ભારતને G-20 શિખર સંમેલનની અધ્યક્ષતા વિશ્વમાં વાગી રહ્યો છે ભારતનો ડંકો

સંગઠનના ભારત સહિતના ૨૦ દેશોની શક્તિથી સમગ્ર વિશ્વ વાકેફ છે ત્યારે આવો જાણીએ શું છે, આ G-20 સંગઠન, વિશ્વમાં તેનું આટલું બધું શું કામ મહત્ત્વ છે. ભારતને તેની અધ્યક્ષતા મળવી તે ભારત માટે કેટલી મહત્ત્વની છે ? જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં…

    05-Dec-2022   
કુલ દૃશ્યો |

all about G20 in gujarati  
 

G-20 એટલે શું? તે કામ શું કરે છે? ભારતને તેનું અધ્યક્ષ પદ મળ્યુ છે તેનો મતલબ શુ? આવો જાણીએ!

 
તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના બાલી ખાતે વિશ્ર્વનાં શક્તિશાળી સંગઠનોમાંનું એક G-20 સંમેલન યોજાયું. સંમેલનમાં આગામી વર્ષ માટે ભારતને મળેલ સંમેલનની અધ્યક્ષતા બાદ G-20 સમૂહ વ્યાપક ચર્ચામાં છે. સંગઠનના ભારત સહિતના ૨૦ દેશોની શક્તિથી સમગ્ર વિશ્વ વાકેફ છે ત્યારે આવો જાણીએ શું છે, આ G-20 સંગઠન, વિશ્વમાં તેનું આટલું બધું શું કામ મહત્ત્વ છે. ભારતને તેની અધ્યક્ષતા મળવી તે ભારત માટે કેટલી મહત્ત્વની છે ? જાણીએ આ મુખપૃષ્ઠ વાર્તામાં…
 
- ભારત, અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇન્ડોનેશિયા, ઇટાલી, કોરિયા, મેક્સિકો, તુર્કી, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા, યુરોપિયન યુનિયન તેના સદસ્યો છે. દર વર્ષે આ દેશોના નાણામંત્રી, વડાપ્રમુખોની એક બેઠક યોજાય છે, જેની અધ્યક્ષતા સદસ્ય દેશોમાંથી કોઈ એક દેશ કરે છે.
 
 
- વૈશ્ર્વિક અર્થવ્યવસ્થામાં પણ જી-૨૦ મહાશક્તિ છે. સંગઠનના સદસ્ય દેશોનું વૈશ્ર્વિક જીડીપીમાં ૮૫ ટકા યોગદાન છે. એટલે કે, આ દેશો વિશ્ર્વમાં થતા કુલ ઉત્પાદનના ૮૫ ટકા ઉત્પાદન કરે છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં પણ આ દેશો ૭૫ ટકા યોગદાન આપે છે.
 
- વિશ્ર્વની લગભગ ૬૭ ટકા જનસંખ્યા જી-૨૦ના સદસ્ય દેશોમાં રહે છે. સૌથી વધુ જનસંખ્યાવાળા ટોચના ચાર દેશો ચીન, ભારત, અમેરિકા અને ઇન્ડોનેશિયા આ સંગઠનના સદસ્યો છે.
 
 
૧૯૭૫માં સમગ્ર વિશ્ર્વમાં આર્થિક સંકટ છવાયું હતું ત્યારે વિશ્ર્વના ૬ મોટા શક્તિશાળી દેશોએ એક સાથે એક મંચ પર આવી વિશ્ર્વને એ આર્થિક સંકટમાંથી ઉગારવાનું નક્કી કર્યું. એ દેશો હતા ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટન અને અમેરિકા. જેમ જેમ વિશ્ર્વને આ એકજૂટતાના ફાયદા દેખાવા લાગ્યા તેમ તેમ વિશ્ર્વના અન્ય દેશો પણ તેમાં જોડાવા લાગ્યા. આ સમૂહની સ્થાપનાના બીજે જ વર્ષે તેમાં કેનેડા પણ જોડાઈ ગયું અને આમ આ સંગઠન જી-૭ બન્યું. સોવિયત સંઘના વિઘટન બાદ રશિયાએ પણ આ સંગઠનમાં સામેલ થવા મુદ્દે રસ દાખવવાનું શરૂ કર્યું અને ૧૯૯૮માં રશિયા આનું સભ્ય બન્યું અને જી-૭, જી-૮ બન્યું. તેના બીજા જ વર્ષે એટલે કે ૧૯૯૯માં જર્મનીના કોલોને શહેરમાં જી-૮ દેશોની બેઠક મળી. આ એ સમય હતો જ્યારે સમગ્ર એશિયા પર ગંભીર આર્થિક સંકટ ઘેરાયું હતું તે આર્થિક સંકટમાંથી એશિયાને બહાર લાવવા માટે આ બેઠકમાં વિશ્ર્વની સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓને એક સાથે લાવવાનું નક્કી થયું અને ૧૯૯૯ પ્રથમ વખત બર્લિનમાં જી-૨૦નો પાયો નાંખવા બેઠક થઈ તેમાં સદસ્ય દેશોના નાણામંત્રીઓ અને કેન્દ્રીય બેંકોના પ્રમુખોએ ભાગ લીધો હતો. ૨૦ દેશોમાં કયા કયા દેશોને આમાં સામેલ કરવા એ અંગેની યાદી બનાવવાનું કામ જર્મની અને અમેરિકાએ સાથે મળી કર્યું.
 
હાલ જી-૨૦માં ભારત, અમેરિકા, રશિયા, બ્રિટન, ચીન, ફ્રાન્સ, જર્મની, જાપાન, આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ઇન્ડોનેશિયા, ઇટલી, કોરિયા, મેક્સિકો, તુર્કી, સાઉદી અરબ, દક્ષિણ આફ્રિકા અને યુરોપીય યુનિયન સામેલ છે. સદસ્ય દેશોમાંથી કોઈ એક દેશમાં દર વર્ષે આ દેશોના નાણાંમંત્રી અને વડાપ્રમુખો ભાગ લે છે.
 
 

શું કામ કરે છે જી-૨૦ સમૂહ ?

 
 
જી-૨૦ સમૂહ એ વિશ્ર્વના સૌથી શક્તિશાળી દેશોનું એક મોટું સંગઠન છે. આ સંગઠનની તાકાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે સમગ્ર વિશ્વના અર્થતંત્રમાં જી-૨૦ દેશોની ભાગીદારી ૮૫ ટકા જેટલી થાય છે. અમેરિકા, ચીન, જાપાન, જર્મની, રશિયા અને ભારત જેવી વિશ્વની શીર્ષ પાંચ મોટી અર્થવ્યવસ્થાઓ આ સંગઠનની સદસ્ય છે. એટલું જ નહીં જી-૨૦ દેશોમાં વિશ્વની અડધાથી પણ ઉપર જનસંખ્યા વસે છે. સૌથી વધુ જનસંખ્યાવાળા ટોચના ૪ દેશ ચીન ૧૩૮ કરોડ, ભારત ૧૩૨ કરોડ, અમેરિકા ૩૨ કરોડ તો ઇન્ડોનેશિયા ૨૭ કરોડ આ સંગઠનના સદસ્યો છે. જો જી-૨૦ના સદસ્ય એવા તમામ દેશોની જનસંખ્યાની વાત કરવામાં આવે તો તે વિશ્ર્વની કુલ જનસંખ્યાના લગભગ ૬૭ ટકાએ પહોંચી જાય છે. વૈશ્ર્વિક વ્યાપારની વાત કરીએ તો જી-૨૦ સદસ્યથી દેશોના અધિકારિક આંકડાઓ મુજબ વૈશ્ર્વિક વ્યાપારમાં આ સમૂહની હિસ્સેદારી લગભગ ૭૫ ટકા જેટલી છે. હવે વાત કરીએ જી-૨૦ સમૂહના કામ અંગે. તો આગળ જણાવ્યું તેમ આ સમૂહ વિશ્વના પ્રમુખ શક્તિશાળી ને વગદાર દેશોનું સંગઠન આર્થિક સ્થિરતાને સુરક્ષિત કરી વૈશ્ર્વિક અર્થવ્યવસ્થાને બળ આપવાનું કામ કરે છે. આ સિવાય વિશ્ર્વભરમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર પર લગામ લગાવીને વ્યવસ્થા સુચારુરૂપે ચાલે તે અંગે વિચારણા કરવી, વિશ્ર્વની રાજકોષીય મડાગાંઠોને ઉકેલવી. વિકાસ અને ઊર્જાના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી વૈશ્ર્વિક આતંકવાદ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ તેનું કામ છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે જી-૨૦ સમૂહના સદસ્ય દેશોની નીતિ તૈયાર કરવામાં અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ સહયોગ કરતાં હોય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન, આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (આઈએમએફ), આર્થિક સહયોગ અને વિકાસ સંગઠન, સંયુક્ત રાષ્ટ્ર વિ્શ્વ બેંક, વિશ્ર્વ વ્યાપાર સંગઠન જેવાં સંગઠનોનો પણ આ સંગઠનને સહયોગ મળતો હોય છે.
 
 

જી-૨૦ ભારતનો દબદબો વધી રહ્યો છે

 
 
ઇન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-૨૦ દેશોનું તાજેતરનું સંમેલન એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમયમાં આયોજિત થયું છે. મહત્ત્વપૂર્ણ એટલા માટે કે વિશ્ર્વયુદ્ધનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. એક તરફ આ વર્ષે શરૂ થયેલ રશિયા અને યુક્રેન વચ્ચે થયેલ યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું, તેને લઈ યુરોપ અને રશિયા આમને સામને છે તો બીજી તરફ ચીન અને તાઇવાન વચ્ચે પણ તનાતની ચાલી રહી છે. જેને લઈ અમેરિકા અને ચીન આમને-સામને આવી ગયા છે. વિશ્ર્વભરમાં ચાલી રહેલ યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ખાદ્યવસ્તુઓની આપૂર્તિથી લઈ ઊર્જા સંસાધનોની આપૂર્તિ હાલક-ડોલક બની ગઈ છે. પરિણામે સમગ્ર વિશ્ર્વ મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યું છે. કોવિડ મહામારી બાદ માંડ જ્યાં વિશ્વની અર્થવ્યવસ્થા પાટે ચડવામાં હતી ત્યાં રશિયા-યુક્રેનના યુદ્ધે વૈશ્વિક અર્થવ્યવસ્થાને એવો ફટકો માર્યો છે કે, વિશ્વભરમાં મંદીનાં ડાકલાં સંભળાઈ રહ્યાં છે. તેવામાં જી-૨૦ સંમેલનના તાજેતરના સંમેલનની મહત્તા અનેકગણી વધી જાય છે.
 

all about G20 in gujarati 
 
વિશ્વ જ્યારે આર્થિક મંદીના દ્વારે ઊભું છે ત્યારે જી-૨૦ની એ ફરજ બને છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાના સુધારના રસ્તામાં આવતા અવરોધોને દૂર કરવાની દિશામાં યોગ્ય પગલાં લે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થા અને તેનો પ્રમુખ ભાગ લેતા હોય તેવા સમયે ચીન-અમેરિકા અને રશિયા જેવા શક્તિશાળી દેશોમાં જે તનાતની ચાલી રહી છે તેવી પરિસ્થિતિમાં જી-૨૦ જેવા સંગઠનથી અપેક્ષાઓ વધી જાય છે. સદ્ભાગ્યે બાલીમાં એકઠા થયેલા જી-૨૦ સદસ્ય દેશોના સંમેલનમાં ભાગ લેવા પહોંચેલા ચીનથી માંડી અમેરિકન પ્રમુખોની ભાવ અંગિમા સકારાત્મક રહી હતી. એવું લાગી રહ્યું હતું કે, ત્યાં આવેલા નેતાઓ પોતાના મતભેદ ભૂલી સંવાદ માટે આવ્યા હતા. આ વાત સંમેલનના ઘોષણાપત્રમાં પણ જોવા મળી હતી, જ્યારે યુક્રેન મામલે રશિયાના મિત્ર ભારત અને ચીને પણ વૈશ્ર્વિક સ્વરમાં સ્વર મિલાવીને રશિયા માટે સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, આ યુદ્ધથી તેના મિત્ર દેશો પણ ખુશ નથી.
 
 

જી-૨૦ લોગોમાં કમળને લઈ વિપક્ષોની ફરિયાદ

 
 
વિપક્ષો દ્વારા દર વખતની માફક આ વખતે પણ કોઈનાં કોઈ બહાને ભારત સરકારને ઘેરવાની રાજનીતિ કરવામાં આવી હતી. ભારત ૨૦૨૩માં જી-૨૦ શિખર સંમેલનનું અધ્યક્ષ છે ત્યારે લોગો થીમ અને વેબસાઈટ લોંચ કરી હતી. પરંતુ જી-૨૦ના લોગોમાં કમળનું ફૂલ જોતા જ વિપક્ષોએ રાડારાડ મચાવી. લોગોમાં કમળનું ફૂલ જોતા જ સત્તાધારી પક્ષ પોતાનો પ્રચાર કરી રહી હોવાના આરોપ લગાવ્યો હતો. જોકે કોંગ્રેસના આ આરોપો બાદ સોશિયલ મિડિયામાં લોકોએ કોંગ્રેસની ભારી ટીકા કરતા કહ્યું હતું કે, ૧૯૫૦માં કોંગ્રેસ દ્વારા જ કમળને રાષ્ટ્રીય ફૂલ ઘોષિત કરાયું હતું. અને આપણા દેશના રાષ્ટ્રીય ફૂલનો ઉપયોગ ભારતને મળેલ આ મહત્ત્વની તકમાં થાય તેમાં ખોટું શું છે ? કોંગ્રેસ દરેક રાષ્ટ્રીય પ્રતિકને લઈ નાહકનો વિવાદ કેમ ઊભો કર્યા કરે છે ? એક તરફ કોંગ્રેસ ભારત જોડવાનું કહી ભારત જોડો યાત્રા કરી રહી છે. તો બીજી તરફ ભારતના રાષ્ટ્રીય પ્રતિકોને વિવાદમાં ઢસડી તેને બદનામ કરવાનો એક પણ અવસર છોડતી નથી.
 
 

ઘોષણાપત્રમાં ભારત... ભારત

 
 
ભારતના દૃષ્ટિકોણથી આ ઘોષણાપત્ર અનેકગણું મહત્ત્વનું રહ્યું છે, કારણ કે ‘આ સમય યુદ્ધનો નથી’વાળા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશને સમાહિત કરવામાં આવ્યો જે તેઓએ રશિયાના અને જાપાનના રાષ્ટ્રપતિને સંબોધીને કહ્યું હતું. ત્યારે આ વાત એ વાતની સાબિતી છે કે, વિશ્ર્વ આખું હાલ ભારતની વાત સાંભળી રહ્યું છે અને શાંતિ-પ્રગતિ માટે ભારત તરફ મીટ માંડી રહ્યું છે.
 
જી-૨૦ના મંચ પર નેતાઓ વચ્ચે વ્યાપાર, ટેક્નોલોજી અને આપૂર્તિ શ્રૃંખલાને વધુ સારી બનાવવા પર પણ ચર્ચા થઈ હતી, જેની જરૂર પણ હતી, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરે બગડેલાં સમીકરણોને કારણે વૈશ્ર્વિક વ્યાપારના તાણા-વાણાને માઠી અસર પહોંચી છે અને તેને પાટે ચડાવવી ખૂબ જ જરૂરી છે. વિકસિત અને વિકાસશીલ બન્ને આ સંગઠનના સદસ્યો છે, ત્યારે ટેક્નોલોજી પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
 
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનીરાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત પણ વિશ્ર્વ માટે રાહતનો સંકેત ગણી શકાય. કારણ કે આ બન્ને મહાસત્તા વચ્ચેના કોલ્ડ વૉરમાં આખું વિશ્ર્વ પિસાઈ રહ્યું છે. ભારતીય મૂળના બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથેની મુલાકાત પણ ચર્ચામાં રહી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાતમાં એક પોતીકાપણાની છાપ છલકાઈ રહી હતી. બન્ને નેતાઓ વચ્ચેની મુલાકાત બાદ તરત જ દર વર્ષે બ્રિટન દ્વારા ભારતનાં ૩૦૦૦ લોકોને વર્ક વીઝા આપવાની જાહેરાત પણ આ મુલાકાતનું ફળ ગણાવી શકાય.
 
 

all about G20 in gujarati 
 

ભારતને જી-૨૦ સંમેલનની અધ્યક્ષતા મળવી અર્થાત્...

 
 
આ તમામમાં ભારત માટે સૌથી ઐતિહાસિક પડાવ હોય તો તે ભારતને જી-૨૦ દેશોની સંમેલનની અધ્યક્ષતા મળી છે. ૧ ડિસેમ્બરના રોજ ભારતને ગૌરવપ્રદ છે. જી-૨૦ની અધ્યક્ષતા મળવી એ ભારત માટે ગૌરવપ્રદ છે એ વાતને નકારી ન શકાય કે, ભારતને આ અધ્યક્ષતા ખૂબ જ પડકારજનક સમયમાં મળી છે, પરંતુ ભારત તેનો ઉપયોગ કરી પોતાનું આંતરરાષ્ટ્રીય કદ વધારી શકશે. સતત એક વર્ષ સુધી ચાલનારા આ આયોજનો, કોઈ સામાન્ય આયોજનો નહીં હોય. તે અંગે ભારતે આ આયોજનની થીમ, લોગો અને વેબસાઈટના માધ્યમથી તેના સંકેત પણ આપી દીધા છે. આ આયોજન અંતર્ગત વર્ષ દરમિયાન વિશ્ર્વના ખેરખાંઓની ૧૦૦ જેટલી બેઠકો યોજાશે, ત્યાર બાદ શિખર સંમેલન યોજાશે, જેનાથી આપોઆપ જ ભારતની ભવ્યતા વિશ્ર્વની નજરમાં આવશે. ભારતને મળેલી આ અધ્યક્ષતાથી આ મુદ્દે જાણકાર વિશેષજ્ઞો પણ આશા - ઉત્સાહમાં છે.
 
 

આગામી જી-૨૦ની પહેલાં કુશળ મુત્સદ્દીગીરી અપનાવવાની જરૂર

 
 
આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય શ્રી રામમાધવ કહે છે કે, વર્ષ ૨૦૦૮ની વૈશ્ર્વિક આર્થિક મંદીએ મહાસત્તાના એ નાણામંત્રીઓના સમૂહને જી-૨૦ સંમેલન સ્તરની બેઠક સુધી લાવી દીધા હતા, જે સામાન્ય રીતે પડદાની પાછળ જ રહેતા હતા. છેલ્લાં ૧૪ વર્ષમાં જી-૨૦ સંમેલનોમાં અર્થતંત્ર અને વિકાસ મુખ્ય મુદ્દો બની ગયા છે. બાલીમાં યોજાયેલા સંમેલન પર પણ યુક્રેન યુદ્ધનો પડછાયો જોવા મળ્યો. આવાં સંમેલનોમાં સામાન્ય રીતે સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા થતી નથી, તેમ છતાં યુક્રેનનો મુદ્દો કોઈ ને કોઈ બહાને ઊછળતો રહ્યો છે, જેમ કે ખાદ્યસુરક્ષા, સપ્લાય ચેનમાં અવરોધ, આર્થિક નુકસાન, શાંતિને જોખમ વિ. અંતમાં બધા દેશોનો આ મુદ્દે પોતપોતાનો અભિપ્રાય હતો.
 
અમેરિકનો એ વાતથી ખુશ હતા કે, તેમણે યુદ્ધના મુદ્દે મજબૂત મત રજૂ કર્યો છે, જે દુનિયામાં છવાયેલો રહ્યો. આ બાજુ ચીન એ વાતથી નારાજ હતું કે, અમેરિકાના નેતૃત્વમાં કેટલાકપશ્ચિમી દેશ એવા વિષયો ઉછાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે જી-૨૦ સંમેલનમાં આર્થિક સહયોગની દૃષ્ટિએ પ્રાસંગિક ન હતા. વડાપ્રધાન મોદીએ યુક્રેન સંકટનો ઉલ્લેખ મુખ્યત્વે સપ્લાય ચેનમાં આવી રહેલા અવરોધના સંદર્ભમાં કર્યો, જેના લીધે ગરીબો પર અસર પડી રહી છે. તેમણે એ બાબત તરફ ધ્યાન ખેંચ્યું કે, વૈશ્ર્વિક સપ્લાય ચેનના પ્રભાવિત થવાથી દુનિયાભરમાં આવશ્યક ચીજ-વસ્તુઓના પુરવઠાનું સંકટ વધી રહ્યું છે. તેમણે ચેતવણી પણ ઉચ્ચારી કે, દરેક દેશના ગરીબ નાગરિકો માટે પડકાર વધુ ગંભીર છે. તેમના માટે જીવન પહેલાંથી જ સંઘર્ષપૂર્ણ હતું. તેમની પાસે બેવડો ઘા સહન કરવાની ક્ષમતા નથી.’ તેમનું આ નિવેદન સંમેલનમાં ઘણું ચર્ચામાં રહ્યું કે, આજની ખાતરની અછત, આવતીકાલે ખાદ્યસંકટમાં બદલાઈ જશે. જોકે, અંતમાં ભવિષ્યની મહામારીઓ, ડિજિટલ મુદ્રા, નવી તકનીક અને ત્યાં સુધી કે સાંસ્કૃતિક મુદ્દાઓ જેવા વિષયો પર પણ ચર્ચા થઈ, પરંતુ યુક્રેન અને ચીનના મુદ્દા જ સૌથી વધુ ચર્ચામાં રહ્યા.
 
દ્વિપક્ષીય બેઠકોમાં બાઈડેન અને શીની ત્રણ કલાક ચાલેલી બેઠક મહત્ત્વપૂર્ણ રહી. બેઠકનો આટલો લાંબો સમય અને એક-બીજા વિરુદ્ધ કંઈ જ ન બોલવું જણાવે છે કે, બંને દેશ કદાચ પોતાના સંબંધો સુધારવા માગે છે. તાઈવાન સમુદ્રમાં આગામી સંઘર્ષથી બચવા માટે બંને દેશ વચ્ચે શાંતિ રહેવી જરૂરી છે. જિનપિંગ અલગ એજન્ડા સાથે બાલી આવ્યા હતા. તેઓ મહામારી પછી દુનિયાથી અલગ પડી ગયેલા ચીનને ફરી મુખ્ય ધારામાં સામેલ કરવા દૃઢસંકલ્પિત જોવા મળ્યા. વડાપ્રધાન મોદીની પણ સંમેલનના પ્રથમ દિવસે જિનપિંગ સાથે નાનકડી મુલાકાત થઈ. જોકે તેઓ પોતાની ટિપ્પણીઓમાં ખૂબ જ સાવચેતીપૂર્વક ભારત-ચીન તણાવ અંગે કંઈ પણ બોલવાથી બચતા રહ્યા અને પોતાની વાતોના કેન્દ્રમાં ખાદ્યસુરક્ષા, ડિજિટલાઈઝેશન, આરોગ્યસેવાઓને જ રાખી. વિવિધ સત્રોમાં તેમની અભિવ્યક્તિએ ભારતના કદને ‘વૈશ્ર્વિક દક્ષિણનો અવાજ’ તરીકે આગળ વધાર્યું. એક રીતે વડાપ્રધાન મોદીએ શાંતિ, સદ્ભાવ અને સુરક્ષા’ પર ભાર મૂકીને આગામી શિખર સંમેલનનો એજન્ડા નક્કી કરવાનો પ્રયાસ કર્યો, જેની યજમાની ભારત કરવાનું છે.
 
બાઈડેન અને જિનપિંગ વચ્ચે જોવા મળી રહેલી દોસ્તી છતાં તેમના દેશોના રાજકીય ઘટનાક્રમોથી સંકેત મળે છે કે, કપરો સમય હજુ સમાપ્ત થયો નથી. યુએસ હાઉસમાં રિપબ્લિકનના પુનરાગમનનો અર્થ છે કે બાઈડેન યુક્રેનના ખર્ચમાં કાપ મૂકી શકે છે. બીજી તરફ જિનપિંગ પાસે આવતા વર્ષે માર્ચમાં તાઇવાનમાં પોતાની સરકાર સ્થાપવાનો અધૂરો એજન્ડા છે, ત્યાં સુધી તે તાઈવાન પ્રત્યે પોતાના કડક વલણને જાળવી રાખી શકે છે. તેનો અર્થ એ છે કે મોદીએ તાત્કાલિક કુશળ મુત્સદ્દીગીરી અપનાવવાની જરૂર છે, જેથી આગામી વર્ષનો જી-૨૦ એજન્ડા શરૂ થતાં પહેલાં જ ક્ષિતિજ પર છવાઈ રહેલા યુદ્ધનાં વાદળોને દૂર કરી શકાય. તેઓ પહેલાથી જ પોતાની સલાહના માધ્યમથી યુક્રેન મુદ્દે પોતાની છાપ છોડી ચૂક્યા છે કે આ યુદ્ધનો સમય ન હતો.
 
તેમની આ વાતથી જ પ્રેરિત વાત બાલીના ઘોષણાપત્રમાં પણ જોવા મળી કે, આજનો યુગ, યુદ્ધનો યુગ ન હોવો જોઈએ. વડાપ્રધાન મોદીએ ભારતને બુદ્ધ અને ગાંધીની પવિત્ર ધરતી’ જણાવ્યો અને તેઓ ઇચ્છતા હતા કે, ભારતમાં આગામી જી-૨૦ શિખર સંમેલન, વિશ્ર્વ માથે શાંતિના અગ્રદૂત બન્યા. આ એક મોટું લક્ષ્ય છે, જે ‘શિખર સંમેલનના, એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્ય’ના સિદ્ધાંત સાથે પણ બંધબેસે છે. જોકે, આ લક્ષ્ય અત્યંત પડકારજનક છે.
 
 

જી-૨૦માં ભારતની અધ્યક્ષતા વૈશ્ર્વિક રાજનીતિને દિશા ચીંધશે

 
 
ભારતીય વિદેશ નીતિ પરિષદના અધ્યક્ષ ડૉ. વેદપ્રતાપ વૈદિક જણાવે છે કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ બાદ જો દુનિયામાં કોઈ સૌથી શક્તિશાળી આંતરરાષ્ટ્રીય સંગઠન હોય તો તે જી-૨૦ છે એટલે કે ૨૦ દેશનું ગ્રુપ. આ ૨૦ દેશમાં સુરક્ષા પરિષદના પાંચ સ્થાયી સભ્યો ઉપરાંત જર્મની, જાપાન, ઇન્ડોનેશિયા અને સાઉદી અરબ જેવા દેશ પણ સામેલ છે. આ ગ્રુપમાં દુનિયાના પાંચ ખંડનું પ્રતિનિધિત્વ છે. આ સંગઠનની અધ્યક્ષતા ભારતે કરી જે ગર્વની બાબત છે. આ શિખર સંમેલનમાં અમેરિકા, ચીન, બ્રિટન અને ફ્રાંસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન ઇરાદાપૂર્વક ગેરહાજર રહ્યા હતા, કારણ કે રશિયા-યુક્રેન યુદ્ધ મામલે મોટા ભાગના દેશ રશિયાનો વિરોધ કરે છે. પરંતુ ભારતના વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી જયશંકરે ઉપસ્થિતિ નોંધાવી હતી. આગામી જી-૨૦ સંમેલનની અધ્યક્ષતા ભારત જરૂર કરશે, પરંતુ યુક્રેનનો મામલો માથાનો દુખાવો બની રહેશે.
 
દુનિયાના દરેક મહત્ત્વપૂર્ણ દેશ રશિયાની વિરુદ્ધ અથવા સમર્થનમાં છે. કોલ્ડ વૉર બાદ આ પહેલો અવસર છે જ્યારે વૈશ્ર્વિક રાજકારણ બે ભાગમાં વિભાજિત જોવા મળી રહ્યું છે. એક અમેરિકન તરફી ભાગ. બીજો રશિયા-ચીન તરફી ભાગ પરંતુ ભારતની વિશિષ્ટતા છે કે, જેમ નહેરુ કાળમાં ભારત તેઓ બંને જૂથોથી અલગ રહીને બિન-સંરેખિત રાષ્ટોનું નેતૃત્વ કરતું હતું, એ જ રીતે આજે સંભવિત જૂથોથી અલગ રહીને પણ બંને દેશો સાથે જોડાયેલું છે.
 
વડાપ્રધાનશ્રીએ ઇન્ડોનેશિયા પહોંચતાં જ આ વિશિષ્ટ નીતિનો શંખનાદ કર્યો હતો. તેમણે હવે યુદ્ધનો સમય નથી એ નિવેદનને ફરીથી દોહરાવ્યું હતું. હવે રશિયા-યુક્રેન વિવાદ વાતચીતથી ઉકેલાય તે હિતાવહ છે. તેમણે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન અથવા બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક તેમજ ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોનની માફક રશિયા-વિરોધી એકપક્ષીય નિવેદન આપ્યું નથી. તેમણે ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની વિચારધારા દોહરાવી હતી. તેઓ જી-૨૦ સંગઠન મારફતે ત્રણ મહત્વપૂર્ણ મુદ્દા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે.
 
પહેલો મુદ્દો છે- વૈશ્વિક આરોગ્યનો. કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને આપત્તિમાં મૂકી છે. અમેરિકા, ચીન અને યુરોપિયન દેશોમાં આ મહામારીનો પ્રકોપ ભારત કરતાં પણ વધુ રહ્યો છે, પરંતુ ભારતમાં સંસાધનોની અછત છતાં આ મહામારી સામે મક્કમતાથી લડત આપી. મહામારી સિવાય પણ દુનિયાના અનેક દેશોમાં આરોગ્યને લગતી સુવિધાની ખરાબ સ્થિતિ છે. ભારતની અધ્યક્ષતા હેઠળ જો આયુર્વેદ, યોગ, હોમિયોપેથી વગેરેને સમગ્ર દુનિયામાં ફેલાવાય તો વૈશ્ર્વિક સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ભારતનું અમૂલ્ય યોગદાન સાબિત થશે. બીજો મુદ્દો છે -ડિજિટલ ક્રાંતિનો. ભારત આ મામલે અત્યારે દરેક દેશથી આગેકૂચ કરી રહ્યો છે. તેની અધ્યક્ષતામાં આ કામ જો સફળ થાય છે તો સમસ્ત ભારતીય ભાષાઓને તેનું માધ્યમ બનાવવું પડશે અને વિશ્ર્વની દરેક ભાષાઓને યોગ્ય સ્થાન આપવું પડશે. જો દરેક પર માત્ર અંગ્રેજી, ફ્રેન્ચ અથવા હિંદી થોપવામાં આવશે તો વિશ્ર્વવ્યાપી સફળતા હાંસલ કરવી વધુ પડકારજનક સાબિત થશે. વિશ્ર્વની વિભિન્ન ભાષાઓ વચ્ચે પ્રામાણિક અનુવાદની વ્યવસ્થા કરવી પડશે. ત્રીજો મુદ્દો છે- ઊર્જાનો. દુનિયામાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ એ હદે વધ્યો છે કે પ્રદૂષણને કારણે લાખો લોકોનાં મોત થઈ રહ્યાં છે. ઈંધણની કિંમતો પણ આસમાને પહોંચી છે. આ સ્થિતિમાં ઊર્જાના નવા સ્રોતો વિકસિત કરવા તેમજ તેને ઉપલબ્ધ કરાવવાની દિશામાં ભારત જી-૨૦ મારફતે વિશેષ પ્રયાસ કરવા આતુર છે. આ શક્તિશાળી સમૂહની સામે ચિંતન માટેના અનેક મુદ્દા છે. પરમાણુ નિઃશસ્ત્રીકરણ, ઉપભોક્તાવાદ, સંયુક્ત રાષ્ટ્ર સંઘનું સશક્તિકરણ જેવા મુદ્દા છે, જેના પર ભારત વાતચીત માટે પહેલ કરી શકે છે.
 
મહામારી અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયામાં મોંઘવારી, બેરોજગારી વધી છે, પરંતુ ભારતની અર્થવ્યવસ્થાએ આ પડકારોનો દૃઢતા સાથે સામનો કર્યો છે. ભારત આગામી વર્ષે પોતાની અધ્યક્ષતા હેઠળ આ જૂથના પરસ્પર વિરોધી દેશોને પણ એક મંચ પર લાવીને વૈશ્ર્વિક રાજકારણના સેતુને સંતુલિત કરી શકે છે. જી-૨૦ સંમેલન મારફતે ભારત વૈશ્ર્વિક રાજકારણમાં એક અનન્ય સ્થાન બનાવી શકે છે.
 
 

વ્યૂહનીતિ : સ્વરાજ ટાપુ પર જી-૨૦ દેશોના રાજદૂતોએ યોગ કર્યા

 
 
ભારત એક ડિસેમ્બર જી-૨૦ દેશોને અધ્યક્ષ બનશે. તેના પહેલા જી-૨૦ દેશોના રાજદૂતોનું આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ પર એક વિશેષ સેશન આયોજીત કરાયું હતું. તેમાં ૪૦થી વધુ દેશોના રાજદૂતો સામેલ થયા હતા. એક રિસોર્ટમાં રાજદૂતો અને અન્ય પ્રતિનિધિઓએ સવારે યોગ કર્યા હતા.
 
 

ભારતની મજબૂત વિદેશી નીતિનું પરિણામ !

 
 
વિદેશી બાબતોના જાણકાર પ્રો. હર્ષ વી. પંત કહે છે કે, ભારત માટે ખરેખર એ ગર્વ લેવા જેવી વાત છે કે, વડાપ્રધાનના ભાષણનું વાક્ય કે, ‘આ સમય યુદ્ધનો નથી’ને જી-૨૦ના ઘોષણા પત્રમાં સામેલ કરવામાં આવ્યું. આ ભારતની મજબૂત વિદેશનીતિનું પરિણામ છે. જી-૨૦માં રશિયા અંગેના ભારતના વલણને અમેરિકા અને ચીને પણ વખાણ્યું છે. ભારત વિશ્ર્વને વિશ્ર્વાસ અપાવવામાં સફળ થયું છે કે, તે જી-૨૦ની અધ્યક્ષતા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જી-૨૦માં વડાપ્રધાનશ્રીએ જે રીતે બેબાકીપૂર્વક ભારતનો પક્ષ રજૂ કર્યો તેનાથી વિશ્ર્વ આખામાં સ્પષ્ટ સંદેશ ગયો છે કે, ૨૧મી સદીનું ભારત એકદમ અલગ છે. આનાથી આંતરરાષ્ટ્રીય જગતમાં ભારતની એક અલગ જ શાખ અને ઓળખાણ બની છે. ભારતને જી-૨૦નું અધ્યક્ષપદ સોંપવાનો મતલબ ગૃહયુદ્ધ, આર્થિક મંદી અને ઊર્જાની વધી રહેલ કિંમતોથી પરેશાન વિશ્ર્વને ભારતમાં એક આશાનું કિરણ દેખાઈ રહ્યું હોવાનું છે.
 
 
ઉપસંહાર
 
 
આમ, આ શિખર સંમેલનની એક વાત તો સાબિત થઈ ગઈ છે કે, વિશ્વ હવે ભારતનું નેતૃત્વ સ્વીકારવા ધીરે-ધીરે તૈયાર થઈ રહ્યું છે. આજનું ભારત જે કાંઈ બોલે છે તેને વિશ્ર્વ ન માત્ર સાંભળે છે તેનો અમલ પણ કરે છે. કોરોના જેવી કુદરતી મહામારી હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધ જેવી માનવસર્જિત વૈશ્વિક આફત તે અંગે ભારતના વલણનું વિશ્વની મહાસત્તાઓ માટે પણ મહત્ત્વનું બની રહે છે અને ધીરે ધીરે વિશ્વ એ વાતને સ્વીકારવા લાગ્યું છે કે, વિશ્વની તમામ મુશ્કેલીઓ અને પડકારોનું સમાધાન લાવવામાં ભારત મોટી ભૂમિકા ભજવી શકે છે. આમ, વિશ્વને હાલ ભારત તરફે મોટી આશાઓ છે.
 
 
 
 
 
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…