કોરોનાએ ૨૦૧૯માં વિશ્ર્વમાં પ્રવેશ કરેલો અને ડિસેમ્બર - ૨૦૧૯ના અંતમાં ભારતમાં તરખાટ મચાવવાનું શરૂ કરેલું. બીજી લહેરમાં ઓક્સિજનની કમી, એમ્બ્યુલન્સની લાઈનો, અગ્નિસંસ્કારનું વેઇટિંગ અને પીપીઈ કીટમાં પેક લાશોના ઢગલાઓ જોવાની હચમચાવી દેનારી સ્થિતિ બાદ આજે ૨૦૨૨માં ફરી કોરોના અને તેના નવા સ્વરૂપ ઓમિક્રોને વિશ્ર્વને બાનમાં લીધું છે.
સમગ્ર વિશ્ર્વમાં અત્યાર સુધીમાં ૩૪ કરોડ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે અને ૬ કરોડ ૮ લાખથી વધુ એક્ટિવ કેસ છે. હાલ રોજના ૩૫ લાખથી વધુ નવા કેસો નોંધાઈ રહ્યા છે. ત્રીજી લહેરમાં અમેરિકામાં રોજના ૭ લાખ ૨૦ હજાર, ભારતમાં ૩ લાખ ૧૭ હજાર ફ્રાંસમાં ૩ લાખ ૫૧ હજાર, બ્રાઝિલમાં ૧ લાખ ૨૦ હજાર અને ઈટલીમાં ૧ લાખ ૪૮ હજારથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. લંડન, સ્પેન, જર્મની, આર્જેન્ટિના વગેરેમાંય રોજના ૧ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આમાંના કેટલાક દેશો સંપૂર્ણ સાવચેત તો યુરોપમાં મોટાભાગના દેશોએ લોકડાઉન ટાળ્યું અને માસ્ક ફગાવી દીધા છે. ફ્રાન્સમાં સ્કૂલો ચાલુ તો ડેનમાર્કમાં થિયેટરો પણ ચાલુ થઈ ગયાં છે. દરેક દેશ પોતાની વ્યહૂરચના, સમજણ અને યોજનાથી લડી રહ્યો છે.
સમગ્ર વિશ્ર્વમાં ત્રીજી લહેર ઓમિક્રોનને કારણે પ્રસરી. દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ નવેમ્બર-૨૦૨૧માં ઓમિક્રોન વેરિએન્ટની જાહેરાત કરેલી, જે ત્યાંના એઈડ્સના દર્દીઓના શરીરમાંથી ઉદ્ભવેલો હોવાનું કહેવાય છે. દક્ષિણ આફ્રિકાથી આ વેરિએન્ટ દાવાનળની જેમ સમગ્ર વિશ્ર્વમાં ફેલાઈ ગયો.
૨૩મી જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૨૧ લાખને પાર પહોંચી છે. કોરોના - ઓમિક્રોનથી દેશમાં રોજ ૩ લાખથી વધુ અને ગુજરાતમાં ૧૬ હજારથી વધુ લોકો સંક્રમિત. આ આંકડો વધી રહ્યો છે એ ચિંતાનો વિષય છે. ગુજરાત સરકારની ટાસ્ક ફોર્સના સભ્યો અને નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે હાલ જે કેસ આવી રહ્યા છે તેમાં ૮૦ ટકા ઓમિક્રોનના છે, ઓમિક્રોન કોઈ ઈમ્યુનિટીને ગાંઠતો નથી અને ગમે ત્યારે તેનું સ્વરૂપ જોખમી થઈ શકે છે. રાહત એટલી જ કે આ વખતે હોસ્પિટલમાં દાખલ થનારા ઓછા છે, મૃત્યુ આંક પણ ખૂબ ઓછો છે, ઓક્સિજન - એમ્બ્યુલન્સની કમી કે ઇન્જેક્શન - દવાની કોઈ મુસીબત પણ નથી, છતાં એ ન ભુલાય કે આગળની બંને લહેરો કરતાં કેસો વધવાની ઝડપ વધુ છે અને તે ગમે ત્યારે ઘાતક બની શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ અનુસાર દુનિયામાં ઓમિક્રોનના કેસમાં વીસ ટકાનો વધારો થયો છે અને આફ્રિકા સિવાય મોટાભાગના દેશોમાં કેસ વધ્યા છે. WHOના ડિરેક્ટર જનરલ ટી. એ. ગ્રેબેયેસસ કહે છે કે, ‘ઓમિક્રોનથી હોસ્પિટલાઇઝેશનની શક્યતા ડેલ્ટા કરતાં ઘણી ઓછી છે, છતાં પણ સાવચેતી નહીં હોય તો કોઈ પણ જોખમ આવી શકે છે.’ WHOના ભારતના પ્રતિનિધિ રોડ્રિકો એચ.નું કહેવું છે કે, ‘ભારતમાં હાલ લોકડાઉનની જરાય જરૂર નથી. રસીકરણ વધારો, ચિંતા ના કરો અને સાવચેતી રાખો !’
ઓમિક્રોનના મોટા ભાગના કેસો એસિમ્પ્ટોમેટિક એટલે કે કોઈ પણ લક્ષણો વિનાના છે. ભારતના ૭૦ ટકા કેસો ૫ણ એસિમ્પ્ટોમેટિક છે. મ્યુટેટ થયેલા ઓમિક્રોન વેરિએન્ટ પાંચેક દિવસ રહે છે પછી તેની અસરકારકતા ઓછી થઈ જાય છે. મેડિકલ નિષ્ણાતો મુજબ જેમણે વેક્સિનનો એક પણ ડોઝ નથી લીધો તે તથા કો-મોર્બિડ સ્થિતિવાળા વધુ સંક્રમિત થઈ રહ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ- દિલ્હીના વૈજ્ઞાનિક સમીરન પાંડાનું કહેવું છે કે, ‘ઓમિક્રોન જો ડેલ્ટા વેરિએન્ટની જગ્યા લે અને નવો કોઈ વેરિએન્ટ ન આવે તો ૧૧ માર્ચ સુધીમાં કોવિડ-૧૯ સામાન્ય બીમારી બની રહેશે.’ પણ એ માટે તેમણે ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને વેક્સિનેશન પર ભાર મૂક્યો છે.
હૈદરાબાદ સ્થિત AIG હોસ્પિટલ અને એશિયન હેલ્થ કેર દ્વારા થયેલા રિસર્ચ મુજબ વેક્સિન લીધા બાદ જે એન્ટીબોડી બને છે તે ઓછામાં ઓછા છ મહિના સુધી રહે છે. આ બધાં જ સંશોધનો અને અભિપ્રાયો સૂચવે છે કે, રસીકરણે વૈશ્ર્વિક મહામારી વિરુદ્ધની લડાઈને શક્તિશાળી બનાવી છે. ભારતમાં ૧૫૬ કરોડ લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે. ૯૧ ટકા કરતાં વધુ નાગરિકોએ કમ સે કમ એક ડોઝ અને ૬૬ ટકા કરતાં વધુ લોકોએ બે ડોઝ લીધા છે. હવે તો ૧૫ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓને પણ વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે અને બીજા ડોઝના ૯૦ દિવસ પછી બુસ્ટર ડોઝ પણ અપાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૩ રાજ્યોમાં ૨૬૦૦ ફિલ્ડ ઓફિસર્સની ટીમ તૈયાર છે અને ત્રીજી લહેર જોખમી બને તો કેન્દ્ર અને રાજ્ય સરકારનીયે પૂરતી વ્યવસ્થા છે, માટે ચિંતા નહીં પણ સચેત તો રહેવું જ પડે. વાયરસ ક્યારે સ્વરૂપ બદલી ગંભીર બને તે કોઈ ના કહી શકે. આપણે લડવાની અને જીતવાની બંને તૈયારી રાખવી જ રહી. દરેક વ્યક્તિ જો સો ટકા સાવચેત રહીને પોતાનું સંપૂર્ણ ધ્યાન રાખે તો દેશનો એક એક નાગરિક સુરક્ષિત બની જાય. જરા પણ ગફલતમાં ના રહો, વેક્સિન લો, ગાઇડ લાઇનનું પાલન કરો, માસ્ક સિવાય બહાર ના નીકળો, સેનેટાઇઝર વાપરો, ભીડમાં ના જાવ અને ભીડ કરો પણ નહીં. જેમ કેસ વધતા જાય તેમ સરકાર નવા નિયમો બનાવે, પરંતુ વ્યક્તિ - કુટુંબ - સમાજે સૌથી વધુ સાવચેત રહી પોતાને બચાવવાના નિયમોનું પાલન કરવું રહ્યું. બે વર્ષ સુધી આપણે ખૂબ સારી લડત આપી અને જીત હાંસલ કરી છે. યુદ્ધ ફરી શરૂ થયું છે, આ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરીને આપણે એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ તે તાતી જરૂરિયાત છે. મહાભારતનાં યુદ્ધ વખતે ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાગાન કરી અધિરા થઈ ગયેલા અર્જુનને ‘ધૈર્ય ધરવા’ કહેલું. કોરોના સાથેના આ મહાયુદ્ધમાં ‘ધૈર્ય ધરીશું’ તો અવશ્ય જીતીશું.