હોળીની ભસ્મ : અદ્વિતીય ઔષધ આ રીતે સમજો તેનું મહત્વ...

17 Mar 2022 16:43:14

holi nu mahatva
 

હોળીની ભસ્મ : એ રાખ નહીં પણ લાખ છે સમજો તેનું મહત્વ

 
હોળી નિમિત્તે મૃત અને સૂકાં લાકડાંને એકઠાં કરી પૂજ્યભાવથી અગ્નિસંસ્કાર તો કરીએ છીએ, સાથે આવનારી ગરમ ઋતુને સહન કરવાનું બળ મળે તે માટે તેમાં વિવિધ વસ્તુઓ પણ પધરાવીએ છીએ. નાળિયે૨, લીમડો, વસંત ઋતુમાં ખીલતાં આંબાનો મ્હોર અને સૂકા છાણના હાર તેમાં મુખ્ય હોય છે. તન-મનની સ્વસ્થતાની દૃષ્ટિએ અને સંકલ્પ-ઇચ્છાપૂર્તિની દૃષ્ટિએ પણ નાળિયેર વૈજ્ઞાનિક રીતે કેટલું ઉપયોગી છે તે આપણે અગાઉ જાણી ચૂક્યા છીએ. આંબો એ ભારત તથા એશિયા ખંડ જેવા ગરમ પ્રદેશને કુદરત તરફથી મળેલી સુંદર ભેટ છે. કુદરત ઉનાળામાં અસહ્ય ગરમી મોકલે છે, તો તેને સહન કરવા તે ઋતુમાં ઠંડક આપતા અને પિત્તપ્રકોપથી પેદા થતા રોગ સામે રક્ષણ આપતી વનસ્પતિઓનું પણ નિર્માણ કરે છે. જેટલી વધુ ગરમી પડે તેટલી વધુ મીઠાશ કેરીમાં ભરાતી જાય છે. આ કેરીના રસનું સેવન આપણને ઠંડકની સાથે સાથે ગરમીનાં દર્દો, લૂ લાગવી, પિત્તના પ્રકોપ વગેરેથી રક્ષણ આપે છે.
 
આંબાનો મ્હો૨ વસંત ઋતુમાં પૂરેપૂરો ખીલ્યો હોય છે. આંબાના મ્હોરનું સેવન શરીરને ઠંડક તો આપે છે, સાથે શરીરમાં ઉત્સાહ અને બળનો સંચાર કરે છે. આ આંબાના મ્હોરનું અગ્નિ દ્વારા વાયુમાં રૂપાંતર થઈ તે આજુબાજુના સર્વ મનુષ્યો તેમ જ પ્રાણીઓને પૂરતો લાભ આપે છે. લીમડો પણ ઠંડક અને વધુમાં જંતુનાશક ગુણ ધરાવે છે. લીમડામાંથી નીકળતા વાયુમાં આ ગુણો વધુ શક્તિશાળી હોય છે, જે પૂરા વાતાવરણને સ્વચ્છ અને નીરોગી બનાવે છે. ગાયના સૂકા છાણના મોટા હાર બનાવી હોળી માટે ભેગાં કરેલાં લાકડાંની ચારે બાજુ લગાડી શણગારવામાં આવે છે. આમ, ગાયનું સૂકું છાણ પણ સારા પ્રમાણમાં હોળીમાં બળે છે. આની કેટલી અને કેવી સારી અસર વાતાવરણમાં થાય છે તે અગાઉનાં પ્રકરણોમાં આપણે જાણી ચૂક્યા છીએ. આજે આપણે જે નવું જાણવાનું છે તે આ બધા પદાર્થો બળ્યા પછી જે રાખ (ભસ્મ) ઉત્પન્ન થાય છે તે વિશે છે.
 
હોળીની ભસ્મ : અદ્વિતીય ઔષધ
 
વિવિધ ઝાડનાં સૂકાં લાકડાં, વનસ્પતિ, નાળિયેર અને ગાયનું સૂકું છાણ વગેરે બધી વસ્તુઓ બળે ત્યારે કાર્બન ડાયોક્સાઈડ સહિત અનેક વાયુ પેદા થઈ અવકાશમાં ઊડી જાય છે, પરંતુ બાયપ્રોડક્ટ તરીકે જે રાખ બચે છે તેમાં ઉપરોક્ત પદાર્થોમાં જે ખનીજ દ્રવ્યો કે ક્ષાર હોય છે, જેમ કે સૉડિયમ, પૉટેશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ વગેરેના ઑક્સાઈડ આ રાખ ધરાવતી હોય છે. સામાન્ય રીતે રાખ જંતુઘ્ન અને સ્વસ્થતાનો ગુણ ધરાવતી હોવાથી ગામડાંના લોકો તે રાખનો વિવિધ ઉપયોગ કરતા આજે પણ જોવા મળે છે, જેમ કે લોકો ચૂલાની રાખને નાળિયેરના કૂચા વડે વાસણોને માંજીને ડાઘારહિત સ્વચ્છ અને ચકચકિત બનાવે છે. અનાજને સંઘરવા અને સડતું અટકાવવા રાખ સાથે તેને મિશ્રિત કરી કોઠીઓમાં ભરી દે છે, જેથી તેમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી. ખરેખર તો અગ્નિ પોતે શુદ્ધ અને પવિત્ર છે અને પોતાના સંસર્ગમાં આવનારી દરેક વસ્તુને પણ શુદ્ધ અને પવિત્ર બનાવે છે. અગ્નિમાં વિવિધ દ્રવ્યો બળીને ઉત્પન્ન થયેલી આ રાખ પવિત્ર છે.
 
ભૂતકાળમાં હોળીના બીજે દિવસે આ પવિત્ર રાખને (ધૂળને) જ એકબીજાના શરીર પર ચોપડીને આનંદ ઉત્સવ મનાવાતો, એટલે જ એનું નામ ધુળેટી પડી ગયું. આજે ધુળેટીમાં ધંધાદારી વલણ વધી ગયું છે. બજારમાં કેમિકલયુક્ત રંગો વેચાય છે, જે લગાડવાથી શરીરની ચામડી અને આંખોને નુકસાન કરે છે. આવી રીતે હોળી રમાય તો તેનો વિરોધ થાય એ સ્વાભાવિક છે. બાકી, ખરેખર તો હોળીથી પેદા થયેલી પવિત્ર રાખ એકબીજાને ચોપડીએ તો જ ધુળેટી ઊજવી કહેવાય, કારણ કે આ રાખ આવનારી ગરમીથી ચામડીને બચવાનું બળ આપે છે. સાથે તેમાં રહેલા ઔષધિ ગુણો બીજા અનેક લાભ પણ આપે છે, જેમ કે આ રાખ શરીરની દુર્ગંધ દૂર કરે છે. ચામડી પરના બેકટેરિયા, વિષાણુને દૂર કરી તેને સ્વચ્છ અને મુલાયમ બનાવે છે. ગરમીમાં અળાઈ, ગૂમડાં કે ચામડીના અન્ય રોગ સામે રક્ષણ આપે છે. શરીરે ખંજવાળ આવતી હોય તો હોળીની રાખ ચોપડવી એ ઉત્તમ ઉપાય છે. ઓરી-અછબડા જેવા ચામડીના રોગમાં આ રાખ લગાડવાથી રોગ જલદીથી દૂર થાય છે.
આ હોળીની ભસ્મને ઘણાય લોકો આખું વર્ષ સંગ્રહી રાખતા હોય છે, કારણકે તે માત્ર શારીરિક જ નહિ, માનસિક અને આધ્યાત્મિક રીતે પણ ઉપયોગી છે. વાતાવરણમાંના સકારાત્મક તરંગોને આકર્ષવાનો અને નકારાત્મક તરંગોને દૂર કરવાનો ગુણ તે ધરાવે છે. તેથી પૂજા-પાઠ, જપ-તપ સમયે આ ભસ્મનું તિલક કે શરીર પર લેપન ઉપયોગી બની રહે છે. આ જ કારણસર ઘણાય સાધુબાવા આવી ભસ્મનું શરીર પર લેપન કરતા હોય છે.
 
ઘણાય સંત શરીરનાં કષ્ટો અને રોગો દૂર કરવા લોકોને પ્રસાદીરૂપે આવી ભસ્મ આપતા હોય છે. અગ્નિ દરેકને શુદ્ધ કરનારો છે, પરંતુ આપણે સીધા અગ્નિના સંપર્કમાં આવી શુદ્ધ થઈ શકતા નથી, પણ તેના વડે ઉત્પન્ન થતી ભસ્મનો ઉપયોગ કરી તન અને મનને શુદ્ધ કરી શકીએ છીએ. આમ, ભૂતકાળમાં રાખથી ધુળેટી કેમ રમાતી હશે એનો આપણને ખ્યાલ આવ્યો, પણ હજુ એક વનસ્પતિનો ઉપયોગ થતો અને તે હતાં કેસૂડાનાં ફૂલ. આ પુષ્પોને પાણીમાં ઉકાળીએ તો સરસ કેસરી રંગનું પાણી તૈયાર થાય છે. ધુળેટીની સવારે એકબીજાને ચોપડેલી રાખ થોડો સમય રાખી પછી કેસૂડાના પાણીથી ધોઈ નાખવાથી વધુ ફાયદા થાય છે.
 
કેસૂડો : કફ અને પિત્તશામક
 
તમે અનુભવ્યું હશે કે કેટલાક મધુર ખાદ્યપદાર્થો જેમ કે સાકર, દૂધ, કેળાં વગેરે શરીરના પિત્તને દૂર કરે છે, પણ કફ વધારી શકે છે. એ જ રીતે કેટલીક તીખી ચીજો, જેમ કે આદું, મરી વગેરે કફને દૂર કરે છે, જ્યારે પિત્તને વધારી મૂકે છે, જ્યારે કેસૂડાનાં ફૂલ કફ અને પિત્તશામક એમ બેઉ કામગીરી બજાવે છે. વસંત ઋતુમાં ઘડીક ગરમ, તો ઘડીક ઠંડા વાતાવરણમાં કફનો જમાવ થઈ જવો સહજ વાત છે. આ સંજોગોમાં કેસૂડાના પાણીનું સ્નાન કફશામક પુરવાર થાય છે. વળી, હોળી પછી જે ગરમીના દિવસોમાં પિત્તનો પ્રકોપ થવાની શક્યતા હોય છે તે કેસૂડાના સ્નાનથી ઘણી ઓછી થઈ જાય છે. ગરમીથી થતા તાવમાં પણ તે રક્ષણ આપે છે. કેસૂડાનું પાણી ચામડીને ઠંડક અને તાજગી આપે છે. તે ચામડીને મુલાયમ અને તેજસ્વી બનાવે છે. સાથે નાનામોટા રોગથી ચામડીનું રક્ષણ કરે છે. શરીરમાં થતી બળતરા કે તરસની લાગણીનું શમન કરવામાં કેસૂડાનાં ફૂલ ઘણો અગત્યનો ભાગ ભજવે છે. આમ, કેસૂડાના પાણીથી રમાતી ધુળેટી આપણને સ્વસ્થતા પ્રદાન કરે છે.
 
હોળીમાં ખવાતા પદાર્થ
 
દરેક તહેવારમાં ખવાતા વિશેષ ખાદ્યપદાર્થ એટલા વૈજ્ઞાનિક છે કે તે આપણે બરાબર સમજી ચૂક્યા છીએ. આ જ રીતે હોળીના તહેવારમાં ખવાતા ખાદ્યપદાર્થ પણ ઋતુ અનુસાર બદલાતી આપણી પ્રકૃતિના દોષોને નાશ કરનારા અને શરીરને નડનારા પ્રતિકૂળ સંજોગો સામે લડવાનું બળ આપનારા છે. આ વાત આપણે સમજીએ છીએ. આ જ રીતે હોળીના તહેવારમાં ખવાતા ખાદ્યપદાર્થ પણ વસંતૠતુમાં જમા થયેલા કફને તોડનારા અને આવનારી ગરમીના કારણે થનારા પિત્તપ્રકોપ સામે રક્ષણ આપનારા છે, જેમ કે જુવારની ધાણી, મકાઈની ધાણી, શેકેલા ચણાના દાળિયા કફનાશક તો છે જ, વધુમાં તે રૂક્ષ એટલે સ્નિગ્ધતા વગરના હોઈ પચવામાં હલકા અને શરીરને બળ આપનારા છે. સાકરમાંથી બનેલા હારડા પિત્તશામક અને શરીરને ઠંડક આપનારા છે. ખજૂર કફનો નાશ કરી શરીરને બળવાન અને પુષ્ટ બનાવે છે. શે૨ડીનો રસ નાખી ઘઉંના લોટમાંથી બનાવેલી સુંવાળીઓ પિત્તશામક તો છે જ, સાથે તે એક પૌષ્ટિક ખોરાક પણ છે.
 
આજના ઈન્ફોર્મેશનના યુગમાં કૉમ્પ્યુટર પર માહિતીના આદાનપ્રદાનને ઘણું જ મહત્ત્વ અપાય છે. આપણાં શાસ્ત્રોમાં તો એવી કેટલીય માહિતીનો વિપુલ ભંડાર છે, જેનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી આપણે તહેવારો અને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકીએ છીએ.
 
- મુકેશ ગ. પંડ્યા 
 
 
 
Powered By Sangraha 9.0