અફસોસ ! ડૉ. આંબેડકરના અવસાનના દિવસે કલકતામાં રોશની કરવામાં આવી હતી

૬ ડિસેમ્બર, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પૂણ્યતિથિ નિમિત્તે વિશેષ | અનામતની જોગવાઈ બાબતે નહેરુજીએ વિરોધ કરતાં કહ્યું, દુનિયાના કોઈ દેશમાં અનામતની વ્યવસ્થા નથી. ભારતમાં પણ આવી કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થવી જોઈએ. તેવું પંડિતજી માનતા હતા.

    06-Dec-2022   
કુલ દૃશ્યો |

dr babasaheb ambedkar  
 
 

૬ ડિસેમ્બર, ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પૂણ્યતિથિ નિમિત્તે વિશેષ

 
 
પંડિત નહેરુ પોતે ડૉ. આંબેડકરના વિરોધી હતા. જ્યારે ભારતનું બંધારણ ઘડવાનું જાહેર થયું ત્યારે બંધારણ કોણ ઘડે તે પ્રશ્ર્ન ઊભો થયો. તે સમયે કાયદાના નિષ્ણાત કહી શકાય તેવા બાબાસાહેબ આંબેડકર આપણી પાસે હતા, પરંતુ ભારતનું બંધારણ ડૉ. આંબેડકર ઘડે તે નહેરુજીને પસંદ ન હતું. નહેરુજી બંધારણ ઘડવાનું કામ બે વિદેશી કાયદાશાસ્ત્રીઓને સોંપવા માગતા હતા. જ્યારે ગાંધીજીને આની ખબર પડી ત્યારે તેમણે નહેરુજીને બોલાવ્યા અને કહ્યું, દુનિયા આપણને શું કહેશે ? શું ભારતમાં બંધારણશાસ્ત્રનો કોઈ જાણકાર જ નથી ? થોડા મૌન પછી ખૂબ વિશ્ર્વાસપૂર્વક મક્કમતાથી ગાંધીજીએ સરોજીની નાયડુની હાજરીમાં જ પંડિતજીને સંભળાવી દીધું કે ત્યાં શા માટે જવું જોઈએ ? આપણે ત્યાં આંબેડકર છે જ. નહેરુજીને ગાંધીજીની વાત માનવી પડી અને પોતાની અનિચ્છાએ પણ બંધારણ ઘડવાનું કામ ડૉ. આંબેડકરજીને સોંપવું પડ્યું.
 

કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થવી જોઈએ... 

 
બંધારણમાં દલિતો અને આદિવાસીઓની અનામતનો પ્રશ્ર્ન આવ્યો ત્યારે નહેરુજીની દલિત વિરોધી માનસિકતા ફરી ખુલ્લી પડી ગઈ. અનામતની જોગવાઈ બાબતે નહેરુજીએ વિરોધ કરતાં કહ્યું, દુનિયાના કોઈ દેશમાં અનામતની વ્યવસ્થા નથી. ભારતમાં પણ આવી કોઈ પણ પ્રકારની અનામત વ્યવસ્થા ન થવી જોઈએ. તેવું પંડિતજી માનતા હતા. અહીં ફરી એક વાર ગાંધીજીને દરમિયાનગીરી કરવી પડી. ગાંધીજીએ નહેરુજીને આગ્રહપૂર્વક સમજાવ્યા અને ગાંધીજીના આગ્રહને કારણે માત્ર ૧૦ વર્ષ માટે દલિતો અને આદિવાસીઓ માટે બંધારણમાં અનામતની જોગવાઈ માટે નહેરુજી સહમત થયા.
 

આ વિધેયક અનામત વ્યવસ્થાને ખતમ કરવાની શરૂઆત છે.... 

 
એક ખૂબ હચમચાવી દે તેવી ઘટના સન ૧૯૫૭માં યોજાયેલ ચૂંટણી વખતે બની. સન ૧૯૫૭માં શ્રી વી.વી. ગિરિ સંસદની બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા. તે સમયે પ્રત્યેક નિર્વાચન ક્ષેત્રમાં બે બેઠકો રહેતી. જે પૈકી એક બેઠક સામાન્ય સીટ અને બીજી બેઠક આરક્ષિત-અનામત બેઠક માટે રહેતી. અલબત્ત, તમામ મતદારો એક સાથે આ બન્ને બેઠકો માટે મતદાન કરતા. આ ચૂંટણીનું જ્યારે પરિણામ આવ્યું ત્યારે શ્રી વી.વી. ગિરિ કરતાં તે બેઠકના દલિત ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા. ચૂંટણી અધિકારીએ આરક્ષિત (રિઝર્વ્ડ) દલિત ઉમેદવારને સામાન્ય સીટ પરથી વિજયી ઘોષિત કરી દીધા અને આરક્ષિત અનામત સીટ પર જેને સૌથી વધારે મત મળ્યા તે દલિત ઉમેદવારને પણ આરક્ષિત સીટ ઉપરથી જીતેલા જાહેર કરી દીધા. આમ બંને બેઠકો પર દલિતો જીતી ગયા અને શ્રી વી.વી. ગિરિ હારી ગયા. શ્રી વી.વી. ગિરિએ હાઈકોર્ટમાં યાચિકા દાખલ કરી પણ હાઈકોર્ટેં તેમની યાચિકા નામંજૂર કરી દીધી. આ જોઈ પંડિત નહેરુ ગિન્નાયા. તેમનો દલિત વિરોધી ભાવ પ્રખરપણે પ્રદર્શિત થઈ ગયો. આ અપમાનનો બદલો લેવા માટે નહેરુજીના કહેવાથી કોંગ્રેસે સંસદમાં એક વિધેયક રજૂ કર્યું અને અગાઉ જે પ્રત્યેક નિર્વાચન ક્ષેત્રમાં બે બેઠકો હતી. (જેમાંથી એક બેઠક દલિત માટે હતી.) તે વ્યવસ્થા જ રદ કરી દીધી. તેમણે દલિતોના અધિકાર પર તરાપ મારી પોતાની દલિતવિરોધી માનસિકતા ખુલ્લી પાડી દીધી. સંસદમાં જ્યારે ઉપરોક્ત વિધેયક બાબતે ચર્ચા ચાલતી હતી ત્યારે સાંસદ મહાવીર ત્યાગીએ આ વિધેયક બાબતે નહેરુજીની ટીકા કરતાં ભરી સંસદમાં કહ્યું કે, આ વિધેયક અનામત વ્યવસ્થાને ખતમ કરવાની શરૂઆત છે.
 
 

બાબાસાહેબને ચૂંટણીમાં હરાવી દીધા....

 
 
ડૉ. આંબેડકરજીને નહેરુજી ૧૯૩૯માં પહેલી વાર મળ્યા હતા. તે પહેલા પંડિતજીએ તેમને મળવાની તક પણ આપી ન હતી.
૧૯૫૨ની પહેલી લોકસભાની ચૂંટણી વખતે ડૉ. આંબેડકરજીએ રિપબ્લિકન પાર્ટી તરફથી ચૂંટણીમાં ઉમેદવારી કરી. બધા કૉંગ્રેસીઓની ઇચ્છા હતી કે જેમણે ભારતનું બંધારણ ઘડવાનું મહાન કાર્ય કર્યું છે તેવા બાબાસાહેબની સામે કૉંગ્રેસે ઉમેદવાર ઊભો ન રાખવો જોઈએ અને ડૉ. આંબેડકરજીને બિનહરિફ ચૂંટાવા દેવા જોઈએ, પણ નહેરુજી માન્યા નહીં. બધાની ઇચ્છા વિરુદ્ધ નહેરુજીએ પોતાના પરિવારની ખૂબ નજીક હતા તેવા હરિ નામના એક દલિતને ડૉ. આંબેડકરની સામે ઊભા રાખ્યા અને પોતાની પ્રતિષ્ઠાનો ઉપયોગ કરી બાબાસાહેબને ચૂંટણીમાં હરાવી દીધા.
 

 આનાથી અફસોસજનક બાબત બીજી કઈ હોઈ શકે ?

 
એથીય એક સાવ નિષ્ઠુર કામ પંડિતજીની ઇચ્છાથી થયું. નહેરુજીના નિમંત્રણને માન આપી ચીની વડાપ્રધાન ચાઉ-એન-લાઈ ૧૯૫૬ની ૨૮મી નવેમ્બરે ભારત આવ્યા. ચાઉ-એન-લાઈને આવકારવા ઍરપોર્ટ પર પ.બંગાળના ગવર્નર પદ્મજા નાયડુ અને મુખ્યપ્રધાન ડૉ. બી.સી. રૉય ઉપસ્થિત રહ્યા. ચાઉ-એન-લાઈ ભારતમાં ૧૨ દિવસ સુધી જુદી જુદી જગ્યાએ ફર્યા. દુર્ભાગ્યે ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનું અવસાન થયું અને બરાબર આ જ દિવસે ચાઉ-એન-લાઈ કલકત્તામાં આવ્યા. ચીનના વડાપ્રધાનને ખુશ કરવા કલકત્તાની તમામ સરકારી કચેરીમાં અને જાહેર ઇમારતો પર ભવ્યાતિભવ્ય રોશની કરવામાં આવી. ચીની મહેમાનના સ્વાગતના અતિ ઉત્સાહમાં ડૉ. આંબેડકરજી જેવા મહામાનવના મોતનો મલાજો પણ જાળવી શકાયો નહીં, આનાથી અફસોસજનક બાબત બીજી કઈ હોઈ શકે ?
 
 

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.