ભારતના વિદેશમંત્રી દર વખતે પશ્ચિમી દેશોને જડબાતોડ જવાબ આપી રહ્યા છે…

12 Oct 2022 14:23:50

S Jaishankar 
 
 
 
યૂક્રેન અને રશિયાના યુદ્ધમાં યુરોપના દેશો દરવખતે ભારતને ટાર્ગેટ કરતા રહ્યા છે અને આ ટાર્ગેટનો જડબાતોડ જવાબ આપણા વિદેશમંત્રી એસ. જયશંકર આપી રહ્યા છે. આખા યુરોપ અને અમેરિકાને એસ. જયશંકર તેમની જ ભાષામાં જવાબ આપી રહ્યા છે. તેઓ પશ્ચિમી દેશોની નીતિઓ વિરુદ્ધ સ્પષ્ટ પણે પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. ૧૦ ઓક્ટોબરના રોજ વિદેશમંત્રી જયશંકર ઓસ્ટ્રેલિયામાં હતા. અહીં યોજાયેલા ૧૩માં ફોરેન મિનિસ્ટર્સ ફ્રેમવર્ક ડાયલોગ પછી તેઓએ અહીંના સ્થાનિક મીડિયા સાથે વાત કરી હતી. જેમાં તેમણે જે જવાબો આપ્યા તે સમજવા જેવા છે...
 

રશિયાને સાથ કેમ આપો છો? જેમાં તેમણે કહ્યું…

 
“અમારી પાસે પૂરતા પ્રમાણમાં સોવિયત સંઘ સમયના અને રશિયન બનાવટના હથિયારો છે. ભારત પાસે આટલા પ્રમાણમાં સોવિયત સંઘ અને રશિયન બનાવટના હથિયાર હોવાના ઘણા કારણો પણ છે. હથિયાર પ્રણાલીની યોગ્યતા તો આપને ખબર જ છે પરંતુ પશ્ચિમના દેશોએ પણ ઘણા દાયકાઓ સુધી ભારતને હથિયારો આપ્યા નથી. આ દેશોએ અમારા પાડોશી દેશ (પાકિસ્તાન) ને વધારે મહત્વ આપ્યું. અને આજે આ દેશો અમને કહી રહ્યા છે કે રશિયાથી હથિયાર ખરીદવાનું બંધ કરો, જે હંમેશાં ભારત સાથે ઉભું રહ્યું છે......”
 
 

… તમારે આ વિશે પણ વિચારવું જોઇએ…

 
“જો તમે રશિયા પાસેથી ઊર્જા ખરીદવાની વાત કરી રહ્યા છો તો હું તમને કહીશ કે તમારે યુરોપ પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. અમે (રશિયા પાસેથી) ખૂબ ઓછી ઊર્જા ખરીદીએ છીએ જે અમારી સુરક્ષા માટે જરૂરી છે. પરંતું આંકડાઓ તપાસો તો કદાચ ખબર પડે કે અમે જેટલી ઊર્જા ખરીદીએ છીએ એટલી તો યુરોપની એક સાંજમાં વપરાઈ જાય છે. તમારે આ વિશે પણ વિચારવું જોઇએ.”
 
 

…યુરોપને એ માનસિકતા બદલવી પડશે કે તેની સમસ્યા આખી દુનિયાની સમસ્યા છે…

 
“ચીન સાથે ભારતના સંબંધ ખૂબ જટિલ છે. તેને તોગ્ય દિશા આપવા માટે અમે સક્ષમ છીએ. યુરોપને એ માનસિકતા બદલવી પડશે કે તેની સમસ્યા આખી દુનિયાની સમસ્યા છે પરંતુ દુનિયાની સમસ્યા યુરોપની સમસ્યા નથી. આનો અર્થ એ થાય છે કે તેની સમસ્યાને આખી દુનિયા જુવે અને આપણી સમસ્યાને માત્ર આપણે જ જોવાની. આ રીતે દુનિયા નહી ચાલે. ચીન સાથે અમારા અનેક મતભેદ છે પણ આ સમસ્યાઓને યુક્રેન અને રશિયાના યુદ્ધ સાથે કોઇ લેવા-દેવા નથી. સામૂહિક રીતે જોઇએ તો યુરોપ આ પહેલા અનેક મુદ્દાઓ પર ચૂપ રહ્યું છે. તમે પ્રશ્ન કરી શકો કે એશિયા યુરોપ પર ભરોશો કેમ કરે?”
Powered By Sangraha 9.0