દિવાળી પહેલાં જ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની ૨૦મી કોંગ્રેસમાં રાષ્ટ્રપતિ જિનપિંગને દેશના સૌથી મહાન નેતા જાહેર કરાયા હતા. તેમણે સ્વયં પણ પોતાને આજીવન રાષ્ટ્રપતિ ઘોષિત કરેલા. આજે ચીનનાં શહેરો અને ગામડાંઓમાં હજારો લોકો તેમના વિરોધમાં સડકો પર ઊતરી આવ્યાં છે. લોકો તેમને ગાદી પરથી હટી જવાની માંગ સાથે કહે છે કે, ચીનમાં બાદશાહી સરમુખત્યારશાહી નહીં લોકશાહી જોઈએ છે. કમ્યુનિસ્ટ પાર્ટીનો અભેદ ગઢ ગણાતા પેઈજિંગ, શાંઘાઈ અને કેન્ટન જેવાં શહેરોમાં ય સરકાર વિરુદ્ધ દેખાવો, હજારો લોકોની રેલીઓ થઈ રહી છે.
દબાવી રાખેલી સ્પ્રીંગ ઊછળે, દબાવી રાખેલો દાવાનળ ફાટે તેમ સરમુખત્યારશાહીના પહાડ નીચે દબાવી રાખેલી ચાઈનીઝ જનતાનો મિજાજ ફાટ્યો છે. ફરી કોરોના વકરતાં સત્તાધીશોએ અહીં મનફાવે તેવા પ્રતિબંધો લાદી દીધા છે. રોજિંદું જીવન ઠપ્પ, લોકોને ઘરમાં, ઓફિસમાં, ફેક્ટરીઓમાં પહેલાંની જેમ તાળાં મારીને ગોંધી દેવાયા. સ્કૂલો, કૉલેજો, બેંકો બંધ, આશ્ર્ચર્યજનક રીતે દવા લેવા કે હોસ્પિટલે ના જઈ શકાય એ હદના પ્રતિબંધો લદાયા. ચાઇનીઝ સરકાર રસીની અછત, મેડિકલ સહાયનો અભાવ, અપૂરતું આયોજન વગેરેને પ્રતિબંધોથી ઢાંકીને પાવર, શાસન, સત્તાનો દબદબો કાયમ રાખવા લોકોનું દમન અને શોષણ કરી રહી છે. આવા અમાનુષી અત્યાચારોથી ત્રાસીને - ‘નો ટુ લોકડાઉન, યસ ટુ ફ્રીડમ!’, ‘નીડ હ્યુમન રાઈટ્સ, નીડ ફ્રિડમ !’નાં બેનરો લઈને માનવાધિકાર અને સ્વતંત્રતાની માંગ સાથે જનતા લોકશાહીના સૂર રેલાવી રહી છે.
આ જુવાળની અસરથી ચીની સરકારે કેટલાંક શહેરોમાં પ્રતિબંધો હળવા કરવા પડ્યા છે. જે સૂચવે છે કે જાગૃત જનશક્તિનો વિજય થયો છે, ભલે તે આંશિક પણ કેમ ન હોય. આવું થવાથી જન-જનમાં જાગૃતિમૂલક વિશ્ર્વાસ પ્રગટી રહ્યો છે. આ એ જ ચીન અને કમ્યુનિસ્ટ સત્તાધીશો છે જેમણે વિરોધ પ્રદર્શનો કરવા બદલ ૧૯૮૯માં રિનાનમેન ચૉક પર લાખ્ખો છાત્રો - નિર્દોષ નાગરિકોને કચડી નાંખ્યા હતા. ૧૯૯૯માં ફરી અવાજ ઊઠતાં ફાલુન ગોંગ સંપ્રદાયના લોકોને દબાવી દેવાયા હતા.
કોરોનાની શરૂઆત ચીનના વુહાન શહેરથી ૩૧મી ડિસેમ્બર - ૨૦૧૯ના રોજથી થઈ હતી. આજે આખી દુનિયા લગભગ કોરોનામુક્ત બની છે ત્યારે ચીનમાં રોજના હજારો કેસ ફરી આવી રહ્યા છે. વિધિની વક્રતા કે સંકેત કે એ જ મહામારી સરમુખત્યારશાહીને ભરખી રહી છે અને લોકશાહીને જન્માવી રહી છે.
મહામારીમાં સાવચેતી જરૂરી છે, પણ અત્યાચાર નહીં. ભારત, અમેરિકા, બ્રિટન જેવા લોકતાંત્રિક દેશોમાં મહામારી વખતે લોકડાઉન થયાં હતાં, પ્રતિબંધો લદાયા હતા, પણ દમન નહોતું થયું. બંધન હોવા છતાં ઓછાં હતાં. દવા-હોસ્પિટલ વગેરેની શક્ય તેટલી કાળજી લઈ જનજીવન આગળ વધ્યું જ. મહામારીનો પ્રકાર જ એવો હતો કે લાખો/કરોડો લોકોએ બધે જ સહન કરવું પડ્યું.
પરંતુ ચીનનું લોકડાઉન કાળા પાણીની સજાથી બદતર છે. શિનચ્યાંગની એક ઇમારતમાં આગ લાગી, ફાયર બ્રિગેડ કંઈ કરી શક્યું નહીં, અનેક લોકો સળગીને ભડથુ બની ગયાં. લોકડાઉન અંતર્ગત એ ઇમારતને તાળાં લાગ્યાં હતાં. જે માણસો બળી મર્યા એ સરમુખત્યારશાહીની આગમાં બળી મર્યા હતા. એ જ આગમાંથી હવે લોકો લોકશાહીનો દીવો પ્રગટાવવા નીકળી પડ્યા છે. ઘણા વિશ્લેષકો આ ઘટનાથી ચીનમાં ૧૯૪૦ના દાયકામાં થયેલી માઓત્સે તુંગની ક્રાંતિ જેવી જ ક્રાંતિનાં મંડાણ થઈ ગયાં હોવાનું માને છે.
પાછલા દાયકામાં ઉદાર લોકશાહી ગણાતા દેશોની સંખ્યા ૪૧થી ઘટીને ૩૨ થઈ છે. જે ૧૯૮૯નાં લોકતાંત્રિક દેશોની સંખ્યા બરાબર છે. ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા ૨૦૨૧ના એક સર્વેક્ષણ મુજબ દુનિયાની માત્ર ૮.૪ ટકા આબાદી જ સંપૂર્ણ લોકશાહીમાં જીવે છે. હવે આ આંકડા વધશે જ. લોકશાહી માટે લોકોએ સ્વયં જાગવું પડશે. જે રીતે ચીનના લોકો જાગી રહ્યાં છે. અલંકાર, સજાવટ, રોશની કે ચકાચૌંધથી સરમુખત્યારશાહીનાં અંધારાં ઢાંકી શકાય નહીં તેમ ચીનીઓ સરમુખત્યારોને કહી રહ્યા છે. લોકશાહી આ બધી સજાવટથી નહીં આમ લોકોની સમસ્યાના સમાધાનથી ચમકે છે. આશા રાખીએ વિશ્વમાં જ્યાં પણ સરમુખત્યારશાહી છે ત્યાં લોકતંત્રનો ઉદય થાય અને એની શરૂઆત ચીનથી થાય.