હોકીના જાદુગર મેજર ધ્યાનચંદ વિશે જાણવા જેવી કેટલીક વાતો…

    06-Aug-2021
કુલ દૃશ્યો |

dhyan chand_1  
 
 
 
આજે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલી મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર રાખવમાં આવ્યું છે. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદને આજે બહુ મોટું સમ્માન આપવામાં આવ્યું છે. તેમના માનમાં 29 આગસ્ટને રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ મનાવામાં આવે છે. આ દિવસ તેમનો જન્મદિવસ છે. ધ્યાનચંદનો જન્મ 29 આગસ્ટ 1905ના દિવસે ઉત્તર પ્રદેશના અલાહાબાદમાં કુશવાહા ક્ષત્રિય પરિવારમાં થયો હતો. તેઓ નાનપણથી ધ્યાનસિંહ તરીકે ઓળખાતા હતા. મૂળ ધ્યાનસિંહ તરીકે ઓળખાતા ધ્યાનચંદની ઊંચાઈ પાંચ ફૂટ સાત ઇંચ હતી. તેઓ 16 વર્ષની ઉંમરે લશ્કરમાં જોડાયા હતા. આર્મીમાં જોડાયા પછી તેમને હોકી રમવામાં રસ જાગ્યો હતો.
 

પહેલા ત્રણ ઑલિમ્પિક ગોલ્ડમાં ધ્યાનચંદનું મોટું યોગદાન

 
 
ઑલિમ્પિક્સમાં હોકીની સ્પર્ધા 1908થી યોજાય છે, પરંતુ એ વર્ષથી એમાં ભારતીય ટીમનું કોઈ અસ્તિત્વ જ નહોતું. દર વખતે ગ્રેટ બ્રિટનની ટીમ ગોલ્ડ મેડલ જીતતી હતી. જોકે, 1928ની અમ્સ્ટરડેમ ઑલિમ્પિક્સથી ભારતે આગમન કરવાની સાથે ધમાલ મચાવી દીધી હતી. પોતાની એ પ્રથમ ઑલિમ્પિક્સમાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો અને ધ્યાનચંદ એ સ્પર્ધામાં હાઈએસ્ટ 14 ગોલ કરીને સુપરસ્ટાર બની ગયા હતા.  1932ની લોસ અન્જલસ ઑલિમ્પિક ગેમ્સમાં પણ ભારતે સુવર્ણચંદ્રક જીત્યો હતો અને એમાં પણ ધ્યાનચંદે સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. 1936ની બર્લિન ઑલિમ્પિક્સમાં ભારતને સતત ત્રીજો ગોલ્ડ અપાવવામાં પણ ધ્યાનચંદની મોટી ભૂમિકા હતી.
 

1979માં 74 વર્ષની ઉંમરે અવસાન પામ્યા

 
તેમણે જીવનનાં છેલ્લાં વર્ષો ઉત્તર પ્રદેશમાં પોતાના શહેર ઝાંસીમાં વીતાવ્યાં હતાં. 3 ડિસેમ્બર 1979ના દિવસે 74 વર્ષની ઉંમરે દિલ્હીની આલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ આફ મેડિકલ સાયન્સિસમાં તેમનું લીવરના કેન્સરની બીમારીને કારણે અવસાન થયું હતું. ઝાંસી હીરોઝ ગ્રાઉન્ડમાં તેમના અંતિમસંસ્કાર થયા હતા. ઝાંસીની સિપરી હિલ પર હોકીની સ્ટિક સાથે તેમનું સ્મારક બનેલું છે.
 
 
# પચીસ વર્ષની કરિયરમાં ધ્યાનચંદે કુલ 1000 કરતાં પણ વધુ ગોલ કર્યા હતા જેમાંથી 400 ગોલ ઑલિમ્પિક્સ સહિતની ઇન્ટરનેશનલ મેચોમાં હતા.
 
# ધ્યાનચંદમાં બોલ પર કાબૂ મેળવીને એને ગોલપોસ્ટમાં પધરાવી દેવાની ગજબની ચપળતા અને કુશળતા હતી. ડ્રિબલિંગમાં તેમના જેવી કાબેલિયત હજી સુધી કોઈનામાં નથી જોવા મળી એવું હોકીજગતમાં હજી પણ કહેવાઈ રહ્યું છે.
1936માં બર્લિન ઑલિમ્પિક્સમાં ભારતની જર્મની સામેની ફાઇનલ વખતે જર્મન શાસક અડોલ્ફ હિટલર 40,000 પ્રેક્ષકોની વચ્ચે બેઠા હતા. અગાઉની જર્મની સામેની પ્રેક્ટિસ મેચમાં ભારત 1-4થી હારી ગયું હોવાથી ફાઇનલ જીતવા માટે પણ જર્મની ફેવરિટ હતું. જોકે, ડ્રેસિંગ-રૂમમાં તિરંગા નજીક બેસીને વંદે માતરમ ગાયા પછી ધ્યાનચંદના નેતૃત્વમાં મેદાન પર ઊતરેલી ભારતીય ટીમે જર્મનીને 8-1થી હરાવીને સૌ કોઈને સ્તબ્ધ કરી દીધા હતા. એ આઠમાંથી ત્રણ ગોલ (હેટ-ટ્રિક) ધ્યાનચંદે કર્યા હતા.
 
#કહેવાય છે કે હિટલર 1936ની બર્લિન ઑલિમ્પિક્સ દરમિયાન ધ્યાનચંદની કુશળતાથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે તેમણે ધ્યાનચંદને જર્મન નાગરિકત્વ અને જર્મન લશ્કરમાં હોદ્દાની આફર કરી હતી. જોકે, તેમણે એ આફરનો હસતા ચહેરે અસ્વીકાર કર્યો હતો.