ભારતીય રાજકુમારી રત્નાવતીનો રાજધર્મ | Rajkumari Ratnavati

    13-Sep-2021
કુલ દૃશ્યો |

Rajkumari Ratnavati_1&nbs
 
...અને અલાઉદ્દીન ખીલજીનો સેનાપતિ બોલી ઉઠ્યો, ‘આ રાજકુમારી સાધારણ કન્યા નથી પણ વીરાંગનાની સાથે સાથે દેવી પણ છે !’
૧૬મી શતાબ્દીની ભારતીય નારી રાજકુમારી રત્નાવતી ( Rajkumari Ratnavati ) ની શૌર્યગાથા આજે પણ સ્વતંત્રતાની ૭૫મી વર્ષગાંઠ પ્રસંગે સૌના હૃદયમાં ભારતીય નારીના રાજધર્મની યાદ અપાવે છે.
 
રાજસ્થાન ( Rajasthan ) ના અલવર ( Alvar) જિલ્લામાં ભાનગઢ ( Bhangarh ) નો અજેય કિલ્લો ૧૬મી શતાબ્દીમાં રાજા સવાઈ માનસિંહ ( Raja Sawai Man Singh ) ના નાના ભાઈ માધોસિંહે બંધાવ્યો હતો. આ કિલ્લામાં દેવી-દેવતાઓનાં મંદિરો હતાં. બેનમૂન શિલ્પકળા સાથેના મજબૂત પથ્થરોથી આ કિલ્લાની બાંધણી આજે પણ અડીખમ છે.
 
ભાનગઢના કિલ્લા ( Bhangarh Fort ) માંથી રાજા રતનસિંહ જેસલમેર રાજા અલવર પ્રદેશની પ્રજાની સેવા કરતા હતા. બાદશાહ અલાઉદ્દીન ( Allauddin ) ની નજર આ કિલ્લા પર ચઢાઈ કરીને રાજકુમારી રત્નાવતી ( Rajkumari Ratnavati ) નું અપહરણ કરવાની હતી. રાજકુમારી રત્નાવતી ( Rajkumari Ratnavati ) રૂપરૂપનો અંબાર હતી. તેના સૌંદર્યની ચારેબાજુ પ્રશંસા થતી હતી. પણ ! આ તો રાજપૂતાણી વીરાંગના હતી. તે ગમે તેવા ચંચળ ઘોડાને વશ કરીને તેના પર સવાર થઈ બે હાથમાં તલવાર લઈ શત્રુ સામે યુદ્ધ કરવાની તૈયારી પણ કરતી હતી. પુત્રીને વીરાંગના સ્વરૂપે જોઈ રાજા રતનસિંહ પણ ખુશ રહેતા. પિતાને ખાત્રી થઈ ગઈ કે મારી લાડકવાયી કન્યા આ કિલ્લાની રક્ષા માટે સક્ષમ છે. તેથી તેમણે નાનપણથી રાજકુમારી રત્નાવતીને કિલ્લાના રક્ષણ માટેની જવાબદારી સોંપી દીધી. રત્નાવતી નિયમિત યુદ્ધાભ્યાસ કરતી અને ગુપ્ત દ્વાર તથા સિંહ દ્વારથી રક્ષાયેલ ભાનગઢ કિલ્લાના ખૂણે ખૂણાનો અભ્યાસ કરતી. તે પોતાની સહેલીઓને પણ સમય આવ્યે યુદ્ધ કરવાની તાલીમ આપતી.
 
બાદશાહ અલાઉદ્દીને તેની સેના વડે ભાનગઢ કિલ્લા પર આક્રમણ કર્યું. તીર તથા તોપગોળાની વર્ષાથી ભાનગઢ કિલ્લાનો પર્વતીય વિસ્તાર ધણધણી ઊઠ્યો. ચારે બાજુ ભયનું વાતાવરણ જોઈ ભાનગઢના કિલ્લામાં સ્થિત રાજા રતનસિંહ તથા સૈનિકો બાદશાહનો સામનો કરવા તૈયાર થઈ ગયા. સૌએ યુદ્ધનો પોશાક પહેરી ઝેરી તીરકામઠાથી યુદ્ધની તૈયારી કરી.
રાજકુમારી રત્નાવતી પણ પિતાની સાથે યુદ્ધના મોરચે બાદશાહનો સામનો કરવા તૈયાર થઈ. અરબી ઘોડા પર બેસી મર્દાનીના પોશાકથી સજ્જ રત્નાવતીની કમરમાં બે તલવારો લટકી રહી હતી. પીઠ પર બાણોનો ભાથો તથા હાથમાં તીરકામઠું હતું. આ સમયે રાજકુમારી વીરાંગનાની સાથે સાક્ષાત્ જગદંબાના દેવી સ્વરૂપે પિતા સમક્ષ આવી અને કહ્યું, ‘પિતાજી ! આમ ભાનગઢ કિલ્લાની ચિંતા કરશો નહીં. મારા પ્રાણ હશે ત્યાં સુધી કિલ્લાનું રક્ષણ કરીશ. દુર્ગની ચિંતા કર્યા વિના પિતાજી, તમે દુશ્મનનો સામનો કરો. મા કાલી તથા મહાદેવ આપણી રક્ષા કરશે.’ પુત્રીનાં આ વાક્યો સાંભળી રાજા રતનસિંહમાં શૌર્ય પ્રગટ્યું. તેમણે હર હર મહાદેવ...ના નારાથી યુદ્ધ માટે પ્રસ્થાન કર્યું. ભાનગઢ કિલ્લાને પ્રણામ કરી રાજા રતનસિંહ કિલ્લાના દરવાજા બંધ કરાવી યુદ્ધ માટે નીકળી પડ્યા.
 
રાજકુમારી રત્નાવતી તેમના કિલ્લાના સૈનિકો તથા વીરાંગનાઓને લઈ દુર્ગની દીવાલો પર ચઢી ગયાં. ગરમ રેતી, પાણી તથા તીર કામઠાંઓથી સજ્જ થઈ દુશ્મનની રાહ જોતા રહ્યા. અચાનક દુશ્મન સૈનિકો કિલ્લા પર ચઢવાની તૈયાર કરવા માંડ્યા પણ રાજકુમારી રત્નાવતીના નેતૃત્વમાં ગરમ પાણી તથા રેતીના મારાથી દુશ્મન સૈનિકો ઘાયલ થવા માંડ્યા. ભાનગઢના કિલ્લા પરથી બાણોની વર્ષાથી મોટી સંખ્યામાં દુશ્મનો હણાવા માંડ્યા. બાદશાહ અલાઉદ્દીનની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો. તેનું લશ્કર હતપ્રભ થઈ ગયું. દુશ્મન સૈનિકો હતાશ થઈ ગયા. ભાનગઢના કિલ્લા પર વિજય મેળવવો અશક્ય લાગ્યું. રાજકુમારી રત્નાવતીના આક્રમણ સામે દુશ્મનો ટકી શક્યા નહીં.
 
રાજકુમારી રત્નાવતી ( Rajkumari Ratnavati ) ને ચાર દિવસ પછી પણ યુદ્ધમાં પિતાના કોઈ સમાચાર મા નહીં. છતાં તે હિંમત હારી નહીં. છેવટે બાદશાહ અલાઉદ્દીને કપટી ચાલ રમી. તેણે તેના સેનાપતિ મલિક કાફૂરને કિલ્લામાં પ્રવેશ કરવાનો આદેશ આપ્યો. તેથી એક મધરાતે સેનાપતિ તથા તેના સો સૈનિકોએ કિલ્લામાં પ્રવેશ માટે યુક્તિ કરી. મલિકે બે સૈનિકને ગુપ્તવેશે જાણે રાજા રતનસિંહના સંદેશાવાહક ન હોય તે રીતે કિલ્લાના સિંહ દરવાજા પર મોકલ્યા. રાજકુમારી રત્નાવતીને પણ એવું લાગ્યું કે આ મારા પિતાના સંદેશાવાહક હશે ! પણ રત્નાવતી ચતુર પણ હતી, તુરત જ તે સભાન થઈ ગઈ. તેને તુરત જ ભાન થયું કે જો આ મારા પિતાના ગુપ્તચર હોય તો તે ગુપ્ત દરવાજે જાય. સિંહદ્વાર પર કેમ આવ્યા ? તુરત જ રાજકુમારીએ બે તીર છોડીને બંનેની હત્યા કરી નાખી. આ જાણી સેનાપતિ મલિક કાફૂર પણ ત્યાં આવી ચઢ્યો. રાજકુમારીએ યુક્તિથી સેનાપતિ તથા અન્ય સૈનિકોને બંદી બનાવી દીધા અને કિલ્લાની અંદર લાવી દીધા. કિલ્લાનો દરવાજો બંધ કરી દીધો. રાજકુમારી રત્નાવતી કિલ્લામાં તેમના સૈનિકોની સાથે બંદી બનાવેલ દુશ્મન સૈનિકો તથા સેનાપતિને પણ ભોજન આપતાં. રાજકુમારી આ સેનાપતિ તથા દુશ્મન સૈનિકોની પણ સુરક્ષા કરતાં. સમય જતાં કિલ્લામાં અનાજ-પાણી ખૂટવા લાગ્યાં. સૌને ભૂખે મરવાનો વારો આવ્યો.
 
પણ ! અચાનક દૂરથી પિતા રતનસિંહ યુદ્ધના મેદાનમાંથી કિલ્લા તરફ આવતા નિહાા. રાજા રતનસિંહ તથા અલાઉદ્દીન ( Allauddin ) વચ્ચે સંધિ થઈ હતી. બાદશાહ અલાઉદ્દીને ભાનગઢના કિલ્લા પરની ચડાઈનો મનસૂબો પડતો મૂક્યો હોય તેવું લાગ્યું. રાજા રતનસિંહને કિલ્લા તરફ આવતા જોઈ સૌ તેમના સ્વાગત માટે કિલ્લાનો દરવાજો ખોલીને બહાર આવ્યા. રાજકુમારીએ પિતા પાસેથી સર્વે વિગત જાણી.
 
યુદ્ધના દિવસો દરમિયાન પુત્રી રાજકુમારી રત્નાવતીની ભાનગઢ કિલ્લાની સુરક્ષાની શૌર્યગાથા સાંભળી રાજા રતનસિંહને પુત્રી માટે ગૌરવ થયું. તેમણે બંદી બનાવેલ સેનાપતિ મલિક કાફર તથા સૈનિકોને સ્વમાનભેર મુક્ત કર્યા. જતાં-જતાં સેનાપતિ મલિક કાફૂર બોલ્યો, મહારાજા ! આપની પુત્રી રાજકુમારી સાધારણ કન્યા નથી પણ વીરાંગનાની સાથે સાથે દેવી પણ છે. આ દેવીએ ભૂખમરાના દિવસોમાં પણ અમારી સુરક્ષા કરી છે. મહારાજ ! આપની આ ગૌરવવંતી પુત્રીનો રાજધર્મ, વર્ષો સુધી સૌ યાદ કરશે.
 
આજે પણ રાજસ્થાનના અલવર જિલ્લા સ્થિત ભાનગઢનો કિલ્લો ( Bhangarh Fort ) રાજકુમારી રત્નાવતીની શૌર્યગાથા સાથે પર્યટકોમાં ભારતીય નારીના રાજધર્મને ગૌરવથી યાદ કરે છે.
 
 
- જયંતિકાબહેન જોશી