રાપ્ત થશે. એણે પહેલા પ્રયોગમાં ભોજન માગ્યું. પછી તો નાનો ભાઈ પ્રસન્ન રહેવા લાગ્યો. મોટાભાઈને એના રહસ્યની જાણ થતા એણે ઘંટી ચોરી લીધી. કોઈ પકડી ન શકે એટલે ઘંટી લઈને એ સમુદ્રની મધ્યમાં પહોંચી ગયો. ઘંટી ફેરવીને પહેલા જ પ્રયોગમાં એણે મિષ્ટાન્ન માગ્યા. મિષ્ટાન્ન હાજર થયા. ત્રણ તાલી પાડતા જીન બધું હાજર કરે તેમ ઘંટી બધું ઘંટી હાજર કરવા લાગી. એકવાર મિષ્ટાન્ન વધુ ખાવાથી તેને ઉલટી થઈ. કોગળા કરવા તેણે મીઠું માગ્યું. ઘંટીમાં ખામી સર્જાતા એ ફરતી રહી અને મીઠાંનાં ઢગલાં થઈ ગયા. કહેવાય છે કે ત્યારથી મીઠો સમુદ્ર ખારો થઈ ગયો. માણસની વધુ પડતી અપેક્ષાઓ સંસાર સમુદ્રને ખારો કરી દે છે.
 
- આલેખન -  હરદ્વાર ગોસ્વામી