આપણા યુવાધનને ડ્રગ્સના દૂષણથી બચાવીએ...

    12-Jan-2022   
કુલ દૃશ્યો |

Drug addiction
 
 
નશો માત્ર વ્યક્તિને બરબાદ નથી કરતો, વ્યક્તિના કુટુંબ, સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને પણ બરબાદ કરે છે. યુવાનોમાં નશો ગુટખા કે દારૂથી આગળ વધીને ગાંજો, ભાંગ, હેરોઈન, કોકેઈન, ચરસ, સ્મેક અને ડ્રગ્સ સુધી પહોંચ્યો છે. પંજાબ જેવા કેટલાંક રાજ્યોમાં જ ફેલાયેલું આ દૂષણ હવે દેશના ખૂણે ખૂણે ફેલાયું છે. છેલ્લા એક જ વર્ષમાં મહારાષ્ટ, હરિયાણા, પંજાબ, અરુણાંચલ, મણિપુર અને મિઝોરમમાં ૫૦૦ કરોડથી ૬ હજાર કરોડ સુધીનું ડ્રગ્સ જપ્ત થયું છે. ગુજરાતમાં કચ્છ, મુંદ્રા, સુરત, મોરબી, ઝિંઝુડા, દ્વારકા, અમદાવાદ એરપોર્ટ, હિંમતનગર, પોરબંદરથીય હજારો કિલો ડ્રગ્સ પકડાયાના સમાચાર વિચલિત કરી દે છે.
 
દેશના યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી બરબાદ કરવાનો અને વેપાર પણ કરી લેવાનો આ નવો આતંકવાદ છે. ડ્રગ્સનો વૈશ્ર્વિક વેપાર ૪૦૦ બિલિયન ડોલરનો છે. તેમને ભારતમાં મોટું માર્કેંટ દેખાતાં અનેક પેડલરો અહીં સુધી આવીને સ્લિપર સેલ જેમ કાર્ય કરી રહ્યા છે. ડ્રગ્સ મુખ્યત્વે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાન અને દુબઈ થઈને ભારતમાં આવે છે. આ દેશોમાં અફીણની ખેતી થાય છે. પાકિસ્તાનથી આવતું ડ્રગ્સ પંજાબ સરહદેથી આવતું. જમીની સરહદે કડકાઈ વધતાં હવે દરિયાઈ માર્ગ્ો આવે છે. છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતને ટાર્ગેટ કરાયું છે અને સૌરાષ્ટ્ર - કચ્છ - પોરબંદરના દરિયાઈ માર્ગે ગુજરાતમાં હેરાફેરી થાય છે.
 
ભારત સરકારના સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતના ૧૬ કરોડ - ૧૪ ટકા લોકો દારૂના વ્યસની છે, ૭.૫ કરોડ - ૬ ટકાથી વધુ લોકો ડ્રગ્સના આદી બની ગયા છે અને ૨૦ ટકા લોકો અન્ય નશાના બંધાણી છે. નશીલા પદાર્થોનું સૌથી વધારે સેવન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઉત્તરપૂર્વનાં રાજ્યો અને હવે ગુજરાતમાં થાય છે. માત્ર બોલિવૂડ અને ડ્રગ્સના દૂષણને જોડતા સમાચારો પર આંખ માંડીને બેઠેલા સૌ માટે, છેલ્લા એક જ વર્ષમાં ગામડાના કિશોર વયથી ૨૫ વર્ષ સુધીના કેટલાં યુવાનો ડ્રગ્સનું સેવન કે હેરાફેરી કરતાં પકડાયા એ જોવું અને વિચારવું રહ્યું.
 
યુવાન જો અઠવાડિયામાં બે જ વખત ડ્રગ્સનું સેવન કરે તો પણ મહિને ચારથી પાંચ હજારનો ખર્ચ આવે. ડ્રગ્સ મહામૂલી જિંદગી ભરખી જાય અને પરિવારનેય ધનોત-પનોત કરી નાંખે. શ્રીમંત ઘરમાં સામાજિક ફટકો પડે અને ગરીબ કે મધ્યમ વર્ગ આર્થિક રીતે પડી ભાંગે. પરણેલા યુવાનો ઘરડાં મા-બાપ, પત્ની, સંતાનો પર ધ્યાન ન આપી શકે. જોતજોતામાં ડ્રગ્સના ધુમાડામાં આખો પરિવાર રાખ થઈ જાય.
 
બોલિવુડ અને ડ્રગ્સનું કનેક્શન પણ દાયકાઓ જૂનું છે. વરસો પહેલાં ભણવાની ઉંમરે સંજય દત્ત ડ્રગ્સના રવાજે ચડેલો, મમતા કુલકર્ણી ડ્રગ્સની હેરાફેરીમાં પકડાયેલી, ફરદીન ખાન, અરમાન કોહલી, અર્જુન રામપાલ, પ્રતિક બબ્બર, દીપિકા પાદુકોણ, કોમેડિયન ભારતી-હર્ષ સહિત નામોની યાદી બહુ લાંબી છે. સંજય દત્તે કબૂલાત પણ કરી કે, કોલેજજીવન પહેલાંથી શરૂ કરીને નવેક વર્ષ એણે ડ્રગ્સ લીધું. એ નવ વર્ષને એ ‘નાઈન યર્સ ઓફ હેલ’ નર્કનાં નવ વર્ષ તરીકે ઓળખાવે છે અને માત્ર ચિલ આઉટ માટે ભૂલ કરી હોવાનું કહે છે. ફરદીને પણ સ્ટ્રેસ રીલીફ માટે ડ્રગ્સ લેવાનું અને ખોટુ કર્યું હોવાનું કબૂલ્યું છે. મોટાભાગ્ો તણાવમુક્તિ, મજા, દેખાદેખી જેવાં કારણોથી ડ્રગ્સ લેવાય છે, પણ કોઈને તેનાથી આનંદ નથી આવ્યો. તો બંધાણી બની ગયેલા યુવાનોએ સમજવું રહ્યું કે આ ડ્રગ્સના બંધાણીઓ તેમના રોલ મૉડેલ હોઈ શકે ખરા ?
 
પાન-મસાલા, ગુટખા, બીડી, સિગારેટ અને હુક્કાની આડમાં ડ્રગ્સનું વેચાણ હવે દરેક શહેરની ગલીના ખૂમચે કે નાના-નાના ગલ્લાઓ પર પણ થવા લાગ્યું છે. ડ્રગ્સનુ ભૂત હવે મેગા સીટીની સરહદો ઓળંગીને, અમીરોના બંગલા છોડીને, અંતરિયાળ ગામડાંઓનાં છાપરાંઓ સુધી પગપેસારો કરી ચૂક્યું છે, ત્યારે પ્રશ્ર્ન એ થાય કે આ થયું કેવી રીતે ? ડ્રગ્સના બંધાણીઓ અને હેરાફેરીના વધી રહેલા આંકડાઓ જોતાં લોકલ પોલીસ, કોસ્ટલ પોલીસ, નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટ, બોર્ડર સિક્યુરિટી, નશાબંધી ખાતા જેવા આની સાથે સંકળાયેલા તમામની કામગીરી બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર ખરી કે નહીં ? આ દૂષણને જો ગંભીરતાથી નહીં લેવાય તો આ દેશ કે શહેરનું દૂષણ મટીને ઘર ઘરનું થઈ જશે.
 
યુવાધન ડ્રગ્સના રવાડે ચડી રહ્યું છે તેમાં ડ્રગ્સ વેચનારાઓનો વાંકતો ખૂબ મોટો છે, પરંતુ આપણી જીવનશૈલીની કંઈક ઊણપ પણ ખરી. માતા-પિતા બાળકોને સમય ન આપે, સંયુક્ત પરિવાર ત્યજીને એકલા રહે, પૈસા હોય કે ના હોય, બાળકને વધારે પડતી છૂટ, એના દોસ્તો કોણ છે? એ ક્યાં જાય છે? એ ફોન પર શું જુએ છે? એ બાબતે મા-બાપનું ધ્યાન ના હોય ! આ બધાં કારણો પણ જવાબદાર ખરાં કે નહીં ?
 
યુવાધનને નશાની ખાઈમાંથી પાછું લાવવાની લડત અશક્ય નથી. માતા-પિતા, પરિવાર, સરકાર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સાધુસંતોએ આ વિશે વિશેષ પ્રયત્નો કરવા રહ્યા. એક સમયે પ્રમુખ સ્વામી મહારાજે આ સમગ્ર દેશમાં વ્યસનમુક્તિ અભિયાન આદર્યું હતું અને લાખો લોકોનું વ્યસન છોડાવીને અભૂતપૂર્વ અને ઐતિહાસિક કાર્ય કર્યું હતું. આજે ફરી એવા એક અભિયાનની જરૂર છે. સમાજેય દરેક તબક્કે જાગૃતિ કેળવવી રહી. સામાજિક મેળાવડા, શાળા-કોલેજો, મંદિરના ઉત્સવો વગેરેમાં વ્યસનથી દૂર રહેવા માટેના જાગૃતિ કાર્યક્રમો, વક્તવ્યો, સૂચનો થાય. સોશિયલ મીડિયામાં વ્યસનથી થતા નુકસાન અંગેનાં પોસ્ટરો, વિડિયો વાઈરલ કરાય અને યુવાનો જેમાં સૌથી વધુ રસ ધરાવે છે તે ફિલ્મો, ગીતો વગેરેમાં પણ એના સર્જકો વ્યસન નાબૂદીના મેસેજ આપે તો ટૂંક સમયમાં ચોક્કસ સારું પરિણામ મળી શકે.
 
આપણા યુવાધનને આ અંધારિયા રસ્તે જતાં અટકાવવા કે પાછું લાવવા આપણે સામૂહિક પ્રયત્નો કરવા જ રહ્યા. ખ્રિસ્તી નવા વર્ષે આપણે સૌ સંકલ્પ કરીએ કે એક વર્ષમાં આપણા દેશમાંથી ડ્રગ્સ નાબૂદ કરીને જ જંપીશું.