સંસ્કૃતિ - સુધા । ખુમારીના ખોળે બહાદુરીનું બાળપણ

21 Mar 2022 16:04:21

khumari 
 
 
સરહદ પર ત્રણ સૈનિક ફરજ બજાવી રહ્યા હતા. એક સૈનિકને પૂછવામાં આવ્યું, શું કરો છો ? 
ચોકી કરું છું. જવાબ મળ્યો.
બીજાએ કહ્યું, નોકરી કરું છું.
ત્રીજાનો ઉત્તર હતો, દેશસેવા કરું છું.
ત્રણેયનું કામ એકસરખું પણ અભિવ્યક્તિ અને અભિગમમાં તફાવત.
 
તમારી અભિવ્યક્તિ અને અભિગમમાંથી તમારા વ્યક્તિત્વનો ખ્યાલ આવે છે. ચાર વાક્યોની વાતચીતમાંથી જ તમારા વ્યક્તિત્વનો ક્યાસ નીકળી જાય છે. આપદાના અભેદ્ય કિલ્લાને ભેદીને રળિયામણો રસ્તો કરી લે એનું નામ ખુમારી. ખુમારી એટલે તમે જે કરો છો એમાંથી પ્રગટતો તમારો આત્મવિશ્ર્વાસ. અક્કડપણું નહીં, પરંતુ આત્મસન્માન. હોવા વિશેનો ખરેખરો ખ્યાલ. સ્વમાનને સરનામે આવતું અહંનું આંગડિયું નહીં, પણ ટેકીલાપણાની ટપાલ. સ્વામી વિવેકાનંદ કહે છે કે પ્રબળ આત્મવિશ્ર્વાસ જ મહાન કાર્યોનો જનક છે. ઇતિહાસ સાક્ષી છે કે મહાન ક્ષણોના ગર્ભમાં આ ખુમારીનો ઉછેર થયો છે. જાણીતા શાયર અમૃત ઘાયલને કહેવામાં આવ્યું કે તમારે એક મોટા સરકારી સમારોહમાં કવિતાપાઠ કરવાનો છે ત્યારે એમણે ના કહી. તો સરકારી અધિકારીએ કહ્યું કે તમે સરકારી નોકરિયાત થઈને ના પાડો છો ત્યારે ઘાયલ કહે છે કે અમૃતલાલ સરકારી નોકરિયાત છે, શાયર ઘાયલ નહીં. આમ પણ ખુમારી વગરનો કવિ ભાગ્યે જ મળે. ઘાયલ આઠો જામ ખુમારીમાં રહે છે ને કહે છે શાયર છું, પાળિયાને બેઠા કરી શકું છું.
 
ખુમારી ને ખુદ્દારી તમારાપણાને પ્રગટ કરે છે દર્પણ જેમ. એમાં ક્યાંક કડવાશનું લેયર હોઈ શકે. સૌથી અગત્યનું એ છે કે એમાં સત્યની સુગંધ હોય છે. આપણી પરંપરામાં તો ખુમારના ખનું મૂલ્ય જીવનના કક્કામાં પ્રથમ આવે છે. કચ્છી માડુ ભૂકંપને પણ ધ્રુજાવી દે છે તો મોરબીવાસીઓનો પાણીદાર મિજાજ વરસો સુધી યાદ રહેશે. અમેરિકાને માથે લેનાર મહેસાણાના શાણા ગુજ્જુ રોક્સ હોય કે સુરતીલાલાની ગાળ. ગુલાબી મસ્તીમાં ખુમારી પ્રગટતી રહી છે. આજકાલ તો દેશમાં ગુજરાતીઓની બોલબાલા છે. કદાચ કાલે ગુજરાતી બીજી રાષ્ટભાષા બને તો નવાઈ નહીં. ખુમારી એટલે આંદોલન કે હોહાહલ્લા જ નહીં. સ્વયં શિસ્તની શાંતિમાં પણ ખુમારી હોય છે. નોટબંધીની લાઇન વખતે ગુજરાતીઓનું ગરિમાગાન પ્રગટ્યું છે, જો કે પ્રજાની ખુમારીની કદી કસોટી ન કરવી જોઈએ.
 
ઇસ્ત્રી ટાઇટ નવાંનક્કોર કપડાંમાં ખુમારી હોય એવું નહીં, એ તો ફાટેલાં કપડાંમાંથી પણ પ્રગટે છે. સામાન્ય માણસની ખુમારીને લોકો પહેલાં તો શંકાની નજરે જ જુએ છે. આમ પણ સામાન્ય વ્યક્તિ પ્રગતિ કરે ત્યારે એનો સ્વીકાર મોડો થતો હોય છે. શ્રીમંતના સંતાન આગળ આવે એમાં સમાજને કોઈ વાંધો નથી હોતો. રજપૂતોની ખુમારીની ખલ્કતમાંથી છાતી ફાડીને અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે. ગુંડાઓની દાદાગીરીને ખુમારીમાં ખપાવી ન શકાય, એ ગમે તેટલો માલદાર થાય તોય એને રઈસ ન કહી શકીએ. હળવી રીતે કહેવાય કે વોટ્સએપ હશે ત્યાં સુધી લોકોમાં ખુમારી નહીં આવે, માથું નીચું કરીને જ જીવશે. મૂંડી નીચે ને હાથ અધ્ધર હોય એ પ્રજા કદી ક્રાંતિ સર્જી ન શકે. સુભાષિતમાં કહ્યું છે તેમ, અગ્નિદાહે ન મે દુઃખ છેદેન નિકષેન્ વા । યત્તદેવ મહાદુઃખં ગુજ્જયા સહ તોલનમ્ ॥ સુવર્ણને તુચ્છ ચણોઠી સાથે તોળવાનું દુ:ખ છે, બળવાનું, કપાવાનું કે ઘસાવાનું નહીં. ખુમારીવાળો માણસ કદી સંઘર્ષથી ન ડરે, પણ તુચ્છતા સામે એને લાગી આવે છે. એને દુશ્મન પણ નબળા ન ખપે.
 
મેઘાણીની વાર્તામાં પ્રગટતી સૌરાષ્ટની રસધાર મોળા માનવીમાં પણ મર્દાનગી પ્રગટાવી દે છે. રવિશંકર મહારાજ, ચાંપરાજવાળો, જોગીદાસ ખુમાણ, રા’નવઘણ જેવાં પાત્રો આપણી સંપત્તિ છે, ખાખીની ખુમારી રાજકારણીઓના દબાવ સામે ઝાંખી પડી ગઈ છે. આ ભવ્ય ઇતિહાસને વાગોળ્યા કર્યે કશું વળવાનું નથી. આચરણમાં એનો પડઘો પાડવો પડે. ઇંગ્લેન્ડમાં સંવિધાન વગર સ્વયંભૂ શિસ્તને વરેલી પ્રજાને બે હાથની બારસો સલામ.
 
દીવાલની ખાનદાની બારણાં બોલી નથી શકતાં, પણ આંગણાનાં અજવાળાં પરથી ખબર પડી જાય છે. લોકોના જેટલા ઓછા અહેસાન એટલી ખુમારી વધુ આવે છે. ગળથૂથીમાં પાયેલ ખુમારીથી જ શિવાજી સર્જાય છે. હિંમતના ઇન્જેક્શનથી ન આવે. હૌસલાઈ તો વારસાની વડવાઈ છે, વ્યાવહારિકતાની વેલમાં ન પ્રગટે. નશાથી ખુમારી ન મળે પણ ખુવારી થાય છે. ખુમારી બેહોશ નહીં બાહોશ બનાવે છે.
 
જય હિન્દ - જે દુઃખ બીજા પાસે વ્યક્ત ન થઈ શકે એનાથી ચઢિયાતું દુઃખ કોઇ નથી - લોંગફેલો
 

khumari 
 
 
 
 
 
Powered By Sangraha 9.0