ભારત પાસે અત્યારે ૧૦ લાખ કરોડ રૂપિયાના બેંકોના NPA છે. ૫-૭ પહેલાંય આંકડો આની આસપાસનો જ હતો. કેન્દ્ર સરકાર મુજબ બેંકોએ છેલ્લાં ૬ વર્ષોમાં ન ચુકવાયેલી લોનમાંથી રૂપિયા ૫.૦૧ લાખ કરોડની વસૂલાત કરી છે. પાંચ લાખ કરોડ રૂપિયાની વસૂલાત છતાં પાંચ લાખ કરોડના બીજા NPA થયા છે. ૧૦ લાખ કરોડમાંથી બેંકો નેશનલ એસેટ રીકન્ટ્રક્શન કંપની (બેડ બેંક) કંપનીને પોતાની એસેટ્સ આપશે. ગેરન્ટી ૩૦,૬૦૦ કરોડ રૂપિયાની ટોચમર્યાદાને આધીન છે. બેડ બેંક ફસાયેલા કરજાને ૧૫ ટકા રોકડમાં ખરીદી લેશે અને બાકીના ૮૫ ટકા એસેટ વેચાતાં વધુમાં વધુ ૫ વર્ષની અંદર ચૂકવશે. સરકારે ફાળવેલા ૩૦,૬૦૦ કરોડ રૂપિયાની આ બાબતે ગેરંટી ઉપલબ્ધ છે. વર્તમાનમાં ૩ લાખ કરોડ રૂપિયાની એસટ્સ તારવવામાં આવી છે, જેમાંથી ૮૯ હજાર કરોડ રૂપિયાની એસેટ્સ તાત્કાલિક બેડ બેંકને આપી દેવાશે. તેના કારણે બેંકોની લિક્વિડિટી વધશે, લોકોનો બેંકોમાં વિશ્ર્વાસ વધશે અને બેંકો નવા લોકોને લોન આપી શકશે. હવે બેંકો પોતાના ફસાયેલા દેવા ભરોસા સાથે NARCLને વેચી શકશે.
ત્રણ લાખ કરોડ રૂપિયાની એસેટમાં સ્ટીલ અને પાવર જેવી ૨૨ જેટલી કંપનીઓની એસેટ અગ્ર હરોળમાં છે. વોલ્વો લિમિટેડ ૨૨,૫૩૨ કરોડ, અમેક ઓટો ૯૦૧૪ કરોડ, જયદીપ ઈન્ફ્રાટેક ૭૯૫૦ કરોડ, કાસ્ટેક ટેક્નોલોજી ૬૩૩૭ કરોડ, વિઝા સ્ટીલ ૩૩૯૪ કરોડ, મિનાક્ષી એનર્જી ૨૭૯૯ કરોડ અને સિંહપુરી એનર્જી ૨૧૯૬ કરોડ રૂપિયા ધરાવતી કંપનીઓનો તેમાં સમાવેશ થાય છે. ભારતમાં સ્ટીલ, પાવર વગેરેનો માંગ-પૂરવઠો ઉપયોગ વધી રહ્યો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અઢળક નાણાં ખર્ચાઈ રહ્યાં છે, તેથી આ કંપનીઓ ખરીદવાવાળાને તેનો લાભ લઈ મળશે અને રાષ્ટીય સંપત્તિનો ઉપયોગ થશે.
નાણાકીય વર્ષ ૨૦૨૦માં બેંકોની NPA ૧૧.૫ ટકા થઈ ગઈ હતી, જે પાછલા વર્ષે ૮.૭ ટકા સુધી પહોંચી હતી. કોરોના કાળમાં ઉત્પાદકતા ઘટી હોવાથી NPA વધ્યું.
સરકારે પોતાની બાકીની નક્કામી એસેટને મોનેટાઈઝ કરવા માટે આવી જ અન્ય ૬ લાખ કરોડ રૂપિયાની એસેટની તારવણી કરી છે. એના ઉપયોગ મારફતે દર વર્ષે ૧ લાખ કરોડ રૂપિયા ઊપજે તેમ છે. માલિક હક્ક આપ્યા સિવાય એસેટ્સ વાપરી નફો વહેંચી તે ઉપયોગમાં લેવાશે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ કમાણી વાપરવા માંગે છે, આવી કંપનીઓ સાથે જોડાતી પ્રાઈવેટ કંપનીઓને ય લાભ થશે.
૧૯૮૦ના દાયકામાં અમેરિકામાં એનપીએના કારણે બેંકો ડૂબવા લાગી હતી ત્યારે ત્યાં બેડ બેંકનો આઇડિયા અપનાવાયો અને ‘બેડ એસેટ’ને ‘ગુડ એસેટ’ બનાવવાના પ્રયત્નો કરાયા હતા. અમેરિકા, ફ્રાંસ, જર્મની, સ્પેન અને પોર્ટુગલ સમેત કેટલાય દેશોમાં આવી બેંકો કામ કરી રહી છે. બીજા દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં હાલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જે રીતે ભાર અપાઈ રહ્યો છે તે જોતાં ગ્લોબલ GDP દર વરસે વધશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધુ પૈસા વપરાય તો નોકરીઓ વધે, રૂપિયાનું સર્ક્યુલેશન વધે અને માનવજીવનની ગુણવત્તા ઊંચી આવે.
બેંક અને NFBC કંપનીઓ વધુ ને વધુ ગ્રાહક જોડવા પર જોર આપે છે. એમાંય ઉદ્યોગજગતને તો અબજોની લોન અપાય. અપ્રચલિત ટેક્નોલોજી, સરકારી નીતિ-નિયમો, મોંઘુ ઉત્પાદન, પાકો માલ ખરીદનાર પાસેથી નાણાં મેળવવામાં મુશ્કેલી, મેનેજમેન્ટમાં ઝગડા વગેરે અનેક કારણોસર કંપનીઓને આપેલી લોન NPAમાં કન્વર્ટ થાય. NPAના મામલે સાર્વજનિક બેંકો ચક્રવાત જેમ ગોળ - ગોળ ઘૂમી રહી છે, બહાર નીકળી શકતી નથી. બેડ બેંકની સ્થાપના પાછળ આવી બેંકોને ચક્રવાતમાંથી નીકાળવાની અવધારણા રહેલી છે. હવે ‘બેડ બેંક’ બેડ લોન ટેકઓવર કરી એસેટ્સ ઝડપથી મોનેટાઇઝ કરશે. બેંકોની બેલેન્સ શીટ સુધરશે અને નવી લોન આપવામાં આસાની રહેશે, બેંકોની છબી સાફસુથરી હશે તો સરકારનેય ફાયદો થશે. કોઈ બેંકનું ખાનગીકરણ કરવું હશે તો સરળતા રહેશે. કોરોના મહામારી બાદ બેંક લોકોને સરળતાથી લોન આપે તેની ખૂબ જરૂરત હતી તે પણ હવે સરળ બનશે. આમ ઘણા દૃષ્ટિકોણથી જોતાં સરકારનાં આ પગલાં આર્થિક દૃષ્ટીએ ખૂબ આવકાર્ય છે.