સંસ્કૃતિ સુધા - વિશ્ર્વનું સૌથી શ્રેષ્ઠ સંવાદ કાવ્ય ગીતા છે.

જેમણે ગીતાનું અધ્યયન નથી કર્યું એને હિન્દુસ્તાની કેમ કહેવો ? ગીતા એક અદ્ભુત ઝરણું છે, જેમાં ડૂબકી દેવાથી અંદરથી પણ ભીંજાઈએ છીએ.

કુલ દૃશ્યો |
 
gita
 

ગીતા ગાતા ચલ...

 
 
વિશ્ર્વનું ઉત્તમ સાહિત્ય ભારતીય ભાષામાં અનુવાદિત થયું પણ ભારતીય સાહિત્ય વિશ્ર્વમાં બહુ ઓછું અનુવાદિત થયું છે. બાકી આપણે ત્યાં સર્જકતાનો ધોધ વહે છે. મોનોપોલી અને માર્કેંટિંગના અભાવે આપણે ઊણા ઊતર્યા. ભૌતિકશાસ્ત્રમાં કરેલા અપ્રતિમ પ્રદાન માટે ૧૯૨૨માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ નીલ્સ બોર કહે છે કે જ્યારે હું પ્રશ્ર્નોથી વ્યાકુળ બનું છું ત્યારે જવાબ શોધવા ગીતાનું અધ્યયન કરું છું.
 
ગીતાનો આરંભ ધૃતરાષ્ટ ઉવાચથી થાય છે અને સમાપન સંજય ઉવાચથી થાય છે. મતલબ કે ગીતા વાંચતા પહેલાં જો તમે અંધ હો તો પણ વાંચ્યા પછી તમને સંજય દૃષ્ટિ મળવાની છે એ નક્કી. પાંચ હજાર વર્ષ પૂર્વે રચાયેલ વેદવ્યાસ રચિત મહાભારતનો ઉત્તમ અંશ ગીતા અંદરના અવાજને આલેખે છે. મહાભારતમાં નથી તે જગતમાં ક્યાંય નથી. વિચારથી અંધ હોઈએ તો કેવું પીડાદાયક પરિણામ આવી શકે છે તે જ્ઞાન અહીં લાધે છે. ૧૮મી સદીમાં વોરન હેસ્ટિંગ્સએ વિલ્કીન્સન પાસે ભગવદ્ગીતાનો અનુવાદ અંગ્રેજીમાં કરાવ્યો. વિશ્ર્વની મોટાભાગની ભાષામાં પણ અનુવાદ થઈ ચૂક્યો છે. જેમ તુલસીદાસે રામાયણને લોકભોગ્ય શૈલીમાં ઉતારી એમ જ્ઞાનેશ્ર્વરે ગીતાને મરાઠીમાં લખી હતી. ગાંધીજીથી ગુણવંત શાહ સુધીના લેખકો દ્વારા ગુજરાતીમાં ગીતાની સમજૂતી આપતાં ૫૦૦ જેટલાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. ગીતાના ૨૪,૪૪૭ અક્ષરોની સુગંધ બગીચાનાં જુદાં જુદાં ફૂલો જેવી છે. યુદ્ધભૂમિના પ્રથમ અધ્યાયથી ત્યાગની પૂર્ણતાના અઢારમા અધ્યાય સુધીની ભાષા સાતત્યપૂર્ણ છે. મોટાભાગના શ્ર્લોકોને અનુષ્ટુપની ચાલમાં ઢળવું ગમ્યું છે.
 
વિશ્ર્વનું સૌથી શ્રેષ્ઠ સંવાદ કાવ્ય ગીતા છે. સંજય અને ધૃતરાષ્ટ મૂક સાક્ષી છે. કોઈ કાવ્ય શ્ર્લોક સુધી પ્રલંબાય અને લોકના શ્ર્વાસ સુધી વિસ્તરે એ શબ્દની ઊર્જા છે. કૃષ્ણ અર્જુનને ગુરુ તરીકે નહીં, પણ સખાના સહભાવે ઉપદેશ આપે છે. જો કે, ઉપદેશ કે આદેશનું અર્થઘટન આપણે કર્યું છે, કૃષ્ણએ તો ગીતાની ગોઠડી માંડી હતી. શોકમાંથી શ્ર્લોક તરફ જવાની ગતિ હતી. જગતની સૌપ્રથમ મોટિવેશનલ સ્પીચ કુરુક્ષેત્ર નામના ઓપન થિયેટરમાં અપાઈ હતી. એકે હજારા જેવો એક જ શ્રોતા હતો અને એ પણ મૂંઝાયેલો અને મુરઝાયેલો, પણ કૃષ્ણ જેનું નામ. થોડીવારમાં તો શ્રોતાને પોતાના વશમાં કરી લે. ઉત્તમ વક્તા કદી પ્રેક્ષકોને અન્ડર એસ્ટીમેટ કરતા નથી. તમને તમારા શબ્દોમાં વિશ્ર્વાસ હશે તો અક્ષૌહિણી સેના પણ પાણી ભારે છે. હારને પણ હરાવે એ કૃષ્ણ. ગીતામાં કહ્યું અને ગીતાકુમારી ફોગાટે કર્યુ છે તેમ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન.
શું કરવું ? એ રામાયણમાંથી શીખવા મળે છે અને શું ન કરવું ? એ ગીતામાંથી જાણવા મળે છે. યુદ્ધથી કદી સમૃદ્ધ થવાશે નહીં. જગતનું સૌપ્રથમ લાઇવ ટેલિકાસ્ટ સંજયે કર્યું હતું. સંજય સાચો પત્રકાર હતો. બ્રેકીંગ ન્યુઝ કે સબસે પહેલેના નામે ભળતીસળતી મસાલેદાર માહિતી સંજયે આપી ન હતી. કેમેરાની આંખે દોરવાતા દર્શકો પણ ધૃતરાષ્ટ જેમ અંધ જ હોય છે. પણ સમગ્ર ગીતાનો સાર બીજા અધ્યાયના આ શ્ર્લોકમાં આવી જાય છે. ક્લેબ્યં મા સ્મ ગમઃ નૈતત્વચ્યુપપધ્યતે । ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠં પરન્તપ ॥ અર્જુનને પૃથાપુત્ર તરીકે સંબોધાયો છે. કૃષ્ણના પિતા વાસુદેવનાં બહેન પૃથા હતાં. આ રીતે કૃષ્ણએ અર્જુન સાથેની લોહીની સગાઈ સ્મરી હતી. સામે રણભૂમિમાં સગાઓને જોઈને નર્વસ થઈ ગયેલ અર્જુનને કહ્યું, કિસનને કહા અર્જુનસે, ના પ્યાર બડા દુશ્મન સે, યુદ્ધ કર. અર્જુન અને દુર્યોધનની માનસિકતામાં જમીન-આસમાનનો ફેર હતો. જ્યારે યુદ્ધભૂમિમાં અર્જુનને પૂછવામાં આવ્યું કે સામે કોણ છે ત્યારે જવાબ મળેલો કે મારા સ્વજન. આ જ પ્રશ્નનો જવાબ દુર્યોધન આપે છે કે મારા દુશ્મનો.
 
ક્ષત્રિય કદી પીછેહઠ કરતો નથી. જો એમ કરે તો એ ક્ષત્રિય નથી. યુદ્ધમાં હારવું ક્ષમ્ય છે, પણ પીઠ દેખાડવી પાપ છે. આજે પણ આપણે ધર્મસ્થાનોમાં દર્શન કર્યા પછી પીઠ નથી બતાવતા. પરંપરા કહે છે કે પરિસ્થિતિથી ભાગી ન છૂટો. અર્જુનની લાગણીને કૃષ્ણએ દુર્બળતા માની છે. આવી મિથ્યા ઉદારતા અને કહેવાતી અહિંસાનો ત્યાગ કરવા કૃષ્ણ કહે છે. પરંતપ (દુશ્મનોનું દમન કરનાર) સંબોધન દ્વારા અર્જુનને તેની પોતાની ઓળખ કૃષ્ણએ આપી ત્યારે હનુમાનજીની જેમ પોતાની ભુલાયેલી શક્તિનો અર્જુનને પરિચય થાય છે.
 
આખરે તો માણસનું કર્મ જ જીવનને સુવાસિત કરે છે. જેમણે ગીતાનું અધ્યયન નથી કર્યું એને હિન્દુસ્તાની કેમ કહેવો ? ગીતા એક અદ્ભુત ઝરણું છે, જેમાં ડૂબકી દેવાથી અંદરથી પણ ભીંજાઈએ છીએ. સાચા દિલથી સાદ કરો તો આપણામાં જીવતા આશંકાયુક્ત અર્જુનની આંગળી કૃષ્ણ પકડે જ છે.
 
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.