અંગ્રેજો ભારતમાંથી કેમ ભાગ્યા ? જબલપુરમાં સેનાનું આંદોલન અને અંગ્રેજો

    13-Sep-2021
કુલ દૃશ્યો |

Britishers leave India _1
 
 
મુંબઈના નૌસૈનિકોના આંદોલનથી અંગ્રેજી શાસન થથરી ઊઠ્યું હતું. નૌસેનામાં આટલો અસંતોષ હશે અને નેતાજી સુભાષચંદ્ર બોઝ માટે સૈનિકોમાં આટલું બધું આકર્ષણ હશે તેનો કોઈ અંદાજ બ્રિટિશ શાસનને નહોતો. એટલે ભારતમાં હજી ૫-૧૦ વર્ષ વધુ રહેવું કે ફરીથી તરત બ્રિટન પાછા જતા રહેવું એ વિષય પર તેમની વચ્ચે મંથન ચાલી રહ્યું હતું બરાબર ત્યારે જ એક ઘટના બની અને અંગ્રેજોનો ભારત છોડવાનો નિર્ણય પાકો થયો. જબલપુરમાં સેનાના સિગ્નલ કોરના જવાનોએ આંદોલન છેડી દીધું.
 
મુંબઈનું આંદોલન ૨૩ ફેબ્રુઆરી ૧૯૪૬ને શનિવારે થંભ્યું. એ ઘટનાને એક અઠવાડિયું પણ વીત્યું નહોતું ત્યાં જબલપુરથી સમાચાર પ્રસર્યા કે ‘સેનાના જવાનોએ આંદોલન છેડી દીધું છે.’ અંગ્રેજ અધિકારીઓને બેરેક્સમાં ગોંધી દીધા છે અને શસ્ત્રાસ્ત્રો પર કબજો કરી લીધો છે.
 
જબલપુર એ દેશની વચ્ચોવચ આવેલું એક સુંદર શહેર છે. સન ૧૮૧૮માં મરાઠાઓને પરાસ્ત કરી અંગ્રેજોએ જબલપુરમાં પ્રવેશ કર્યો હતો. ત્યાંનું વાતાવરણ, લીલોતરી, પહાડીઓ અને આબોહવા જોઈ અંગ્રેજોએ અહી સેનાનું મથક બનાવવાનો નિર્ણય કર્યો.
 
સન ૧૯૧૧માં પ્રથમ મહાયુદ્ધના પ્રારંભે અંગ્રેજો સંચાર સેવાઓની મહત્તા સમજ્યા હતા. તે દિવસોમાં બેટર (Wireless) સંચાર સેવાનો આવિષ્કાર થયો હતો. એટલે સંચાર સેવાનાં પ્રશિક્ષણનું એક મથક અંગ્રેજોએ ૧૫ ફેબ્રુઆરી ૧૯૧૧ને દિવસે જબલપુરમાં સ્થાપિત કર્યું, જેને Signal Training Centre નામ અપાયું. ત્યારથી આજ સુધી સેનાના સિગ્નલ કોરમાં આવનારા પ્રત્યેક જવાનને અને અધિકારીને પ્રશિક્ષણ માટે જબલપુર જ આવવું પડે છે.
 
સન ૧૯૪૬માં જબલપુરમાં ઇન્ડિયન સિગ્નલ કોર્પસનાં બે મોટાં કેન્દ્રો હતાં. એક હતું સિગ્નલ ટ્રેનિંગ સેન્ટર (STC), જેમના. બાર ૧ સિગ્નલ ટ્રેનિંગ બટાલીયન (સેના) અને નંબર ૨ અને ૩ સિગ્નલ ટ્રેનિંગ બટાલિયન (ટેક્નિકલ) એવાં ત્રણ એકમોનો સમાવેશ હતો.
 

Britishers leave India _1 
 
બીજું હતું ‘ઇન્ડિયન સિગ્નલ ડેપો એન્ડ રેકોર્ડર્સ. એસટીસીના કમાંડેટ હતા કર્નલ એલ. સી. બોઇડ અને કર્નલ આર. ટી. એચ ગેલસ્ટન, સિગ્નલ ડેપો અને રેકોર્ડઝના કમાંડેન્ટ હતા. આ બંને યુનિટ જબલપુરમાં રહેતા બ્રિગેડિયર એચ. યુ. રિચાર્ડ્સના હાથ નીચે હતી જે ૧૭ ઇન્ડિયન ઈંફ્રન્ટરી બ્રિગેડના વડા હતા. તે સમયે જબલપુરનું સૈન્યક્ષેત્ર નાગપુર મુખ્યાલયની અંતર્ગત આવતું હતું. નાગપુર મુખ્યાલયમાં બેઠેલા મેજર જનરલ એચ. એફ. સ્કિનર આ સંપૂર્ણ ક્ષેત્રના વડા હતા. અને તેમનું વૃત્તકથન થતું હતું આગ્રાસ્થિત સેન્ટ્રલ કમાન્ડ પ્રમુખને.
 
સંચાર પ્રશિક્ષણના આ મુખ્યાલયના સૈનિકોએ મુંબઈનું આંદોલન રોકાયાના બરાબર ચાર દિવસ પછી અર્થાત્ ૨૭ ફેબ્રુઆરી ૧૯૪૬ના બુધવારે અચાનક આંદોલનની ઘોષણા કરી. તેની શરૂઆત કરી નંબર ૨ સિગ્નલ ટ્રેનિંગ બટાલિયનની G કંપનીએ, સવારે બરાબર ૯-૨૦ કલાકે. એ દિવસે સવારે ૭ વાગ્યાની પરેડ શાંતિથી થઈ જે ૮-૩૦ કલાકે પૂરી થઈ. તે પછી જ્યારે બધા નાસ્તો કરી રહ્યા હતા ત્યારે લગભગ ૨૦૦ વર્કશોપ ટ્રેનીઓ એક હરોળમાં ઊભા થઈ નારા લગાવવા માંડયા. એ બધા જ આર્મી ગણવેશમાં હતા અને ઇન્કિલાબ ઝિંદાબાદ અને જયહિંદના નારા લગાવતા હતા. તેમાંથી કેટલાક લોકોએ કોંગ્રેસનો ઝંડો પણ ઉઠાવેલો હતો.
 
તેમના સૂબેદાર મેજર અહમદ ખાને જ્યારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે તેને નકારી દીધો. ખાને નાસ્તો કરી રહેલા અફસરોને ફોન કર્યો. એ બધા પણ દોડી આવ્યા. કંપની કમાન્ડર ડી. સી. દેશફિલ અને ટ્રેનિંગ ઓફિસર જે નોલ્સ પણ પહોંચી ગયા હતા પણ એ જવાનો કોઈની પણ વાત સાંભળવાના મિજાજમાં નહોતા. આ જવાનોનો બુલંદ આ અવાજ નંબર ૨ સિગ્નલ ટ્રેનિંગ બટાલિયન સુધી પહોંચી રહ્યો હતો. ત્યાંના બાકીના જવાનોને પણ સાથે લઈ આ સરઘસ નંબર ૩ ટ્રેનિંગ બટાલિયન સુધી પહોંચ્યું. ત્યાર સુધીમાં તો દોઢ હજાર કરતાં પણ વધુ જવાનોનું અનુશાસિત સરઘસ બની ચૂક્યું હતું. આ બધા લોકોના અસંતોષનાં કારણો એ જ હતાં જે મુંબઈના નૌસૈનિકોનાં હતાં. આ લોકોને પણ અંગ્રેજ અફસરોનો ભારતીય જવાનો સાથેનો દુર્વ્યવહાર ખટકતો હતો. આ લોકોને પણ નેતાજી સુભાષચંદ્ર બોઝની ‘આઝાદ હિન્દ ફોજ’નાસૈનિકોને અપાયેલી સજા અને અપાયેલો મૃત્યુદંડ મંજૂર નહોતો.
 
આ બધા રેડિયો સિગ્નલ યુનિટના જવાનો હતા. સંચારના ક્ષેત્રમાં હોવાથી આ બધાને મુંબઈ નૌસેનાના જવાનોએ દેખાડેલી હિંમતની જાણકારી હતી. પછી આ નૌસૈનિકોને બ્રિટિશ અફસરો સામે પોતાનાં હથિયાર નાખી સ્વીકારવી પડેલી શરણાગતિની માહિતી હતી. આ બધું હોવા છતાં જબલપુરના આ સૈનિકોએ આંદોલન છેડયું હતું. આ જવાનો જ્યારે રસ્તા પર આવી ગયા ત્યારે તેમની સંખ્યા વધવા લાગી હતી. ધીરે ધીરે તે ૧૭૦૦ સુધી પહોંચી ગઈ. આ જવાનો અહિંસક હતા, તેઓ દેશભક્તિના, આઝાદ હિન્દ સેનાના અને સુભાષબાબુના નારા લગાવી રહ્યા હતા. તેમનો પ્રિય નારો હતો ‘જય હિન્દ’. !
આશરે ચાર દિવસ આ આંદોલન ચાલ્યું. ૨૮ ફેબ્રુઆરી ૧૯૪૬ને દિવસે અર્થાત્ બીજે દિવસે સિગ્નલ ડિપો અને રેકોર્ડઝમાં પણ આ આગ પ્રજ્વલિત થઈ ચૂકી હતી. આશરે ૨૦૦ ક્લાર્કોએ એ સરઘસ સ્વરૂપે બટાલિયન પર આક્રમણ કર્યું. ૧૯૪૬નો ફેબ્રુઆરી ૨૮ દિવસનો હતો. દિ. ૧ માર્ચે સિગ્નલ બટાલિયન અને સિગ્નલ ડિપોના જવાનોએ સદરની સડકો પર ઘોષણાઓ કરતાં સરઘસ કાઢ્યું.
 
બીજી માર્ચે અંગ્રેજોએ ‘સોમરસેટ લાઈટીંફ્રન્ટરી’ને આ આંદોલનકારી જવાનો સામે ઊભી કરી. એ પૂર્ણપણે અંગ્રેજ સૈનિકોની ફોજ હતી. તેને પ્રિન્સ આલ્બર્ટની સેના પણ કહેવાતી. ...(બરાબર બે વર્ષ પછી આ સેના ૧૯૪૮ની ૨૮ ફેબ્રુઆરીએ ઇંગ્લેન્ડ પાછી ગઈ હતી.
 
સોમરસેટ લાઈટ ઈંફ્રન્ટરીના અંગ્રેજ સૈનિકોને આ આંદોલનકારી સિગ્નલ્સના જવાનો તરફ સહાનુભૂતિ હોવાનો કોઈ પ્રશ્ર્ન જ નહોતો. તેમણે અત્યંત ક્રૂરતાથી જવાનોના આ આંદોલનને કચડી નાખ્યું. આંદોલનના આઠ મુખ્ય નેતાઓને ગોળીથી જખમી કર્યા. ૩૨ જવાનો પણ ગંભીરરૂપે ઘાયલ થઈ ગયા.
 
આ આંદોલનકર્તા જવાનોએ સ્થાનિક કોંગ્રેસનો આંદોલનમાં સમર્થન માટે સંપર્ક કર્યો હતો. પરંતુ તેમને નિરાશા જ મળી. કોંગ્રેસ નેતાઓએ તેમને ટેકો આપવાની સાફ ના પાડી તેમણે આંદોલનકર્તાઓને મળી તેમને તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ મૌલાના આઝાદનો પત્ર વંચાવ્યો, જેમાં તેમણે બેરેકસમાં પાછા જઇ સામાન્ય વ્યવહાર શરૂ કરવાની સલાહ અપાઈ હતી.
 
૩ માર્ચ ૧૯૪૬ને દિવસે પત્રકારો સાથેની એક વાતચીતમાં પંડિત જવાહરલાલ નહેરુએ કહ્યું, There were also some political demands. Such demands should not normally be made on the basis of a strike. We have seen recently strikes by American and British servicemen.
 
તે દિવસોમાં જબલપુરથી સેંટ્રલ એસેમ્બલીમાં શેઠ ગોવિંદદાસ પ્રતિનિધિત્વ કરતા હતા. જબલપુરનું આ આંદોલન જ્યારે ચાલી રહ્યું હતું તે દિવસોમાં દિલ્હીમાં સેંટ્રલ એસેમ્બલીનું સત્ર પણ ચાલી રહ્યું હતું. શુક્રવાર દિ. ૧૫ માર્ચે શેઠ ગોવિંદદાસે આ મુદ્દો દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલીમાં ઊભો કર્યો. સરકારના વોર સેક્રેટરી ફિલિપ મેસને આ સંપૂર્ણ ઘટનાક્રમનું સરકારી નિવેદન કર્યું. તેમના નિવેદન અનુસાર જબલપુરના આ વિદ્રોહમાં સિગ્નલના ૧૭૧૬ જવાનોએ ભાગ લીધો હતો. તેમાંથી ૩૫ યુવાનો ગંભીરરૂપે ઘાયલ થયા હતા. તેમણે ગોળીબારની કોઇ પણ વાતને નકારી કાઢી. ૧૯૪૬ની ત્રીજી માર્ચની રાત પડતાં પડતાં બચેલા સિગ્નલના જવાનો પોતપોતાની બેરેક્સમાં પહોંચી ગયા અને જબલપુરની સેનાનું આ આંદોલન શાંત થઈ ગયું. તે પછી ૮૦ જવાનોને કોર્ટમાર્શલનો સામનો કરી પગાર અને પેંશનથી હાથ ધોવા પડ્યા. ૪૧ જવાનોને જેલમાં મોકલવામાં આવ્યા.
 
પરંતુ તેનું પરિણામ ઘેરું હતું ઘણું ગંભીર. અંગ્રેજી શાસન જડમૂળથી હાલી ગયું. નૌસેનાના આંદોલનથી, અંગ્રેજ શાસનને ચોક્કસ બહુ મોટો ધક્કો લાગ્યો જ હતો. છતાં તેમને લાગતું હતું કે નૌસેનામાં જો અસંતોષ વધતો હોય તો પણ તે દેશની બહારની સીમા સુધી જ સીમિત રહેશે. પરંતુ જો થલ સેનાનાં કોઈ પણ એકમમાં અસંતોષ ઊભો થશે તો તે આખા દેશમાં અને દેશની સેનામાં પણ ફેલાશે. હવે જો આજ નહીં તો આવતીકાલે આપણે ઇંગ્લેંડ પાછા જવાનું જ હોય તો આ રીતે સેનામાં પ્રસરેલા અસંતોષ વચ્ચે જઈશું તો બેઆબરૂ થઈને જવું પડશે. અને કદાચ અનેક અંગ્રેજ સૈનિકો, અફસરો માટે જીવતા પાછા જવું અશક્ય થઈ જશે. એટલે ત્યારના અખંડ ભારતના લશ્કરી વડા જનરલ સર અચિનલેકે લંડનમાં અનેક ગુપ્ત ટેલીગ્રામ મોકલ્યા. ૫ સપ્ટેંબર ૧૯૪૬ને દિવસે તેમણે બ્રિટિશ પ્રશાસન અને પ્રધાનમંત્રી ક્લેમેંટ એટલીને સ્પષ્ટ શબ્દોમાં આગ્રહ કર્યો કે શક્ય એટલી જલદી ભારતને સત્તાંતરણ (Transfer of Power) કરી દેવું જોઈએ.
 
જબલપુરનું આ આંદોલન, જેણે તત્કાલીન આર્મીચીફ અચિનલેકને પણ વિચારવા માટે બાધ્ય કરી દીધા, એ આંદોલન ઇતિહાસમાં લુપ્ત કેમ છે, તેઓ ઉલ્લેખ ભાગ્યે જ ક્યાંક મળે છે, તેનું કારણ એ છે કે અંગ્રેજો આ આંદોલનના સમાચારો દબાવી દેવા માગતા હતા. એટલે સૉમરસેટ લાઇફ ઇંડસ્ટ્રીના અંગ્રેજ અફસરોએ આ આંદોલનને શાંત કર્યા પછી પહેલું કામ એ કર્યું. આ આંદોલન સાથે સંબંધિત બધા દસ્તાવેજો નષ્ટ કરી નાખવામાં આવ્યા. અંગ્રેજો ઇચ્છતા નહોતા કે જબલપુરના આ સમાચાર અન્ય મથકો પર પહોંચે અને ત્યાં પણ અસંતોષ નિર્માણ થાય.
 
સ્વાભિમાની અને સ્વતંત્ર રહેલા ગોંડવાનાની રાજધાની જબલપુરે (જૂનું નામ ગઢ માંડલા)એ અંગ્રેજોને નિશ્ર્ચિત સમય પહેલાં ભગાડવામાં વિવશ કરવાની ભૂમિકા નિભાવી હતી, જે આજ સુધી ઇતિહાસનાં પાનાં પર ક્યાંક ખોવાઈ ગઈ હતી.
આપણને એ શિખવવામાં આવ્યું કે આપણી સ્વતંત્રતા આપણે અહિંસક પદ્ધતિથી પ્રાપ્ત કરી છે. દે દી હમેં આઝાદી બિના ખડ્ગ બિના ઢાલ....જેવાં ગીતો પણ નાનપણથી આપણી એવી માનસિકતા બનાવતા રહ્યાં, પરંતુ વાસ્તવિકતા શું હતી ?
 
મહાત્મા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે જે અહિંસક આંદોલનો ચલાવ્યાં, તેનું મહત્ત્વ ચોક્કસ હતું જ. જનજાગરણ માટે આ આંદોલનો ઘણાં ઉપયોગી સિદ્ધ થયાં. સામાન્ય વ્યક્તિ આ આંદોલનોના માધ્યમથી દેશના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાતો ગયો. પરંતુ શું અંગ્રેજો માત્ર આ આંદોલનોથી જ ભારત છોડવા બાધ્ય થયા ?
 
વાસ્તવિકતા કાંઈક જુદું જ ચિત્ર પ્રસ્તુત કરે છે.
 
ન્યાયમૂર્તિ ફણીભૂષણ ચક્રવર્તી કોલકાતા ઉચ્ચ ન્યાયાલય (હાઈકોર્ટ)ના ન્યાયમૂર્તિ રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ રહ્યો ૧૯૫૨થી ૧૯૫૮. એ દરમિયાન સન ૧૯૫૬માં ડૉ. હરેંદ્રકુમાર મુખર્જીના અચાનક દેહાવસાન પછી તેઓ ત્રણ મહિના પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ પણ રહ્યા છે. તેમણે ૧૯૭૬ની ત્રીસમી માર્ચે લખેલા પત્રમાં તેમના રાજ્યપાલ કાળ દરમિયાન થએલો એક અત્યંત મહત્ત્વપૂર્ણ અનુભવ નોંધ્યો છે.
 
તેઓ લખે છે કે જ્યારે હું ૧૯૭૬માં પશ્ર્ચિમ બંગાળનો કાર્યકારી રાજ્યપાલ હતો તે દરમિયાન લૉર્ડ ક્લેમેંટ એટલીનો કોલકાતા પ્રવાસ થયો. તેઓ આશરે બે દિવસ રાજ્યપાલ ભવનમાં રહ્યા. તેઓ બીજા વિશ્ર્વયુદ્ધ પછી જ બ્રિટનના પ્રધાનમંત્રી બન્યા હતા. અને તેમના કાર્યકાળમાં જ ભારતને સ્વતંત્રતા મળી હતી. એટલે મેં તેમને સીધો પ્રશ્ર્ન પૂો હતો.
 
ગાંધીજીના નેતૃત્વમાં થયેલું ભારત છોડો આંદોલન તો ૧૯૪૭થી ઘણું વહેલું સમાપ્ત થઈ ગયું હતું, તે પછી કોઈ એવી પરિસ્થિતિ પણ ઊભી નહોતી થઈ જેને કારણે તમે બધા ભારત છોડી ચાલ્યા જાવ. તો પછી એવું શું કારણ હતું કે આટલી ઉતાવળે તમે અંગ્રેજોએ ભારત છોડ્યું ?
 
તેના જવાબમાં એટલીએ અનેક કારણો ગણાવ્યાં તેમાંથી બે સૌથી વધુ મહત્ત્વનાં કારણો હતાં :
 
(૧) નેતાજી સુભાષચંદ્ર બોઝ, તેમની આઝાદ હિંદ ફોજ અને તેના પ્રત્યેનું ભારતીય સૈનિકોનું આકર્ષણ.
(૨) બ્રિટિશ સેનામાં થયેલા બળવા.
 
આ બંને કારણોથી ભારતમાં અંગ્રેજોની સત્તા જડમૂળથી હચમચી ગઈ હતી. મેં ફરીથી એટલીને પૂછ્યું કે ગાંધીજીનાં ભારત છોડો આંદોલનનો અંગ્રેજોના ભારત છોડવાના આ નિર્ણયમાં કેટલો ફાળો છે ?
 
સ્મિત હાસ્ય કરતાં કરતાં એટલીએ કહ્યું, નગણ્ય.
 
ન્યાયમૂર્તિ ચક્રવર્તીનો આ અનુભવ પોતે જ ઘણું બધું કહી જાય છે.
 
નિકોલસ મેનબર્ગ એક પ્રખ્યાત બ્રિટિશ પત્રકાર હતા. કોમનવેલ્થને કારણે પ્રારંભિક દિવસોમાં તેમનો ભારત સાથે નિકટ સંબંધ સ્થપાયો. તેમણે પણ આવા જ વિચારો વ્યક્ત કર્યા. તેમના મતાનુસાર બ્રિટિશરો ભારત એટલા માટે છોડી ગયા કે તેમને એ વાતની પાકી ખાતરી થઈ ગઈ હતી કે સેનાની નિષ્ઠા હવે બ્રિટિશ શાસન તરફ નહોતી. તેમાં પણ ભૂમિદળમાં જાગેલો અસંતોષ તેમને માટે નૌસેના અને વાયુસેનામાં વ્યાપ્ત અસંતોષ કરતાં પણ વધુ ચિંતાજનક હતો.
 
દ્વિતીય વિશ્ર્વયુદ્ધ વખતે અંગ્રેજોને ભારતનો સહકાર જોઈતો હતો. બ્રિટિશ સરકારને લાગ્યું કે ભારતીયોના સ્વતંત્રતા સંગ્રામની બાબતમાં કાંઈક કરવાની આવશ્યકતા છે. એટલે બ્રિટનના તત્કાલીન પ્રધાનમંત્રી વિન્સ્ટંટ ચર્ચિલે માર્ચ ૧૯૪૨માં યુદ્ધ મંત્રીમંડળના સભ્ય સર સ્ટેફર્ડ ક્રિપ્સને ભારત મોકલ્યા. તે જ ક્રીપ્સ મિશન કહેવાય છે. ક્રિપ્સે ભારતીય નેતાઓ સામે પ્રસ્તાવ મૂક્યો કે યુદ્ધ પછી ચુંટાએલી બંધારણ સભાનું ગઠન કરવામાં આવશે અને ભારતને બ્રિટનના ઉપનિવેશનો દરજ્જો આપવામાં આવશે. પ્રાંતોને નવા બંધારણના સ્વીકાર અથવા જુદા બંધારણ નિર્માણની સ્વતંત્રતા હશે.
 
અર્થાત્ વિશ્ર્વયુદ્ધ દરમિયાન પણ કઠિન પરિસ્થિતિમાં પણ બ્રિટિશ સત્તા ભારતને પૂર્ણ સ્વાતંત્ર્ય આપવાના પક્ષમાં નહોતી. આ જ સર સ્ટેફર્ડ ક્રિપ્સ, તે પછી બ્રિટનની સંસદમાં અર્થાત્ ‘હાઉસ ઓફ કોમન્સ’માં એક ચર્ચામાં ભાગ લેતાં કહે છે, ભારતીય સેનાએ આપણા અધિકારીઓની વાત સાંભળવાનું બંધ કરી દીધું છે.
 
કોંગ્રેસે આ ક્રિપ્સ મિશનને નકારી દીધું અને ૯ ઑગસ્ટ ૧૯૪૨થી ભારત છોડો આંદોલનનો પ્રારંભ કર્યો. આ આંદોલન પ્રભાવી રહ્યું પરંતુ લાંબો સમય ન ચાલ્યું. આ આંદોલન પછી ૧૯૪૭માં પ્રાપ્ત ભારતની સ્વતંત્રતા સુધી કોંગ્રેસે કોઈ મોટું આંદોલન છેડ્યું નહોતું.
 
એનો અર્થ એવો કે જે બ્રિટિશ સત્તા ભારતને સહેલાઈથી મુક્ત કરવા માગતી નહોતી, જે હજી ઓછામાં ઓછું ૫-૧૦ વર્ષ ભારતમાં રહેવા માગતી હતી તેના પર કોંગ્રેસના અથવા બીજાં કોઈ મોટાં આંદોલનનું દબાણ પણ નહોતું.
 
આપણે ઘટનાક્રમ જોઈએ તો આ વાતો સ્પષ્ટ થાય છે.
 
જાન્યુઆરી ૧૯૪૬માં વાયુસેનાના જવાનો હડતાલ પર જાય છે, આંદોલન કરે છે, ૨૩ ફેબ્રુઆરી ૧૯૪૬માં મુંબઈમાં નૌસેનાનું આંદોલન થાય છે. પછી તરત ૨૭ ફેબ્રુઆરીને દિવસે જબલપુરમાં ભૂમિદળના સિગ્નલ્સ કોરમાં આંદોલન થાય છે.
 
આ બધું જોઈને આર્મી ચિફ આચિનલેક, ૧૯૪૬ની ૫ સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી એટલીને પત્ર લખે છે કે હવે બ્રિટિશ શાસને શક્ય એટલું જલદી ભારત છોડી દેવું જોઈએ. ભારત અને બ્રિટનની બ્રિટિશ સત્તાને પણ એ વાતની ખાત્રી થઈ જાય છે કે ભારતની સેનાનાં બધાં અંગો, (નૌસેના, થલસેના, વાયુસેના)ના જવાનોની નિષ્ઠા હવે બ્રિટિશ સત્તા પર રહી નથી. તેમનાં મનમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું આકર્ષણ યથાવત જ છે.
 
એટલા માટે જ ૧૮ જાન્યુઆરી ૧૯૪૭ને દિવસે પ્રધાનમંત્રી ક્લેમેંટ એટલી, લંડનમાં હાઉસ ઓફ કોમન્સમાં જાહેરાત કરે છે કે બ્રિટન હવે ભારતને સ્વતંત્રતા આપવા તરફ આગળ વધી રહ્યું છે.
 
અને બીજે મહિને અર્થાત્ ૨૦ માર્ચ ૧૯૪૭ને દિવસે આ સત્તા હસ્તાંતરણને સુલભ બનાવવા માટે લૉર્ડ માઉંટબેટન દિલ્હી પહોંચે છે. ભારત પહોંચીને જનરલ આચિનલેક સાથે ચર્ચા કર્યા પછી તેઓ નિર્ણય કરે છે કે ભારતને સત્તાનું હસ્તાંતરણ પહેલાંથી નિશ્ર્ચિત તારીખ ઓગસ્ટ ૧૯૪૮ને બદલે એક વર્ષ પહેલાં અર્થાત્ ઓગસ્ટ ૧૯૪૭ને દિવસે કરવું યોગ્ય રહેશે. અને તે પછી ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ એ તારીખ નક્કી થાય છે.
 
એનો અર્થ એ છે કે ભારતીય સૈનિકોમાં જાગેલા ‘સ્વને કારણે અંગ્રેજોને નાસતા-ભાગતા ભારત છોડવાની ફરજ પડી.