જ્યારે દેશદ્રોહને જનક્રાંતિ નામ આપવામાં આવ્યું!

સ્વાધીનતા પછીના વામપંથીઓના પ્રથમ ભારતવ્યાપી ગુપ્ત ષડયંત્રનો પર્દાફાશ કરતું આ પ્રકરણ શિક્ષણના નવા પાઠ્યક્રમમાં અવશ્ય ઉમેરવામાં આવે તો, ભાવિ પેઢીને (ગમ્મત સાથે..) જ્ઞાન સહજતાએ થાય!

    03-Oct-2022   
કુલ દૃશ્યો |

communist agenda in india raj thapar
 
 
 

દંભી વામપંથીઓનો ખૂલ્લો રાષ્ટ્રદ્રોહ

 
 
વિચિત્રતા તો જૂઓ.. કમ્યુનિસ્ટોના ‘પૉલિટબ્યૂરો’વાળા ટોચના આકાઓથી લઈને, છેલ્લા અનુયાયી સુધીની બધી જ કેડરનો આખોય ગાડરિયો પ્રવાહ મજહબને અફીણ કહેતો ફરે, નારા લગાવે, છતાં વ્યવહાર સંપૂર્ણપણે મજહબપરસ્ત! (ઈસ્લામપરસ્ત!) વાહ રે વામપંથ!
 
પણ ભારતની સામે, આ મજહબને અફીણ કહેવાની ગુલબાંગો પોકારનાર કમ્યુનિસ્ટોને બાપે માર્યું કયું વેર હતું/છે(?) કે, કમ્યુનિસ્ટ પાર્ટીએ છેક સન ૧૯૪૩માં મુસ્લિમ લીગની મજહબી (ઈસ્લામિક) ‘પાકિસ્તાન’ ઉભું કરવાની કટ્ટર માંગણીનું જબરજસ્ત સૈદ્ધાંતિક અને અતિ સક્રિય સમર્થન કરેલું?
 
આ વામપંથીઓ વિશ્ર્વ આખા સામે એવી તો સૂફિયાણી વાતો માંડીને બેઠા છે કે, ‘મજહબનો સંપૂર્ણ વિરોધ’ - એ આ કમ્યુનિઝ્મના હવાઈ મિનારાઓનો પાયાગત સિદ્ધાંત છે. તેમનો આ Face - ચહેરો (વાસ્તવમાં કહીએ તો ‘મ્હોરું’) એ વામપંથની મૂડી છે જેને સાચવવા મોટું મસ પ્રચાર તંત્ર સદૈવ તત્પર હોય છે. (જે સતત તેમનાં ક્રાંતિનાં ગીતોમાં ગવાતું, સેમિનારોમાં ઉચ્ચારાતું અને સાહિત્યમાં પ્રદર્શિત થતું હોય છે.) સાદી ભાષામાં આ તેમની ‘કથની’ છે.
 
પણ આ ‘કથની’ સાથે તેમની ’કરણી’ને કંઈ જ લેવા-દેવા નથી, કારણ કે આ ‘કરણી’વાળો બીજો Face - ચહેરો (મ્હોરું), પ્રથમ Face (મ્હોરા)થી તદ્દન ૧૮૦ ડીગ્રીએ વિપરીત છે, સંપૂર્ણ વિરુદ્ધ! આ બીજો ખતરનાક Face (ચહેરો) એટલે.. ભારત વિરુદ્ધની તેમની પ્રત્યેક ગતિવિધિ માટે જેહાદીઓને ઉકસાવતી તેમની ઈસ્લામપરસ્તીનો Face (ચહેરો).
 
તાજેતરમાં જ કમ્યુનિસ્ટોનું બેવડાં Face (મ્હોરાં)વાળો આ છળયુક્ત દંભ હાર્ડકોર કમ્યુનિસ્ટ, ‘પૉલિટબ્યૂરો’નાં શક્તિશાળી સદસ્યા અને હાડોહાડ વામપંથી ‘કવિતા કૃષ્ણન્’ને એટલો તો અસહ્ય થઈ પડ્યો કે, તેઓએ જાહેરમાં તેનો નકાબ ચિરી નાંખ્યો. આ અનપેક્ષિત પર્દાફાશથી વામપંથી નેતૃત્વ ધૂઆ-પૂઆ થઈ ગયું. અને કમ્યુનિસ્ટ પાર્ટીએ તેમની પૂર્ણત: હકાલપટ્ટી અતિ તાત્કાલિકપણે કરી દીધી. તેમાં પણ ગંભીર બાબત તો એ છે કે, આ સમાચાર બધે ફેલાઈ ન જાય તેના માટે જે કરવું પડે તે કરવામાં કમ્યુનિસ્ટો સફળ રહ્યા. વામપંથીય ગૂંગળામણ અનુભવતાં તાજેતરનાં કવિતા કૃષ્ણન્જે વાં જ મુક્ત ચિત્તે પોતાને લાગે તેવું વ્યક્ત કરનાર એક મહિલા કમ્યુનિસ્ટ નજીકના ભૂતકાળમાં પણ થઈ ગયાં.. શ્રીમતી રાજ થાપર.
 

communist agenda in india raj thapar 
 
‘કવિતા કૃષ્ણન્’ના જેવો વિરોધનો સ્વર કમ્યુનિસ્ટ પાર્ટીમાં આ કોઈ પહેલી વાર નથી ઉઠી રહ્યો. તેમની કથની-કરણીનાં આ સદંતર જૂદાં (પરસ્પર વિરોધી) દંભી ધોરણ અપનાવવાની કુટિલ ચાલ, સ્વાધીનતા પૂર્વેથી અમલમાં છે. બસ, આ જ ચાલે ચાલીને તેઓએ તેમનામાં જેટલી તાકાત હતી તે તમામ તાકાત લગાવીને ઈસ્લામનો ઝંડો પાકિસ્તાનના નામે લહેરાતો કરવા માટે ‘ભારત-વિભાજન’નું સમર્થન કરેલું. તદ્કાલીન કમ્યુનિસ્ટ મહિલા કોમરેડ શ્રીમતી રાજ થાપર પણ આવું બેવડું ધોરણ બરદાસ્ત નહીં કરી શકેલાં. તેમણે ‘વામપંથી દંભ’ની પોતાની આ વ્યથા પોતાની ડાયરીમાં અંકિત કરેલી. ડાયરીની આ વાતો અંતરંગ છે એટલે જીવંતતાની અનુભૂતિ થવી સહજ સ્વાભાવિક છે. કમ્યુનિસ્ટ દુનિયાના ખટ્ટા - મીઠા - કડવા તમામ અનુભવોનું સંકલિત બયાન એટલે.. ‘ઑલ ધીઝ ઈયર્સ’ નામનું પુસ્તક.
 
પાકિસ્તાન અંગેની તેઓની દુ:ખ અને આશ્ર્ચર્ય મિશ્રિત લાગણીઓ ‘ઑલ ધીઝ ઈયર્સ’માં વ્યક્ત થયેલી છે. તેઓએ કહ્યું છે કે, ..હું આજ સુધી એ સમજી શકી નથી કે, પાકિસ્તાનના વિચારને સમર્થન આપવા પાછળ શું હતું? કયા નિહિત સ્વાર્થે પક્ષને જકડી લીધો હતો કે, તેણે પોતાના કાર્યકર્તાઓ, પોતાની ઊર્જાને તેના સમર્થનમાં બરબાદ કરી દીધાં, આ સ્પષ્ટત: આપણા રાજનૈતિક જીવનની સૌથી પ્રતિક્રિયાવાદી પ્રવૃત્તિ છે..
 
અંતે.. જ્યારે આપણું અખંડ ભારત, ઈસ્લામના આધારે ખંડિત થઈને જ રહ્યું, તે વખતે ફાટી નીકળેલાં હુલ્લડોથી દેશ આખો ભડકે બળી રહ્યો હતો. આ સમયગાળામાં તે વખતના કમ્યુનિસ્ટ શિર્ષસ્થ નેતા શ્રીપાદ અમૃત ડાંગે; શ્રીમતી રાજ થાપરના ઘરે આવેલા, ત્યારે શ્રીમતી રાજ થાપરે; શ્રીપાદ અમૃત ડાંગેની પ્રતિક્રિયા જાણી ત્યારે પોતાના વામપંથી નેતૃત્વના સમાજદ્રોહ અને તે પરત્વે તેમનો ભય મિશ્રિત ચિત્કાર ઑલ ધીઝ ઈયર્સમાં દર્જ છે. તેઓ વિભાજનની વિભીષિકા વર્ણવતાં શ્રીપાદ અમૃત ડાંગેને ભગ્ન હૃદયે જણાવે છે કે, હજારો હજારો લોકોનાં જીવન અને સંસાર નષ્ટ થઈ રહ્યાં છે, એટલું જ નહીં બદલાની અને વિકૃતિની આગમાં તબાહ પણ થઈ રહ્યાં છે, ત્યારે શ્રીપાદ ડાંગેએ કહ્યું કે, ચતા ના કરો, રાજ, આપણા લોકોને ખૂનનો સ્વાદ લેવા દો, તેમને શીખવા દો કે, ખૂન કેવી રીતે વહેવડાવી શકાય છે, આનાથી ક્રાંતિ નજીક આવશે. આ સાંભળીને શ્રીમતી રાજે લખ્યું છે કે, ત્યારે તો હું કાંપી ઉઠી હતી, આજે તેના વિશે વિચારતાં; એનાથી પણ વધુ કાંપી જાઉં છું.
 
જૂઓ.. પડદા પાછળ રહીને જેહાદીઓને હિંસક ઘટનાઓ માટે પ્રોત્સાહિત કરીને લોહીની નદીઓ વહેવડાવવા માટેની સાજિશ રચીને કોમી તોફાનો ફેલાવતા, ભારતીય વામપંથના આ શિર્ષ નેતૃત્વની પાશવી માનસિકતાનું નગ્ન સ્વરૂપ !
આ વિભાજન પછીના.. સિલસિલાબંધ કાળાં કરતૂતોના અંજામરૂપે સર્જાયેલા શ્રેણીબદ્ધ હત્યાકાંડો વખતની દસ લાખ લોકોની લોહીથી લથબથ લાશો, આ વામપંથીઓને જોઈતી હતી તેવી ક્રાંતિ માટે ઓછી પડી?!
 
હા, શ્રીમતી રાજ થાપર કોઈ સામાન્ય વામપંથી નહોતાં. તેઓશ્રી અને તેમના પતિ શ્રીમાન રોમેશ થાપરની જોડી કમ્યુનિસ્ટ જગતમાં એ સમયે પ્રગલ્ભ બૌદ્ધિકતાસંપન્ન જોડી ગણાતી. કમ્યુનિસ્ટ રાજનીતિમાં વર્ષોનાં વર્ષ ટોચ સ્તરે મૌલિક ચતક તરીકે આ બેઉએ ‘સેમિનાર’ નામની પત્રિકા ચલાવી, જેને તેઓ પોતાનું ત્રીજું સંતાન માનતાં હતાં. કમનસીબે શ્રીમતી રાજ થાપર કેન્સરનો ભોગ બન્યાં. ઉપરોક્ત પુસ્તકમાંના ટાંકેલ અવતરણવાળા તેઓના વિચારો જાણીને, ક્રૂર રાક્ષસ હિરણ્યકશિપુને ત્યાં અવતરેલા પરમ ભક્ત પ્રહલાદનું સ્મરણ થઈ આવે. બસ અફસોસના બે શબ્દો સહજ સરી પડે કે, હે પ્રભુ, કેટલું સારું થાત, જો તેઓને દિર્ઘ આયુષ્ય આપ્યું હોત તો! તેઓ આવા કમ્યુનિસ્ટોના નર્યા દંભથી ખદબદતા કટ્ટર કોચલાને તોડીને પોતાને લાધતા સત્યને છડેચોક ઉજાગર કરવા સમર્થ હતાં.
 
આપણે સ્વાધીન નહોતા ત્યારે અંગ્રેજોની સત્તા સામે આપણા મહાપુરુષો-ક્રાંતિવીરોએ જે જે સંગ્રામો છેડ્યા તેને વામપંથી ઈતિહાસકારોએ બળવા કહ્યા, વિદ્રોહ કહ્યા. આવા સર્વસ્વ સમર્પણના સંગ્રામોને, બળવા-વિદ્રોહ કહીને તેમને નિમ્ન કક્ષાના ચિત્રિત કરવા એ તેમનું વામપંથી કરતૂત હતું, વાસ્તવમાં આ તેમની નિમ્ન કક્ષાની માનસિકતા હતી. પરંતુ હદ તો ત્યારે થઈ જ્યારે સ્વાધીન ભારતમાં તેમણે આચરેલા દેશદ્રોહને તેઓએ નામ આપેલું ઃ ‘જનક્રાંતિ’! ઘટના એવી છે કે, આપણી સ્વાધીનતાને માંડ હજુ બે વર્ષ પૂરાં નહોતાં થયાં ત્યારે, કમ્યુનિસ્ટ પાર્ટીએ બી. ટી. રણદિવેના નેતૃત્વમાં રાષ્ટ્રના પીઠમાં ખંજર ભોંકીને સાવ હલકટ કક્ષાની ગદ્દારી આચરેલી. દિનાંક ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૯ના રોજ લોકતાંત્રિક ભારતની સત્તા ગુંડાગર્દી આચરીને હથીયાવી લેવાની ભારતવ્યાપી અધમ ચાલને અંજામ આપવામાં આવ્યો. આ માટે અગાઉથી આ દિવસે હડતાળ જાહેર કરવામાં આવેલી. તમામ પ્રયત્નો છતાં સદ્સંયોગોએ તેમની આ મેલી મુરાદ બર ન આવી શકી તે તો ઠીક પણ તેઓ સાવ ખુલ્લા તો પડી ગયા, એટલું જ નહીં સાવ બાળક બુદ્ધિના પણ સાબિત થયા.
 
એક બાજુ શ્રીમતી રાજ થાપર જેવું પ્રજ્ઞાવાન નેતૃત્વ હતું, તો તેનાથી સાવ ઊલટું ‘મોટાભાગ’નું નેતૃત્વ ગાડરિયા પ્રવાહનું હતું. આમ આ નેતૃત્વમાં પણ બે પ્રકારનાં મ્હોરાં હતાં. આ ‘મોટાભાગ’વાળા નેતૃત્વને સત્તા માત્ર દેખાતી હતી. તેમની આ સત્તાની તડપનનું જો વર્ણન સાંભળીએ તો શેખચલ્લી પોતે પણ શરમાઈ જાય. કમ્યુનિસ્ટ પાર્ટીની આ ગદ્દાર માનસિકતાવાળી સત્તાપલટા માટેની કેન્દ્રીય યોજના, બી.ટી. રણદિવેના નેતૃત્વમાં ઘડી કાઢવામાં આવેલી. સન ૧૯૧૭ના ઓક્ટોબરમાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં કમ્યુનિસ્ટોએ જે રીતે સત્તા હડપી લીધી તેને ‘બોલ્શેવિક ક્રાંતિ’ એવું નામ આપવામાં આવેલું છે. બસ આ બોલ્શેવિક કથિત ક્રાંતિની હૂબહૂ નકલ કરીને ભારતની સત્તા પણ ચપટી વગાડતાં વેંતમાં જ હડપી લઈ શકાય તેવું, ખરા ભર બપોરનું સ્વપ્ન, શેખચલ્લીઓમાંય શેખચલ્લી એવા રણદિવેને આવેલું. આ સ્વપ્ન (કારસ્તાન)ને ‘જનતાના સ્વપ્ન’ તરીકે ખપાવવામાં આવ્યું. શોષણ કરવાવાળાઓથી મુક્ત થનાર ભારત દેશના શ્રમિકો વતી ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૯થી કમ્યુનિસ્ટ પાર્ટી શાસનનાં સૂત્રો સંભાળી લેશે. આવા મહાન ઉદ્દેશ્યવાળી (!) જનક્રાંતિને કેવી રીતે સફળ બનાવાય, તે માટે ભારતભરમાં કઈ કઈ જગ્યાએ? કોણે કોણે? કયાં કયાં કામ? કરવાનાં રહેશે તે અંગેનું વિગતવાર અત્યંત ગુપ્ત કાર્ય-વિભાજન કરવામાં આવેલું. આ યોજના અંતર્ગત શ્રીમતી રાજ થાપરના પતિ શ્રી રોમેશ થાપરને પણ મુંબઈમાં રહીને એક કાર્ય કરવાનું હતું.
 
શ્રી રોમેશ થાપરે પણ ક્રાંતિના દિવસે વહેલી સવારે ઊઠીને પોતાના ઘરની સામે આવેલા હેંગગ ગાર્ડનમાં સૌથી.. સૌથી.. ઉપરની જગ્યાએ ચઢીને બેસી જવાનું હતું અને હાર્બરને પેલે પારની દૂરની કપડાંની મિલની ચિમની સામે મીટ માંડેલી રાખવાની હતી. પાર્ટીના નેતાઓએ આપેલો ગુપ્ત સંકેત કે, જેવા આ ચિમનીમાંથી ધૂમાડાના ગોટા નિકળવાના બંધ થાય તેની સાથે જ તેમણે હેંગગ ગાર્ડનથી કૂદીને પોતાની ગાડીમાં બેસી જવાનું અને મરીન ડ્રાઈવ પાર કરીને તુર્ત જ ‘ઑલ ઈંડિયા રેડિયો’એ પહોંચીને રેડિયો સ્ટેશન ઉપર કબજો કરી લેવાનો. વગેરે.. વગેરે.. આવા બાળકોની બેંક લૂંટવાની બાલિશ રમતો જેવા દેશવ્યાપી ખેલ ખતમ થયા. આ ‘ગ્રેટ ફ્લોપ એડવેન્ચર’ના ગાંડપણથી વામપંથી પ્રભાવવાળા વિસ્તારોમાં સર્વસામાન્ય સમાજને જે વેઠવું પડ્યું તેની તો કલ્પના જ કરવી રહી, કારણ કે એ વખતે સોશિયલ મીડિયા તો હતું નહીં, જે કંઈ પ્રિન્ટ મીડિયા હતું તેના ઉપર તો બહુધા કમ્યુનિસ્ટોનું નિયંત્રણ હતું. તેથી આ મહાનતમ(!) જનક્રાંતિની નાની સરખી માહિતી તમે ગમે તેટલા ખાંખાખોળા કરો તોય આજે નહીં મળે. આ સશસ્ત્ર જનક્રાંતિના એક જનનાયકે જે જવાબદારી અદા કરવાની હતી તેનું રોચક અને મનોરંજક વર્ણન ‘ઑલ ધીઝ ઈયર્સ’ના માધ્યમથી જાણ્યા પછી આપણે વામપંથના દંભ, દ્રોહ અને દાનવતાની નિમ્નતાને તો પામી શક્યા સાથે સાથે તેના નેતૃત્વની બાલિશતાને પણ !
 
પણ આજે તો હજારો હજારો વર્ષોથી સમાજને ચૈતન્ય આપી રહેલી અનેક સંસ્થા-વ્યવસ્થાઓને તથા તેના સંસ્કારોને લુપ્ત કરવા માટે મુઠ્ઠીભર વામપંથીની રમત ભલે બાલિશ હોય તો પણ તે સતત સંભ્રમ સ્થિતિનું નિર્માણ કરીને સફળ થઈ શકે, જો આપણી લગ્ન, કુટુંબ, મંદિર જેવી સંસ્થા - વ્યવસ્થાઓના અને તેની સંસ્કારક્ષમતા પ્રત્યે આપણે બેધ્યાન રહીશું.
 
- ભાનુ ચૌહાણ 
(ક્રમશઃ)
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.