જ્યારે કામ ભારતને તોડવાનું હોય ત્યારે વામપંથીઓ પોતાના કટ્ટર વિરોધી જમણેરીઓ સાથે પણ મળી જાય છે...

...ભારતના હજારો હજારો વર્ષોથી પ્રવાહિત નિત્ય નૂતન અને ચિર પુરાતન ગૌરવશાળી ઈતિહાસના-વારસાના વિકૃતિકરણ માટે એડી ચોટિની તાકાત લગાવી દીધી છે. ભારતની મનઘડંત કથિત જંગાલિયતભરી છબિ ચિતરીને ભારતની મહાન વિરાસતવાળી સાચી છબિને ધૂમિલ કરી દીધી છે. અને બેઉ ભારતના ઉદ્ધાર માટે પ્રતિબદ્ધ હોવાનો, તારણહાર હોવાનો દંભી અંચળો ઓઢીને, ભારત પર દયા ખાઈ રહ્યા હોવાનો ડોળ કરીને સતત માળા જપતા ફરે છે કે...

    06-Dec-2022   
કુલ દૃશ્યો |
 
dalit freedom network and india
 
તાજેતરના નજીકના જ ભૂતકાળમાં આપણે જોયું કે.. પાકિસ્તાન વામપંથી ચીનનું પરમ પીઠ્ઠુ છે, આતંકવાદીઓનો વૈશ્ર્વિક અડ્ડો છે, છતાંય વિશ્વ આખાને આતંકવાદમુક્ત કરવાની ગુલબાંગો પોકારનાર મૂડીવાદી અમેરિકાએ પાકિસ્તાનને શસ્ત્રોની ખેપ સહિત અધધધ ડોલર્સની ખેરાત કરી. આને આપણે મૂડીવાદી અમેરિકાના વર્તમાન પ્રમુખ બાઇડેનનો ડાબેરી ચીન પ્રત્યેનો (વાયા પાકિસ્તાન) પ્રેમભાવ કહીશું કે ભારત પ્રત્યેનો વેરભાવ...???
 
અમેરિકન પ્રમુખ બાઇડેનના થોડા દૂરના ભૂતકાળમાં જઈએ. વોશિંગ્ટનમાં જમણેરી દલિત ફ્રીડમ નેટવર્ક (DFN) દ્વારા ૨૦૦૮ની અમેરિકાની ચૂંટણી પછી કેટલાક શક્તિશાળી ડાબેરીઓ તરફ પણ ધ્યાન આપવાની યોજના વિચારવામાં આવી. આવી યોજના બનાવવાની અનિવાર્યતા ઉપસ્થિત થઈ તેનાં બે મુખ્ય કારણ હતાં.
 
૧. DFNના નિશાના પર દક્ષિણ એશિયા (વિશેષરૂપે ભારત) હતું અને
 
૨. નવા શાસનમાં ઉપપ્રમુખ જોસેફ બાઇડેન પાસે દક્ષિણ એશિયાવિષયક નીતિનો હવાલો રહેવાનો છે તે જાહેર થયું હતું, વળી આ બાઇડેનના મુખ્ય સલાહકાર એવા યોહાન બ્લૅન્કનો ઝોક વામપંથ તરફી હોવાનું DFNના ધ્યાન પર આવેલું. આમ DFNની યોજનાઓ આસાનીથી લાગુ કરી શકાય તે માટે તદ્કાલીન ઉપપ્રમુખ બાઇડેનના મુખ્ય સલાહકાર અને આ સંસ્થાનું કાર્યક્ષેત્ર એવા દક્ષિણ એશિયા અંગેની ચાવીરૂપ ભૂમિકા ભજવનાર યોહાન બ્લૅન્કનું કદ અને વજન DFN માટે પણ સ્વાભાવિક રૂપે વધી ગયું હતું. DFNના અગ્રણી બેન્જામિન માર્શની યોજના પણ સમજવા જેવી છે. બેન્જામિન માર્શ મૂળત: ચુસ્ત કટ્ટર જમણેરી ઈસાઈ. તેમની પાસે નવા શાસનમાં પગ પેસારો કરવા બાઇડેનના મુખ્ય સલાહકાર ઉદારમતવાદી યોહાન બ્લૅન્કની પ્રસંશા કરવાનો એક માત્ર માર્ગ હતો, જેને આપણે અતિ સરળ પણ કહી શકીએ, પરંતુ આ માર્ગ પોતાની કટ્ટર જમણેરી વિચારધારાને બાજુએ રાખીને અપનાવવાનો હોઇ વાસ્તવમાં અત્યંત અઘરો હતો. એમણે યોહાન બ્લેન્ક સાથે મુલાકાત કરીને યોહાન બ્લૅન્ક લિખિત પુસ્તક ભૂરી ચામડીના ઈશ્ર્વર ઍરાની ભૂરી-ભૂરી પ્રશંસા કરી અને કાસ્ટ વિશે લખાયેલા પ્રકરણ માટે તો જાણે સાવ પગે લાગી પડ્યા અને ખુશામત કરતાં કહ્યું કે, આ મુદ્દાને ઐતિહાસિક તો ખરો પણ વિશેષરૂપે માનવશાસ્ત્રીય દ્રષ્ટિકોણથી નિહાળવાનો આપનો અતિ ગંભીર પ્રયાસ છે, જે પ્રસંશનીય છે. યોહાન બ્લેન્કની વિશેષતાને અનુરૂપ એમના મનને જીતીને પરસ્પર ઘોર વિરોધી રાજકીય પક્ષો, શિક્ષણજગતના ખેરખાંઓ અને પ્રોફેશનલ જેવા વિવિધ ફ્રન્ટ પરની હસ્તીઓને કેવી રીતે ભારત વિરોધીની ભૂમિકામાં સક્રિય કરવામાં આવ્યા, એનું આ એક નિવડેલું ઉદાહરણ છે. આ એમની યોજનાના ફળસ્વરૂપે યોહાન નવા ભારતવિભાજનના ઉદ્દેશને વાચા આપતી સરાસર અસત્ય કથિત આર્ય-દ્રવિડ સંઘર્ષની થિયરીના પુરષ્કર્તા બન્યા. આર્યોના દેવતાઓને અનૈતિક અને દ્રવિડોના દેવતાઓને પૂર્ણ નૈતિક ગણાવી આર્ય-દ્રવિડ સંઘર્ષનું બીજારોપણ કર્યું.
 
ઉદારમતવાદી આ કેટલું મજાનું, સાંભળતાં વેંત ગમી જાય તેવું રૂપકડું વિશેષણ છે! વાસ્તવમાં આ ઉદારવાદી, વામપંથીઓની બુદ્ધિજીવી ગેંગ છે. પોતાના DFN માટે જમણેરી બેન્જામિન માર્શે ઉદારમતવાદી યોહાન બ્લૅન્કનું શરણ લીધું અને યોહાન બ્લૅન્કે પણ વ્યૂહાત્મક જોડાણ સાધીને બેન્જામિન માર્શની મદદથી પોતાના વામપંથી એજન્ડાને આગળ વધાર્યો. યોહાન બ્લૅન્કે ૨૦૦૨માં ઍથિક્સ ઍન્ડ પબ્લિક પૉલીસી સેન્ટર દ્વારા આયોજિત પરિષદ ‘હિન્દુ નેશનાલિઝમ વર્સિસ ઈસ્લામિક જિહાદ: રીલિજિયસ મિલિટન્સી ઇન સાઉથ એશિયા’માં ભાગ લીધો, જેનું સહ આયોજક હતું વિનય સેમ્યુઅલના નેતૃત્વવાળું ઈવાંજેલિકલ નેટવર્ક ઇન્ફેમિટ અને એનું સમર્થક હતું ક્રોમવેલ ટ્રસ્ટ, જે ઈસાઈ પંથનો બોધ અને ઉપદેશનો પ્રસાર કરવા માટે સમર્પિત છે. એ સમયે એલ. કે. અડવાણી ભારતના ઉપપ્રધાન મંત્રી હતા. એમને સ્લોબોડાન મિલોસેવિક (Slobodan Milosevic) બનતા રોકવા માટે એમણે નિવેદન આપેલું. ૨૦૦૨નાં રમખાણો બંધ થઈ ગયા પછી પણ તેઓ ચેતવણી આપતા રહ્યા કે, આ હિંસા ભૂલાવી ન જોઈએ અને ભારતમાં હિંસાનું આ ચક્ર ચાલુ જ રહેશે જેનાથી આજે નહીં તો કાલે અમેરિકાના હિતોને હાનિ પહોંચશે એટલે અમેરિકાએ આમાં ઊંડો રસ લેવો જોઈએ.
 
વાસ્તવમાં હિન્દુસ્થાનની રીલિજિયન સંબંધિત બાબતોમાં અમેરિકાનો આ સીધેસીધો હસ્તક્ષેપ જ કહેવાય, છતાં તેને પોતાના સેક્યુલરીઝમનો જ એક ભાગ છે એવું દર્શાવવા માટે યોહાન બ્લૅન્કે ડેમોક્રેટિક પક્ષનો ૨૦૦૮નો અહેવાલ તૈયાર કર્યો હતો. આ અહેવાલમાં એમણે દક્ષિણ એશિયા તરફના વલણમાં નાટકીય વ્યૂહાત્મક બદલાવની આવશ્યકતા માટે ધારદાર રજૂઆત કરી. યોહાન બ્લૅન્કે વોશિંગ્ટન ખાતે ૩૩ પાકિસ્તાન નિષ્ણાતોની સાથે રહીને ઘડી કાઢેલી નવી રણનીતિના આધારે ઓબામા શાસનને પાકિસ્તાનના આગામી ૫ વર્ષીય વિકાસ માટે ૭.૫ અબજ ડૉલર્સની સહાય કરવાના પ્રસ્તાવનો મુસદ્દો ઘડી કાઢ્યો. આ મુસદ્દા મુજબનો જ પ્રસ્તાવ સેનેટર જોસેફ બાઇડેને રજૂ કર્યો. બસ આ જ રીતે અમેરિકા દ્વારા અપાતી મોટાભાગની સહાય સમજૂતીના કરાર વિરુદ્ધ પાકિસ્તાનના સૈન્ય તરફ વાળી દેવાઈ અને ભારત વિરુદ્ધના કાર્યોમાં વપરાઈ, અને આમ એમનો મેળાપીપણાવાળો અંતિમ ઉદ્દેશ સિદ્ધ કરવામાં આવ્યો, આજે પણ આવી રહ્યો છે.
 
કલ્પના કરી શકો કે, આ કહેવાતા ઉદારમતવાદી (વાંચો કટ્ટર વામપંથી) યોહાન બ્લૅન્ક હોપકિન્સ વિશ્ર્વવિદ્યાલયના અધ્યાપક તરીકે ક્યો વિષય ભણાવતા હશે? તેઓ ભણાવતા તે વિષય છે: દક્ષિણ એશિયામાં ધર્મનું રાજકારણ: સામાજિક સંદર્ભે સમાજ અને કોમવાદ આ વાત છે મૂડીવાદી અમેરિકાની, જ્યાં વામપંથ (Communism) અને દક્ષિણપંથ (Nationalism/ Capitalism) આ બંનેનો સંઘર્ષ ડેમોક્રેટસ અને રીપબ્લિકન જેવાં રૂપોમાં કે અન્ય સંગઠનો, અધિષ્ઠાનો, મહાવિદ્યાલયો વગેરેમાં પરાકાષ્ઠાએ હોય છે, પરંતુ (ઉપરોક્ત વિદેશી સંગઠન DFNના નામમાં પ્રયોજાયેલ દલિત શબ્દ જે ઈશારો કરે છે તેને..)જોઈને સ્પષ્ટ વર્તાય છે કે, સાંસ્કૃતિક સભ્યતાથી સજ્જ ભારતના સામાજિક ઐક્યને હાનિ પહોંચાડીને ભારતમાં ‘દલિત મૂવમેન્ટ’ ચલાવીને કન્વર્ઝનના આધારે ક્રિશ્ર્ચિયન ભારતના નિર્માણના મુદ્દે અમેરિકી જમણેરીઓ, વામપંથીઓનો સહયોગ લઈને ભારત વિરોધી ષડયંત્ર (તેમની ભાષામાં.. Agenda for Global Peace)ને અને તેના ક્રિયાન્વયનને આખરી અંજામ કેવી મીલીભગત (કોન્સ્પિરસી)થી આપે છે. આ બેઉના નિશાન ઉપર બેઉનું સમાન શત્રુ એવું ‘હિન્દુસ્થાનનું રાષ્ટ્રીયત્વ’ હોય ત્યારે એ બંને વચ્ચેના પરસ્પરના સૈદ્ધાંતિક વિરોધની સ્હેજેય ચર્ચા પણ ક્યાંય ઉઠતી નથી, ક્યાંય પડઘાતી નથી - ડોકાતી નથી.
આ બેઉનો પરસ્પર વિરોધાભાસ જુવો. એક તરફ અમેરિકાના આધુનિક રૂઢિવાદીઓ એવા દક્ષિણપંથી (જમણેરી)ઓનું એકમેવ્ લક્ષ્ય છે- ક્રિશ્ર્ચિયન ભારત તો બીજી તરફ વામપંથી (ડાબેરી)ઓનું લક્ષ્ય છે- મુસ્લિમ ભારત. છતાં આ પરસ્પર કટ્ટર વિરોધી બેઉ ‘ism’ (વાદ) ભારત વિરુદ્ધ એક બની જાય છે. તેનું મૂળ કારણ એ છે કે, અમેરિકી ડાબેરીઓએ અને અમેરિકાની ઓળખ સમા મૂડીવાદી-જમણેરીઓએ ભારતને જોવાના-જાણવાના જે દ્રષ્ટિકોણો પ્રયત્નપૂર્વક વિકસિત કરેલ છે તેનાં ધોરણો સમાન છે.
 
આ બેઉએ; ભારતના હજારો હજારો વર્ષોથી પ્રવાહિત નિત્ય નૂતન અને ચિર પુરાતન ગૌરવશાળી ઈતિહાસના-વારસાના વિકૃતિકરણ માટે એડી ચોટિની તાકાત લગાવી દીધી છે. ભારતની મનઘડંત કથિત જંગાલિયતભરી છબિ ચિતરીને ભારતની મહાન વિરાસતવાળી સાચી છબિને ધૂમિલ કરી દીધી છે. અને બેઉ ભારતના ઉદ્ધાર માટે પ્રતિબદ્ધ હોવાનો, તારણહાર હોવાનો દંભી અંચળો ઓઢીને, ભારત પર દયા ખાઈ રહ્યા હોવાનો ડોળ કરીને સતત માળા જપતા ફરે છે કે...
 
- ભારતીય સમાજ તો રાષ્ટ્રીયતાની સાંકળોમાં બંધક છે.
 
- અનેક સંસ્કૃતિઓના ટૂકડાઓ, ’રાષ્ટ્રીય એકતા’ નામની જેલમાં સબડે છે.
 
- આ તો બ્રિટિશ શાસન દ્વારા રચાયેલું, નામ માત્રનું રાષ્ટ્ર છે.
 
- ભારતીય સંસ્કૃતિ દમનકારી હોઈ સ્ત્રીઓ, શોષિત-પીડિતો, લઘુમતીઓ અત્યંત બેહાલ છે. વગેરે વગેરે...
 
ભારતે અમેરિકા સહિતના વિદેશોમાંથી સંચાલિત થતી આવી બધી ગતિવિધિઓથી તો સાવધાન રહેવાનું જ છે, પરંતુ તેનાથીય વધુ સાવધાન એ બાબતે રહેવાનું છે કે, સોહામણા મહોરાં પહેરેલી આવી અનેક વિદેશી શક્તિઓ પોતાનાં ષડયંત્રોને પાર પાડવા ભારતના વામપંથી બુદ્ધિજીવીઓને હાથા બનાવે છે અને તે જાણે-અજાણે હાથા બની પણ જાય છે. ભારતના ડાબેરીઓમાં બુદ્ધિજીવી ગણાતાં..
 
- રોમિલા થાપર જે દલીલ કરી રહ્યાં છે કે, સમગ્ર ભારતીય સભ્યતા અને આજનું સમગ્ર ભારત રાષ્ટ્ર; એ વર્ચસ્વ ધરાવનારા સ્થાનિક સમાજનું એક દમનકારી સાધન છે, જેનું ખંડન કરી નાખવું આવશ્યક છે.
 
- ભારત પ્રત્યે ધૃણા ભરેલી માનસિકતાથી પીડિત મીરા નંદા ભારતીય સંસ્કૃતિને અને હિંદુત્વને મૂળથી જ વિજ્ઞાનવિરોધી દર્શાવીને ટીકા કરે છે, તો બીજી તરફ પ્રોટેસ્ટન્ટ પંથીઓને વૈજ્ઞાનિક અને પ્રગતિશીલ અભિગમવાળા ગણે છે. તેઓ ભારતના રાષ્ટ્ર ઘડવૈયાઓને આધુનિક નાઝી માનસિકતાવાળા તરીકે મૂલવે છે.
 
- વિજય પ્રસાદ સમાજના છેવાડાના વર્ગની ઓળખ સ્થાપિત કરવા માટે આફ્રો-દલિત સહયોગને સમર્થન આપતા રહ્યા છે અને ખ્યાતનામ માર્ક્સિસ્ટ સંસ્થાનું નેતૃત્વ સંભાળે છે, જે જુદી જુદી પ્રવૃત્તિઓ થકી અમેરિકાની યુનિવર્સિટીમાં અમેરિકન-ભારતીય યુવાઓની ભરતી કરે છે.
 
આવાં બુદ્ધિજીવીઓનાં જોડાણો, ફંડિંગ સ્ત્રોતો અને એજન્ડા હવે જગજાહેર છે.
 
વિશ્વના ડાબેરીઓ અને જમણેરીઓનો પરસ્પર સંઘર્ષ પરાકાષ્ઠાએ છે, તેમ છતાં પોત-પોતાનાં અલગ અલગ લક્ષ્યને સિદ્ધ કરવા આડે આવતું તે બેઉનું શત્રુ ક્રમાંક એક છે: ભારતનું ‘સ્વ’ એટલે કે ભારતનું રાષ્ટ્રીયત્વ. આને પરિણામે બંને પરસ્પર સાથે રહીને પણ એકબીજાના એજન્ડા સિદ્ધ કરવાનો માર્ગ સુલભ કરે છે. બેઉની આ વ્યાવહારિક સિદ્ધતામાંથી-દક્ષતામાંથી, રાષ્ટ્ર પ્રથમ (Nation First) વાળા વિચારપરિવારનાં સૌ સંગઠનોએ પદાર્થપાઠ લેવા જેવો એટલા માટે જરૂરી લાગે છે કે, રાષ્ટ્ર પ્રથમના મંત્રથી આજે વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રની પોતાની મૂળ રાષ્ટ્રીય ‘સ્વ’ચેતના આળસ મરડીને બેઠી થઇને ઉભી ( પણ થઈ ગઈ છે, અને ભારતના મહાપુરુષોએ સેવેલા સ્વપ્નને સાકાર કરવા માટેની નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે વૈશ્વિક ઉચ્ચતમ ઉડ્ડાન ભરવા માટે કૃત સંકલ્પિત છે.
 
 
(ક્રમશઃ)
 
 
 
 
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.