ધીરૂભાઇ અંબાણીની જીવનકથા | સ્વતંત્રતાની લડાઈથી લઈને સફળ ઉદ્યોગપતિ સુધી...

    04-Jan-2022   
કુલ દૃશ્યો |

Dhirubhai ambani ni katha gujarati
 
 

Dhirubhai ambani ni katha gujarati | ધીરૂભાઇ અંબાણીની જીવનકથા

 
કેટલાક લોકો જન્મે છે ચાંદીની ચમચી સાથે, તો કેટલાક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. મહેનતથી જીવનને આદર્શ બનાવનારાઓમાંના ઉદ્યોગપતિઓમાં ધીરુભાઈ અંબાણી મોખરે છે. ધીરજલાલ હિરાચંદ અંબાણી એટલે કે ધીરૂભાઈ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨માં ચોરવાડ ખાતે જનમ્યા હતા. સંઘર્ષ કરીને ધનવાન બનેલા ભારતીય હતા કે જેમણે મુંબઈમાં પોતાના પિતરાઈ સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરી હતી. ૧૯૭૭માં ધીરૂભાઈ અંબાણી તેમની કંપની રિલાયન્સને જાહેરમાં લઈ ગયા અને ૨૦૦૭માં જ અંબાણી પરિવાર વિશ્ર્વના સૌથી વધુ ધનવાન પરિવારોમાં સ્થાન પામ્યો હતો. ૧૬ વર્ષની ઉંમરે તેઓ યેમનમાં આવેલા એડન ખાતે ગયા હતા. તેમણે ૩૦૦ રૂપિયાના પગારથી એ.બીસ એન્ડ કાું.માં ક્લાર્ક તરીકે કામ કર્યું. બે વર્ષ બાદ કંપની શેલ (Shell) ઉત્પાદનોની ડિસ્ટ્રિબ્યૂટર બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એડનના બંદર ખાતેના ફિલિંગ સ્ટેશનના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી. રિલાયન્સ (Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી. ચંપકલાલ દામાણી, તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન, યમનમાં તેમની સાથે હતા, એમની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રિલાયન્સ કમર્શિયલ કોર્પોરેશનની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદરની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી, જેમાં ૩૫૦ ચો. ફૂટ (૩૩ મીટ૨) એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમની પાસે બે સહાયક હતા. ૧૯૬૫માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી.
શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે ધીરુભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. ૧૯૬૮માં તેઓ દક્ષિણ મુંબઈના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. તેમના પ્રારંભિક દિવસો અને ભારતની તત્કાલીન તુમારશાહીની ગૂંચવાડાભરી રીતભાતો સામે હિંમતથી કામ લેવાની ધીરૂભાઈમાં કુનેહ હતી. તેઓ ખોટ સહન કરીને પણ ઘણીવાર મસાલાની નિકાસ કરતા અને રેયોનની આયાત માટે રેપ્લેનિશમેન્ટ લાઇસન્સનો ઉપયોગ કરતા. બાદમાં જ્યારે ભારતમાં રેયોનનું ઉત્પાદન શરૂ થયું ત્યારે તેમણે રેયોનની નિકાસ શરૂ કરી અને આ નિકાસ પણ તેઓ ખોટ ભોગવીને જ કરતા અને નાયલોનની આયાત કરતા સ્પર્ધકો કરતાં ધીરુભાઈ હંમેશા એક ડગલું આગળ રહેતા.
 
ટેક્સટાઈલના વ્યવસાયમાં ઊજળી તકો હોવાનું લાગતાં ધીરુભાઈએ પોતાની પ્રથમ ટેક્ષટાઈલ મિલ ૧૯૭૭માં અમદાવાદના નરોડા વિસ્તારમાં શરૂ કરી. પોલિયસ્ટર ફાઈબર યાર્નના ઉપયોગથી ટેક્સટાઈલનું ઉત્પાદન થતું હતું. ૨૦૦૬માં ધીરુભાઈએ વિમલ (Vimal) બ્રાન્ડ શરૂ કરી. પોતાના મોટાભાઈ રમણિકભાઈ અંબાણીના દીકરા વિમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખ્યું હતું. ભારતનાં અંતરિયાળ ગામડાંઓમાં સઘન માર્કેંટિંગના કારણે વિમલ (Vimal) નામ ઘરે-ઘરે જાણીતું નામ બન્યું. ફ્રેન્ચાઈઝી રીટેઈલ આઉટલેટ્સ શરૂ કરવામાં આવ્યા અને તેઓ ઓન્લી વિમલ (only Vimal) બ્રાન્ડનાં કાપડ વેચતા. ભારતમાં ઇક્વિટિ કલ્ટ (શેરમાં રોકાણના પ્રવાહ)ની શરૂઆતનું શ્રેય ધીરુભાઈ અંબાણીને આપવામાં આવે છે. ૧૯૭૭માં દેશના વિવિધ ભાગોમાંથી ૫૮,૦૦૦થી વધુ રોકાણકારોએ રિલાયન્સનો આઈપીઓ ભર્યો હતો. સમય વીતતાં ધીરુભાઈ પોતાના કારોબારમાં વૈવિધ્યીકરણ લાવ્યા અને પેટ્‌મિકલ્સમાં નિપુણતા હાંસલ કરવાની સાથે ટેલિકમ્યુનિકેશન્સ, ઇન્ફર્મેશન ટેક્નોલોજી, એનર્જી, પાવર, રીટેલ, ટેક્સટાઈલ, ઇન્ફ્રાસ્ટ્ક્ચર સેવાઓમાં, મૂડીબજારો અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે પણ કારોબરનો વિસ્તાર કર્યો. માત્ર રિલાયન્સની વાત કરીએ તો તેની સાથે ૨ લાખ ૩૬ હજાર જેટલાં પ્રત્યક્ષ કર્મચારીઓ જોડાયેલા છે અને પરોક્ષ રીતે ૫૦ લાખ લોકોને તે રોજગારી આપે છે. તેની રેવન્યુ ૪ લાખ ૬૬ હજાર કરોડ રૂપિયાની છે અને ૧૦૦ કરતાં વધુ દેશમાં તેનો બિઝનેસ છે.
 
ધીરુભાઈએ એક સપનું સેવ્યું હતું કે ભારતના દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ હોવો જોઈએ. એ વખતે મોબાઈલ ઈનકમિંગ અને આઉટગોઇંગ એટલા બધા મોંઘા હતા કે માત્ર શ્રીમંત લોકોને જ એ પરવડતો. લોકો ધીરુભાઈની વાત પર હસતા, પણ ધીરુભાઈ માસ્ટર બિઝનેસમેન સાથે સાચા સ્વપ્નસેવી પણ હતા. તેમણે જે સપનું જોયું હતું તેનાં મૂળિયાં ઓલરેડી નાંખી દીધાં હતાં. દાદા જે રીતે આંબો વાવે એવી જ રીતે. એ માટેનું કામ ચાલતું હતું એ દરમિયાન જ ૬ જુલાઈ, ૨૦૦૨ના રોજ હાર્ટ એટેકને કારણે ધીરુભાઈનું અવસાન થયું. દેશભરમાં આઘાતનું મોજું ફરી વું. ભારતને વિશ્ર્વ આખામાં ઉદ્યોગની બાબતમાં ગૌરવ અપાવનારા ધીરુભાઈના જવાથી દેશને ખૂબ મોટું નુકસાન થયું હતું, પરંતુ તેમના પુત્રો મુકેશ અંબાણી અને અનિલ અંબાણીએ પિતાના વ્યવસાયને વધારે આગળ ધપાવ્યો અને તેમનું સપનું પણ પૂરું કર્યું. ધીરુભાઈના મૃત્યુ પછી બે જ વર્ષમાં ૧૫મી જુલાઈ, ૨૦૦૪ના રોજ રિલાયન્સ કોમ્યુનિકેશનની સ્થાપના થઈ અને રિલાયન્સનો ફોન લોકોના હાથમાં આવ્યો. પણ હજુ એક એક વ્યક્તિના હાથમાં ઇન્ટરનેટ સાથેનો મોબાઈલ હોય તે ક્રાંતિ બાકી હતી. એ ક્રાંતિ આવી ૨૦૦૭માં જીઓ (Jio)માં આગમનથી. જે સમયે વિદેશી કંપનીઓ ઇન્ટરનેટ અને કોલ ચાર્જ માટે ગ્રાહકો પાસેથી અઢળક પૈસા લૂંટતી હતી. ત્યારે જીઓએ બે વર્ષથી વધુ સમય સુધી લગભગ મફત સેવાઓ આપી. એ પછી પણ તેણે જે ચાર્જ લીધા એ નોમિનલ હતા અને એ રીતે ભારતના સામાન્યમાં સામાન્ય લોકો મોબાઈલ ઇન્ટરનેટ વાપરી શક્યા અને ધીરુભાઈનું સપનું પૂર્ણ થયું. આજે ધીરુભાઈ આપણી વચ્ચે નથી પણ બધા તેમને યાદ કરે છે. ધીરુભાઈના જીવનના કેટલાક સિદ્ધાંતો હતા તે મુજબ જ તેઓ જીવન જીવ્યા અને સફળ બન્યા. તેમના એ સિદ્ધાંતો અને કાર્યપ્રણાલીનો કેટલાંક ઉદાહરણો વાંચીએ તે પહેલાં સ્વતંત્રતાની ચળવળમાં ધીરુભાઈનું યોગદાન અને તેમના પુત્ર મુકેશ અંબાણીએ પિતા વિશે કરેલી માર્મિક વાત જાણીએ...
 
 

Dhirubhai ambani ni katha gujarati  
 

ધીરૂભાઇ અંબાણીની જીવનકથા | Dhirubhai Ambani biography in Gujarati

 
 
સ્વતંત્રતાની લડાઈમાં ધીરૂભાઇ
 
 
ધીરુભાઈ મિત્રોને લઈને રાત્રે નીકળી પડતા અને જૂનાગઢની
દીવાલો પર આઝાદીના જંગ માટેનાં સૂત્રો અને ચિત્રો ચીતરતા
 
ભારતને આઝાદી મળી ત્યારે ધીરુભાઈની ઉંમર ફક્ત ૧૫ વર્ષની હતી. તે વખતે જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલ (આજની સ્વામી વિવેકાનન્દ હાઈસ્કૂલ)માં તેઓ ભણતા હતા અને તેમની જ્ઞાતિની મોઢ વણિક બોર્ડિંગમાં રહેતા હતા. ધીરુભાઈ અને મિત્રો હાઈસ્કૂલમાં ભણતા કિશોરો જ હતા, છતાં સ્વાતંત્ર્યની ચળવળથી અલિપ્ત રહી શક્યા નહોતા. આઝાદીની લડતના બે મહાન નેતાઓ ગાંધીજી અને સરદાર પટેલ ગુજરાતના હતા એટલે હાઈસ્કૂલ સહિત ઠેર ઠેર આઝાદીની હવા ગુંજવા લાગી હતી. વિદ્યાર્થીઓ આ નેતાઓથી ખાસ્સા પ્રભાવિત હતા અને ધીરુભાઈની બોર્ડિંગમાં પણ જૂનાગઢ વિદ્યાર્થી સમિતિની રચના કરવામાં આવી હતી. બે વર્ષ આગળ ભણતા કૃષ્ણકાંત વખારિયા સમિતિના નેતા હતા અને ધીરુભાઈને મંત્રી બનાવવામાં આવ્યા હતા. આ કિશોર સ્વાતંત્ર્યસેનાનીઓ જોશથી ભરેલા હતા અને પોતાના દેશ માટે કુરબાની દેવા તૈયાર હતા. દાખલા તરીકે મહાત્મા ગાંધીના જન્મદિને આ મિત્રો જૂનાગઢ લાઇબ્રેરીની પાસે આખી રાત દીવડા પ્રગટાવતા હતા. ધીરુભાઈ મિત્રોને લઈને રાત્રે નીકળી પડતા અને જૂનાગઢની દીવાલો પર આઝાદીના જંગ માટેનાં સૂત્રો અને ચિત્રો ચીતરતા. સત્તાવાળાઓ તેના પર પીછડો મારી દેતા પણ તે પહેલા તો લોકો સુધી સંદેશ પહોંચી જતો હતો. જન્મભૂમિ અને નવજીવન જેવા પ્રતિબંધિત અખબારોને શર્ટની અંદર છુપાવીને તેનું વિતરણ કરતા. ચોપાનિયાંઓને સ્કૂલ બૅગમાં સંતાડી રાખતા અને લોકોને ખાનગીમાં વહેંચતા. જૂનાગઢમાં આઝાદીના જંગની પ્રવૃત્તિઓ ખાનગીમાં કરવી પડતી હતી, કેમ કે જૂનાગઢ પર મુસ્લિમ નવાબનું રાજ ચાલતું હતું અને તેનો ઇરાદો પાકિસ્તાનમાં ભળી જવાનો હતો. જોકે જૂનાગઢની બહુમતી પ્રજા હિન્દુ હતી. સોમનાથ તથા દ્વારકા જેવાં તીર્થસ્થાનો રાજ્યમાં હતાં એટલે આ શક્ય નહોતું. ભાગલા પછી જૂનાગઢ રાજ્યને ભારતમાં ભેળવી દેવા માટે આરઝી હકૂમતની રચના કરીને લડત ચલાવવી પડી હતી. આ સ્થિતિમાં નવાબના રાજ્યમાં આઝાદીના લડવૈયાઓ સામે કડક હાથે કામ લેવાતું. તિરંગો ફરકાવવાની મનાઈ. રાષ્ટ્રગીતનું ગાન થઈ શકતું નહોતું. જોકે ધીરુભાઈ અને તેમના કિશોરમિત્રો આ પ્રતિબંધોની પરવા કર્યા વિના આઝાદી માટે હિંમતભેર ચળવળ ચલાવતા રહ્યા હતા.
 
૧૯૪૬માં બોર્ડિંગની મિત્રમંડળીને ખબર મળ્યા કે કનૈયાલાલ મુનશી જૂનાગઢની મુલાકાતે આવવાના છે. મોટા ગજાના સાહિત્યકાર મુનશી કૉંગ્રેસના અગ્રણી નેતા પણ હતા. વિદ્યાર્થીઓને ઇચ્છા થઈ કે મુનશીનું ભાષણ ગોઠવવું જોઈએ. નવાબની પોલીસને આ વાતની જાણ થઈ ત્યારે વિદ્યાર્થીઓને બોલાવીને ધમકાવવામાં આવ્યા કે જો સાહિત્યની વાતને બદલે મુનશી કોઈ રાજકીય ભાષણ આપશે તો વિદ્યાર્થીઓની ધરપકડ થશે, સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે અને તેમના વાલીઓને બોલાવીને મામલો તેમને સોંપી દેવાશે. મુનશીને આમંત્રણ આપવાને કારણે આવી પડનારી સ્થિતિમાં શું કરવું તેની ચર્ચા ચાલતી હતી ત્યારે ધીરુભાઈએ એક સૂચન કર્યું. ભવિષ્યમાં આ કિશોર માસ્ટર માઇન્ડ બનવાનો છે તેનો અણસાર જાણે આ સૂચનમાંથી આવી જતો હતો. પોતાની યોજનામાં તદ્દન અશક્ય લાગતી વાતને પણ વણી લેવાની અને રસ્તો કાઢવાની તેમની આવડત કિશોરાવસ્થામાં જ દેખાવા લાગી હતી. કોઈ કાર્ય કરવાને કારણે શું પરિણામ આવશે તેનો વિચાર કરતાં કરતાં બીજા લોકો જ્યાં મૂંઝાઈ જતા ત્યાં ધીરુભાઈ મગજ જાળવી રાખી શકતા હતા. ધીરુભાઈએ મૂંઝાયેલા મિત્રોને સમજાવ્યા કે જુઓ, આપણે તો એક સાહિત્યકારને ભાષણ માટે આમંત્રણ આપ્યું છે. હવે તે સાહિત્યકાર બીજી કોઈ વાત કરે તો મામલો તેમની અને પોલીસ વચ્ચેનો બને છે. આપણે તેમાં કોઈ રીતે જવાબદાર નથી. મુનશીએ ભાષણ પણ આપ્યું અને તેમાં ઝડપથી આવી રહેલી આઝાદીની વાત પણ કરી. જોકે નવાબની પોલીસે ધમકીઓ આપી હતી તેનો અમલ કર્યો નહીં, કેમ કે મુનશી જેવા મોટા નેતા સામે પગલાં લેવાનું તેમનું ગજું નહોતું. ધીરુભાઈની ઉંમર તે વખતે ૧૫ વર્ષની જ હતી, છતાં તેમને ભારતના ભવિષ્ય પર એટલો દૃઢ વિશ્ર્વાસ બેસી ગયો હતો કે નાની નાની બાબતો કે ટૂંકી દૃષ્ટિના કાયદા-નિયમોથી ડરીને એક વિશાળ પરિપ્રેક્ષ્યમાં યોગ્ય લાગતું હોય તેવું કાર્ય કરવામાં અચકાતા નહોતા. તેમની આ વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારવાની ક્ષમતાને કારણે જ તેઓ આગળ જતાં એક દીર્ઘદૃષ્ટા તરીકે ઓળખાયા. જોકે પ્રારંભમાં તેઓ નિયમો વચ્ચે પણ પોતાને યોગ્ય લાગ્યું હોય તે સિદ્ધ કરવા માટે માર્ગ કાઢી લેતા હતા તે માટે ટીકાઓ થતી હતી. ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ રાષ્ટીય ધ્વજ ફરકાવવાની ઘટના તેમનો આ સ્વભાવ દર્શાવી આપે છે. આઝાદીનું પ્રભાત ઊગ્યું ત્યારે જૂનાગઢમાં નવાબે ફરમાન બહાર પાડેલું કે કોઈએ ઘરની બહાર નીકળવું નહીં અને ધ્વજવંદન કે પ્રભાતફેરી જેવી પ્રવૃત્તિઓ કરવી નહીં.
 
રાષ્ટ્રના ઇતિહાસની આ સૌથી સુવર્ણમય ઘડીની ઉજવણી કરવામાં આડે આવનાર કોઈની પણ પરવા ધીરુભાઈને નહોતી. એથી તેમણે વિદ્યાર્થીઓને એકઠા કર્યા અને જૂનાગઢમાં સૌ પ્રથમ તેમણે જ તિરંગો લહેરાવ્યો. પોતાના જીવનનું કદાચ પહેલું જાહેર ભાષણ પણ તેમણે ત્યાં આપ્યું. ધાર્યા પ્રમાણે જ તેમને પકડીને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યા. પોલીસને પણ માન્યામાં નહોતું આવતું કે એક કિશોરે આ હિંમતભર્યું પગલું ભર્યું છે. પોલીસે ધીરુભાઈને કેસ કર્યા વિના જવા દીધા. જોકે તે પહેલાં તેમની આકરી પૂછપરછ કરવામાં આવી હતી અને પોલીસને આશા હતી કે કિશોર ધીરુભાઈ કોઈ મોટાનું નામ આપી દેશે. ધીરુભાઈએ મચક આપી નહીં અને પોલીસે તેમને છોડી દેવા પડ્યા. મોડી રાત્રે ધીરુભાઈ બોર્ડિંગ ૫૨ પહોંચ્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત થયું ! કિશોરાવસ્થામાં આઝાદીની ચળવળમાં આવા યોગદાન બદલ કદાચ ધીરુભાઈમાં એક દેશભાવના અને મહત્ત્વાકાંક્ષા પ્રગટી હતી કે ભારતની ભૂમિ પર વિશ્ર્વકક્ષાનું ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરવું. ૧૫ વર્ષની ઉંમરે સત્તાધીશોની કે જેલમાં જવાની પરવા કર્યા વિના શાળામાં ધ્વજવંદન કરતી વખતે તેઓ અનોખી લાગણી અનુભવી રહ્યા હશે એમાં કોઈ શંકા નથી. લાગે છે કે તેમના માનસપટ પર આ લાગણી કાયમી યાદગીરી તરીકે કોતરાઈ ગઈ હતી અને ભારતને ગૌરવ અપાવે તેવી કંપની ઊભી કરવા માટે તેમને પ્રેરતી રહી હતી. તેઓ કદાચ આ રીતે પોતાના દેશનો ઝંડો ઊંચો રાખવા માગતા હતા. બીજા લોકો કાયદાઓ અને મર્યાદાઓથી કંટાળીને વિદેશ જતા રહ્યા હતા, ત્યારે ધીરુભાઈ તેની સામે લડત આપીને દેશને ગૌરવ અપાવે તેવા ઔદ્યોગિક સામ્રાજ્યનું સર્જન કરતા રહ્યા.
 
 
સમગ્ર યુવાવસ્થા દરમિયાન, મારા પિતાએ આ દેશનું ગૌરવ અને તેના લોકોની
સુખાકારીનું સ્વપ્ન સીંચ્યા કર્યું : મુકેશ અંબાણી (ચેરમેન : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ)
 
 
મારા પિતાજી ધીરુભાઈ અંબાણી ત્રણ દાયકાના ટૂંકા ગાળામાં એક ઔદ્યોગિક સામ્રાજ્ય ઊભું કરી શક્યા તેની પાછળ તેમને પ્રેરનાર પરિબળ તેમની મહત્ત્વાકાંક્ષા કરતાં પણ પડકારોને ભરી પીવાની તેમની અદમ્ય ઇચ્છા વધુ હતી. તેઓ ઘણી વાર કહેતા કે આપત્તિ એ કોઈ અવરોધ નહીં, પણ એક અવસર, એક તક છે. આપત્તિ જ તમને એ શીખવા મજબૂર કરે છે કે કઈ રીતે ડૂબકી મારીને બહાર નીકળવું, કઈ રીતે તેના પર છવાઈ જવું અને કેવી રીતે અવરોધોને દૂર કરવા. કોઈ પણ પીછેહઠ ભવિષ્યમાં એક કદમ આગળ વધવા માટેનો અલ્પવિરામ જ હોય છે. તમારા પ્રયાસોમાં તમે ચઢિયાતા બનો અને વધુ સખત પરિશ્રમ કરો તે માટે જ કપરો કાળ નિર્માયેલો હોય છે.
 
આ સાહસવૃત્તિ તેમને નાનપણથી જ મળી. મારા દાદા સ્કૂલમાં શિક્ષક હતા. પપ્પા બહુ લાંબું ભણ્યા નહોતા. તેમના માટે આ દુનિયા જ એક યુનિવર્સિટી હતી અને જીવનમાં આવતા ઉતાર-ચઢાવમાંથી જ તેમણે ટ્યૂશન લીધું. કોઈ પણ નાણાકીય સગવડ કે પ્રભાવશાળી અને વગદાર નેટવર્ક વિના તેમણે પોતાનું સાહસ શરૂ કર્યું. એ કઠોર ઍપ્રેન્ટિસશિપ દરમિયાન તેમણે પોતાનામાં એક કુશાગ્ર વ્યક્તિત્વ ખીલવ્યું, જે આજે જુદાં જુદાં ક્ષેત્રોમાં ફેલાયેલાં રિલાયન્સનાં સાહસોમાં મૂર્તિમંત થયેલું દેખાય છે. સમગ્ર યુવાવસ્થા દરમિયાન, મારા પિતાએ આ દેશનું ગૌરવ અને તેના લોકોની સુખાકારીનું સ્વપ્ન સીંચ્યા કર્યું. ભારતીય હોવાનું તેમને ગૌરવ હતું અને એટલે જ પોતાનો દેશ અન્ય દેશની હરોળમાં આવે તે જોવાની અધીરાઈ પણ તેમનામાં હતી. ગમે તેવા કપરા સંજોગોમાં પણ ભારતને મજબૂત, સમૃદ્ધ અને સુખાકારી ધરાવતું રાષ્ટ્ર બનાવવા માટેના પોતાના સંકલ્પમાં તેઓ સહેજ પણ વિચલિત ન થયા. ભારતીયજનમાં તેમનો ભરોસો એટલો જ જડબેસલાક હતો. સહસ્રાબ્દીઓથી ભારતીયોની બૌદ્ધિકતા, સંસ્કૃતિ અને આધ્યાત્મિક સિદ્ધિઓમાં આ વણાયેલું હતું. જો યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો દરેક ક્ષેત્રમાં ભારતીયો પોતાની રાર્જનાત્મકતા અને કાર્યકુશળતા દ્વારા નામના મેળવી શકે તેવી શ્રદ્ધા ધીરુભાઈને હતી. આ સંદર્ભે મૂલવીએ તો ધીરુભાઈ વિચાર અને આચારમાં હંમેશાં સંપૂર્ણ દેશભક્ત હતા.
 
યુવાન વયે એડનમાં પેટ્રોલ અટેન્ડન્ટ હતા ત્યારથી જ ભારત અને ભારતીયો પોતાનું ગૌ૨વ અને મહત્તા ફરીથી હાંસલ કરી શકે તે માટે પરંપરાથી હટીને માર્ગો શોધવામાં તેમણે કદાપિ પાછીપાની ન કરી. ભારતને પ્રગતિના માર્ગે લઈ જવા માટે ગુણવત્તાસભર શિક્ષણ, વૈયક્તિક અને સામુદાયિક સશક્તિકરણ તથા રાષ્ટ્ર અને સમાજને સાહિસકતાના પાઠ આ ત્રણ લક્ષ્યાંકો હાંસલ કરવા જરૂરી છે એ બાબત તેઓ પ્રારંભથી જ સમજ્યા હતા. તેમના મતે અર્થતંત્રને આધુનિક બનાવવા અને વહીવટી તંત્રને પારદર્શક અને જવાબદાર બનાવવા માટે જરૂરી ભૌતિક અને સામાજિક બુનિયાદી માળખાના વિકાસની સાથેસાથે આ ત્રણેય બાબતોમાં પણ પ્રગતિ હાંસલ કરવી અનિવાર્ય છે.
 
તેમની આ દૃષ્ટિ અને સૂઝે ભારતીય બિઝનેસના ઇતિહાસમાં એક મૂળભૂત બદલાવ આણ્યો એ અંગે કોઈ શંકા નથી. તેમની દૂરંદેશિતા એ પ્રકારની હતી, જેમાં દેશના કરોડો લોકો સમૃદ્ધ થઈને ઉદ્યોગ સાહસિકતા માટે આશાવાન બને અને આ રીતે ભારતને આધુનિક દેશોની પંગતમાં બેસાડે. તેમની દૃષ્ટિનો મજબૂત પુરાવો ત્યારે મો જ્યારે ભારતીય અર્થતંત્રમાં સુધારા થયા અને તેને ગ્લોબલાઇઝેશનની હવા લાગી.
 
ધીરુભાઈ માટે રિલાયન્સ એક બિઝનેસ સાહસથી કંઈક અધિક હતું. રિલાયન્સની સામૂહિક શક્તિઓનો ઉપયોગ ઉદાત્ત મહત્ત્વાકાંક્ષાઓ પરિપૂર્ણ કરવા માટે કરવો જોઈએ. તેમનો આ ઉપદેશ, રિલાયન્સને શક્તિશાળી ભારતની ગ્લોબલ બ્રાન્ડ બનાવવાના મારા પ્રયાસોમાં માર્ગદર્શક બની રહ્યો છે. હકીકતમાં અમારાં સાહસો જેવાં કે રિલાયન્સ રિટેઈલ ગરીબમાં ગરીબ ખેડૂત અને ગ્રામીણ મહિલાને સશક્ત કરવાનો આશય ધરાવે છે. આ આશય કઈ રીતે પાર પડે ? ઉત્તર સ્પષ્ટ છે : અમારા વ્યવસાયોને અમારી માન્યતાઓ સાથે સાંકળીને કહીએ તો જે ભારત માટે શ્રેયસ્કર છે તે જ રિલાયન્સ માટે શ્રેયસ્કર બની શકે છે.
 
પપ્પાનાં સ્મરણોને, તેમના જીવનમાંથી પાઠ ભણીને, તેમણે ચરિતાર્થ કરેલાં મૂલ્યો અપનાવીને તેમણે જે સ્વપ્ન જોયું તે સાર્થક કરીને આપણે આદરાંજલિ આપી શકીએ. ગુજરાતના એક ગામડામાંથી શરૂ કરીને કૉર્પોરેટ જગતની ટોચ સુધી પહોંચવાની ધીરુભાઈની યાત્રા નવચેતનમય ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેના પ્રતીકરૂપ ઘણી બધી રીતે બની રહી છે.
 

ધીરૂભાઈ અંબાણીના કેટલાક સિદ્ધાંતો અને કાર્યપ્રણાલી | Dhirubhai Ambani Success Story In Gujarati

 
 
નાણાં પ્રોડક્ટ નહીં, બાય પ્રોડક્ટ છે. એની પાછળ દોડો નહીં
 
 
‘નાણું એ કોઈ પ્રોડક્ટ નથી, એ તો બાય પ્રોડક્ટ છે એટલે તેની પાછળ દોડો નહીં.’ ભારતના સૌથી વધુ ધનાઢ્ય ઉદ્યોગપતિ પાસેથી આવા શબ્દો સાંભળીને આશ્ર્ચર્ય થાય, પરંતુ ધીરુભાઈની આ માન્યતા હતી જે તેમણે પોતાના જીવનમાં ઉતારી અને સમાજને પણ શીખવાડી. મુદ્રાની સ્થાપના સમયે તેઓ સ્પષ્ટ હતા અને તેની સાથે જોડાયેલા સૌને ફક્ત એક જ સૂચના આપી હતી કે, ‘દેશની સૌથી શ્રેષ્ઠ ટેક્ષટાઇટલ એડ્વર્ટાઇઝ તૈયાર કરો.’
 
આ જ મુદ્રાનો મુદ્રાલેખ હતો. તેમણે નફા વિશે હરફ પણ ઉચ્ચાર્યો નહોતો. દેશમાં સૌથી મોટી અને કમાતી એડ એજન્સી મુદ્રા બને તેવો ઉલ્લેખ પણ કર્યો નહોતો, ફક્ત શ્રેષ્ઠ જાહેરખબર તૈયાર કરવાનું લક્ષ્ય આપ્યું, ધીરુભાઈ કર્મચારીઓને કાંઈક શીખવતા હોય ત્યારે સહજ કે સીધી રીતે સમજી શકાય તેવી વાતનો ઉલ્લેખ જ ન કરતા તેમને રસ્તો ચીંધતા. તેમના સૂચનમાં જ તેમનો સંદેશો ગર્ભિત રહેતો. કહેવાય છે ને કે પ્રકાશિત મીણબત્તી ક્યારેય છુપાતી નથી. સેલ્સ ક્ષેત્રના લોકો કહેતા હોય છે તે પ્રમાણે તમારી પ્રોડક્ટ કે કંપનીની ઓળખ બને ત્યારે લોકો તમને આવકાર આપે છે. ગ્રાહકો તમારી વાત સાંભળે છે. તમારા વિચારોને સ્વીકારે છે અને તમામ કાર્યથી પ્રભાવિત થાય છે. વધુ કામ કરીએ તેમ વધારે નાણાં મળે, અર્થ સીધો છે, સારા કાર્યની આડપેદાશ નાણું છે.
 
ધીરૂભાઈ કહેતા કે, ‘આડપેદાશના ઉત્પાદન માટે કંઈ ગોઠવણ કરવામાં આવતી નથી હોતી. તે તમારું પ્રાથમિક લક્ષ્ય નથી, તે તમારી પસંદને દોરતી નથી. તમે જ્યારે કંઈક વિશાળ-અઢળક સર્જો છો ત્યારે આડપેદાશ તેમાંથી ખરે છે. દાખલા તરીકે કપાયેલા ઝાડના થડના નાના નાના ટુકડા કરીએ ત્યારે તેમાંથી લાકડાંનો વહેર નીકળે છે તે આડપેદાશ ગણાય. તેમાંથી થોડો ઘણો નફો પણ મળે જ છેને ! મોટા ભાગના લોકો એવી ગેરસમજમાં રાચે છે કે અબજોપતિ બનેલા માણસોએ સંપત્તિ એકઠી કરવાનું એકમાત્ર ધ્યેય રાખ્યું હશે. તેમની આ ધારણા સત્યથી જરા પણ નજીક નથી. તમને કદાચ આશ્ર્ચર્ય થશે કે સારું ઉત્પાદન કરવા પર લક્ષ્ય આપવાને બદલે નાણાં પર ધ્યાન કેન્દ્રિત કરવું ખોટું કેમ છે ? તેનો જવાબ આમ તો ખૂબ સરળ છે. જ્યારે તમે મુખ્ય ધ્યેય પૈસાને બનાવશો ત્યારે તમે કેવી રીતે ધન કમાઈ શકાય અને તેની બચત કરી શકાય તે પરત્વે જ લક્ષ આપશો. પરિણામે ગુણવત્તાને ભોગે ઉત્પાદન થશે અને સ્વાભાવિકપણે તે નબળું હશે. તમે કદાચ થોડા સમય માટે તમારા ગ્રાહકોને મૂર્ખ બનાવી શકશો, પરંતુ લાંબે ગાળે તો તમારી પ્રોડક્ટ બિનકાર્યક્ષમ અને બિનવિશ્ર્વસનીય લેખાશે. આવું વારંવાર બનતાં તમે જોયું નથી ? ફક્ત તમારા ઉત્પાદનથી તમારા ગ્રાહકો દૂર ભાગશે એટલું જ નહીં, બલકે તેઓ તમારા હરીફ પાસે જતા રહેશે. આવું થાય ત્યારે તમને અનુભૂતિ થશે કે વ્યાપારિક ક્ષેત્રે તમે જ તમારા પગ પર કુહાડી મારી છે. બીજી બાજુ, ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટ તમારી વ્યક્તિગત મૂડી સમાન છે, જેના દ્વારા તમારા ગ્રાહકો સાથેનો સંબંધ ઘનિષ્ઠ બને છે. તમારા સારા અને કાયમી બિઝનેસ પાર્ટનર્સ જ નહીં મેળવો, પરંતુ સાથે સાથે તેઓ પોતાના મિત્રવર્તુળમાં પણ તમારી ભલામણ કરશે. આમ વ્યાપારિક ચક્ર ચાલશે અને તેમાં જ રહેલું છે નાણાંના અનંત પ્રવાહનું રહસ્ય. ધન કે પૈસા પ્રોડક્ટનું મૂલ્ય છે. તે પોતે ક્યારેય પ્રોડક્ટ બની ન શકે, સિવાય કે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા માટે કે જે આપણા માટે સતત ચલણી નાણાંની નોટો છાપ્યે રાખે છે !’
 
 
સૌને સ્વતંત્રપણે કામ કરવા દો
 
 
એંશીના દાયકા દરમિયાન ટેક્ષટાઇલ ઉત્પાદક કંપની રિલાયન્સની ઝડપી પ્રગતિ થઈ અને આજે આપણે તેને સામ્રાજ્ય તરીકે જોઈ શકીએ છીએ. ધીરુભાઈ બિઝનેસની જવાબદારીરૂપે ઘણા લોકોને તેમનાં ઉચ્ચકક્ષાના મેનેજરો પાસે મોકલતા, પરંતુ ક્યારેય તેમને નોકરી પર રાખવાની ભલામણ કરતા નહીં. ભલેને ઉપરથી કોઈએ ગમે તેટલી ભલામણ કરી હોય. ધીરુભાઈ તે વ્યક્તિના બાયોડેટા સાથે ફક્ત મેરિટ પ્રમાણે એટલું જ લખેલી ચિઠ્ઠી જોડતા. બાકીનું બધું તે તેમના હોંશિયાર મેનેજરો ઉપર છોડતા. તેમની આવી નાની નાની બાબતો તેમના મેનેજરોને સૂચિત કરતી કે તેમને પોતાના કર્મચારીઓના પ્રોફેશનાલિઝમમાં શ્રદ્ધા છે અને તેથી પણ વધુ મહત્ત્વની વાત એ કે તેમને કર્મચારીઓની સચ્ચાઈમાં વિશ્ર્વાસ હતો. સાવ સાદી વ્યૂહરચનાઓ ઘણી વાર અપનાવવી સૌથી અઘરી હોય છે, પરંતુ ધીરુભાઈની દંતકથા સમી મૅનેજમેન્ટ ટેક્નિક્સ પાછળનું એ જ રહસ્ય હતું. ધીરુભાઈના વહીવટના સિદ્ધાંતો કોઈ પુસ્તકમાંથી નહોતા લેવાયા. દિલ અને દિમાગના અજોડ સંમિશ્રણથી તે તૈયાર થયા હતા. ધીરુભાઈની આ અજોડ પદ્ધતિ સામાન્ય એક્ઝિક્યુટિવ્સ પાસેથી અસાધારણ કામગીરી લઈ શકવા સમર્થ હતી.
 
 
પરિઘમાંથી બહાર આવો
 
 
ધીરુભાઈ હંમેશા કહેતા કે ‘તમારું વર્તુળ, તમારો પરિઘ સતત બદલતા રહો.’ તેઓ હંમેશાં સમજાવતા કે, ‘આપણે બધા અગાઉથી નક્કી વર્તુળમાં જન્મીએ છીએ. ત્યાર બાદ પ્રગતિ માટે તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. એક વર્તુળમાંથી બીજામાં જવાની ક્રિયા એક પ્રકારનું પરિવર્તન ગણી શકાય. સામાન્ય રીતે આપણે મોટા ભાગના લોકોની માફક જે ક્ષિતિજે જન્મ્યા હોઈએ તેમાં જ જીવવાનું અને મરવાનું પસંદ કરીએ છીએ. હકીકતે આ બાબત આપણી અંદરના સત્ત્વને નિરર્થક બનાવે છે. વાસ્તવિક રીતે નવા સ્તરે પરિવર્તન કરવાની પ્રાથમિક સ્ફુરણા આપણા વડવાઓ મુજબ આપણામાં રહેલી હોય છે. આ માટેનાં ઘણાં કારણો હોઈ શકે, પરંતુ પ્રાથમિક કારણ તો બદલાતા વાતાવરણમાં પોતાની જાતને સર્વાઇવ કરવાનું જ હોવાનું. સમય સાથે ઉત્ક્રાંતિ ન થાય તો શું પરિણામો આવે તે અંગે આપણે સૌ માહિતગાર છીએ, ડાઇનાસોરની માફક લુપ્ત થઈ જઈએ.’ ધીરુભાઈ જેવા જૂજ લોકો જીવનમાં વહેલી તકે આ વાસ્તવિકતા સમજી લેતા હોય છે અને અન્ય લોકો કરતાં ઝડપીએ ગતિ જીવનને આગળ ધપાવી ચીલો ચાતરવાનું બહુમાન મેળવી જાય છે. ધીરુભાઈની ઑર્બિટ થિયરી એટલે કે ક્ષિતિજો વિસ્તારવાની વાત પર પાછા ફરીએ તો આપણે અન્ય વર્તુળમાં જઈએ છીએ ત્યારે ફક્ત પોતાના માટે જ નહીં, બલકે આપણી સાથે જોડાયેલા દરેક લોકો માટે તે ફાયદારૂપ બને છે. આપણામાંની એકેએક વ્યક્તિએ સતત આ સિદ્ધાંતને અનુસરતા રહેવું જોઈએ. આપણા દેશને વિકાસશીલમાંથી વિકસિત રાષ્ટ્રની કક્ષાએ પહોંચાડવા આ બાબત આવશ્યક છે. દેશનો વિકાસદર માત્ર ચાર ટકા જ હતો તે સમયે આ સિદ્ધાંત ધીરુભાઈએ અમલમાં મૂક્યો. આજે જુઓ, આપણે સાતથી આઠ ટકા જેટલો વિકાસદર સાધ્યો છે. શું આ ચમત્કાર નથી? એ તો ધીરુભાઈ જેવી મક્કમ ક્ષિતિજો વિસ્તારતા રહેતા લોકોના પ્રયત્નોનું ફળ છે. જે કોઈએ પણ આવો પ્રયાસ કર્યો તેમને જે તે ક્ષેત્રમાં વિશાળ વ્યાપમાં લાભ થયો છે.
 
 
ઊંચું વિચારો
 
 
ધીરુભાઈ દેશમાં એક પછી એક ભવ્ય રજૂઆતો દ્વારા લોકોનું ધ્યાન ખેંચી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ અગાઉ ક્યારેય જોવા ન મળ્યું હોય તેટલા વિશાળ પાયે બજેટ ફાળવીને વિમલની બ્રાન્ડ નેમ તરીકે જમાવટ કરી રહ્યા હતા. ૧૯૭૭માં વિમલ માટેનું બજેટ ત્રણ કરોડ રૂપિયા હતું. તે વખતે આખા દેશના ટેક્સ્ટાઈલ ઉદ્યોગનું જાહેરખબરનું બજેટ માંડ દસ કરોડ રૂપિયા થતું હતું. કોઈ એક બ્રાન્ડ માટે રૂ. ૪૦-૫૦ લાખથી વધારેનું બજેટ તે જમાનામાં રહેતું નહોતું. ચકાચૌંધ કરી દે તેવી ટીવી એડ, દૈનિકોમાં ચમકદાર કલર એડ, મૅગેઝિનોમાં ડબલ સ્પ્રેડની એડ દેશમાં પહેલી વાર થઈ રહ્યું હતું. સાથોસાથ શોરૂમમાં ધ્યાનાકર્ષક પોસ્ટરો દ્વારા ગ્રાહકોને એક અનોખા પ્રકારનો વિઝ્યુલ અનુભવ માણવા મળતો હતો, વર્ષોનાં વર્ષો પછી પણ ધીરુભાઈના બીજા અનેક પ્રોજેક્ટની જેમ લોકોનાં મનમાં ગુંજતો રહ્યો છે. સતત અને એકધારી આવી ભપકાદાર રજૂઆતોને કારણે જ રિલાયન્સની એક બ્રાન્ડ ઈમેજ ઊભી થઈ અને આજે પણ તે તેની સાથે અકબંધ રહી શકી છે. ભવ્ય અને ભપકાદાર એ શબ્દો સાથે ધીરુભાઈ અને રિલાયન્સની ઓળખ જોડાઈ ગઈ છે એ વાત સાચી, પણ તે માત્ર પબ્લિસિટી મેળવવા માટેનો તમાશો નહોતો. સિત્તેર અને એંશીના દાયકામાં માર્કેંટિંગ અને ઍડ્વર્ટાઇઝિંગની આ ભવ્ય રજૂઆતો થઈ તેના ૫૨ જ પાયો રચાયો અને આજે રિલાયન્સની ભવ્ય ઇમારત તેના પર ખડી છે. ધીરુભાઈએ એ વાત સાબિત કરી આપી કે ઊંચા વિચારો, વિશાળતા અને ભવ્યતાનો ફાયદો થાય છે.
 
 
તમારા માણસોમાં વિશ્ર્વાસ રાખો
 
 
ધીરૂભાઈને પોતાના સાથીઓમાં ખૂબ વિશ્ર્વાસ હતો. મુદ્રા કોમ્યુનિકેશન પ્રા. લિ.ના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી એ. જી. કૃષ્ણમૂર્તિ તેમનો એક અનુભવ યાદ કરતાં કહે છે કે, ઘણી વાર એવું બન્યું છે કે ધીરુભાઈ કોઈ જવાબદારી સોંપે ત્યારે અમને તે બહુ વિશાળ લાગી હોય, પણ તેમનો જવાબ રહેતો, ના, એ કોઈ જવાબ નથી અને તેના કારણે અમને ફરીથી વિચાર કરવાની ફરજ પડતી. અમે આ કામ કરી શકવા માટે શક્તિમાન છીએ એવો તેમનો વિશ્ર્વાસ અમારામાં ફરી દૃઢ નિશ્ર્ચય લાવતો, જેના કારણે અમે એ કામ પૂરું કરી શકતા. ધીરુભાઈમાં માણસના ચારિત્ર્ય અને ક્ષમતાને પારખવાની આવડત હતી. આપણામાં આપણે ક્યારેય જોઈ ન હોય તેવી ક્ષમતા તેઓ જોઈ શકતા હતા. જોકે તેમની આ આવડત સફળતાની ફોર્મ્યુલાનું અડધું પાસું જ હતું. હકીકતમાં તેઓ પોતાના માણસો પર આધાર રાખવાની હિંમત દાખવી શકતા હતા તે જ સફળતાની ફોર્મ્યુલાનું બાકીનું મહત્ત્વનું પાસું હતું. હિંમત કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેનો જાતઅનુભવ મને મુદ્રામાં થયો, જ્યારે મેં ધીરુભાઈની નીતિ અપનાવવાનું નક્કી કર્યું. આવું તમે કરો ત્યારે તેમાં બહુ મોટું જોખમ હોય છે. દાખલા તરીકે, અમે નિર્ણય કર્યો કે વિમલના ક્રિયેટિવ કામને હજી વધુ એક લેવલ ઉપર લઈ જવું છે, ત્યારે અમે જૂની અને જાણીતી રીત અપનાવી નહીં. અમે જાહેરખબરની દુનિયાના સુપરસ્ટાર ગણાતા લોકો પર આધાર રાખ્યો નહીં. તેના બદલે અમે પ્રતિભાનો અંશ દેખાતો હોય તેવા નવા લોકોને પસંદ કરીને તેમને કંઈક નવું કરવા માટે ફ્રીડમ આપી. તમારા સૌથી મૂલ્યવાન ક્લાયન્ટના પૈસા જેની પાછળ ખર્ચવાના હોય તે કામ કોઈ નવા નિશાળિયાને આપવાનું કામ બહુ અઘરું હોય છે, પરંતુ આ નવા નિશાળિયાઓ તમારું કામ પાર પાડવામાં જે જોશ અને રસ દાખવે છે તે અપૂર્વ હોય છે. મેં આ રીતે કોઈના પર ભરોસો મૂક્યો હોય તેમાં ક્યારેય મારે પાછળથી અફસોસ કરવો પડ્યો હોય તેમ બન્યું નથી.