ઓઇલ અન્વયે વૈકલ્પિક ઊર્જાસ્રોત જ ભારતની આત્મનિર્ભરતા

પી.એમ ગતિશક્તિ - રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અંતર્ગતના રિન્યુએબલ એનર્જીનાં પ્લાનની ઉત્પાદન ક્ષમતા ૮૭.૭ ગીગાવોટથી વધારીને ૨૨૫ ગીગાવોટ કરવાનું લક્ષ્ય છે. દેશમાં ઇલેક્ટ્રોનિક અને CNG ગેસ સંચાલિત વાહનોનો ઝોક વધતાં કાર, મોટરસાઇકલ વગેરેનું ઉત્પાદન વધ્યું છે, પેટ્રોલ ડિઝલનો ઉપયોગ ઘટશે.

    21-Mar-2022   
કુલ દૃશ્યો |

petroleum
 
 
 
રશિયા - યુક્રેન યુદ્ધની સૌથી મોટી આડઅસર એટલે ક્રૂડના વધતા ભાવ. અમેરિકન પ્રમુખ બાઈડને રશિયાથી કરાતી ઓઇલની આયાત પર પ્રતિબંધ લાદી દીધો તો રશિયાએ આને આર્થિક અણુયુદ્ધ ગણાવીને યુરોપમાં ઓઈલનો પુરવઠો બંધ કરવાની ધમકી આપી. બાઈડને સાઉદી અરેબિયા અને યુએઈના વડાઓ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વડાઓએ વાત કરવાય યમનના યુદ્ધમાં અમેરિકાના સમર્થનની માંગણી કરી તક સાધી, તો વેનેઝુએલાએ પણ તેના પરના ઓઇલ પ્રતિબંધો ઉઠાવવાની માંગ કરી. અમેરિકા જેમ બ્રિટને પણ આ વર્ષના અંત સુધીમાં રશિયામાંથી ઓઇલની આયાત બંધ કરવાનું એલાન કર્યું છે.
 
હવે ઓઇલનું રાજકારણ આખા વિશ્ર્વમાં ઉચ્ચ અને ઉગ્ર ચર્ચાનો વિષય બન્યું છે. ઓઇલના ૧૪ વર્ષની ઊંચી સપાટીને વટાવી પ્રતિ બેરલ ભાવ ૧૦૦ ડૉલરની નીચે હતો તે ૧૩૯ સુધી ઊંચે ગયો. રશિયન પ્રમુખ પુતિને ધમકી આપી છે કે, બીજા દેશો રશિયા અંગે અયોગ્ય નિર્ણયો કરશે તો પ્રતિ બેરલ ૩૦૦ ડૉલર ભાવ જશે. બેંક ઓફ અમેરિકાના વિશેષજ્ઞો મુજબ ટૂંક સમયમાં જ ક્રૂડ ૨૦૦ ડૉલરની નજીક જતું રહેશે. સિંગાપોર ઓસીબીસી બેંકના અર્થશાસ્ત્રી હોવી લીએ ય આ આગાહીને ટેકો આપ્યો છે તો વિશ્ર્વવિખ્યાત જે.પી.મોર્ગનનો મત પણ ક્રૂડનો ભાવ ૧૮૫ સુધી જવાનો છે.
 
ઓપેકના દેશો રશિયા સાથે દેખાય છે. વિશ્ર્વમાં ક્રૂડ અને ઓઇલ ઉત્પાદનોમાં ટોચના નિકાસકારોમાં રશિયાનું સ્થાન છે. તે રોજના ૭૦ લાખ બેરલની નિકાસ કરે છે. કઝાખસ્તાનનું ૨૦ લાખ બેરલ ક્રૂડ રશિયાનાં બંદરો પરથી જ બીજા દેશોમાં જાય એટલે કુલ નિકાસ ૯૦ લાખ બેરલ. અમેરિકાના પ્રતિબંધને કારણે રશિયા વળતા પ્રહારથી રોજના ૯૦ લાખ બેરલનો ફટકો પડે. બજારમાં માલ ઘટે, માંગ વધે એટલે ભાવ પણ વધે તેથી નિષ્ણાતો ૨૦૦ ડૉલરનો ભાવ મૂકી રહ્યા છે.
 
ભારતમાં ક્રૂડનો ભાવ ૬૫ ડૉલર હતો, જે વધીને ૧૩૦ થયો છે. ક્રૂડ ઓઇલ, ગેસ અને એનર્જી સેક્ટરમાં કટોકટી સર્જાઈ છે. જાપાનની નાણાકીય કંપની નોમુરાના રિપોર્ટ મુજબ રશિયા - યુક્રેન સંકટ સૌથી વધુ નુકસાન ભારતને પહોંચાડશે. ખાદ્યપદાર્થો અને તેલના ભાવવધારાને કારણે એશિયાઈ દેશોમાં ખાસ કરીને ભારતમાં ફુગાવો વધશે. ભાવવધારાથી વેપારખાધ વધુ પહોળી થશે અને દેશની તિજોરી પર એક લાખ કરોડનો વધારાનો બોજો પડવાનો અંદાજ છે. તેલના દરમાં ૧૦ ટકાનો વધારો થાય તો વિકાસદરમાં ૦.૨૦ ટકાનો ઘટાડો થાય છે. ફુગાવાને કાબૂમાં લેવા રિઝર્વ બેન્ક જૂનથી રેપો રેટમાં ય ૧ ટકાનો વધારો કરશે તેવું નોમુરાનું અનુમાન છે.
 
આ આગાહીઓ સાચી પડવાનાં પ્રારંભિક લક્ષણો શરૂ થઈ ચૂક્યાં છે, ડૉલરની સામે રૂપિયો ઘસાઈને ઐતિહાસિક નિમ્ન સ્તરની સપાટીએ ૭૭ રૂપિયાએ પહોંચી ગયો છે. સ્ટીલ અને એલ્યુમિનિયમના ભાવ આસમાને છે, અમુલે દૂધમાં લિટરે બે રૂપિયા ભાવવધારો ઝીંક્યો, હવે પેટ્રોલ - ડિઝલમાં ગમે ત્યારે ધરખમ ભાવ વધવાની દહેશત છે. નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટમાં ક્રૂડનો ભાવ ૭૫ ડૉલર પ્રતિ બેરલ મુકાયો હતો જે ૧૩૦ને આંબી જતાં બધું અસ્ત-વ્યસ્ત થઈ ગયું. એક તરફ જીડીપીમાં ઘટાડો અને કરન્ટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો ચિંતાજનક છે.
 
આ આફતને ભારત ઘરઆંગણાનાં સંસાધનો અને અન્ય મુત્સદ્દીગીરીભર્યાં પગલાં લઈ દૂર કરી શકાય છે. ક્રૂડના ભાવમાં ભડકો થતાં જ અમેરિકાએ તેના સ્ટ્રેટજિક રિઝર્વમાંથી ૬ કરોડ બેરલ ક્રૂડ ઓઇલ રીલીઝ કરી ભાવ અંકુશમાં લાવવા પ્રયાસ કર્યો છે તેમ ભારતે પણ રશિયા સાથેના કરારોથી મે મહિના સુધી રાહત મેળવી છે. આંતરરાષ્ટીય મુત્સદ્દીગીરીમાં માહેર થઈએ એટલે એકાદ માસમાં ભાવ ૧૮૦ ડોલર સુધી જરૂર પહોંચે તેવું સરકારી કંપનીનાં નિષ્ણાંતો કહે છે. ‘આત્મનિર્ભર ભારતના કેટલાક પ્રકલ્પોનો ય ઉપયોગ થઈ શકે, તેમાં સૌરઊર્જા સૌથી મહત્ત્વની છે. મધ્યપ્રદેશના રિવામાં ૭૫૦ મેગાવોટનો એશિયાનો સૌથી મોટો સોલાર પ્રોજેક્ટ શરૂ થયો છે, ગુજરાત-કચ્છમાં દુનિયાનો સૌથી મોટો સોલાર અને વિન્ડનો હાઈબ્રિડ એનર્જી પાર્ક બની રહ્યો છે અને પી.એમ ગતિશક્તિ - રાષ્ટ્રીય માસ્ટર પ્લાન અંતર્ગતના રિન્યુએબલ એનર્જીનાં પ્લાનની ઉત્પાદન ક્ષમતા ૮૭.૭ ગીગાવોટથી વધારીને ૨૨૫ ગીગાવોટ કરવાનું લક્ષ્ય છે. દેશમાં ઇલેક્ટ્રોનિક અને CNG ગેસ સંચાલિત વાહનોનો ઝોક વધતાં કાર, મોટરસાઇકલ વગેરેનું ઉત્પાદન વધ્યું છે, પેટ્રોલ ડિઝલનો ઉપયોગ ઘટશે. તેલ આયાત મામલે ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો દેશ હતો, આજે ય વપરાશના ૭૫ ટકા આયાત થાય છે, પરંતુ પાછલાં દસ વર્ષની તુલનામાં હાલ ભારતમાં તેલની આયાત ૩૬.૪ ટકાથી ઘટીને ૧૨.૪ થઈ છે. ઑઇલના આ ઘટેલા ઉપયોગ પાછળ વૈકલ્પિક ઊર્જાસ્રોતનો બહુ મોટો ફાળો છે. તેથી આવા વૈકલ્પિક ઊર્જાસ્રોત પર હજુ વધારે ભાર મૂકીને ભારત વધુ આત્મનિર્ભર બને તો બીજા દેશો પર ઓઇલની નિર્ભરતા સાવ ઘટાડી શકાય. યોગ્ય આયોજનથી ભવિષ્યમાં પણ ક્યારેય આપણે ઓઇલ બાબતે કટોકટીભરી સ્થિતિમાં ના મુકાઈએ અને બીજા દેશો આપણી પરાવલંબિતાનો ગેરલાભ પણ ના લઈ શકે. આ વૈશ્ર્વિક ઓઇલ મહામારીમાં નાગરિકોએ પોતાના વપરાશ અંગેય વધુ સાવચેતી રહેવું જરૂરી.
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.