હિઝાબ વિવાદ : વિશ્ર્વભરની લિબરલ લોબીનાં બેવડાં વલણો

ઘૂંઘટ પ્રથાને મહિલાઓના પછાતપણા માટે જવાબદાર ગણાવી છાસવારે હોહા મચાવનાર બૌદ્ધિકો હિઝાબના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને આવી વાતો જ્યારે પ્રખ્યાત શાયર-ગીતકાર જાવેદ અખ્તર અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા લોકો કરે છે ત્યારે કટ્ટરવાદીઓનો જુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.

    23-Feb-2022
કુલ દૃશ્યો |

What is hijab issue

એવું તો શું થયું કે હિઝાબ-બુરખો ભણતરથી પણ વધુ જરૂરી થઈ ગયો છે?!

દેશમાં જ્યારે પણ લઘુમતી વિશેષ કરીને મુસ્લિમ સમુદાય સંબંધિત વિવાદ ઊભો થાય છે ત્યારે તથાકથિત ઉદારવાદી બુદ્ધિજીવીઓનાં બેવડા વલણો સામે આવી જાય છે. આ બુદ્ધિજીવીઓનાં બેવડાં વલણોને કારણે જ દેશના કટ્ટરપંથીઓ બેફામ બને છે અને આવું દેશને આઝાદી મળી તે પહેલાંથી ચાલતું આવ્યું છે. કર્ણાટક રાજ્યમાંથી પેદા થયેલ અને હાલ સમગ્ર દેશમાં ફેલાઈ રહેલ હિઝાબ વિવાદ મુદ્દે પણ આવું જ થઈ રહ્યું છે. ઘૂંઘટ પ્રથાને મહિલાઓના પછાતપણા માટે જવાબદાર ગણાવી છાસવારે હોહા મચાવનાર બૌદ્ધિકો હિઝાબના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને આવી વાતો જ્યારે પ્રખ્યાત શાયર-ગીતકાર જાવેદ અખ્તર અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા લોકો કરે છે ત્યારે કટ્ટરવાદીઓનો જુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે.
 
 
કર્ણાટકના ઉડ્ડુપી જિલ્લાની કોલેજમાં ઊભો થયેલ હિઝાબ વિવાદ પહેલા સ્થાનિક ત્યારબાદ રાષ્ટીય અને હવે આંતરરાષ્ટીય વિવાદનું રૂપ લઈ રહ્યો છે. સૌપ્રથમ વાત આ આખા વિવાદ અને આખો વિવાદ ઊભો કરનારી મુસ્લિમ વિદ્યાર્થિનીઓ વિશે. વિવાદ ઊભો કરનાર આ મુસ્લિમ વિદ્યાર્થિનીઓના નામ છે મુસ્કાન, જૈનબ, આયષા અને આલિયા, કર્ણાટક હાઈકોર્ટમાં હિઝાબના સમર્થનમાં જે અરજી દાખલ કરાઈ છે તેમાં આ યુવતીઓ પણ સામેલ છે. મજાની વાત એ છે કે આ યુવતીઓના અહીં ઘણા સમયથી ભણી રહી છે, પરંતુ આ અગાઉના કોલેજના કોઈપણ કાર્યક્રમમાં તેઓએ હિઝાબ પહેર્યો નથી. અને આ અંગેના વિડિયો અને તસવીરો પણ અનેક ન્યૂઝ ચેનલ્સ અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. તો પછી અચાનક એવું તો શું થયું કે હિઝાબ-બુરખો તેમના માટે ભણતરથી પણ વધુ જરૂરી થઈ ગયો અને તેના માટે આટલો મોટા વિવાદ ઊભો કર્યો ? જેમ જેમ આ મુદ્દો તુલ પકડતો જાય છે તેમ તેમ આની પાછળ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે, આ આખા વિવાદનાં મૂળમાં ‘પીએફઆઈ’ અને ‘સીએફઆઈ’નો હાથ હોવાનું ખુલ્યું છે. પીએફઆઈ આ નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા નામના આ કટ્ટરવાદી મુસ્લિમ યુવા સંગઠન પર રાજનૈતિક હત્યાઓ કરવાના હિંસા ભડકાવવા, ઇસ્લામિક સ્ટેટ માટે આતંકીઓની ભરતી કરવા સહિતના આરોપ લાગેલા છે. ૨૦૧૨માં કેરલ સરકારે પણ આ સંગઠનને દેશની સુરક્ષા માટે ખતરો ગણાવ્યું હતું. આની જ એક વિદ્યાર્થી પાંખ ‘સીએફઆઈ’ એટલે કે ‘કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા’ છે. જે મુસ્લિમ વિદ્યાર્થિઓને ભડકાવવાનું કામ કરે છે. ગત વર્ષે જ આ સંગઠને કર્ણાટકની જે ઉડ્ડુપી કોલેજમાં આ આખો વિવાદ ઊભો થયો છે ત્યાં પગપેસારો કર્યો હતો અને તેના ગણતરીના દિવસોમાં જ આ યુવતીઓ તેની સભ્ય બની હતી. આ સંગઠને ત્યાર બાદ ધડાધડ હેસટેગ ચલાવવા માંડ્યા હતા. તેનું પહેલું હેસટેગ કેમ્પેન ૧ નવેમ્બર, ૨૦૨૧ના રોજ નેશનલ એજ્યુકેશન પોલિસી વિરુદ્ધ હતું. આ તમામ યુવતીઓએ તેજ હેસટેગ અને ટ્વિટને કોપી કરી પોતાના ટ્વિટર એકાઉન્ટ પર રીટ્વિટ કર્યું હતું. ત્યાર બાદ ૮ નવેમ્બર, ૨૦૨૧ના રોજ બાબરી મસ્જિદ વિકિટમ ઓફ ઇનજસ્ટિસ નામે હેસટેગ ચલાવવામાં આવ્યું હતું, તેમાં પણ તેમના ટ્વિટ નીચે કેમ્પસ ફ્રન્ટ ઓફ ઇન્ડિયા લખેલું છે. ત્યાર બાદ ૧૯ નવેમ્બર, ૨૦૨૧ના રોજ સેવ કર્ણાટકા ફ્રોમ ફાસિસ્ટનું ચલાવવામાં આવ્યું હતું. અહીં પણ આ જ ચારેય વિદ્યાર્થિનીઓ એ જ એક સરખા ટ્વિટ અને તેજ ટૂલકીટ-૨૧ નવેમ્બર, ૨૦૨૧ સીએફઆઈ દ્વારા ટ્વિટર પર વધુ એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યું, અજાન એક ઉત્કૃષ્ટ અવાજ જેને પણ આ જ વિદ્યાર્થિનીઓએ કોપી પોસ્ટ કરી આગળ વધાર્યું. આ માહિતી બાદ એટલું તો સ્પષ્ટ થઈ જાય છે કે હિઝાબને હાથો બનાવી કર્ણાટકની કોલેજોમાં કોઈક મોટું કરવાનું ષડયંત્ર રચાઈ રહ્યું છે અને જે યુવતીઓ હાલ મુસ્લિમોમાં હિઝાબ ગર્લ નામે પ્રખ્યાત થઈ ગઈ છે, તેમનું બ્રેઈન વોશ કરી કટ્ટરવાદી તત્ત્વો પોતાના રોટલા શેકી રહ્યો છે.
 
 
જાવેદ અખ્તરનું બેવડું વલણ
 
 
કર્ણાટક હિઝાબ વિવાદમાં ઝંપલાવતા સુપ્રસિદ્ધ ગીતકાર જાવેદ અખ્તરે એક ટ્વિટ કરી હતી કે બુરખા અને હિઝાબ મુદ્દે મારું વલણ આજે પણ સ્પષ્ટ છે. પરંતુ હિઝાબ પહેરેલી યુવતીને ડરાવનારા, ધમકાવનારા ગુંડાઓની નિંદા કરું છું. તેઓ કેવા પ્રકારની મર્દાનગી બતાવી રહ્યા છે. પરંતુ શું ખરેખર હિન્દુ યુવકોનું ગ્રુપ બુરખો પહેરેલી મુસ્લિમ યુવતીને ધમકાવી રહ્યું હતું ? વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ભગવા ગમછા નાખેલ વિદ્યાર્થીઓનું એક ટોળું જયશ્રી રામના નારા લગાવી રહ્યું છે ત્યારે જ એક બુરખો પહેરેલી વિદ્યાર્થિની ત્યાંથી પસાર થાય છે અને અલ્લાહ-હુ-અકબરના નારા લગાવે છે, જેના પ્રત્યુત્તરમાં વિદ્યાર્થીઓ પણ સામે જયશ્રી રામના નારા લગાવે છે. જાવેદ અખ્તર જેવા બુદ્ધિજીવીઓ આ ઘટનાને મુસ્લિમ વિદ્યાર્થિનીની નીડરતાને હિન્દુ વિદ્યાર્થીઓની નામર્દાનગી સાથે જોડી દીધી, પરંતુ ચિત્ર ઊલટું હોત તો. જો અલ્લાહુ અકબરના નારા લગાવનારી મુસ્લિમ ભીડ સામે કોઈ હિન્દુ યુવતી જય શ્રીરામ કે, હર... હર... મહાદેવના નારા લગાવત તો તેની હાલત શું થાત ? એનો જવાબ આપણા દેશના કથિત બુદ્ધિજીવીઓ બરાબર જાણે છે.
 
આ વિવાદના પરિપ્રેક્ષ્યમાં જ એક ઘટના કર્ણાટકમાં બની, પરંતુ અફસોસ ! હિન્દુ વિદ્યાર્થીઓને આતંકવાદી કહેનારા બુદ્ધિજીવીઓનું રૂંવાડું પણ ફરક્યું નથી. અહીંના દાવણગેરે જિલ્લાના માલેબેન્નુર વિસ્તારમાં દિલીપ માલગિમાને નામના હિન્દુ વ્યક્તિને ૩૦૦થી વધુ મુસ્લિમોનાં ટોળાએ હિઝાબ પ્રતિબંધનું સમર્થન કરવાને લઈ છરીના ઘા ઝીંકી દીધા હતા. દંગાઈઓએ યુવકને બચાવવા વચ્ચે પડેલી પોલીસ પર પણ હુમલો કર્યો હતો.
 
આવી જ બીજી ઘટના નલ્લુર ગામે પણ બની. અહીં રહેનારા ૨૫ વર્ષીય નવીને હિઝાબને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં કટ્ટરવાદી મુસ્લિમ ભીડે તેના ઘર પર હુમલો કરી તોડફોડ મચાવી હતી અને ઘરમાં હાજર તેની ૬૦ વર્ષની માતા સાથે પણ મારપીટ કરી હતી. સારવાર અર્થે બન્ને મા-દીકરાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. આવી જ અન્ય એક ઘટનામાં કટ્ટરવાદી મુસ્લિમોના ટોળાએ પોલીસ સ્ટેશન પર હુમલો કરી ગાડીઓમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકારની હિંસાની અનેક નાની મોટી ઘટનાઓ કર્ણાટકમાં બની છે, પરંતુ હિન્દુ વિદ્યાર્થીઓને ગાળો બોલી તેમને આતંકવાદી કહેનારા જાવેદ અખ્તર સહિતનાં બુદ્ધિજીવીઓ આ મુદ્દે ટીકાની નાની સરખી ટ્વીટ પણ કરી નથી.
 
મુસ્લિમ યુવતીના અલ્લાહ હુ અકબરના નારા સામે જયશ્રી રામના નારા લગાવનાર હિન્દુ યુવકોની મર્દાનગી સામે સવાલ ઉઠાવનારા બુદ્ધિજીવીઓએ ૬૦ વર્ષની વૃદ્ધાને વિના વાકે માર મારનાર અને ૨૫ વર્ષના યુવકને છરીના ઘા મૂકનાર જેહાદી કટ્ટરવાદી ભીડની મર્દાનગી પર સવાલ ન ઉઠાવી ખુદની જ મર્દાનગી સાબિત કરી દીધી છે.
 
 
પ્રિયંકા ગાંધી વાડ્રાની બેવડી રાજનીતિ
 
 
હિઝાબ વિવાદ પર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સમય અને ચૂંટણીનો તકાજો સમજી તાબડતોબ ટ્વિટ કરી અને કહ્યું કે, મહિલાઓને પોતાની પસંદગીનાં કપડાં પહેરવાનો અધિકાર છે. પછી તે બિકીની પહેરે કે, ઘૂંઘટ કે જીન્સ ત્યારે સવાલ એ થાય છે કે પ્રિયંકાને વિવાદના આ મુદ્દાની ખરેખર ખબર જ નથી કે પછી તેઓ એક ષડયંત્રપૂર્વક આ મુદ્દાને વધારે ભડકાવવા માગે છે, કારણ કે કર્ણાટકમાં વિવાદ શાળા-કોલેજોમાં હિઝાબ પહેરવાને લઈને છે. ત્યાં હિઝાબ, બુરખા પર પ્રતિબંધની વાત કોઈ જ કરી રહ્યું નથી. પ્રિયંકા પહેલાં એ જણાવે કે વિશ્ર્વના કયા દેશમાં વિદ્યાર્થિનીઓ શાળામાં બિકીની પહેરીને જાય છે ? અને મહિલાઓના કપડાં પહેરવાના અધિકારોની વાત કરનાર પ્રિયંકા ગાંધી, રાજસ્થાન કોંગ્રેસ સરકાર દ્વારા ત્યાં ઘૂંઘટ પ્રતિબંધ છે. તે વખતે તેમને મહિલાઓનાં કપડાં પહેરવાની પસંદગીના અધિકારની યાદ કેમ ન આવી.
 
 
શનિ શિગણાપુર વિવાદ
 
 
યાદ કરો, થોડાં વર્ષો પહેલાં મહારાષ્ટનાં શનિ શિગણાપુર મંદિરમાં મહિલાઓના પ્રવેશનો વિવાદ. તૃપ્તિ દેસાઈ નામની એક મહિલા જે ખરેખર નાસ્તિક છે, તેણે મંદિરપ્રવેશ માટે જોરદાર અભિયાન ચલાવ્યું અને તેમાં સફળતા પણ મેળવી. તેનાથી ઉત્સાહિત થઈ શબરીમાલા મંદિરમાં પણ મહિલાઓના પ્રવેશને લઈ જબરજસ્ત અભિયાન ચલાવવાનું આવ્યું ત્યારે દેશના તથાકથિત બુદ્ધિજીવીઓનું તેને ભરપૂર સમર્થન મું હતું. ખૂલીને હિન્દુ પરંપરાઓની સામે આખેઆખી લિબરલ ગેંગ આવી ગઈ હતી, પરંતુ થોડાક જ સમય બાદ જ્યારે મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશની વાત આવી ત્યારે આ કથિત બુદ્ધિજીવી ગેંગે લીલી ચાદર ઓઢી લીધી હતી.
 
આ લોબીને ફટકાર લગાવતાં બાંગ્લાદેશનાં પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન કહે છે કે, જ્યારે પણ ભારતીય મુસલમાનોને લગતો કોઈ વિવાદ થાય છે ત્યારે ભારતનો કથિત બુદ્ધિજીવી વર્ગ સમાન અધિકારોની વાત કરવાને બદલે મુસ્લિમ ધર્મ, મદ્રેસા, ઈદ, મસ્જિદ, મુહર્રમ અને શરિયા કાયદાઓની વાતો પર તેમને સંરક્ષણ આપવા માનવ અધિકારોની વાતો કરવા લાગે છે. તે કહે છે કે ભારતીય મુસ્લિમોને જુમ્માની નમાજ માટે રસ્તા રોકવાની ગુંડાગર્દીને હંમેશા આ કથિત બુદ્ધિજીવીઓનો સાથ મળે છે, પરંતુ આ જ વામપંથીઓ, કથિત બુદ્ધિજીવીઓ મુસ્લિમ મહિલાઓના અધિકારોની વાત આવે છે કે તરત જ ચૂપ થઈ જાય છે, પછી તે મસ્જિદમાં નમાજ પઢવાની વાત હોય, ત્રણ તલ્લાક હોય કે, સમાન સિવિલ સંહિતાની વાત હોય. હવે વાત નોબેલ વિજેતા મલાલા યુસુફની.
 
 
હિઝાબ પર વિવાદ પર મલાલાનું ઇસ્લામિક જ્ઞાન
 
 
આપણા દેશમાં હિન્દુઓની સરેઆમ ગોળી મારી હત્યાઓ કરી દેવાની ઘટનાઓ બને કે કાશ્મીરમાં ધર્મ પૂછી ટાર્ગેટ કિલિંગનું અભિયાન ચલાવવામાં આવે ત્યારે વિશ્ર્વ સમુદાય ઉફ ઉચ્ચારતો નથી, પરંતુ જો આ જ મુદ્દો મુસ્લિમ સંબંધિત હોય તો આખે આખી આંતરરાષ્ટીય લોબી તૂટી પડે છે. તાજેતરમાં જ હિઝાબ વિવાદને લઈ પણ આમ જ થઈ રહ્યું છે. મુસ્લિમ યુવતીના અલ્લાહુ હુ અકબરવાળા વિડિયોને ટ્વીટ કરી મોટાં મોટાં વિદેશી માથાંઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, ભારતમાં મુસ્લિમ યુવતીઓને હિન્દુઓ કેવી રીતે સરેઆમ પરેશાન કરી રહ્યા છે.
 
નોબેલ વિજેતા મલાલા યુસુફ આ વિવાદમાં પોતાનું પોત પ્રકાશતા કહે છે કે ભારતની કોલેજોમાં મુસ્લિમ યુવતીઓને હિઝાબ કે શિક્ષણ બેમાંથી એક પસંદ કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. હિઝાબ પહેરેલી યુવતીઓને શાળાઓમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી એ ખરેખર ભયજનક છે. સાથે સાથે આ મોહરતમા ભારતીય નેતાઓને સલાહ આપે છે કે મહિલાઓને વસ્તુ માનવાનું બંધ કરો અને મુસ્લિમ મહિલાઓને હાંશિયા પર ધકેલવાનું બંધ કરી દો.
 
આ એ જ મલાલા છે, જેને ઇસ્લામિક આતંકવાદી સંગઠન તાલિબાને ઇસ્લામિક રિવાજોની દુહાઈ આપી શાળાએ જતાં રોકીને ગોળી મારી દીધી હતી અને વિશ્ર્વભરમાં એવો પ્રચાર થયો કે, મલાલા નામની આ મુસ્લિમ યુવતી આધુનિક શિક્ષણ મેળવવા માટે ખૂંખાર તાલિબાની આતંકવાદી સંગઠનની સામે પડી છે અને તેને નોબેલ પુરસ્કાર પણ મળી ગયો, પરંતુ ત્યાર બાદના મલાલાના વિવિધ મુદ્દે મંતવ્યો પર નજર કરો, તે ઇસ્લામ બહારના મુદ્દાઓ પર તો જ્ઞાન આપતી ફરે છે, પરંતુ જેવી જ ઇસ્લામની વાત આવે છે, ચૂપ થઈ જાય છે. તેની જીવનશૈલીના હરેક ભાગમાં ઇસ્લામની ઝલક દેખાય છે. આવા જ હાલ વિશ્ર્વભરના તથાકથિત બુદ્ધિજીવીઓના છે. પછી તે ભલે સામાજિક કાર્યકર્તા હોય, અભિનેતા, પત્રકાર, સાહિત્યકાર, સંગીતકાર, નિવૃત્ત જજ, નોકરશાહ કે પછી ઉપરાષ્ટપતિ. આ લોકો સમગ્ર વિશ્ર્વમાં ઉદારવાદનો ઝંડો લઈને ફરે છે. તો બીજી તરફ મુસલમાનોને કટ્ટરમાં કટ્ટર બનાવી રહ્યા છે તેમના મતે ઉદાર બનવા માત્ર બિન મુસ્લિમો જ બાધ્ય છે. મુસલમાનો ભલે શરિયા કાનૂન લાદવાના વાત કરે તો પણ તે તેમનો ધાર્મિક અધિકાર છે. આવા લોકો માટે આઈપીએસ નજમૂલ હોદા ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં લખે છે કે ભારતની તથાકથિત લિબરલ (ઉદારવાદી) જમાત મુસલમાનોને પોતાના પાયદળ સૈનિકોના રૂપે ઉપયોગ કરે છે.
 
 
અને છેલ્લે...
 
 
૨૦૧૪ બાદ સમગ્ર વિશ્ર્વમાં કથિત લિબરલ્સ ગેંગ દ્વારા એ પ્રકારનો નેરેટિવ સેટ કરવાના મરણિયા પ્રયાસો થઈ રહ્યા છે કે ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર આવ્યા બાદ મુસલમાનોના અધિકારો પર હુમલાઓ થઈ રહ્યા છે. વાતવાતમાં એક વર્ગવિશેષ ઇસ્લામ ખતરામાં છેનું કહી રસ્તાઓ પર ઊતરી આવે છે. આ લોકો માટે વંદેમાતરમ્ હરામ છે. ભારતમાતાની અવધારણા ઇસ્લામ વિરોધી છે. રાષ્ટગાનના સન્માનમાં ઊભા થવાની બાધ્યતા મુસ્લિમોના અધિકાર પર તરાપ છે. જ્યારે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડવા, આતંકવાદીઓના સમર્થનમાં કિતને અફઝલ મારોગે, ઘર ઘર સે અફઝલ નીકલેંગે અને ભારત તેરે ટુકડે હોંગે, ઇન્શા ઇલ્લાહ ઇન્શા અલ્લાહ જેવા નારાઓ ઉદારતાના દાયરામાં આવે છે. દેશમાં પ્રસરી રહેલી આ પ્રકારની કટ્ટર વિચારધારાથી હવે ભારતનો બહુમતી સમાજ ચિંતિત થઈ રહ્યો છે. તેને પોતાની આવનારી પેઢીઓની ચિંતા સતાવી રહી છે. તેને ડર સતાવી રહ્યો છે કે ભારતીય મુસ્લિમોની જો આમ જ ઇસ્લામના નામે ખુદને ભારત અને ભારતીયોથી અલગ માનવાની જીદ પૂરી થતી રહી તો તેમનું અસ્તિત્વ જોખમાશે. આ પ્રકારની ગૂંગળામણ અનુભવતો બહુમતી સમાજ આત્મરક્ષા માટે વ્યવહારિક શૈલી અપનાવી રહ્યો છે, કારણ કે હિન્દુઓને ચિંતા સતાવી રહી છે કે જો દેશમાં પુનઃ સ્વતંત્રતા પહેલાંનો ઇસ્લામિક નેરેટિવ સેટ થયો તો તેમની આવનાર પેઢીઓ હંમેશા માટે ખતરામાં પડી જશે. માટે જ મામલો હિઝાબનો હોય, લવ જેહાદ, લેન્ડ જેહાદ કે પછી પાકિસ્તાન પ્રેમનો હોય, થોડે ઘણે અંશે પણ દેશના બહુમતી સમાજની ક્રિયા સામે પ્રતિક્રિયા આવવા માંડી છે, જેને જાવેદ અખ્તર જેવા કથિત બુદ્ધિજીવીઓ હિન્દુ આતંકવાદ તરીકે દુષ્પ્રચારિત કરે છે, પરંતુ હિન્દુ કટ્ટરવાદી ઇસ્લામનો વિરોધ માત્ર પોતાની ભાવી પેઢીઓના સુરક્ષિત ભવિષ્ય માટે કરી રહ્યો છે, જ્યારે મુસ્લિમો ભારતની ૮૦ ટકા હિન્દુ આબાદી પર પોતાનો રોફ - દબદબો કાયમ કરવા માટે.
 
 
હિજાબની આડમાં અલગ ઉર્દૂસ્તાન બનાવવાનું ષડયંત્ર
 
 
હિજાબ મામલે એક મોટો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ખાલિસ્તાની આતંકી સંગઠન દ્વારા ભારતમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે. મળતી માહિતી મુજબ ISI એ ભારતમાં હિજાબ રેફરેન્ડમ માટે વેબસાઈટ બનાવી. શીખ ફોર જસ્ટિસના ચીફ ગુરુપંતવંત સિંહ પન્નુ પાસે બહાર પડાવ્યો છે. જેમાં તેઓ ભારતને તોડવા માટે હિજાબ જનમત સંગ્રહ જેવો એજન્ડા ફેલાવવાની કોશિશમાં છે. પન્નુએ ભારતીય મુસ્લિમોને ઉશ્કેરણીજનક અપીલ કરી છે કે તેઓ હિજાબ રેફરેન્ડમ શરૂ કરે અને ભારતને ઉર્દૂસ્તાન બનાવવા તરફ આગળ વધે. આઈબી એલર્ટ મુજબ જાણકારી પ્રાપ્ત થઈ છે કે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ર્ચિમ બંગાળ જેવા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં હિજાબ રેફરેન્ડમ ફેલાવવાની કોશિશ થઈ શકે છે. વીડિયોમાં પન્નુએ ભડકાઉ વીડિયોમાં હિજાબ રેફરેન્ડમ દ્વારા ભારતીય મુસલમાનોને કહ્યું છે કે આજે હિજાબ પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે, કાલે અજાન અને પછી કુરાન પર થશે. આથી હવે વિરોધ કરવાનો સમય આવી ચૂક્યો છે. ભારતને ઉર્દૂસ્તાન બનાવો. પન્નુએ કહ્યું કે પાકિસ્તાન પાસેથી શીખો કેવી રીતે અલગ મુસ્લિમ દેશ બનાવ્યો છે. પન્નુએ વીડિયોમાં કહ્યું છે કે હિજાબ રેફરેન્ડમ માટે તેઓ મોટા પાયે ફંડિંગ કરશે. હિજાબ રેફરેન્ડમ માટે એક વેબસાઈટ પણ શરૂ કરાઈ છે જેમાં લોકોને ઓનલાઈન સપોર્ટ કરવાનું કહેવાયું છે. વિડિયોમાં અલગ ઉર્દૂસ્તાનનો નકશો પણ દેખાઈ રહ્યો છે. જેમાં રાજસ્થાન દિલ્હી ઉત્તર પ્રદેશ બિહારથી માંડી પશ્ર્ચિમ બંગાળ જેવાં રાજ્યોને જોડી ઉર્દૂસ્તાન બનાવવાની વાત કરવામાં આવી છે.