સ્વામી વિવેકાનંદજીની નજરે... નાસ્તિક કોણ ? સદ્ગૃહસ્થ કોણ ? પૂર્વ અને પશ્ર્ચિમની જીવનશૈલી? ગૌરવભાવ, મોટું પાપ, શક્તિનું મહત્ત્વ

    11-Sep-2021
કુલ દૃશ્યો |

vivekananda_1  
 
 
નાસ્તિક કોણ ? સદ્ગૃહસ્થ કોણ ? પૂર્વ અને પશ્ર્ચિમની જીવનશૈલી? ગૌરવભાવ, મોટું પાપ, શક્તિનું મહત્ત્વ આ દરેક પ્રશ્નનોના જવાબ સ્વામી વિવેકાનંદે આપ્યા છે. આવો જાણીએ
 
નાસ્તિક કોણ ?
 
પુરાણા ધર્મો કહે છે : જે ઈશ્ર્વરમાં નથી માનતો એ નાસ્તિક છે. હવે નવો ધર્મ આપણને શીખવે છે, જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે જ નાસ્તિક છે.
 
 
ધર્મ સમસંવેદના છે
 
જે ધર્મ વિધવાના આંસુ લૂછી ન શકે તે ધર્મ શું કામનો ? બહેતર છે એવા ધર્મગ્રંથોને ગંગામાં ડુબાડી દો ! જ્યાં સુધી મારા દેશનું એક કૂતરું પણ ભૂખ્યું હશે, ત્યાં સુધી મારે મોક્ષ નથી જોઈતો ! આમ કહેતી વખતે મને કોઈ સમાજવાદી કહે તો તેની મને પરવા નથી ! પરંતુ દીન-દુખિયાંનો ઉદ્ધાર, તેમની સહાયતા અને તેમને સ્વાવલંબી કરવા માટે તો, દરિદ્રમાં નારાયણ છે એવા ભાવ સાથે તેની સેવા કરવી રહી. આ કાર્ય સમાજવાદ જેવી ભૌતિક વિચારસરણીથી સંભવ નથી.
 
 
ગુરુકૃપા હિ કેવલમ્
 
શિકાગોની વિશ્ર્વધર્મ પરિષદમાં મારા ઉદ્બોધનથી મને વિશ્ર્વવ્યાપી ખ્યાતિ મળી, પરંતુ મને કહેવા દો કે, તેમાં મારું પોતાનું કશુંયે નથી. જે કાંઈ છે એ તો મારા સદ્ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસ દેવની કૃપાનું જ એ ફળ છે !
 
 
બે જીવનશૈલી
 
પૂર્વ અને પશ્ર્ચિમની જીવનશૈલીમાં જે તફાવત છે તે આ છે : પશ્ર્ચિમનો શ્રમજીવી દિવસભરના પરિશ્રમને અંતે દારૂના પીઠામાં મદિરા પીને અને નાચગાન કરીને પોતાનો દિવસભરનો થાક ઉતારે છે, જ્યારે ભારતનો શ્રમજીવી દિવસભરનો થાક, સાયંકાળે, મંદિરની સાંધ્ય-આરતી અને ભજન દ્વારા ઉતારે છે.
 
 
ગૌરવભાવ !
 
પશ્ર્ચિમના મોટામાં મોટા ધર્મગુરુ પણ તેમના પૂર્વજો કોઈ રાજા-મહારાજા હતા એમ કહેવામાં ગૌરવ અનુભવે છે. જ્યારે ભારતના મોટા મોટા રાજવી-સમ્રાટો પણ પોતાના પૂર્વ જ કોઈ વલ્કલધારી ઋષિ હતા. એમ કહેવામાં ગૌરવ અનુભવે છે.
 
 
સદ્ગૃહસ્થ કોણ ?
 
તમારા પશ્ર્ચિમી સમાજમાં, સભ્યતા નિદર્શક સ્યૂટ સીવનાર દરજી વડે વ્યક્તિ ‘જેન્ટલમેન’ તરીકે પ્રસ્થાપિત થાય છે, જ્યારે ભારતમાં બાહ્ય દેખાવ નહીં, પરંતુ ચિત્તશુદ્ધિ, પવિત્રતા અને ચારિત્ર્યથી વ્યક્તિ સદ્ગૃહસ્થ તરીકે સન્માનિત થાય છે.
 
 
પાપબોધનો ઇન્કાર
 
મનુષ્યને પાપી ગણવો એથી મોટું પાપ બીજું કોઈ નથી. મનુષ્ય પાપ નથી કરતો, પરંતુ ભૂલ કરે છે અને શિક્ષણ-સંસ્કાર સીંચન વડે જ મનુષ્યની ભૂલસુધારણા સંભવ છે.
 
 
શક્તિનું મહત્ત્વ
 
નિર્બળતા મૃત્યુ છે. શક્તિ એ જ જીવન છે. માટે બળવાન બનો !
 
 
ભારત જ સર્વસ્વ
 
ભારતીય સમાજ મારા બાળપણનું પારણું, યૌવનની ફૂલવાડી અને વૃદ્ધાવસ્થાની કાશી છે ! ભારતની માટી જ મારે મન સ્વર્ગ છે. અહર્નિશ એ જ રટણા કરો. મા, મારી દુર્બળતા અને કાપુરુષતાને દૂર કરો. મને મનુષ્યત્વ પ્રદાન કરો. મારા ભારતને ‘ભારત’ બનાવી દો ! (ભાયાં રતઃ ઇતિ ભારતઃ જે પ્રકાશમાં જ નિમગ્ન છે, એ જ ભારત છે !)
 
 
કન્યાકુમારીમાં દિવ્ય-દર્શન
 
માતા કન્યાકુમારી દેવીના ચરણોમાં બેસીને ભારતવર્ષના અંતિમતમ બિંદુ પર સ્થિત એ વિશાળકાય ખડક ઉપર જઈને મેં સંપૂર્ણ ભારતનું દર્શન ધ્યાનસ્થ અવસ્થામાં કર્યું છે અને અહીંથી જ જ્યાં ત્રણ સાગરજળ નિરંતર ભારતમાતાના પાદપ્રક્ષાલન કરી રહ્યાં છે; એ ભારતમાતા તેની તેજોમય દિવ્યતા સાથે, પુનઃ જાગ્રત થઈ રહી છે. નિખિલ જગતમાતા-ભારતમાતા સંપૂર્ણ વિશ્ર્વ ઉપર તેના આશીર્વાદ વરસાવી રહી છે. એ દિવ્યદર્શને મને ‘ભાવિ યોજના’ માટે સંકલ્પબદ્ધ કર્યો.