પ્રાર્થનાને પાંખો હોય છે. તમારી પ્રાર્થનાની તાકાત ચકલી જેવી હશે તો ધીમે ધીમે પહોંચશે અને ગરુડ જેવી હશે તો...

22 Feb 2022 11:48:12

parthana 
 

પ્રાર્થનાને પાંખો હોય છે

 
 
‘ફૂટ પ્રિન્ટ્સ’ નામની અંગ્રેજી કવિતામાં રણમાં એક વ્યક્તિ ચાલી જાય છે એનાં પગલાં રેતીમાં પડે છે અને બાજુમાં પણ બીજાં પગલાં પડતાં જાય છે જે ઈશ્ર્વરનાં પગલાં હતાં. થોડા સમય બાદ બાજુનાં પગલાં ગુમ થઈ જાય છે. ત્યારે માણસ ભગવાનને કહે છે કે ઈશ્ર્વર, હું તારા ભરોસે તને સાથે લઈને જીવનના આ માર્ગ પર ચાલી નીકળ્યો હતો પણ મારો સંકટનો સમય આવ્યો ત્યારે માણસોએ તો સાથ છોડ્યો, તેંય સાથ છોડી દીધો ? ત્યારે ભગવાન કહે છે કે જે પગલાં પડે છે એ તારાં છે જ નહીં ? પણ મારાં છે. સંકટથી તું એટલો ઘેરાયેલો છે કે ચાલી શકે એમ જ નથી એથી હું તને તેડીને ચાલું છું.
 
મંદિરના પગથિયે પગરખાં સાથે અભરખા ઉતારી શકીએ તે જ સાચી પ્રાર્થના. ઈશ્ર્વર પાસે બીજા માટે માગીએ એ પ્રાર્થના પણ પોતાના માટે માંગીએ એને યાચના કહેવાય છે. મંદિરની બહાર બેઠેલા ભિખારીઓની જેમ અંદર પણ ભિખારીઓ જ હોય છે. બહારવાળા માણસ પાસે માગે છે એટલે ખપ પૂરતું મળે છે, અંદરવાળા ઈશ્ર્વર પાસે યાચે છે એટલે અઢળક - અમર્યાદ મળી શકે છે. બંદગીનો મામલો આખો અંદરના પ્રદેશનો છે. નિશાળમાં મોટેથી બોલાતી પ્રાર્થના માત્ર રિયાઝ અને રિવાજ બની જાય છે. પરાણે કરાતી પ્રાર્થના પણ બાળમજૂરી જેવી જ છે. આપણે જ્યારે એકાંતની ક્ષણમાં હોઈએ ત્યારે જ સાક્ષાત્કાર સુધી વિસ્તરી શકીએ છીએ. આવા સમયે ખુદ સાથે કરેલો સંવાદ આપણને ખુદા સુધી પહોંચાડે છે. કીડીના પગમાં બાંધેલા ઝાંઝરને પણ માલિક સાંભળતો હોય તો પછી લાઉડ સ્પીકર અને લાઉડ પ્રેયરની જરૂર શું છે ? પોતાની સુગંધને માણી શકીએ ત્યારે જ ભૂલભરેલું જીવન ફૂલભરેલું બને છે.
 
મહાભારતમાં એક જગ્યાએ કહેવામાં આવ્યું છે કે, એક વલં યથા દુગ્ધં ભિન્નવલાઁસુ ધેનેષુ । તથૈવ ધરમવૈચિત્ર્યં તત્વમેકં પરં સ્મૃતં । ગાયના રંગ જુદા જુદા હોવા છતાં તેનું દૂધ તો સફેદ રંગનું જ હોય છે. એવી જ રીતે બધા ધર્મો અલગ અલગ હોવા છતાં ફલશ્રુતિ તો એક જ છે. વિવિધ સંપ્રદાયો અંતે તો એક ઈશ્ર્વરને પામવાના અલગ અલગ રસ્તાઓ છે. કમનસીબે આપણે પ્રાર્થનાને મોટે ભાગે ધર્મ સાથે જોડી દીધી છે. ખરેખર તો એ ખોટું છે. પ્રાર્થના એ અંગત મામલો છે. પ્રાર્થનાને મંદિર-મસ્જિદ -દેવળ સાથે સીધો કોઈ સંબંધ નથી.
 
ઈશ્ર્વર સાથેનું ડાયરેક્ટ ડાયલિંગ એટલે પ્રાર્થના. હા, ધર્મસ્થાનો પ્રાર્થના કરવા માટેનું વાતાવરણ ચોક્કસ રચી આપે છે. સ્ટેપીંગ સ્ટોન તરીકે એનું ચોક્કસ મૂલ્ય છે. ધર્મગુરુઓ એવું જાહેર કરે છે કે પ્રાર્થનામાં જે થાય તે બીજે ક્યાંય નહીં થાય ત્યારે નિરાશારામબાપુનું સર્જન થાય છે. શુદ્ધ મનની પછેડી પાથરીને વિચારોથી વજુ કરીએ એટલે ઇબાદત થઈ જાય છે. સ્નાનથી શરીર સ્વચ્છ થાય છે એમ પ્રાર્થનાથી મન સાફ થાય છે. જ્યાં માનવીય શક્તિ અટકી જાય ત્યાંથી ઈશ્ર્વરીય શક્તિનો પ્રારંભ થાય છે.
 
સોક્રેટિસે કહ્યું છે કે, ‘I pray thee, O God, that I may be beautiful within’ આપણે ત્યાં આંતરિક સૌન્દર્યનું મૂલ્ય બહુ ઓછું અંકાયું છે અથવા મોડું જોવાયું છે. પ્રથમ નજરે બાહ્ય દેખાવનું મૂલ્ય મપાય છે. જમાનો રૂપકડા પેકિંગનો છે. પણ પ્રાર્થના અંજાઈ જાય એવી નહીં ભીંજાઈ જાય એવી હોવી જોઈએ. આંતરિક શક્તિ જેટલી સમૃદ્ધ એટલા જ આપણે સાબૂત-સબૂત. એક સંત સવારે જે જગાએ પ્રાર્થના કરતા ત્યાંથી કોઈ અદ્ભુત સુગંધ આવતી. જેવા એ પ્રાર્થના કરીને ઊભા થતા કે એ સુગંધ પણ અલોપ થઈ જતી હતી.
 
પ્રાર્થનાને પાંખો હોય છે. તમારી પ્રાર્થનાની તાકાત ચકલી જેવી હશે તો ધીમે ધીમે પહોંચશે અને ગરુડ જેવી હશે તો ઝડપથી પહોંચશે. પોતાનું કામ પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરવું એ પણ એક પ્રાર્થના જ છે. પ્રાર્થનાના વિવિધ પ્રકારો આ રહ્યા... બાળકો સાથે રમવું, પુસ્તક વાંચવું, સહૃદયીઓનો સંગ કરવો, અજાણ્યાને મદદ કરવી, વૃક્ષને પાણી પાવું, રસ્તા પરથી પથ્થર દૂર કરવા વગેરે. તમને પોતાને અંતરના આનંદનો ઓડકાર આવે એવું કોઈ પણ કાર્ય પ્રાર્થના જ હોય છે. એકવાર એક બાળક મંદિરમાં કક્કો બોલતો હતો. ત્યારે પૂજારીએ કારણ પૂછ્યું તો બાળક કહે કે ઈશ્ર્વરથી મોટો કોઈ કવિ નથી. હું કક્કો બોલું છું એમાંથી ઈશ્ર્વર પોતાને ગમતી કવિતા બનાવી લેશે. નિદા ફાઝલી કહે છે...
 
પૂજા સબકી એક સી અલગ અલગ હર રીત,
મસ્જિદ જાયે મૌલવી, કોયલ ગાયે ગીત.
 
 
 
 
Powered By Sangraha 9.0