સમાજની એક વ્યક્તિ, એક ભાગ ખતરામાં છે, તો સમજવું કે આખો દેશ ખતરામાં છે.

    01-Jan-2022
કુલ દૃશ્યો |

pathey 
 

પાથેય -  મારે શું ?

 
એક ઉંદર કસાઈના ઘરમાં દર બનાવી રહેતો હતો. એક દિવસ ઉંદરે જોયું કે કસાઈ અને તેની પત્ની એક થેલામાંથી કંઈક કાઢી રહ્યાં હતાં. ઉંદરને લાગ્યું કે કદાચ કંઈક ખાવાની વસ્તુ છે. ઉત્સુકતાવશ તેણે જોયું કે તે તો ઉંદર પકડવાનું પિંજરું છે. ખતરાની ગંધ આવતાં જ તેણે આ વાત ઘર પાછળ માળો બનાવીને રહેતા કબૂતરને જણાવી કે ઘરમાં ઉંદર પકડવાનું પાંજરુ આવી ગયું છે, ચેતીને રહેજે, પણ કબૂતરે તેની મજાક ઉડાવતાં કહ્યું, મારે શું ? હું ક્યાં એમાં ફસાવાનો છું. આ સાંભળી નિરાશ થયેલા ઉંદરે એ વાત મરઘીને જણાવી, પરંતુ ત્યાંથી પણ ઉંદરને એવો જ જવાબ મો. હવે નિરાશ થઈ ઉંદરે વાડામાં જઈ બકરાને આ વાત જણાવી. આ સાંભળી બકરો તો હસતાં હસતાં લોટપોટ જ થઈ ગયો. તે જ રાત્રે ઉંદર પકડવાના પિંજરામાં એક ઝેરીલો સાપ ફસાઈ ગયો. કસાઈ પતિ-પત્નીને અંધારામાં તેની પૂંછડી જોઈ લાગ્યું કે તે ઉંદર છે. તેને પકડવા જતાં સાપે તેને ડંખ માર્યો, જેના ઇલાજ માટે કસાઈએ તાબડતોબ હકીમને બોલાવ્યો. હકીમે કીધું કે કબૂતરનો સૂપ પીવડાવો તો કંઈક થાય. હવે કબૂતર તપેલામાં બફાઈ રહ્યું હતું. આ વાતની જાણ થતાં કસાઈના સગા તેને મળવા માટે આવ્યા અને કસાઈ પરિવારની પરંપરા મુજબ ભોજન માટે મરઘી હલાલ થઈ. થોડા દિવસો બાદ કસાઈની પત્ની ઠીક થઈ, જેની ઉજવણી કરવા માટે કસાઈએ દાવતનું આયોજન કર્યું અને બકરો પણ હલાલ થયો, પરંતુ બધાંને ચેતવણી આપનાર ઉંદર કસાઈના ઘરેથી ખૂબ જ દૂર ચાલ્યો ગયો હતો માટે તે બચી ગયો.
 
આ પ્રસંગ પરથી એટલું જાણી લેજો કે ક્યારેય કોઈ તમને ખતરા અંગે ચેતવણી આપે તો ક્યારેય એવું ન વિચારતા કે મને શો ફરક પડવાનો છે ? સમાજની એક વ્યક્તિ, એક ભાગ ખતરામાં છે, તો સમજવું કે આખો દેશ ખતરામાં છે. નાત-જાતના વાડામાંથી બહાર નીકળો, ખુદ પૂરતા જ મર્યાદિત ન રહો. સામાજિક બની એકબીજા અંગે વિચારો.