ધરતી પર વધારેમાં વધારે કેટલો ઊંડો ખાડો ખોદી શકાય? વિજ્ઞાનીઓને આટલી સફળતા મળી છે.

19 Mar 2022 12:04:02

Kola Superdeep Borehole
 
 
બ્રહ્માંડના બધા જ ગ્રહોમાંથી પૃથ્વી ગ્રહ એવો છે જ્યાં માનવ સહિત અન્ય જીવ-જંતું રહે છે. એવું કહેવાય છે કે વિજ્ઞાનીઓએ પૃથ્વી પર રહી બ્રહ્માંડના અન્ય ગ્રહો વિશે ખૂબ માહિતી મેળવી છે પણ પૃથ્વીની સંપૂર્ણ માહિતી મેળવી નથી. એક અંદાજ પ્રમાણે માનવ હજી પૃથ્વીની માત્ર ૧૦ ટકા જેટલી જ માહિતી મેળવી શક્યો છે. આ સંદર્ભે એક રોચક માહિતી આપણે આ લેખમાં જાણવાના છીએ. તમે વિચાર્યુ છે કે તમે પૃથ્વીની જમીન પર ખાડો ખોદો તો તે ખાડો કેટલી ઊંડાઈ સુધી ખોદી શકો? કોઇએ આ પ્રયત્ન કર્યો છે? પ્રયત્ન કર્યો હોય તો તે કેટલો સફળ પ્રયોગ રહ્યો છે? વિજ્ઞાનીઓએ આ પ્રયોગ કર્યો છે. આવો જાણીએ આ પ્રયોગ વિશે…
 
આજથી ૫૧ વર્ષ પહેલા આવો એક પ્રયોગ શરૂ થયો હતો. જમીનમાં ખાડો ખોદીએ તો કેટલા ઊંડા જઈ શકાય તેવો પ્રયોગ રશિયા ( ત્યારનું સોવિયત સંઘ ) એ કર્યો હતો. રશિયાના વિજ્ઞાનીઓ ૧૨ કિલોમીટરનો ઊંડો ખાદો ખોદી શક્યા હતા. રશિયાએ તેનું નામ રાખ્યુ હતું “કોલા સુપર બોરહોલ.” નોર્વે સાથે સંકળાયેલી રશિયાની સરહદ પાસે આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૪ મે ૧૯૭૦ના રોજ ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું. વિજ્ઞાનીઓએ ૧૯ વર્ષ સુધી ખોદકામ કર્યુ અને તેઓ ૧૨ કિલોમીટર ઊંડે સુધી પહોંચી શક્યા. આનાથી આગળનું ખોદકામ શક્ય ન બનતા વિજ્ઞાનીઓએ આ પ્રોજેક્ટ અહીં અટકાવ્યો હતો. આ પ્રોજેક્ટનો હેતુ પૃથ્વીની ઊંડાઈ માપવાનો હતો.
 
એવું કહેવાય છે કે ૧૨ કિલોમીટરનો ખાડો ખોદ્યા પછી પૃથ્વીની પેટાળમાં ગરમી ખૂબ વધી જતા વિજ્ઞાનીઓ માટે આનાથી આગળ કામ વધરવું શક્ય ન હતું. ૧૮૦ ડીગ્રી સેલ્સીયસ કરતા વધારે તાપમાનના કારણે મશીન આપોઆપ બંધ થઈ જતા હતા.. આ પ્રોજેક્ટ માટે Uralmash-4E અને Uralmash-15000 જેવા શક્તિશાળી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મશીનની મદદથી ૪૦,૨૩૦ ફૂટ ( ૧૨૨૬૨ મીટર લગભગ ૧૨ કિલોમીટર ) ઊંડે સુધી પહોંચી શકાયું હતું.
 
આ પ્રોજેક્ટને આગળ વધારવા હવે અદ્યટન ટેકનોલોજી અને અઢળક પૈસાની જરૂર છે. મીડિયાના અહેવાલો પ્રમાણે Quaise Energy નામની કંપનીએ આ બીડું ઝડપ્યું છે, આ માટે ૬.૩ કરોડ ડોલરનું ફંડિગ પણ તેણે ભેગું કર્યુ છે. આ કંપનીનો દાવો છે કે તે ૨૦ કિલોમીટર સુધી પૃથ્વીની પેટાળમાં ખાડો ખોદી ૧૨ કિલોમીટરનો રેકોર્ડ તોડાશે.
 
 
 
 
Powered By Sangraha 9.0