પરમાત્મામય રહેવું અને પળેપળ બીજા માટે જીવવું તે જ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. શાંત, અહંશૂન્ય, સરળ અને સાધુતાસભર આધ્યાત્મિક વ્યક્તિત્વ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીએ હરિભક્તો સહિત સમગ્ર ગુજરાત અને દેશને આકર્ષ્યા છે.
જન્મજાત વિનમ્રતા, અહર્નિશ સેવા, સાધુતા અને લોકોના કલ્યાણની ભાવનાથી પ્રમુખ સ્વામી વિશ્વભરના માનવોના પ્રિય અને આદરણીય બન્યા છે. વિશ્વશાંતિ માટે સદા કટિબદ્ધ અને ટોચના પ્રભાવક ધર્મગુરુઓમાં આદરણીય સ્થાન પામનારા સ્વામીજીએ ‘બીજાના ભલામાં જ આપણું ભલું છે.’ - જીવનસૂત્ર સાથે અનેકવિધ સેવાઓમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. સ્વામીજી અનેક દાયકાઓ સુધી લોકહિત માટે અવિરત ૧૭ હજારથી વધુ ગામડાંઓ - નગરોમાં વીજળીની ત્વરાથી ઘૂમતા રહ્યા. નાત-જાત, વર્ણ-વર્ગ કે ધર્મ-બિરાદરીના ભેદભાવોથી પર રહી તેમણે અઢી લાખ ઘરોમાં પધરામણી કરી સમરસતાનું શ્રેષ્ઠતમ ઉદાહરણ પૂરું પાડ્યું. સમાજના પછાત, દલિત, આદિવાસી, કચડાયેલા - દબાયેલા બંધુઓને છાતીસરસાં ચાંપી, હુંફ આપી, સેવા કરી એટલું જ નહીં પણ તેમના જીવનમાંથી વહેમ, અંધ શ્રદ્ધા, વ્યસનોનાં અંધારાંને દૂર કર્યાં. આશરે ૪૦ લાખ લોકોને વ્યસનમુક્ત કરવાનું તેમનું કાર્ય આજેય બેજોડ બની રહ્યું છે, તો સાડા સાત લાખ કરતાં પણ વધારે પત્રો દ્વારા લોકોને દ્વિધામાંથી બહાર લાવવાનું તેમનું કાર્ય પણ અદ્વિતીય છે.
સ્વામીજીની માનવ ઉત્કર્ષની અસંખ્ય પ્રવૃત્તિઓ અચરજ પમાડે તેવી છે. સમાજસેવાનું એક પણ ક્ષેત્ર તેમણે વણસ્પર્શ્યું ન રાખ્યું. દુષ્કાળ, પૂર, વાવાઝોડાં, ભૂકંપ, સુનામી જેવી કુદરતી અફત સમયે તેઓએ સેવાયજ્ઞની અપૂર્વ ધૂણી ધખાવેલી. ગુજરાતના ભૂકંપ વખતે ૨૫ ગામો દત્તક લીધાં તે અભૂતપૂર્વ કાર્ય વિશ્વ બેંકે બિરદાવેલું. અક્ષરધામ જેવાં જગવિખ્યાત અને શ્રેષ્ઠતમ મંદિરો ઉપરાંત દેશ-વિદેશમાં ૧૧૦૦થી વધુ મંદિરોનું સર્જન કરીને તેમણે સંસ્કૃતિનાં ચિરંતન સ્મારકો અને લોકસેવાનાં ધામ સ્થાપ્યાં. લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને વિશ્વમાં સૌથી વધુ મંદિરોના નિર્માણ માટે સ્વામીજીને સન્માનિત કરવામાં આવ્યા. આ બધું ભારતના આધ્યાત્મિક ગૌરવનું શિખર જ.
પ્રમુખ સ્વામીના જીવનના અનેક પ્રસંગોમાં તેમની સહજતા, સરળતા અને હાજર જવાબીપણું ઊડીને આંખે નહીં પણ હૈયે વસે છે. એક વખત વેટિકનના પોપે તેમને કહેલું કે, ‘તમે હિન્દુ ધર્મની વાતો લઈને ધર્મ-પરિવર્તન માટે વિશ્વમાં ફરો છો ?’ અને એક પણ ક્ષણના વિલંબ વિના સ્વામીજીએ કહેલું, ‘ના, હું જીવન પરિવર્તન માટે ફરું છું..’ હેન્ડશેક વિથ હિન્દુઈઝમ નામના બ્રિટનમાં યોજાયેલા કાર્યક્રમમાં એક ૧૫ વર્ષના યુવાને પોતાના પિતાને ઇન્ડિયન અને પોતાને બ્રિટિશર ગણાવ્યા, એ પછી માત્ર ૪૫ મિનિટમાં એ સમારોહની મુલાકાત અને સ્વામીજીના શિષ્ય સાથેના સત્સંગ બાદ એ યુવાને કહેલું, ‘જ્યારે હું અહીં આવ્યો ત્યારે બ્રિટિશ હતો, જાઉં છું ત્યારે ભારતીય બન્યો છું.’ આપણા આ મહાન સંતને ભારતના રાષ્ટ્રપતિ ભવનમાં રહેવા માટે સરકાર દ્વારા આમંત્રણ મળે ત્યારનો પ્રતિભાવ કે, ‘આપે મને યાદ કર્યો એનો અર્થ જ એ કે હું ત્યાં છું.’ પ્રેસિડેન્ટ કલામ માટે આધ્યાત્મિક ઉંચાઈનો પ્રેરક બની રહ્યો. ડો. અબ્દુલ કલામે જ પ્રમુખ સ્વામી પર લખેલું ‘Transcendence : My Spiritual Experiences With Pramukh Swamiji’ પુસ્તક પણ વિજ્ઞાન અને આધ્યાત્મના અનોખા સમન્વયનું ઉત્તમ ઉદાહરણ છે.
ભેદભાવોથી પર એવા આ વાત્સલ્યમૂર્તિ સંતે બાળકો, યુવાનો, વૃદ્ધો, નર-નારી, સાક્ષરો-નિરક્ષરો, દેશ-વિદેશનાં નાનાંથી માંડીને મોટાં સુધીનાં સૌને સમતાથી ચાહ્યાં છે. એક ટંક પણ ખાવાના ફાંફા અને પાટી-પેનનો અર્થ ખબર નહોતો એવા આદિવાસીઓનાં બાળકોને તેમણે કલેક્ટર, પાઇલોટ, બેન્ક મેનેજર બનાવ્યા છે એ કેટલું અદ્ભુત ! કઠિન પુરુષાર્થ, નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા તેમણે ચારિત્ર્યવાન યુવા-સમાજ તૈયાર કર્યો અને રચનાત્મક માર્ગે વાળ્યો, સાથે ૧૦૦૦થી વધુ સુશિક્ષત સંતોની પણ ભેટ આપી છે, જેઓ તેમના ચીલે ચાલીને સમાજનિર્માણ કરી રહ્યા છે.
સ્વામીજીની પ્રેરણાથી સ્થપાયેલા ૪૫ કેળવણી સંકુલોમાં આજેય વિદ્યાર્થીઓ સંસ્કારયુક્ત શિક્ષણ સાથે જીવનઘડતરના પાઠો શીખી રહ્યા છે. ઇંગ્લેન્ડમાં લંડનની ધરતી પર સર્વ પ્રથમ હિન્દુ સ્કૂલ સ્થાપી ત્યાં ભારતીય સંસ્કૃતિ - શિક્ષણનો દીપ પ્રગટાવ્યો. વર્ષ ૨૦૦૦માં યુનોમાં યોજાયેલી ‘મિલેનિયમ વિશ્વશાંતિ પરિષદ’માં તેઓશ્રીએ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કરતાં, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરેલો એય અવિસ્મરણીય.
પ્રમુખ સ્વામી એક એવા વિરલ ગુરુ હતા જેમની વાણીમાં ધીર, ગંભીર અને ગંગાના શાંત પ્રવાહ જેવું અનુભવનું ઊંડાણ હતું. તેઓ બોલતા બહુ ઓછું, પરંતુ જ્યારે મુખ ખોલે ત્યારે તેમાંથી સરતાં શાશ્વત સત્યોમાંથી માનવજાતને ઉદ્ધારવાનું સામર્થ્ય પ્રગટતું. એ વાણીએ અસંખ્ય પતિતોને પાવન કર્યાં છે, તેમની કથની અને કરણીમાંથી ધર્મ સાથે જ્ઞાન, ભક્તિ, બાળસંસ્કાર, પારિવારિક મૂલ્યો, રાષ્ટ્રહિત, ઘરસભા જેવા જીવન વ્યવહારનાં મહત્ત્વનાં પાસાંઓનું અમૃત ઝરતું હતું.
સ્વામીજીના કાર્યકાળમાં મહોત્સવોય અભૂતપૂર્વ બની રહ્યા. મેનેજમેન્ટ અને એડ્મિનિસ્ટ્રેશનના પ્રખર નિષ્ણાતો પણ દંગ રહી જાય એવાં નખશિખ ઉત્તમ આયોજનો કરીને પ્રમુખ સ્વામી મહારાજે એક આગવો ચીલો ચાતર્યો છે. આજે તેમના શતાબ્દી મહોત્સવ પ્રસંગે, પૂ. શ્રી મહંત સ્વામીની આગેવાનીમાં સૌ સાધુ-સંતો, હરિભક્તો તેમની ગરિમાને છાજે તેવો ‘ન ભૂતો ન ભવિષ્યતિ’ મહોત્સવ યોજીને તેમની ચરણવંદના કરી રહ્યા છે. ૬૦૦ એકરનાં સંકુલમાં એક માસ માટે (છતાંય ટેમ્પરરી જ) તેવો મહોત્સવ, આયોજન જેમાં દરરોજ સવા લાખ લોકોના ભોજનની વ્યવસ્થા હોય તે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ધાર્મિક - સાંસ્કૃતિક ઇવેન્ટ મેનેજમેન્ટ માટે ઊંડા સંશોધનાત્મક અભ્યાસ અંગે માર્ગદર્શક બની રહેશે. ભગવાન સ્વામીનારાયણની ગુણાતીત ગુરુપરંપરાના પાંચમા અનુગામી હોવા છતાં, કોઈ એક સમુદાય કે સંપ્રદાયના બની રહેવાને બદલે સૌના સ્વજન સમું વૈશ્ર્વિક વ્યક્તિત્વ બની રહેલા, લોકસેવાના ભેખધારી પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના ચરણોમાં તેઓશ્રીના શતાબ્દી મહોત્સવે ભાવ વંદના. જય સ્વામીનારાયણ.