ભગવાન અયપ્પાનાં દર્શન માટે અજય દેવગનની ૪૧ દિવસ કઠોર સાધના

28 Jan 2022 16:47:52

Ajay Devgn In Sabarimala Temple
 
 
હિન્દી ફિલ્મી કલાકારોમાં આસ્થા ઘટી રહી છે, તેવામાં અજય દેવગને ભગવાન અયપ્પા ( God Ayyappa ) નાં દર્શન માટે નિયમ મુજબ ૪૧ દિવસ કઠોર સાધના કરી હતી. સામે પક્ષે એક મુસ્લિમ પિતાનું સંતાન એવી સારા અલી ખાન ( Sara Ali Khan ) પણ ભગવાન શિવ (Shiv ) માં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. તે જ્યાં જાય છે ત્યાં ભગવાન શિવનાં દર્શન કરવા અચૂક જાય છે.
 
 
છેલ્લા અનેક દાયકાથી હિન્દી ફિલ્મોમાં હિન્દુ પૂજાપદ્ધતિની કાં તો મજાક ઉડાવવામાં આવતી હતી અને કાં તો તેનો વિરોધ દર્શાવવામાં આવતો હતો. આની સામે સારા મુસ્લિમ હોય કે દાઉદ જેવા ડૉન મુસ્લિમ, તેમને ચુસ્ત પૂજા કરનારા બતાવવામાં આવતા હતા, જે ગમે તેવી સ્થિતિમાં પણ નમાઝ પઢે જ. રોજા રાખે જ. ફિલ્મોમાં ખ્રિસ્તીને પણ, ખાસ કરીને પાદરી-નનને પણ સારા અને માયાળુ બતાવાતાં હતાં. અને હિન્દુ (જેમ કે જોડી નં. વનમાં સંજય દત્ત અને ગોવિંદા) પણ ચર્ચમાં જઈ પોતાના ગુનાને સ્વીકારી ઈશુની સમક્ષ માફી માગે તેવું દર્શાવવામાં આવતું હતું.
 
 
આની સામે દક્ષિણની ફિલ્મોમાં હંમેશાં હિન્દુ ધર્મને સારી રીતે દર્શાવવામાં આવ્યો છે. દક્ષિણના નિર્માતા કે નિર્દેશક દ્વારા હિન્દીમાં બનાવાયેલી સામાજિક ફિલ્મોમાં પણ આવું જ જોવા મળે છે. બાહુબલી તેનું તાજું ઉદાહરણ છે, જેમાં નાયકને શિવલિંગની પૂજા કરતો બતાવવામાં આવ્યો છે. પહેલાં હિન્દી ફિલ્મોમાં હિન્દુ પૂજા અચૂક સારી રીતે દર્શાવાતી. નાયિકાઓ પણ વ્રત ઉપવાસ કરતી બતાવાતી. અને તે પોતાના મંગળસૂત્ર, ચાંદલો, બંગડી વગેરે માટે સભાન રહેતી. મંગળસૂત્ર કોઈ છીનવે તો છીનવવા ન દે. ચાંદલો ભૂંસવા કોઈ પ્રયાસ કરે તો પણ પ્રતિકાર કરતી. બંગડી ત્યારે જ તૂટે જ્યારે તે વિધવા થાય. રાજ કપૂરની પોતાના નિર્માણવાળી ફિલ્મોમાં ફિલ્મની શરૂઆતમાં સદૈવ તેમના પિતાજી પૃથ્વીરાજ કપૂરને સશ્ર્લોક શિવપૂજા કરતા દર્શાવાતા. બી. આર. ચોપરાની ફિલ્મની શરૂઆત ગીતાજીના શ્ર્લોક કર્મણ્યે વાધિકારસ્તેથી થતી. ટાઇમ્સ કેસેટની ફિલ્મોમાં અરિહંત ભગવાનના સ્તુતિ શ્ર્લોક સાથે ફિલ્મના ટાઇટલ પડતાં. અશોક ઠાકરિયાની (નિર્દેશક ઇન્દ્રકુમાર સાથે તેમની જોડી હતી) ફિલ્મની શરૂઆત મારુતિનંદન હનુમાનજીની વંદના સાથે થતી હતી. પરંતુ આ બધી હવે ભૂતકાળની વાતો છે. પહેલાં હિન્દી ફિલ્મોનું નિર્માણકાર્ય શ્રીફળ વધેરવા, યજ્ઞ, હવન અને પૂજા સાથે શરૂ થતું. પછી મુહૂર્ત શૉટ લેવાતો.
હવે હિન્દી ફિલ્મોમાં આવું કંઈ થતું નથી
 
 
હિન્દી ફિલ્મોમાં લગ્નવિધિને પણ મજાકની જેમ ગમે ત્યાં લાકડા સળગાવી કરી શકાય તેવું બતાવાય છે. માત્ર સેંથો પૂરી દેવાથી લગ્ન થઈ જાય તેવું પણ બતાવાય છે. એ તો ઠીક, પણ હિન્દુફૉબિયા એટલો છે કે લુકાછૂપીમાં નાયકનો મિત્ર મુસ્લિમ લગ્ન વખતે હાજર હોય છે તો નાયકના સસરા જેને કટ્ટર હિન્દુ બતાવાયા છે તે પૂછે છે, તુમ યહાં? જાણે કેમ કોઈ હિન્દુના લગ્નમાં મુસ્લિમો આવતા જ નહીં હોય. હવે લિવ ઇનને હિન્દી ફિલ્મોમાં વધુ મહત્ત્વ અપાવા લાગ્યું છે.
 
 
ફિલ્મોના કલાકારો પણ એટલા શ્રદ્ધાવાન નથી રહ્યા. તેઓ વારંવાર ડાબેરી એજન્ડાને આગળ વધારતા હોય તેવા માત્ર હિન્દુવિરોધી ટ્વિટ કરે છે. કઠુઆના બળાત્કાર પર તો તેમને ભારતીય હોવાની શરમ આવે છે, પરંતુ રાજસ્થાનના કારોલામાં તાજેતરમાં એક વૃદ્ધાની તેમણે તેમની દીકરી આપવાની ના પાડતાં બે અય્યાશ યુવકોએ કારથી કચડી હત્યા કરી નાખી તે બાબતે કોઈ શરમ નથી આવતી. અલવરમાં ૧૫ વર્ષની મંદબુદ્ધિની કિશોરી પર બળાત્કાર થાય તેમાં તેમને કોઈ શરમ નથી આવતી, કારણ કે રાજસ્થાન કૉંગ્રેસ શાસિત રાજ્ય છે. જ્યારે કઠુઆ જમ્મુ-કાશ્મીરનું ગામ હતું જ્યાં હિન્દુ પૂજારીના સગાએ મંદિરમાં બળાત્કાર કર્યાની ખોટી થિયરી ઉપજાવી કઢાઈ હતી.
 
 

Ajay Devgn In Sabarimala Temple

 
 
પરંતુ કેટલાક સુખદ અપવાદ પણ હવે જોવા મળી રહ્યા છે. તાજેતરમાં અજય દેવગને (Ajay Devgan) કઠોર સાધના કરી સબરીમાલાનાં દર્શન કર્યાં. આ એ જ સબરીમાલા છે જ્યાં ભગવાન અયપ્પાના દર્શન માટે નિયમો છે જેમાં રજસ્વલા મહિલાઓ દર્શન કરવા જઈ શકતી નથી પરંતુ ડાબેરી મુસ્લિમ રેહાના ફાતીમા જેવાએ ઓળખ છુપાવી આંદોલન કર્યું અને ન્યાયતંત્રએ ઝૂકવું પડ્યું. જોકે હિન્દુવાદીઓ પીઆઈએલ કરવામાં પાછા પડે છે. આવી બધી બાબતોમાં ડાબેરીઓ ખૂબ જ સક્રિય અને ઝડપી હોય છે. સબરીમાલાનાં દર્શને જવું હોય તો કઠોર સાધના કરવી પડે છે. એમ ને એમ જઈ શકાતું નથી. જોકે આમ તો ગમે તે અનુષ્ઠાન કરવું હોય તો કઠોર સાધના, નિયમોના પાલન સાથે જ થઈ શકે. સહિષ્ણુતા અને ઉદારતાના નામે હવે મંદિરમાં કોઈ પણ વસ્ત્રોમાં લોકો પૂજા કરવા જાય છે. આની સામે જો વિરોધ કરવામાં આવે તો ડાબેરી એજન્ડા આવી જાય છે કે અમારે કેવાં કપડાં પહેરવાં તે કહેનારા તમે કોણ? હવે તો રજસ્વલા હોય તો પૂજા કરવા જઈ શકાય તેવી પણ એક દલીલ ચાલી નીકળી છે. મંદિરમાં કોઈ પૂછતું કે તપાસ કરતું નથી કે રજસ્વલા છો કે નહીં, પરંતુ તો પણ આવો એક નેરેટિવ ચલાવીને હિન્દી સ્ત્રીઓને ખોટેખોટી ઉશ્કેરી બંડ પોકારવા માટે તૈયાર કરાઈ રહી છે.
 
 
અજય દેવગને ૧૨ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સબરીમાલા મંદિરમાં ભગવાન અયપ્પાની ભારે ભક્તિ અને શ્રદ્ધા સાથે પૂજા કરી. તેની અનેક તસવીરો અને વિડિયો લોકો સમક્ષ આવ્યા. તસવીરોમાં તેઓ કાળાં વસ્ત્રો, માથા પર તિલક, ગળામાં રુદ્રાક્ષ અને માથા પર અરુમુદી કેત્તુ લીધેલા નજરે પડ્યા.
 
 
તેમણે ૪૧ દિવસ સુધી કઠોર નિયમો પાળ્યા. કાળાં કપડાં પહેર્યાં, બ્રહ્મચર્યજીવનનું પાલન કર્યું, ઉઘાડા પગે રહ્યા, જમીન પર સૂતા, રોજ સાંજે પૂજા અને ગળામાં હંમેશાં તુલસીની માળા પહેરવી તે બધું કર્યું. એક અહેવાલ અનુસાર, ૧૧ દિવસ સુધી તેઓ જમીન પર સૂતા, જમીન પર પણ ગાદલું નાખીને નહીં, માત્ર ચટ્ટાઈ નાખીને સૂતા. દિવસમાં બે વાર ભગવાન અયપ્પાની પૂજા કરતા હતા. લસણ કે ડુંગળી વગરનું સાત્ત્વિક ભોજન કરતા હતા. જ્યાં પણ જતા ત્યાં ઉઘાડા પગે ચાલીને જતા. આ દિવસોમાં તેમણે કોઈ પરફ્યૂમ છાંટ્યું નહીં અને દારૂ પણ ન પીધો.
 
 
આવી કઠોર તપશ્ર્ચર્યા કરવી હિન્દી ફિલ્મ કલાકારો માટે અઘરી છે. હિન્દી ફિલ્મ કલાકાર જ શું, કોઈ પણ કલાકાર માટે અઘરી છે. કેટલાક એવું માને પણ છે કે કલાકાર દારૂ પીને જ સારું કલા પ્રદર્શન કરી શકે. હિન્દી ફિલ્મ કલાકારને તો રોજ કોઈ ને કોઈ પાર્ટી હોય છે. પાર્ટી ન હોય તો પણ તેમની સવાર અને રાત દારૂ સાથે પડતી હોય છે. કે. એલ. સાયગલ, મીનાકુમારી જેવાં ઉત્તમ ગાયક-અભિનેતા-અભિનેત્રી તો દારૂના નશામાં ખુવાર થઈ ગયાં. અભિનેતા ધર્મેન્દ્રની તો આ વૃદ્ધાવસ્થામાંય દારૂડિયા તરીકે છાપ પડી ગઈ છે. તેઓ તેને નકારતા પણ નથી. કૉમેડિયન જૉની વૉકરનું તો અસલી નામ બદરુદ્દીન કાઝી હતું, પરંતુ તેમનું ફિલ્મી નામ વ્હિસ્કીની બ્રાન્ડના નામ પરથી પડ્યું હતું.
 
 
આવા સંજોગોમાં અજય દેવગન કે કોઈ પણ કલાકાર માટે દારૂ વગર રહેવું અઘરું જ નહીં, અસંભવ છે. મુલાયમ ગાદલાવાળાં ડબલ બેડ પર સૂવાની તો આજે સામાન્ય માણસને પણ ટેવ પડી ગઈ છે. ત્યારે માત્ર ચટ્ટાઈ પર સૂવું તે કેટલું અઘરું છે! લસણ-ડુંગળી વગરનું ખાવું તો સામાન્ય માણસને પણ અઘરું પડે છે ત્યારે અજય દેવગણ જે સતત આજુબાજુ ભોગવાળા વાતાવરણથી ઘેરાયેલા રહેતા હોય તેના માટે આ સરળ નહીં જ હોય. અને બ્રહ્મચર્ય! હિન્દી ફિલ્મ કલાકારોના લફરાની વાત સતત આવતી રહેતી હોય છે. ખાઓ, પીઓ ઔર એશ કરો તેમનો જીવનમંત્ર હોય છે. ઘણા બુદ્ધુજીવીઓ પણ પોતાની લેખની દ્વારા આવી જ વાત ફેલાવતા હોય છે, ત્યારે ૪૧ દિવસ બ્રહ્મચર્ય પાળવું કેટલું અઘરું હશે તે ફિલ્મ કલાકારની દૃષ્ટિએ વિચારીએ તો ખબર પડે. સામે જલેબી સહિતની મીઠાઈઓ હોય અને માખીઓ ન બણબણે તે કેવી રીતે શક્ય બને !
 
 
અજય દેવગન પણ જ્યારથી ફિલ્મોમાં આવ્યા ત્યારથી રવીના ટંડન, કરિશ્મા કપૂર સહિત અનેક હિરોઇનો સાથે તેમનું નામ સંકળાયું હતું. કાજોલ જેવી પ્રતિષ્ઠિત અને સફળ અભિનેત્રી તેમની પત્ની છે. તેમને બે સંતાન છે. આવી સ્થિતિમાં અજય દેવગને એક મહિનો અને ૧૧ દિવસ આવી કઠોર તપશ્ર્ચર્યા કરીને એક દાખલો બેસાડ્યો છે. આવનારા સમયમાં બીજા ફિલ્મ કલાકારો આ માર્ગ અપનાવશે તો તેનાથી સામાન્ય માણસોમાં પણ ફરીથી શ્રદ્ધા-ભક્તિ વધશે.
 
 
જોકે માત્ર અજય દેવગન જ નહીં, આજના કલાકારોમાં બીજા લોકો પણ છે જે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવે છે. આવી એક કલાકાર છે સારા અલી ખાન. તે સૈફ અલી ખાન નામના અશ્રદ્ધાવાન મુસ્લિમ પિતાની પુત્રી છે. સૈફ અલી ખાનની માન્યતાઓ શું છે તે આપણે સાધનાની આ કૉલમમાં જોઈ ગયા છીએ. તેઓ માને છે કે બ્રિટિશરોએ જ ભારતનું નિર્માણ કર્યું. તેમની બીજી પત્ની કરીના કપૂર ખાનનું પણ આવું જ છે. પરંતુ જેમ હિરણ્યકશિપુ જેવા રાક્ષસને ત્યાં ભક્ત પ્રહ્લાદનો જન્મ તેમની વિષ્ણુભક્ત માતાના કારણે થયો તેમ સૈફ અલી ખાનની પુત્રી સારા પણ શિવભક્ત તેની માતા અમૃતાસિંહના કારણે છે. (શર્મિલા ટાગોર આવા સંસ્કાર તેમના દીકરા સૈફને ન આપી શક્યાં.)
 
 
સારા અલી ખાન ફિલ્મના કારણે જ્યાં શૂટિંગમાં જાય છે ત્યાં જો આજુબાજુ શિવાલય હોય તો ત્યાં અચૂક જાય છે. અગાઉ તે વારાણસીમાં કાશી વિશ્ર્વનાથ મંદિરમાં પૂજા માટે ગઈ હતી. આજે ઘણી હિન્દુ છોકરીઓ પણ મંદિરમાં અશોભનીય વસ્ત્રોમાં પૂજા માટે જાય છે ત્યારે સારા અલી જ્યારે વારાણસીમાં ભગવાન વિશ્ર્વનાથનાં દર્શન કરવા ગઈ ત્યારે સલવાર-કમીઝ, દુપટ્ટા, ગળામાં હાર અને માથા પર ત્રિપુંડ, તિલક સાથે ગઈ હતી. અને ખૂબ ઉત્સાહ સાથે આજુબાજુની દુકાનો વગેરે બતાવ્યું હતું. જોકે આપણે ત્યાં કેટલીક ખોટી બાબતો થાય છે તેમ કાશી વિકાસ સમિતિએ સારા હિન્દુ ન હોવાથી તેના દ્વારા દર્શનનો વિરોધ કર્યો હતો. આવી બાબતો હિન્દુના પક્ષે હિન્દુઇતર વ્યક્તિને હિન્દુ ધર્મ તરફ આવવા નથી દેતી. વસીમ રિઝવી હિન્દુ બન્યા તો પણ તેમનો વિરોધ કરનારા હિન્દુઓમાં છે.
 
 
સારા અલી ખાન અને તેની માતા અમૃતાસિંહ તાજેતરમાં ઉજ્જૈન ગયાં તો ત્યાં પણ તેણે ભક્તિભાવપૂર્વક, નિયમો સાથે દર્શન કર્યાં હતાં. સારા અલી ખાને માથા પર દુપટ્ટો ઓઢ્યો હોય તેવું તસવીરમાં દૃષ્ટિગોચર થાય છે.
 
 
જે રીતે સારા અલી ખાનનો કાશીમાં કેટલાકે વિરોધ કર્યો તે જ રીતે અજય દેવગન પણ પગથિયાં ચડીને નહીં, પાલખીમાં ગયા તેની હવે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવાઈ રહી છે. અજય દેવગન જેવા કલાકારની સુરક્ષા જરૂરી હોય છે, સાથે જ તેનું સ્વાસ્થ્ય પણ ઠીક નહોતું. આ બધાં કારણોસર તેણે પાલખી કરી. હવે કોઈ માણસ સાવ જ કંઈ ન કરતો હોય તે ૧૦૦માંથી ૭૦ ટકા બાબતો પાળે તો ૩૦ ટકા નહીં પાળવા બાબતે તેનો વિરોધ કરાશે તો તે સાવ બંધ કરી દેશે. આવી કટ્ટરતા હિન્દુ પક્ષે પણ શોભનીય નથી. હિન્દુઓએ પણ આ સમજવું પડશે.
 
 
 
 
 
Powered By Sangraha 9.0