પાપનું પ્રાયશ્ર્ચિત્ત કરવાની ખૂબ સરળ રીત...

    10-Jan-2022
કુલ દૃશ્યો |

guru teg bahadur
 
 
ગુરુ તેગબહાદુરજી ભક્તિ અને શક્તિના ઉપાસક હતા. તેઓએ ૧૬૭૫માં ધર્મની રક્ષા માટે દિલ્હીમાં બલિદાન આપી સિદ્ધ કરી દીધું કે, એક ધર્મગુરુ અને કવિ, સાહિત્યકાર સમય આવે ધર્મરક્ષા માટે માથું કપાવતાં પણ અચકાતા નથી. બલિદાન પૂર્વે અનેક વર્ષો સુધી ગુરુ તેગબહાદુરજીએ દેશનું ભ્રમણ કરી અસંખ્ય લોકોને સદાચારનો ઉપદેશ આપ્યો.
 
એક વખત ગુરુ મહારાજ તલવંડીથી ભઠિંડા થઈ સુલસર પહોંચ્યા. તેમની પાસે એક સુંદર ઘોડો હતો. તેના પર બે ચોરોની નજર પડી. તે તેમની સાથે થઈ ગયા. ગુરુજીને તેમના ઇરાદાઓની ખબર પડી ગઈ. તેઓએ ચોરોને કહ્યું જો તમારે મારો ઘોડો જ જોઈએ. છે તો તેની ચોરી કરવાનું શું કામ વિચારો છો ? મારી પાસે માગી લો અને લઈ જાઓ !
 
ગુરુ તેગબહાદુરની આ પ્રેમવાણી સાંભળી ચોરોને એટલી તો આત્મગ્લાનિ થઈ કે પ્રાયશ્ર્ચિત્તના ભાગરૂપે બન્નેએ આત્મહત્યા કરી લીધી. ગુરુજીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમને ખૂબ જ દુઃખ થયું. પોતાના આગલા પડાવમાં તેઓએ ભક્તજનો વચ્ચે પ્રવચનમાં કહ્યું, પાપના પ્રાયશ્ર્ચિત્તનું સમાધાન આત્મહત્યા ક્યારેય ન હોઈ શકે. વ્યક્તિ ઈશ્ર્વરના નામનું સ્મરણ કરી તમામ પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. બસ શરત માત્ર એટલી જ કે તે ભવિષ્યમાં ક્યારેય પણ પાપ ન કરવાનો દૃઢ સંકલ્પ લે. લોભ, લાલચ અને હિંસાની ભાવના ત્યજી દેનાર માનવીનું હૃદય આપમેળે જ નિર્મળ બની જાય છે.