અભિનેતા સિદ્ધાર્થ શુક્લાના અવસાન પછી પ્રશ્ન થાય કે કેમ નાની ઉમરમાં આવે છે હાર્ટ અટેક…

    02-Sep-2021
કુલ દૃશ્યો |

Sidharth Shukla_1 &n
 
 
બોલિવૂડ જગતમાંથી આજે દુઃખદ સમાચાર આવ્યા છે. અભિનેતા સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) નું હ્રદયરોગના હુમલામાં અવસાન થયું છે. તમને જણાવી દઈએ કે બિગબોસ -૧૩ (Big Boss) ના વિજેતા સિદ્ધાર્થની ઉમર માત્ર ૪૦ વર્ષની હતી. તે ફિટ હતો, અભિનેતા હોવાથી યોગ્ય ડાયેટ પણ લેતો હશે, કસરત પણ કરતો જ હશે છતાં એની સાથે એવું કેમ થયું? આટલી નાની ઉમરમાં તેને હાર્ટ અટેક કેમ આવ્યો? તેનું કારણ તો થોડા દિવસમાં ખબર પડશે પણ અનેક રીપોર્ટ કહે છે કે નાની ઉમરના યુવાનોને અટેક કેમ આવે છે? આ રીપોર્ટના તારણો કહે છે કે કેટલીક ભૂલના કારણે આવું થઈ રહ્યું છે. આ ભૂલો કઈ? જાણી લો..જો તમે આવી ભૂલો કરતા હોવ તો ચેતી જજો….
 
વધારે પડતું જંક ફૂડ છે હ્રદય માટે હાનિકારક
 
શું તમે વધારે પડતું જંકફૂડ ખાવ છો? જો જવાબ હા હોય તો ચેતી જાવ. જંકફૂડમાં કેલેરીની માત્રા ખૂબ વધારે હોય છે. જંકફૂડ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધારી દે છે જેના કારણે હાર્ટ અટેક આવી શકે છે. તો સૌથી પહેલા આપણે આપણી આહારની શૈલી સુધારવાની જરૂર છે. જંકફૂડ બંધ કરો યુવાનો.
 
કામનું પ્રેશર
 
નોકરી કરતા લોકોના મુખેથી તમને એક શબ્દ અચૂક સાંભળવા મળ્યો હશે અને શબ્દ છે વર્ક લોડ એટલે કે કામનું પ્રેસર, કામનું દબાણ. અનેક યુવનો આજે ટાર્ગેટ સાથે કામ કરે છે, સ્વાભાવિક છે ટાર્ગેટવાળું કામ તમારું ગમે ત્યારે પ્રેસર વધારી દે છે. સતત પ્રેસર સાથે કામ કરવાથી, પૂરતી ઊંઘ લીધા વગર સતત કામ કરવાથી, એક જગ્યાએ બેસી રહી કામ કરવાથી, ખાવા પીવામાં ધ્યાન ન રાખવાથી અને કેટલીક ખરાબ આદતોના કારણે આપણું શરીર બગડી ગયું છે. નાનકડા કામનું પ્રેસર પણ કેટલાંક યુવાનો સહન કરી શકતા નથી. આ બાબત પર ધ્યાન આપવું પડશે. કામ બંધ ન કરો પણ તમારા કામને એક નક્કી કરેલો સમય ફાળવો. બસ બાકીનો સમય તમે ખુદને પરિવારને આપો. આજની ઝડપી જીવનશૈલીમાં આવું કરવું ખૂબ જરૂરી છે.
 
સ્ટેરોઈડ લેવું હાનિકારક…
 
બોલીવૂડમામ સ્ટેરોઈડ લેવું સામાન્ય બાબત ગણાય છે. આકર્ષક બોડી બનાવવા એક્ટરો સ્ટેરોઈડ લેતા હોય છે. જેની અસર આ રીતે બહાર આવતી હોય છે. મહેનત વગર ઝડપી બોડી બનાવવા આજના યુવાનો પણ સ્ટેરોઈડ લેતા થયા છે. જેનું ખરાબ પરિણામ પણ સામે આવી રહ્યું છે. જાણકારોનુ કહેવું છે કે સ્ટેરોઈડ લેવાથી હાર્ટ અટેકનું જોખમ વધી જાય છે.
 
વ્યસન પણ હાનિકારક…
 
આજના યુવાનો સ્મોકિંગ અને દારૂ પીવાના રવાડે ચડી ગયા છે. બધા યુવાનો આવા નથી નથી પણ આવા યુવાનોની સંખ્યા વધી રહી છે. ડોક્ટરોનું પણ માનવું છે કે યુવાનોમાં હાર્ટ અટેકના કેસો વધી રહ્યા છે તેમાંનું એક મોટું કારણ આ વ્યસન જ છે.
 
આ લક્ષણો દેખાય તો ચેતી જજો…
 
હાર્ટ અટેક મોટી ઉમરે જ આવે એવું નથી. ગમે તે ઉમરે આવી શકે છે. તમારી જીવનશૈલી જ તમને આવા રોગોથી બચાવી શકે છે. ઊંઘ ન આવતી હોય, ખભાની નીચે દુઃખાવો થતો હોય, થાક લાગતો હોય, શ્વાસ ચડતો હોય, ધબકારા વધી જતા હોય તો તમારે ચેતી જવું જોઇએ અને ડોક્ટર પાસે પહોંચી તેમની સૂચના મૂજબ આગળ વધવું જોઇએ.