મુસ્લિમ ન્યાયમૂર્તિનું આહ્‌વાન : ન્યાય વ્યવસ્થાનું ભારતીયકરણ કરવું જોઈએ

    12-Jan-2022   
કુલ દૃશ્યો |

Justice Nazeer
 

It's time to Indianise the judicial system, says Justice Nazeer | મુસ્લિમ ન્યાયમૂર્તિનું આહ્‌વાન : ન્યાય વ્યવસ્થાનું ભારતીયકરણ કરવું જોઈએ

 
 
મુસ્લિમ ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરે ( Justice Nazeer ) કહ્યું કે પ્રાચીન (એટલે હિન્દુ રાજાઓના સમયની એમ વાંચો) ભારતીય ન્યાય ચિંતનમાંથી પ્રેરણા લઈને આજની ભારતની વિધિ (કાયદા) પ્રણાલીનું ભારતીયકરણ ( Indianise the judicial system ) કરવું જોઈએ અને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે દરેક ભારતીય યુનિવર્સિટીએ વિધિના સ્નાતક અભ્યાસક્રમમાં ભારતીય વિધિ શાસ્ત્ર અથવા ન્યાય શાસ્ત્ર ભણાવવું જોઈએ.
 
તાજેતરમાં અખિલ ભારતીય અધિવક્તા પરિષદની ૧૬મી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ ગઈ. તેમાં બોલતા સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશે ( Justice Nazeer ) એમ કહ્યું કે હવે ન્યાયતંત્રનું ભારતીયકરણ કરવાનો સમય આવી ગયો છે.
 
સાધનાના ૧૮/૦૯/૨૦૨૧ના અંકમાં વિગતવાર લખેલું કે ૨૦૧૪ પછી ખરી સ્વતંત્રતાનો સમય શરૂ થયો છે. માત્ર ભાજપ નહીં, પણ કેરળના એક મથુર ગામડાની કૉંગ્રેસના વધુ સભ્યોવાળી ગ્રામ પંચાયતે સર, મેડમ કે સાહેબ કહેવા પર પ્રતિબંધ મૂક્યો. આવી અનેક બાબતો આ દેશમાં ૨૦૧૪ પછી બની રહી છે. હવે તેમાં ઉમેરો થયો ન્યાયતંત્રના ભારતીયકરણના વિચારનો.
 
અખિલ ભારતીય અધિવક્તા પરિષદ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક વકીલોનું સંગઠન છે. એટલે તેમાં આવો વિચાર મૂકાય તે સ્વાભાવિક છે પણ આ વિચારને વિરોધીઓ સંઘનો વિચાર કે હિન્દુઓનો વિચાર કે હિન્દુવાદીઓનો વિચાર છે તેમ કહીને નકારી શકે તેમ નથી. આનું કારણ છે કે ઉપરોક્ત ન્યાયાધીશ મુસ્લિમ છે!
 
ન્યાયમૂર્તિ એસ. અબ્દુલ નઝીરે ( Justice Nazeer ) કહ્યું કે પ્રાચીન (એટલે હિન્દુ રાજાઓના સમયની એમ વાંચો) ભારતીય ન્યાય ચિંતનમાંથી પ્રેરણા લઈને આજની ભારતની વિધિ (કાયદા) પ્રણાલીનું ભારતીયકરણ કરવું જોઈએ અને સંસ્થાનવાદી માનસિકતામાંથી મુક્ત થવું જોઈએ. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે દરેક ભારતીય યુનિવર્સિટીએ વિધિના સ્નાતક અભ્યાસક્રમમાં ભારતીય વિધિ શાસ્ત્ર અથવા ન્યાય શાસ્ત્ર ભણાવવું જોઈએ.
 
નઝીરજીએ ( Justice Nazeer ) કહ્યું કે મહાન અધિવક્તાઓ અને ન્યાયાધીશો જન્મતા નથી પરંતુ મનુ, કૌટિલ્ય, કાત્યાયન, બૃહસ્પતિ, નારદ, યાજ્ઞવલ્ક્ય અને પ્રાચીન ન્યાય ક્ષેત્રના અન્ય દિગ્ગજો મુજબ ન્યાય પરંપરાઓ અને યોગ્ય શિક્ષણ દ્વારા બને છે. તેમના મહાન જ્ઞાનની સતત ઉપેક્ષા અને સંસ્થાનવાદી (મોગલ-અંગ્રેજ એમ વાંચો) ન્યાય પ્રણાલીને વળગી રહેવાથી આપણા બંધારણના ઉદ્દેશમાં અડચણરૂપ છે અને આપણા રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ પણ છે.
 
નઝીરજીએ વધુમાં કહ્યું કે આજની ન્યાય પ્રણાલીમાં ન્યાય આપવામાં સંસ્થાનવાદી માનસિકતા સંકળાયેલી છે. બ્રિટિશ શાસકો જો પ્રજાશાસકોને પોતાના હકો સોંપી દે તો જ તેમની રક્ષા કરતા હતા. તેમની વ્યવસ્થામાં ન્યાય માગી શકાતો નહોતો પરંતુ શાસકો જાણે ઉપકાર કે રાહત આપતા હોય તેમ ન્યાય આપતા હતા. પ્રાચીન ભારતીય ન્યાય વ્યવસ્થામાં ન્યાય માગી શકાતો હતો. ન્યાયની વાત અંતર્નિહિત હતી. ભારતની પ્રાચીન ન્યાય પ્રણાલીમાં રાજાઓએ પણ વિધિ (કાયદા) સામે ઝૂકવું પડતું હતું. રાજાઓ કે તેમનાં સગાં સામે પણ ન્યાય માગી શકાતો હતો.
 
આ પહેલાં પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ એસ. એ. બોબડેએ કહ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા પ્રસ્તાવ કર્યો હતો. પરંતુ અત્યારે જે કૉંગ્રેસ દલિત તરફી હોવાની વાત કરે છે તે કૉંગ્રેસના તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ આમ થવા ન દીધું. જો સંસ્કૃત રાષ્ટ્રભાષા બની હોત તો ઉત્તર-દક્ષિણ વચ્ચે ભાષાના ઝઘડા પણ ન થયા હોત. એક દેશ અને એક ભાષા હોત, દેશના બધા લોકો સુધી સરકારી બાબતો સુગમ અને સરળ રીતે લોકો સુધી પહોંચત. શીખવામાં અંગ્રેજી કરતાં સંસ્કૃત સરળ છે, કારણ કે આજે પણ ભારતીય ભાષાઓમાં ઘણાખરા શબ્દો સંસ્કૃતમાંથી વ્યુત્પત્તિ પામ્યા છે.
 
બંને ન્યાયમૂર્તિઓની આ વાતને સેક્યુલર પ્રસાર માધ્યમોમાં જોઈએ તેવું પ્રાધાન્ય ન મળે તેમાં નવાઈ નથી. પરંતુ આ બંને વાત પર ચિંતન કરવાની આવશ્યકતા છે. ભારતીય ન્યાયશાસ્ત્ર અનુસાર ન્યાય પ્રણાલી બનવી જોઈએ અને સંસ્કૃતને રાષ્ટ્રભાષા બનાવવા માટે વિચારવું જોઈએ.
 
હવે પ્રશ્ર્ન એ છે કે પ્રાચીન ભારતીય ન્યાય પ્રણાલી કેવી હતી?
 
એક ઉદાહરણ. રામાયણમાં રાજા રામની વાત આવે છે પરંતુ તેમના પૂર્વજો પણ શ્રી રામ જેવા જ ન્યાયપ્રિય હતા. તેમના પૂર્વજ રાજા સગરે કેવો ન્યાય આપેલો તેની વાત છે. રાજા સગરનો દીકરો રાજકુંવર અસમંજસમાં નગરનાં બાળકોને પકડીને સરયૂ નદીમાં ફેંકી દેતો હતો. આ ક્રૂર કૃત્ય દ્વારા તે અને તેના સાથીઓ ક્રૂર મનોરંજન મેળવતા હતા. પ્રજાજનોએ સગર રાજાને ફરિયાદ કરી તો રાજા સગરે અસમંજસને પોતાના રાજ્યમાંથી બહાર કરી દીધો. આજે આવું થાય તો?
 
લોકશાહીના કારણે દરેક પોતાના દીકરાને કે પતિ-પત્નીને બચાવવા મથે છે. માનો કે પોલીસ ધરપકડ કરે તો પણ સર્વોચ્ચ ન્યાયાલયમાંથી જામીન મળી જાય છે.
 
આજનું એક ઉદાહરણ. ગત ૧૬ ડિસેમ્બરે સર્વોચ્ચ ન્યાયાલયે ઉત્તર પ્રદેશમાં છ જણાની હત્યાના આરોપી ત્રણ મુસ્લિમોને નિર્દોષ છોડી મૂક્યા! નીચેની ટ્રાયલ કોર્ટેં તેમને દેહાંત દંડની સજા કરી હતી. કારણ એવું અપાયું કે સરકારી પક્ષ આરોપી સામે પોતાની વાત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો એવું હોય તો ટ્રાયલ કોર્ટેં કેમ દેહાંતદંડની સજા કરી હશે? દલીલો અને પુરાવાઓ તો એના એ નહીં હોય? આ ત્રણ આરોપી પૈકી એક જણ મોમીને તેના બીજા બે સાથીઓ-જૈકમ અને સાજિદ સાથે મળીને તેનાં માતાપિતા, ભાઈ અને અન્ય ત્રણ સગાંઓની સંપત્તિના વિવાદમાં હત્યા કરી હતી. આવાં તો અનેક ઉદાહરણ છે. સલમાન ખાનના હિટ ઍન્ડ રનમાં સલમાન ખાન નિર્દોષ સાબિત થયો.
 
તાજેતરમાં તો સર્વોચ્ચ ન્યાયાલયના બે ન્યાયાધીશો - સંજય કિશન કૌલ અને એમ. એમ. સુંદરેશની પીઠે કહ્યું કે અનેક નિર્દેશો છતાં નીચલાં ન્યાયાલયો જામીન આપવામાં ખચકાટ દર્શાવે છે. દરેક કેસમાં ધરપકડ ન થવી જોઈએ!
 
આપણે જાણીએ છીએ કે વર્તમાન ન્યાય વ્યવસ્થામાં કેટલાં સ્તરો છે- ટ્રાયલ કોર્ટ, સેશન્સ કોર્ટ, હાઇ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ. વળી, સુપ્રીમ કોર્ટમાં પણ રિવ્યૂ પિટિશન થઈ શકે. તે પછી પણ માનો કે ન્યાયને ફેરવી તોળવો હોય તો સંસદમાં કાયદામાં પરિવર્તન કરીને ન્યાયને અન્યાયમાં બદલી શકાય છે તે મુસ્લિમ વૃદ્ધા શાહબાનોના કેસમાં જોવામાં આવ્યું જ હતું. વર્તમાન ન્યાય વ્યવસ્થા મોંઘી છે, વિલંબ કરનારી છે, શારીરિક, માનસિક અને આર્થિક બધી રીતે પાયમાલ કરી નાખનારી છે. વિલંબ કરનારી એટલે કેટલી?
 
તાજેતરમાં અમદાવાદની એક કોર્ટેં બળાત્કારના એક આરોપીને નિર્દોષ છોડવો પડ્યો, કારણ કે તે કેસનો ખટલો એક, બે નહીં, પરંતુ પૂરાં ૪૧ વર્ષ પછી શરૂ થયો હતો! પીડિતા હવે ૫૫ વર્ષની છે, પરિણીત છે, તેનાં બાળકો પણ મોટાં થઈ ગયાં છે. તેણે જ વિનંતી કરી કે હવે મારે નથી જોઈતો ન્યાય. બંધ કરી દો કેસ.
 
શ્રી રામજન્મભૂમિના કેસમાં કેટકેટલા વિલંબ થયા, કેવા-કેવા પ્રશ્ર્નો પુછાયા તે બધા જાણીએ જ છીએ. જો પ્રભુ શ્રી રામના કેસમાં આવું થઈ શકતું હોય તો સામાન્ય માનવીની વાત જ શું કરવી?
 
વળી, વર્તમાન ન્યાય વ્યવસ્થામાં કાયદાની પોથી જોવામાં આવે છે. જો કાયદાની પોથી મંજૂરી આપતી હોય અથવા તેમાં ન લખેલું હોય તો ન્યાયતંત્ર નૈતિકતા નથી જોતું. ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે તાજેતરમાં ચુકાદો આપ્યો કે જો પત્નીના અન્ય સાથે અનૈતિક સંબંધ હોય તો પણ તે ભરણપોષણ મેળવવા માટે હકદાર છે. પંજાબ અને હરિયાણાના ઉચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો કે ૨૧ વર્ષથી નીચેનો યુવાન ભલે લગ્ન કરવા હકદાર ન હોય પરંતુ લિવ ઇન રિલેશનશિપમાં રહી શકે છે! આ બંને કેસમાં નૈતિકતાની દૃષ્ટિએ ચુકાદો ખોટો જ કહી શકાય, પણ કાયદાની પોથીમાં ન લખ્યું હોય તો તેની છટકબારીનો લાભ લઈ શકાય છે, કારણ કે જજો કાયદાની પોથી એટલે કે બંધારણથી બંધાયેલા છે.
 
એટલે ન્યાયતંત્રનો આધાર કાયદાની પોથી સાથે નૈતિકતાની પોથી પણ હોવી જોઈએ. આપણે ન્યાયતંત્રની ટીકા નથી કરતા. આજે પણ ઘણી બાબતોમાં લોકો ન્યાયતંત્ર સામે આશાની નજરે જુએ છે, પણ ન્યાયમૂર્તિ પોતે જ શું કહે છે તે જુઓ. પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ ઝી ન્યૂઝના તંત્રી સુધીર ચૌધરી સાથેની મુલાકાતમાં ભ્રષ્ટાચાર વિશેના પ્રશ્ર્નમાં કહે છે કે ભ્રષ્ટાચાર આદિ કાળથી છે અને ન્યાયાધીશો કંઈ સ્વર્ગમાંથી નથી આવ્યા. ન્યાયતંત્રમાં ચુકાદા ઘણાં વર્ષો પછી આવે છે. અનેક વાર સુનાવણી મોકૂફ રહે છે. આનું સરસ ચિત્રણ દામિની ફિલ્મમાં થયું છે. પરંતુ વર્તમાન મુખ્ય ન્યાયમૂર્તિ એન. વી. રમણ પોતે જ કહે છે કે વિવાદ ઉકેલવા ન્યાયાલયોમાં ધા નાખવી એ છેલ્લો ઉપાય હોવો જોઈએ. પહેલાં લવાદ, મધ્યસ્થી અને સમાધાન હોવું જોઈએ. આને અંગ્રેજીમાં અનુક્રમે આર્બિટ્રેશન, મિડિએશન અને કન્સિલિએશન કહે છે. સીધો અર્થ એ છે કે પહેલાં મધ્યસ્થીથી, પરસ્પર વાતચીતથી વિવાદ ઉકેલો. ના છૂટકે જ ન્યાયાલયમાં આવો. આના માટે પણ મુખ્ય ન્યાયમૂર્તિએ પ્રાચીન ભારતનું જ ઉદાહરણ ટાંક્યું કે શ્રી કૃષ્ણએ કૌરવો અને પાંડવો વચ્ચે વિષ્ટિ કરાવવા પ્રયાસ કર્યો હતો. તે નિષ્ફળ જતાં તેનાં કેવાં વિનાશકારી પરિણામ આવ્યાં તે બધાં જાણે છે.
 
આપણું બ્રેઇનવૉશ કેટકેટલી રીતે કરાયું છે તે જુઓ. જેણે કેવા-કેવા અત્યાચારો કર્યા તે આપણે સાધનાના બે લેખ (૨૮ ઑગસ્ટ ૨૦૨૧ અને ૧૧ ડિસેમ્બર ૨૦૨૧)માં જોઈ ગયા છીએ પણ જહાંગીરને ન્યાયપ્રિય રાજા તરીકે ઇતિહાસકારોએ આલેખી દીધો. વેલકમ (૨૦૦૭) ફિલ્મમાં ભલે કૉમેડીની રીતે, પણ મલ્લિકા શેરાવત એક ડૉનને ઝિલ્લેઇલાહી તરીકે વર્ણવી ન્યાય માગે છે અને ડૉનને પોતાને કોઈ નુકસાન ન હોવાથી તે સાચો ન્યાય તોળે છે. પરંતુ જ્યારે પોતાના દીકરાની વાત આવે છે ત્યારે તે સાચો ન્યાય તોળી શકતો નથી. ત્યારે તે બધાને મારવા તૈયાર થઈ જાય છે. જહાંગીર વગેરે મોગલોનું પણ આવું જ હતું. સાચા ન્યાયપ્રિય પ્રભુ શ્રી રામ હતા, જેમણે વિભીષણ શત્રુનો ભાઈ હોવા છતાં તેને માર્યા નહીં. તેમણે રાવણને માર્યા પછી તેની એકેય સ્ત્રીને ન પોતાની પત્ની બનાવી, ન તેમના પર બળાત્કાર કર્યો, ન તેમનું ધન છીનવી પોતાની સાથે લઈ ગયા. રાજ્ય તો પચાવ્યું નહીં જ. સાચા ન્યાયપ્રિય શ્રી કૃષ્ણ હતા જે પોતે પાંડવોપક્ષે હતા તો પણ પોતાની સેના કૌરવોને આપી હતી. સાચા ન્યાયપ્રિય રાજા ચંદ્રગુપ્ત મૌર્ય, વિક્રમાદિત્ય, ભોજ અને છત્રપતિ શિવાજી સહિતના લોકો હતા.
 
હવે પ્રાચીન ભારતીય ન્યાય વ્યવસ્થા જાણીએ. મુસ્લિમ ન્યાયમૂર્તિ નઝીરજીએ જેમનું નામ લીધું તે મનુ મહારાજે વિધિના ચાર સ્રોત ગણાવ્યા છે- શ્રુતિ (વેદ), સ્મૃતિ, પરંપરાઓ અને પ્રત્યેક વ્યક્તિની આત્મચેતના. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું કે જો શ્રુતિ અને સ્મૃતિ વચ્ચે મતભેદ થાય તો શ્રુતિનું માનવું. યાજ્ઞવલ્ક્યજીએ મનુસ્મૃતિમાં કહેવાયેલી વાતોને વ્યવસ્થિત વિભાજિત કરીને રજૂ કરી. તેમણે સાક્ષી વગેરે પ્રશ્ર્નો પર પોતાની પરિભાષા પ્રસ્તુત કરી છે. ન્યાયાલયોમાં ન્યાય વ્યવસ્થા કેવી હોય તેની વાત નારદ સ્મૃતિમાં કરવામાં આવી છે. મનુસ્મૃતિને વધુ વ્યવસ્થિત યાજ્ઞવલ્ક્યજીએ કરી, તે પછી નારદ સ્મૃતિમાં ૧૮ વ્યવહારને ૧૩૨ ઉપવિભાગોમાં વહેંચવામાં આવ્યા. બૃહસ્પતિસ્મૃતિએ અનેક નિયમોની વ્યાખ્યા કરીને તેમને સમયાનુકૂલ કરવાનો પ્રયાસ કર્યો.
 
ધર્મશાસ્ત્રોમાં ન્યાય વિશે શું કહેવાયું છે તે જાણવું જોઈએ. મનુ મહારાજનું કથન છે કે જે રાજા અદંડનીયને દંડ આપે છે અને દંડનીયને દંડ નથી આપતો તે નરકગામી થાય છે, અર્થાત્ નરકમાં જાય છે. આચાર્ય શુક્રએ રાજાનાં આઠ કર્તવ્યોમાં દુષ્ટનિગ્રહોને પણ પ્રધાન કર્તવ્ય માન્યું છે. મહાભારત મુજબ, ન્યાય વ્યવસ્થાનો જો ઉચિત પ્રબંધ ન થાય તો રાજાને સ્વર્ગ અને યશની પ્રાપ્તિ થતી નથી.
 
ન્યાય એ આપણાં છ દર્શન પૈકીનું એક દર્શન છે. વ્યાવસાયિકો અને શિલ્પકારોએ પોતપોતાના વ્યવસાયો અને શિલ્પને એક નિશ્ર્ચિત દિશામાં વિકસિત અને સુગઠિત કર્યા અને તેમની સુરક્ષા અને ઉન્નતિ માટે પોત-પોતાનાં સંગઠનો બનાવ્યાં. આવા સંગઠિત વ્યાપારિક સમૂહને શ્રેણી, નિગમ અથવા નિકાય કહેવામાં આવતાં હતાં. આ શ્રેણી માટે બીજા શબ્દો પણ વપરાતા હતા - કુલ, સંઘ, પૂગ, નિકાય, જાતિ, વ્રાત સમુદાય, સમૂહ, સમ્ભુય-સમુત્થાન, વર્ગ, સાર્થ અને નિગમ. પ્રત્યેક નિગમ અથવા શ્રેણીનો એક પ્રધાન અથવા અધ્યક્ષ રહેતો હતો. તેને બૌદ્ધ સાહિત્યમાં પ્રમુખ અથવા જ્યેષ્ઠ (અથવા જ્યેષ્ઠક) કહેવામાં આવતો હતો. શ્રેણીના મુખિયા અથવા પ્રધાનને શ્રેષ્ઠીન, શ્રેષ્ઠી અથવા શ્રેષ્ઠ્ય પણ કહેવાતા. આજે પણ શ્રેષ્ઠી શબ્દ પ્રચલિત છે. પાણિનીએ પૂગ, ગણ અને સંઘનો ઉલ્લેખ કર્યો છે. આ શ્રેણી સંસ્થાઓ જાતિ કે ઊંચ-નીચના ભેદ વગર એક જ ગ્રામ કે નગરમાં વસવાટ કરતી હતી. પોતાનાં હિતોની સુરક્ષા સ્વયં કરતી હતી. ગુજરાતમાં એક શબ્દ જોવા મળે છે - ૧૮ વર્ણ. બૌદ્ધ સાહિત્યમાં ૧૮ વૃત્તિ (વેપાર)નો ઉલ્લેખ છે- બઢઈ (સુથારીકામ કરનાર), સ્વર્ણકાર (સોની), પથ્થરનું કામ કરનાર, ચર્મકાર, દંતકાર, ઓદયાંત્રિક, વાંસનું કામ કરનાર, કસકર, રત્નકર (ઝવેરી), વણકર, તિલપિષક (તેલી), ડલિયા બનાવનાર, રંગરેજ, ચિત્રકાર, ધનિક (ધાન્યના વેપારી), કૃષક (ખેડૂત), માછીમાર, કસાઈ, નાઈ, માળી, નાવિક, ચરવાહા (ભરવાડ), ડાકુ અને લૂટારા. ગુજરાતમાં જે અઢાર વર્ણ (સુથાર, લુહાર, દરજી, વણકર, રંગારો, ઘાંચી, કુંભાર, મોચી,. નાયી, પિંજારો, રબારી, કંદોઈ, દાતણિયા, કાછિયા, ભાંભી, ઢોલી, સલાટ, કડિયા)ની વાત જોવા મળે છે તેને આ બૌદ્ધ સાહિત્યમાં ઉલ્લેખિત ૧૮ વૃત્તિ સાથે ઘણા અંશે સામ્ય છે.
 
બૃહસ્પતિ સ્મૃતિ મુજબ દરેક શ્રેણી સંગઠનની એક પ્રબંધનકારી સમિતિ રહેતી હતી જેમાં ત્રણ કે પાંચ સભ્ય રહેતા હતા. એક પ્રધાન કે અધ્યક્ષ રહેતા હતા. સમિતિના સભ્યો કાર્યનિપુણ, સત્યનિષ્ઠ, કર્તવ્યનિષ્ઠ, જ્ઞાતા અને યોગ્ય હોય તેવા જ લોકો રહેતા હતા. જો કોઈ વ્યક્તિ સક્ષમ હોય છતાં પોતાનું કાર્ય સંપન્ન ન કરે તો તેને તે નગરમાંથી નિષ્કાસિત (કાઢી) કરી દેવામાં આવતો હતો. જો તે પોતાના સહાયક સાથે બેદરકારી સાથે કામ કરતો તો તેના પર છ નિષ્ક કે ચાર સુવર્ણમુદ્રાનો દંડ લાગતો હતો. જોકે સંગઠનની દરેક વ્યક્તિને રાજા સમક્ષ ફરિયાદ કરવાની છૂટ હતી. એવું નહોતું કે શ્રેણીમાં સમિતિમાં એક ને એક જ સભ્યો રહેતા હતા. જૂના સભ્યોને હટાવીને નવા સભ્યો ચૂંટવામાં આવતા હતા. આના બદલે અત્યારે તો ન્યાયાધીશો નિમાય છે. જોકે શ્રેણી એ એક માત્ર ન્યાયાલય નહોતું.
 
શ્રેણી તો બીજા ક્રમનું ન્યાયાલય હતું. નારદ મુજબ, પહેલું ન્યાયાલય કુલ હતું. અર્થાત્ પરિવારના સગાસંબંધીઓ ઉકેલ લાવતા. ત્યાં ન પતે તો શ્રેણીમાં જતા. શ્રેણી પછી ત્રીજું ન્યાયાલય ગજ હતું. અને છેલ્લે રાજા પાસે જતા.
 
પ્રાચીન સમયમાં શ્રેણી પોતાની મુદ્રા પણ ચલાવતી હતી. શ્રેણીઓ બૅંકોનું પણ કાર્ય કરતી હતી. તે લોકોને ઋણ આપતી હતી અને વ્યાજ સાથે ઋણ વસૂલ કરતી હતી. કુમારસંભવ અને શાંકુતલમ્ જેવાં મહાકાવ્યોમાં પણ નિગમોની બૅંક પ્રણાલીનો સંદર્ભ મળે છે. એટલું જ નહીં, શ્રેણીઓને કાલાંતરે પોતાની સેના રાખવાની પણ અનુમતિ પ્રાપ્ત થઈ ગઈ હતી. કૌટિલ્યએ કમ્બોજ અને સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયોની શ્રેણીઓની ચર્ચા કરી છે.
 
પ્રાચીન ન્યાય વ્યવસ્થાને આધુનિક યુગમાં કઈ રીતે લાગુ કરી શકાય તેના પર વિચાર કરવો જોઈએ, કારણ કે અંગ્રેજીમાં ઉક્તિ છે- Justice delayed is justice denied. મોડો ન્યાય એ ન્યાય નથી, અન્યાય જ છે. ઉક્ત કેસમાં ૫૧ વર્ષીય બળાત્કાર પીડિતાએ આ વાતને યથાર્થ ઠેરવી છે. આથી ન્યાય પોતે જ્યાં રહેતા હોય ત્યાં નજીકમાં, ઝડપી અને સંતોષ થાય તે રીતે મળવો જોઈએ તેવી વ્યવસ્થા બનાવવી રહી.