જ્યારે કૉંગ્રેસનાં કૌભાંડોથી અને ગેરવહીવટથી દેશ ત્રસ્ત હતો ત્યારે સ્વામી રામદેવે આંદોલન શરૂ કર્યું હતું. ભારત સ્વાભિમાન મંચના નેજા હેઠળ દેશભરમાં યોગ શિબિર કરી તેઓ દેશમાં ચેતના જગાવી રહ્યા હતા. આવા સમયે ભારત વિશ્ર્વ કપ જીત્યું તેના થોડા જ દિવસોમાં અન્ના હઝારેએ ભ્રષ્ટાચાર સામે આંદોલન કરવા જાહેરાત કરી.
અત્યારે મૂલ્યાંકન કરીએ તો એવું લાગે છે કે આ એવી જ સ્થિતિ હતી જ્યારે ક્રાંતિકારીઓ આંદોલન કરી રહ્યા હતા ત્યારે કૉંગ્રેસમાં ગાંધીજીનો પ્રવેશ થયો. અન્ના હઝારેના આંદોલનથી રામદેવનું આંદોલન દબાઈ ગયું. પણ સ્વામી રામદેવ ચતુર હતા. તેઓ પણ આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં જોડાઈ ગયા, કારણ કે હેતુ તો આખરે એક જ જણાતો હતો.
અન્નાના એ આંદોલનનો અંત લોકપાલ વિધેયકથી આવે તે પહેલાં આ આંદોલનમાં અરવિંદ કેજરીવાલે પક્ષ રચવા જાહેરાત કરી દીધી. પક્ષનું નામ રાખ્યું આમ આદમી પક્ષ. ગાંધીજીની જેમ અન્નાએ પોતે તેનાથી વેગળા છે તેમ કહી પોતાના ગામ રાલેગાંવ સદી ચાલ્યા ગયા. કેજરીવાલ સાથે જમણેરી વિચારના કુમાર વિશ્ર્વાસ અને નક્સલી જેવા વિચારના પ્રશાંત ભૂષણ જોડાયા. આ ઉપરાંત આંદોલનજીવી યોગેન્દ્ર યાદવ પણ જોડાયા. ગુજરાતમાં નર્મદા પર સરદાર ડેમની યોજના અટકાવવા આકાશ-પાતાળ એક કરનાર મેધા પાટકર પણ જોડાયાં.
પરંતુ પહેલી ચૂંટણીથી જ અરવિંદ કેજરીવાલનો અસલી ચહેરો છતો થયો. ચૂંટણી પહેલાં પોતાનાં બાળકોના સોગંદ ખાઈને પોતે કોઈ પક્ષનો ટેકો નહીં લે તેમ કહેનાર અરવિંદ કેજરીવાલે ૨૦૧૩ની દિલ્લી વિધાનસભાની ચૂંટણી પછી ૭૦ પૈકી ૨૮ બેઠક મેળવી. સૌથી મોટા પક્ષ ભારતીય જનતા પક્ષે ૩૧ બેઠક મેળવી હતી, પરંતુ તેણે બહુમતી ન હોવાથી સરકારની દાવેદારી ન કરી. આવામાં જેની વિરુદ્ધ અરવિંદ કેજરીવાલ પ્રચાર કરીને સત્તામાં આવ્યા હતા તે કૉંગ્રેસે સામે ચાલીને કેજરીવાલને ટેકો આપી દીધો અને કેજરીવાલે લઈ પણ લીધો. એ વાત માનવામાં આવે છે કે ગુજરાત ચૂંટણીમાં આઆપ ભાજપની બી ટીમ છે? સત્તાનો સ્વાદ પહેલો કોણે ચખાડ્યો ? કૉંગ્રેસે. એ વખતે ચૂંટણીપ્રચારમાં કેજરીવાલ છાતી ઠોકીને કહેતા હતા કે, તેઓ સત્તામાં આવશે તેના દસ જ દિવસમાં શીલા દીક્ષિત (તત્કાલીન મુખ્ય પ્રધાન) જેલમાં હશે. તેમની પાસે ૩૦૦ પાનાંના પુરાવા છે.
ચૂંટણી પછી શીલા દીક્ષિત ૨૦ જુલાઈ, ૨૦૧૯ સુધી જીવ્યાં. તેમની વિરુદ્ધ તપાસ પંચ નીમવાની કાર્યવાહી કરવાની પણ અરવિંદ કેજરીવાલે તસ્દી ન લીધી.
આ છે અરવિંદ કેજરીવાલનું રાજકારણ.
કેજરીવાલનો કૉંગ્રેસવિરોધ માત્ર ૨૦૧૩ ચૂંટણી પૂરતો જ સીમિત હતો. તે પછી તેમણે કૉંગ્રેસનું સમર્થન લીધું એટલું જ નહીં, ૨૦૧૩માં શીલા દીક્ષિતને હરાવનાર કેજરીવાલે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં અમેઠીમાં રાહુલ ગાંધીને અને રાયબરેલીમાં સોનિયા ગાંધીને હરાવવા ઉમેદવાર નહોતા ઊભા રાખ્યા પણ કુમાર વિશ્ર્વાસે સામે ચાલીને પોતે અમેઠીમાં ચૂંટી લડશે તેમ જાહેરાત કરી અને ચૂંટણી લડી હતી. પરંતુ તે પછી આજ સુધી તેઓ લોકપાલને તો ભૂલી જ ગયા છે. એટલું જ નહીં, પક્ષની અંદર આંતરિક લોકપાલ તરીકે ઍડ્મિરલ રામદાસ હતા તેમને પક્ષમાંથી નીકળી જવું પડે તેવી સ્થિતિ નિર્માણ કરી.
કેજરીવાલના વચનો પોકળ સાબિત થયા
કેજરીવાલ સાથે રહેલા પ્રશાંત ભૂષણે કાશ્મીરમાં અને નક્સલી વિસ્તારોમાં જનમત સંગ્રહ કરાવવાની વાત કરી પાકિસ્તાનની ભાષા બોલી હતી. મેધા પાટકરને તેમણે ૨૦૧૪માં મુંબઈ ઈશાન (ઉત્તર-પૂર્વ) બેઠક પરથી લોકસભાની ટિકિટ આપી હતી. અત્યારે ગુજરાતીમાં બોલી ગુજરાત પ્રત્યે મત માગવા પ્રેમ દર્શાવતા કેજરીવાલનો ગુજરાત પ્રેમ તે વખતે ક્યાં ગયો હતો?
પંજાબમાં જે વચનોના આધારે તે સત્તામાં આવ્યા તે પોકળ સાબિત થવા લાગ્યાં. ચૂંટણી પછી તરત જ મુખ્ય પ્રધાન ભગવંત માને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી ૫૦,૦૦૦ કરોડનું આર્થિક પેકેજ માગ્યું. પંજાબમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા સરકાર પાસે પૈસા નહોતા. દિલ્લીમાં પણ કોરોનાકાળમાં સરકારી કર્મચારીઓને પગાર ચૂકવવા પૈસા નહોતા તો કેન્દ્ર સરકાર પાસે મનીષ સિસોદિયાએ યાચના કરી હતી. પરંતુ હા, ગુજરાતમાં ચૂંટણી હોવાથી કોરોનાકાળ વખતથી અરવિંદ કેજરીવાલની અને તે પછી પંજાબમાં ભગવંત માનની જાહેરાતો ગુજરાતના મિડિયાને ઢગલાબંધ મળી. આ જ રીતે સૉશિયલ મિડિયા પર પ્રચાર કરવા માટે પણ આઆપે ઢગલાબંધ નાણાં ખર્ચ્યાં છે.
નિષ્ફળ શિક્ષણ મૉડલ
આપના બે સૌથી મોટા મુદ્દા છે- શિક્ષણ અને આરોગ્ય. અને દાવા મોટા-મોટા કરે છે. માત્ર સેક્યુલર મિડિયા જ નહીં, આંતરરાષ્ટ્રીય ભારતવિરોધી મિડિયા પણ તેના સમર્થનમાં આવી જાય છે. ન્યૂ યૉર્ક ટાઇમ્સે આઆપની જાહેરાત હોય તે મુજબ પહેલા પાને તેના શિક્ષણ મૉડલનાં વખાણ કરતા સમાચાર છાપ્યા હતા. પરંતુ વાસ્તવિકતા શું છે?
આપે ૫૦૦ નવી શાળાઓ બાંધવાની વાત કરી હતી પરંતુ જ્યારે તેને પૂછવામાં આવે ત્યારે તે શાળાના બદલે નવા વર્ગખંડની વાત કરે છે અને ભાજપનો આક્ષેપ છે કે, આપ સરકાર શૌચાલયને પણ વર્ગખંડમાં ગણે છે. આ માત્ર ભાજપનો આક્ષેપ નથી. તેને શાળાના પ્રાચાર્યો (પ્રિન્સિપાલ)નું પણ સમર્થન છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ના અહેવાલ મુજબ, શાળાના પ્રાચાર્યો કહે છે કે, શાળામાં નવા બંધાયેલા શૌચાલયને પણ વર્ગખંડની અંદર ગણી લેવાયા છે. પ્રયોગશાળાને બે નવા વર્ગખંડ બરાબર ગણવામાં આવી. તો એક બહુહેતુક ખંડને દસ વર્ગખંડ તરીકે ગણવામાં આવ્યો.
વર્ષ ૨૦૧૪માં દિલ્લીની વિધાનસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પક્ષે વચન આપેલું કે, દિલ્લીમાં ૨૦ નવી સરકારી કૉલેજો શરૂ કરાશે. આઠ વર્ષ બાદ શું સ્થિતિ છે? ગુજરાતના દ્વારકાના સુજિત પટેલે મેળવેલા આર.ટી.આઈ. ઉત્તર મુજબ, ૨૦ કૉલેજની સામે સાત વર્ષમાં એક પણ નવી કૉલેજ ખૂલી નથી. આ માહિતી કદાચ ખૂબ ઓછા લોકો પાસે હશે !
કાશ્મીર ફાઇલ્સ પર અટ્ટહાસ્ય, કાશ્મીરી પંડિત શિક્ષકોને અન્યાય
કાશ્મીર ફાઇલ્સ અને કાશ્મીર મુદ્દે દેશવાસીઓની ભાવનાની વિધાનસભા જેવી પવિત્ર જગ્યાએ અટ્ટહાસ્ય સાથે મજાક ઉડાવનાર કેજરીવાલ સરકારે દિલ્લીમાં વસતા કાશ્મીરી આશ્રિત શિક્ષકોને પણ નિયમિત કરવામાં ઠાગાઠૈયા કર્યા હતા. વર્ષ ૨૦૧૦માં કાશ્મીરી આશ્રિતોએ દિલ્લી ઉચ્ચ ન્યાયાલયોને પોતાને નિયમિત કરવામાં આવે તેવી યાચિકા કરી હતી. વર્ષ ૨૦૧૫માં દિલ્લી ઉચ્ચ ન્યાયાલયે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો. પરંતુ દિલ્લીની કેજરીવાલ સરકારે તેના વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયની બે ન્યાયાધીશોની બૅન્ચ સમક્ષ યાચિકા કરી. તેણે પણ આ પ્રકારે જ ચુકાદો આપ્યો હતો. આ પછી પણ કાશ્મીરી આશ્રિતો પ્રત્યેનો કેજરીવાલ સરકારનો દ્વેષ સમાપ્ત ન થયો તો સર્વોચ્ચમાં અપીલ કરી. સર્વોચ્ચએ પણ દિલ્લી ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો માન્ય રાખ્યો. આથી નાછૂટકે જાન્યુઆરી ૨૦૧૯માં કેજરીવાલ સરકારને આ શિક્ષકોને નિયમિત કરવા પડ્યા.
દિલ્લીનું આરોગ્ય તંત્ર પણ માંદું
ગુજરાતના સુજિત પટેલ જે ટ્વિટર પર સુજિત હિન્દુસ્તાની તરીકે સક્રિય છે તેમણે અનેક આરટીઆઈ દ્વારા કેજરીવાલના દિલ્લી મૉડલને ઉઘાડું પાડ્યું છે. તેની આરટીઆઈ મુજબ, ૨૦૧૪-૨૦૨૨ જેમાં બે વાર કેજરીવાલ સરકાર ચૂંટાઈ તેમાં એક પણ દર્દીને લઈ જવા માટે નવી એમ્બ્યુલન્સ નથી ખરીદાઈ. જે હતી તે નવ વેચી દઈ એક દીઠ રૂ. ૨૩,૫૬૯ ઉપજાવાયા છે. આ જ રીતે જીવન બચાવી રાખતી (લાઇફ સપૉર્ટ) એમ્બ્યુલન્સ દસ ખરીદી પણ સામા પક્ષે વીસ વેચી દઈ પ્રત્યેક દીઠ રૂ. ૭૫,૨૪૬ ઉપજાવી લેવાયા.
મોહલ્લા ક્લિનિકમાંથી અમુક બંધ છે. અમુક ચાલુ છે. અને ભાજપ નહીં, પરંતુ કૉંગ્રેસના અજય માકેનના આક્ષેપ પ્રમાણે, આ મોહલ્લા ક્લિનિકમાંથી ઘણા તો આઆપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓની સંપત્તિ પર ઊભાં કરી દેવાયાં છે જેથી તેમને તેનાં ઊંચાં ભાડાં મળતાં રહે. આમ, કમાણી આઆપના કાર્યકર્તાઓની થઈ રહી છે.
આઆપે ગુજરાતમાં બાંયધરી આપી છે કે, ગુજરાતમાં ઠેર-ઠેર મોહલ્લા ક્લિનિક ખોલાશે. પણ દિલ્લીમાં શું સ્થિતિ છે? દિલ્લીમાં ૧,૦૦૦ મોહલ્લા ક્લિનિક ખોલવાનું લક્ષ્ય રાખનાર કેજરીવાલ સરકાર માંડ ૫૨૨ મોહલ્લા ક્લિનિક ચલાવે છે. એક તરફ, કટ્ટર મુસ્લિમોની તરફેણ કરનાર કેજરીવાલ સરકારના શાસનમાં શાહીનબાગમાં ક્લિનિક બંધ થઈ જાય છે. અર્થાત્ તેને મુસ્લિમોના આરોગ્ય અને શિક્ષણની પરવા નથી, તેમને તો તેમણે કટ્ટર બનાવી રાખવા છે. આનું પરિણામ દિલ્લી રમખાણોમાં સમગ્ર વિશ્ર્વએ જોયું હતું.
આપ હિન્દુવિરોધી, દેશ માટે ઘાતક ?
આપ હિન્દુ વિરોધી છે તેમાં હવે કોઈ શંકા નથી. ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના મંદિર, કથાવિરોધી અનેક જૂના વિડિયો છે. જોકે હવે ચૂંટણી છે એટલે તેઓ કેજરીવાલના આદેશથી મંદિરે-મંદિરે જઈ રહ્યા છે. તાજેતરમાં જ આઆપ સરકારના સામાજિક કલ્યાણ, અનુસૂચિત જાતિ અને જનજાતિ પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમે દિલ્લીમાં દલિતોને બૌદ્ધ બનાવવાના કાર્યક્રમમાં હું રામ, કૃષ્ણ, મહેશને નહીં માનું જેવી સનાતન વિરોધી પ્રતિજ્ઞા લેવડાવી હતી. તે પછી તેમનો ત્યાગપત્ર લઈ લેવાયો હતો. જોકે દિલ્લીમાં મહાનગરપાલિકા ચૂંટણીમાં રાજેન્દ્ર પાલ ગૌતમને સ્ટાર પ્રચારક બનાવાયા છે. એક તરફ, કેજરીવાલ કટ્ટર મુસ્લિમોનું તુષ્ટીકરણ કરે છે, બીજી બાજુ બૌદ્ધ પંથાંતરણને પ્રોત્સાહન આપે છે, ત્રીજી બાજુ ગુજરાતમાં ૨૫ ડિસેમ્બરે સમાચારપત્રોના પહેલા પાને ક્રિસમસની શુભેચ્છા આપતી જાહેરાત આપે છે. માત્ર ચૂંટણી આવે ત્યારે તેઓ રાહુલ ગાંધી, મમતા બેનર્જી, અખિલેશ યાદવની જેમ હિન્દુવાદી બની જાય છે અને હનુમાનચાલીસા ગાવા લાગે છે.
અરવિંદ કેજરીવાલે અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે
શ્રી રામમંદિરનો વિરોધ કરતાં કહ્યું હતું કે, તેમની નાનીએ કહ્યું છે કે, મસ્જિદ પાડીને મંદિર બનાવાય તો તેમાં મારો રામ વસી ન શકે. ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ પણ અયોધ્યામાં મંદિરની જગ્યાએ હૉસ્પિટલ બનાવવા વાત કરી હતી, પરંતુ શ્રી રામજન્મભૂમિનો હિન્દુઓના પક્ષમાં ચુકાદો આવ્યા પછી કેજરીવાલના સૂર બદલાઈ ગયા. તેમણે વૃદ્ધોની અયોધ્યાની નિઃશુલ્ક તીર્થયાત્રા શરૂ કરાવી અને ગુજરાતમાં પણ આવું જ વચન આપ્યું છે. ગુજરાત ચૂંટણી પહેલાં તેમણે ભારતીય ચલણી નોટ પર લક્ષ્મી-ગણેશની છબિ મૂકવાની માગણી કરી છે. આનો અર્થ સ્પષ્ટ છે કે કેજરીવાલનો હિન્દુપ્રેમ ચૂંટણી પૂરતો સીમિત છે.
કેજરીવાલ પર પક્ષ બન્યો ત્યારથી એટલે કે નવેમ્બર, ૨૦૧૨થી તેના પર અમેરિકાની ફૉર્ડ ફાઉન્ડેશન નામની એનજીઓ અને કેનેડામાં રહેતા ખાલિસ્તાન સમર્થકો પાસેથી દાન લેવાનો આક્ષેપ થાય છે. ફૉર્ડ ફાઉન્ડેશન અને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએ વચ્ચે ગાઢ જોડાણ છે તેમ ન્યૂ યૉર્કની બિન્ગહેમ્પ્ટન યુનિવર્સિટીના પ્રાધ્યાપક જેમ્સ પેટ્રાસનું કહેવું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે તેમની એનજીઓ કબીર ચલાવતા હતા ત્યારે તેમને ફૉર્ડ ફાઉન્ડેશન તરફથી ફંડ મળ્યું હતું તેમ તેમણે સ્વીકાર્યું હતું.
પંજાબની ચૂંટણી અગાઉ અલગ ખાલિસ્તાન દેશ માટે ઝુંબેશ ચલાવતી સંસ્થા શીખ ફૉર જસ્ટિસે આઆપને સમર્થન જાહેર કર્યું હતું. પંજાબના તત્કાલીન કૉંગ્રેસી મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્નીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પત્ર લખી કેજરીવાલ અને ખાલિસ્તાન વચ્ચેની કડીની તપાસ કરવા માગણી કરી હતી તો હિમાચલ પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ પ્રતિભાસિંહે આક્ષેપ કર્યો હતો કે હિમાચલમાં આઆપનો ખર્ચો ખાલિસ્તાનીઓ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, પંજાબ પૂરતું ખાલિસ્તાનીઓની ઝુંબેશ હોય તો સમજાય, પરંતુ હિમાચલ પ્રદેશમાં ખાલિસ્તાનના સમર્થનમાં ઝંડા અને પૉસ્ટરો લાગ્યાં હતાં.
આપમાં કેજરીવાલ સાથે નિકટતાથી રહીને કામ કરી ચૂકેલા કુમાર વિશ્ર્વાસે તો આક્ષેપ કર્યો હતો કે, કેજરીવાલ સત્તા માટે ખાલિસ્તાનના વડા પ્રધાન બનવા પણ માગતા હતા તેવું તેમણે (કેજરીવાલે) કુમાર વિશ્ર્વાસને કહ્યું હતું. અભિનેત્રી ગુલ પનાગ જે આપમાંથી પંજાબમાં લડ્યાં હતાં તેમણે પણ કહ્યું હતું કે, આપના ખાલિસ્તાનીઓ સાથે સંબંધ છે તે અંગે તેમણે વિરોધ કર્યો હતો.
જવાહરલાલ નહેરુ વિશ્ર્વ વિદ્યાલયમાં ડાબેરી વિદ્યાર્થીઓએ કન્હૈયાકુમાર (જે હવે કૉંગ્રેસમાં છે)ના નેતૃત્વમાં ત્રાસવાદી અફઝલ ગુરુને ફાંસીના દિવસે કાર્યક્રમ કર્યો હતો. તેમાં ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ, તુમ કિતને અફઝલ મારોગે, હર ઘર સે અફઝલ નિકલેગા, હમે ક્યા ચાહિએ આઝાદી જેવાં સૂત્રો પોકારાયાં હતાં. કન્હૈયાકુમારનાં વખાણ કરતાં કેજરીવાલ ધરાતા નહોતા અને તેની સામે પોલીસ કાર્યવાહીને તેમણે અટકાવી રાખી હતી. જોકે હોબાળા પછી ૨૦૨૦માં (એટલે કે ચાર વર્ષ પછી) તેમની સરકારે આની અનુમતિ આપી હતી.
શાહીનબાગમાં સીએએ વિરોધી ધરણાં થયા તેને અને કૃષિ કાયદા વિરુદ્ધ જે આંદોલન દિલ્લીમાં થયું તેને પણ આઆપે બધા પ્રકારની મદદ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ આંદોલન માત્ર આંદોલન હોત તો કોઈ પ્રશ્ર્ન નહોતો પરંતુ સીએએ વિરોધી ધરણાંમાં ભારતના ટુકડા કરવાની વાત થઈ હતી, કાશ્મીરી પંડિતોની હત્યા કરાઈ-તેમને ખદેડી મુકાયા તેની ઉજવણી થઈ હતી અને કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલનમાં ૨૬ જાન્યુઆરીએ પોલીસ વિરોધી હિંસા થઈ અને લાલ કિલ્લા પર ખાલિસ્તાની ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ ઇન્દિરા ગાંધીની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરવા તથા ભીમા-કોરેગાંવ હિંસામાં પકડાયેલા અર્બન નક્સલીઓને છોડી મૂકવા માગણી કરાઈ હતી.
અરવિંદ કેજરીવાલે વિધાનસભામાં કાશ્મીરી પંડિતોની અને અનેક દેશવાસીઓને હીબકાં ભરીને રડાવનાર ફિલ્મ કાશ્મીર ફાઇલ્સની પણ મજાક ઉડાવી હતી, જેમાં તેમનાં પ્રધાન રાખી બિડલાએ તો અટ્ટહાસ્ય કર્યું હતું. મુખ્ય પ્રધાનનાં કામ પડતાં મૂકીને અનેક ફિલ્મોની ટ્વિટર પર સમીક્ષા કરનાર અને સાંડ કી આંખ, નીલ બટ્ટા સન્નાટા, ૮૩ જેવી ફિલ્મોને કરમુક્ત કરનાર કેજરીવાલે કાશ્મીર ફાઇલ્સને કરમુક્ત કરવાની માગણી તો ફગાવી પરંતુ ફિલ્મને યૂ ટ્યૂબ પર ચડાવી લોકો ફ્રીમાં જોઈ શકે તેવી વ્યવસ્થા કરવા ભાજપ સરકારને કહ્યું હતું.
ભ્રષ્ટાચારના વિરોધ સાથે રાજનીતિની શરૂઆત પણ અંતે ભ્રષ્ટાચારીઓનો સાથ
અરવિંદ કેજરીવાલની રાજનીતિનો જન્મ ભ્રષ્ટાચારના વિરોધ સાથે થયો. તેમણે કૉંગ્રેસના અનેક પ્રધાનો સામે રોજ પત્રકાર પરિષદ કરીને કૌભાંડો ખુલ્લાં પાડ્યાં. પરંતુ માત્ર બે જ વર્ષમાં તેમનું અસલી સ્વરૂપ ખુલ્લું પડી ગયું. તેમનું એક માત્ર ધ્યેય ભાજપને હરાવવાનું બની ગયું. આ માટે તેમને ભ્રષ્ટાચારીઓનો સાથ લેવામાં પણ સંકોચ ન થયો. બિહારમાં ભાજપને હરાવવા તેઓ ત્યાં આઆપનું પાંચિયુંય ન ઊપજતું હોવા છતાં મહા ગઠબંધનના મંચ પર પહોંચી ગયા અને ભ્રષ્ટાચારના આરોપો સાબિત થતાં જેલમાં ગયેલા લાલુપ્રસાદ યાદવને ગળે મળ્યા. તેમની સરકારના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન હવાલા કૌભાંડમાં જેલમાં છે, પરંતુ કેજરીવાલે તેમનો સાથ છોડ્યો નથી. તેમણે તો ઉલટું તેમને દેશભક્ત કહી તેમને પદ્મ વિભૂષણ આપવા માગણી કરી હતી!
શિક્ષણ અને આરોગ્યની વાતો કરીને કેજરીવાલ સરકારે દિલ્લીમાં દારૂની રેલમછેલ કરી. પોતાના ઓળખીતા-પાળખીતા ઠેકેદારોને દારૂના ઠેકા આપી દીધા. એક પર એક દારૂ ફ્રીની યોજના ચલાવી. મેટ્રૉ સ્ટેશનની અંદર પણ દારૂની દુકાનો ખોલવા અનુમતિ આપી. કોરોના કાળમાં પણ આવક માટે દારૂની દુકાનો ખોલવાની અનુમતિ આપતાં લોકોએ લાઇનો લગાવી હતી. હવે ઇડીએ ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા જેમની પાસે શિક્ષણ ઉપરાંત આબકારી ખાતું પણ હતું તેમના દ્વારા કથિત દારૂ કૌભાંડ સામે કાર્યવાહી હાથ ધરી છે. ૧૭ નવેમ્બર ૨૦૨૧એ નવી દારૂ નીતિ મનીષ સિસોદિયા લાવ્યા. તેમાં દિલ્લીના ૩૨ ઝોન બનાવાયાં જેમાં ઝૉન દીઠ ૨૭ દુકાનો ખોલવાની હતી. નવી દારૂ નીતિમાં દારૂની બધી દુકાનોને ખાનગી બનાવી દેવાઈ. દારૂના ઠેકા માટે લાઇસન્સ ફી ૨૫ લાખથી વધારી પાંચ કરોડ કરી દેવાઈ. આનાથી નાના વેપારીઓને નુકસાન ગયું અને મોટા વેપારીઓ પાસેથી સરકારે લાંચ લીધી અને સરકારને આવકમાં ૯૦૦ કરોડનું નુકસાન ગયુંતેમ વિપક્ષનો આક્ષેપ છે, છતાંય કેજરીવાલ ભ્રષ્ટાચારના આરોપી મનીષ સિસોદિયાની પડખે મક્કમતાથી ઊભા છે.
રાજનીતિ બદલવા આવેલા કેજરીવાલ જ્ઞાતિવાદ કરવા લાગ્યા
ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો એટલે મનીષ સિસોદિયાએ પોતે રાજપૂત છે, ઝૂકશે નહીં તેમ કહ્યું તો ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વડા પ્રધાન મોદી સામે અપમાનજનક ઉચ્ચારણો બદલ પોલીસ કાર્યવાહી થઈ તો તેમણે પોતે પાટીદાર હોવાથી સરકાર કાર્યવાહી કરી રહી છે તેમ કહ્યું. ગુજરાતમાં ટિકિટ ફાળવણીમાં પણ જે-તે બેઠકના જ્ઞાતિ સમીકરણ મુજબ જ ટિકિટ અપાઈ છે. આજ તકના કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલે પોતાના પક્ષની જ્ઞાતિવાદી થિયરી જાહેર કરતાં કહ્યું હતું કે મુખ્યત્વે તે ઑટીપી છે એટલે કે અન્ય પછાત જાતિ (ઓબીસી), આદિવાસી (ટ્રાઇબલ) અને પાટીદાર. પણ બીજા સમાજોને પણ સાથે લેશે. તેમણે કહ્યું કે તેમણે મુખ્ય પ્રધાનના ઉમેદવાર ઓબીસી જ્ઞાતિના જાહેર કર્યા છે, તેમના પ્રદેશ પ્રમુખ પાટીદાર જ્ઞાતિના છે. જોકે આદિવાસી નેતાનું નામ તેઓ આપી શક્યા નથી.
મફત આપવાની રાજનીતિ પોકળ
કેજરીવાલ બધું મફત આપવાની રાજનીતિ કરે છે પણ ચૂંટણી પંચથી લઈને આર્થિક નિષ્ણાતો તેની સામે ચેતવી રહ્યા છે. શ્રીલંકા, પાકિસ્તાન અને બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ મફત આપવાની રાજનીતિના કારણે કેટલી ખરાબ થઈ છે તે બધા જાણે છે. ભારતમાં પણ ૯૦ના દાયકા સુધી ૪૭ ટન સોનું ગિરવે મૂકવું પડ્યું હતું તેવી સ્થિતિ આવી કથિત સમાજવાદી નીતિના કારણે થઈ હતી. જોકે તાર્કિક રીતે ગરીબોને મફત આપવું પડે તેનો વિરોધ ન હોઈ શકે. પરંતુ કેજરીવાલના મફતનાં વચનો વધુ બેરોજગાર બનાવે તેવા છે કારણ કે બેરોજગારને બેઠા-બેઠાં બેરોજગાર ભથ્થું મળે તો રોજગાર મેળવવા કોણ જાય? આ જ રીતે બધી જ મહિલાઓને રૂ. ૧,૦૦૦ સમ્માન નિધિ આપવાની જાહેરાત કરી હતી. બધી જ મહિલાઓને આપવાની શી જરૂર? ગરીબોને જ આપો. આ ઉપરાંત ૩૦૦ યૂનિટ વીજળી મફત અને વીજળી બિલ પણ માફ કરવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં સોલાર રૂફ ટૉપ પેનલના કારણે ઘણાબધા મફત વીજળી મેળવે જ છે. આખું મોઢેરા ગામ સૂર્યગ્રામ બન્યું છે. આ ઉપરાંત આ વચન તેમણે દિલ્લીમાં પાળ્યું હોત તો બરાબર હતું પણ દિલ્લીમાં તાજેતરમાં જે લોકો અરજી કરી વીજળી પર સબસિડી માગે તેમને જ મળશે તેવો સુધારો ચૂપચાપ કરી દેવાયો છે જે વાતની ખૂબ ઓછા લોકોને ખબર હશે ! વળી, દિલ્લી-પંજાબમાં વારંવાર વીજળી ચાલી જાય છે. જ્યારે ગુજરાતમાં વીજળીની સુવિધા ખૂબ સારી એવી છે.